તાત્કાલિક વેચવાના છે: હિન્દુ તહેવારો, જેની સામે વૉટસઍપ-બહાદુરોને બહુ તકલીફ છે

Published: Oct 01, 2019, 10:14 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ ડેસ્ક

ફટાકડાથી તો અવાજનું પ્રદૂષણ વધે છે, હવામાં રહેલી જીવાતોની હિંસા અને જો ધ્યાન ન રહે તો આપણે પણ દાઝી જઈએ, જીવ જાય. યુ સી, આગ પણ લાગે. સો નો ફટાકડા.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય paveinternship.com)
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય paveinternship.com)

હા, ખરેખર. હવે આપણે આપણા તહેવારો વેચી દેવા જોઈએ.

જે કોઈ બે-ચાર-છ રૂપિયા આવી જાય, જે આપણને ઈદમાં કે ક્રિસમસમાં કામ લાગે. આપી દેવા જ જોઈએ આ તહેવારો. કામના જ નથી રહ્યા આ તહેવારો. વાતેવાતે ઉતારી પાડવામાં આવે છે આ તહેવારોને. પતંગ નહીં ચગાવો, બિચારા નિર્દોષ પક્ષીઓની પાંખો કપાઈ જાય છે. પ્લીઝ, નો ધુળેટી. યુ સી, પાણીનો વેડફાટ થાય છે અને યુ નો, વેરી વેલ કે પાણી બહુ જરૂરી કૉમોડિટી છે. જો પાણી નહીં હોય તો માણસજાત આખી ખતમ થઈ જશે. સો નો ધુળેટી. જન્માષ્ટમીમાં મેળાઓ નહીં કરો. એનાથી રોગચાળો ફેલાય છે. નવરાત્રી કરો પણ દસ પછી માઈક નહીં, તમને તો ખબર જ છે અવાજનું પ્રદૂષણ. ભાઈ, કાનનો જીવ નીકળી જાય છે. ગણેશ મહોત્સવ. નો વૅ. આટલો ટ્રાફિક કરવાનો અને પછી મૂર્તિ પધરાવતી વખતે બધું પાણી બગડે અને તમને તો ખબર છે જ. હજી ચાર કે પાંચ કે છ લાઇન પહેલાં જ તો તમને કીધું. પાણી અગત્યનું છે. માનવજાતિ માટે જરૂરી છે. જો એ નહીં હોય તો પૃથ્વી ખતમ થઈ જશે. દિવાળી છે, શું વાત કરો છો. કરો વિરોધ અને કહો, નો ફટાકડા. ફટાકડાથી તો અવાજનું પ્રદૂષણ વધે છે, હવામાં રહેલી જીવાતોની હિંસા અને જો ધ્યાન ન રહે તો આપણે પણ દાઝી જઈએ, જીવ જાય. યુ સી, આગ પણ લાગે. સો નો ફટાકડા.

શું માંડ્યું છે ભાઈ આ. શ્રાવણમાં અમે શિવજીને દૂધ ચડાવીએ ત્યારે પણ તમને અમે નડી જઈએ અને રમકડાં લેવા માટે બહાર નીકળીએ ત્યારે પણ તમે મેળામાં વેચાતાં ચાઇનીઝ રમકડાંની વાત કરીને અમારા હાથ બાંધી દો. કહી દોને એકવાર સીધેસીધું કે અમારે હિન્દુઓએ તહેવાર નથી ઊજવવાના તો અમે એ રીતે બાથ ભીડીએ, દરેક વખતે તમે પર્યાવરણ ને સમાજ ને ગરીબ બાળકો ને શાંતિ અને પ્રદૂષણના નામે હિન્દુઓના તહેવારો સામે જ શું ઊભા રહી જાવ છો. એક વખત ક્રિસમસ તમને નડી, દારૂ પીને સાલ્લા બધા છાકટાં થાય છે, પણ તમને એ દેખાશે નહીં. એક વખત રમઝાન તમને દેખાઈ? રાત આખી રસ્તા પર નૉનવેજની લારીઓ ઊભી હોય છે, જેની બાજુમાંથી નીકળતી વખતે ઉબકાં આવી જાય છે? નવરાત્રીમાં તમને અમારા માતાજી નડી જાય છે, પણ મસ્જિદ પર વાગતાં મોટા બ્યુગલ જેવાં માઈક તો તમને ક્યારેય નથી દેખાયા, પણ માતાજીના ગરબા વખતે એ માઈક પણ દેખાય અને સાઉન્ડના ડેસીબલ પણ તમને આવડી જાય. સ્યુડો સેક્યુલરો, કાન ખોલીને સાંભળી લ્યો. ધર્મ બદલાવી નાખો તમે તમારો અને મુલ્ક પણ બદલવું હોય તો એની પણ તમને છૂટ છે, પણ આ દેશ હિન્દુસ્તાન છે અને આ હિન્દુસ્તાનમાં એ જ રીતે તહેવાર ઊજવાશે જે રીતે પહેલાં ઊજવાતો હતો. મકરસંક્રાતિનો પણ આનંદ લેવામાં આવશે અને ધુળેટીમાં રંગોથી પણ રમવામાં આવશે અને નવરાત્રી સમયે માતાજીના ગરબાનો લહેકો પણ એ જ સંભળાશે જે અગાઉ સંભળાતો હતો. અમારા તહેવાર, અમારી મરજી. અમારી ઈચ્છા, અમારી મરજી.
વૉટ્સઍપીયા બાદશાહ, ફૂટો તમે અહીંથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK