કૉલમ: આમ તમે મારા હીરોને મારી નાખો એ ન ચાલે, હવે વાર્તા આમ આગળ વધારોને?

Updated: May 04, 2019, 13:42 IST | મનોજ નવનીત જોષી- મેરે દિલ મેં આજ ક્યા હૈ?

કોને મેસજ કરવો, ક્યારે મેસેજ કરવો, મેસેજ કેવી રીતે કરવો અને કેવી રીતે એ મેસેજમાં જરૂરી વાત કહેવી એ કળા હોવી બહુ જરૂરી છે. આપણે ત્યાં હકીકતમાં આ પ્રકારનાં પુસ્તકો લખાવાં જોઈએ એવું મને લાગે છે.

 કેવી રીતે એ મેસેજમાં જરૂરી વાત કહેવી એ કળા હોવી બહુ જરૂરી
કેવી રીતે એ મેસેજમાં જરૂરી વાત કહેવી એ કળા હોવી બહુ જરૂરી

મેસેજ આવે એ ગમે અને ખાસ તો ફૅન્સના મેસેજ આવે તો એ વધારે ગમે, પણ જો એ મેસેજની એક મર્યાદા હોય તો એ સારા લાગે. તમને વાત કહું મારા એક રાઇટર ફ્રેન્ડની. સિરિયલ લખતા મારા એ રાઇટર ફ્રેન્ડને આપણાં જ એક ગુજરાતી બહેન લગભગ દિવસમાં વીસેક જેટલા મેસેજ કરે છે અને દર વખતે સિરિયલ બાબતમાં ચર્ચા અને દલીલો કરે. ભાઈની હાલત એવી કફોડી છે કે ફૅન છે એટલે તેને બ્લૉક કરતાં જીવ નથી ચાલતો અને આ ત્રાસ પણ સહન નથી થતો. ગુસ્સો આવે છે પણ સાથોસાથ તેને દયા પણ આવે છે.

કોને મેસજ કરવો, ક્યારે મેસેજ કરવો, મેસેજ કેવી રીતે કરવો અને કેવી રીતે એ મેસેજમાં જરૂરી વાત કહેવી એ કળા હોવી બહુ જરૂરી છે. આપણે ત્યાં હકીકતમાં આ પ્રકારનાં પુસ્તકો લખાવાં જોઈએ એવું મને લાગે છે. વાતચીત કરવાની કળા પણ કેટલાક લોકોમાં નથી હોતી. જો વાત કરવાની કળા ન હોય તો સ્વાભાવિક રીતે મેસેજ લખવાની કળાનો પણ અભાવ હોય એવું ધારી જ શકાય છે. સાવ જ ફાલતું રીતે વાતની શરૂઆત કરતા લોકો પણ તમને આ વૉટ્સઍપ પર મળી જાય અને કોઈ જાતનું કામ ન હોય તો પણ ‘હાય’ કહેનારાઓ પણ તમને આ મેસેન્જર પર મળી જાય. તમારી ઇચ્છા ન હોય તો પણ તમને મેસેજ ઠોકનારાઓ પણ મળી જાય અને તમે કોઈ જાતનો જવાબ ન આપો તો પણ તમને દરરોજ ફાલતું રીતે ડિસ્ટર્બ કરનારા પણ આ વૉટ્સઍપ પર મળી જાય.

જરૂરી વાતને જરૂરી હોય એ જ રીતે કહેવાનું હવે શીખવું પડશે, કારણ કે હવે કોઈની પાસે સમય નથી અને સૌથી મહત્વની વાત, હવે બધાનો સમય કિંમત થઈ ગયો છે. ઇન્શ્યૉરન્સ એજન્ટ પણ બહુ બિઝી છે અને એસ્ટેટ એજન્ટ પણ ભાગદોડ વચ્ચે શક્ય હોય એટલો સમય બચાવવાની કોશિશ કરે છે. ઍક્ટર પણ પોતાનું કામ કરી રહ્યો છે તો ડૉક્ટર પણ પોતાના શિસ્તબદ્ધ બનાવેલા શેડ્યુઅલની સાથે તાલમેલ મિલાવવા માટે શક્ય હોય ત્યાં સુધી ખોટો સમય બગાડવા માટે તૈયાર નથી. ટૂંકી વાત કરવાથી જો એની ધારી અસર ઊભી થતી હોય તો વાત ટૂંકી જ કરવી જોઈએ. આપણા વડવાઓ પણ આ જ કહેતા. આજે એ જ વાત જરા બદલાઈ છે અને એ સોશ્યલ મીડિયા પર આવી ગઈ છે. વગરકારણે કોઈને ડિસ્ટર્બ ન કરવા એ સોશ્યલ મીડિયાની પહેલી મેનર્સ હોવી જોઈએ. બધાને ખબર છે કે તમામ પ્રકારના મીડિયા પર બ્લૉક કરવા માટેનું ઑપ્શન છે જ.

આ પણ વાંચો: હોટેલમાં સભ્યતા હોય તો પછી સોશ્યલ મીડિયાની સભ્યતા શું કામ વીસરવાની?

ફેસબુક પર પણ તમે બ્લૉક કરી શકો છો અને વૉટ્સઍપ પર પણ તમે કોઈને બ્લૉક કરી જ શકો છો, પણ એ ઑપ્શનનો ઉપયોગ ન કરવો પડે એવું જ વર્તન શું કામ ન રાખી શકીએ? સભ્યતા અને શિષ્ટાચાર જો હૉસ્પિટલમાં રાખવા આપણે તૈયાર હોઈએ તો પછી શું કામ આપણે એ જ સભ્યતા સોશ્યલ મીડિયા પર દેખાડવા રાજી નથી. કોઈનો પણ નંબર હાથમાં આવી જાય એનો અર્થ બિલકુલ એવો નથી કે એ નંબર પર હવે તમે યારી-દોસ્તી અને ભાઈબંધી કરો. મને લાગે છે કે આપણે ખરેખર સોશ્યલ મીડિયાની સભ્યતાને અપનાવવી જોઈએ, ખાસ કરીને તો બ્રૉડકાસ્ટ-વીરોએ. આ બ્રૉડકાસ્ટ-વીરો વિશે વાત કરીશું આવતી કાલે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK