ચાર રંગભૂમિ, અઢી દસકા અને એક મનહર ગઢિયા

Published: Nov 22, 2019, 15:23 IST | Jamnadas Majethia | Mumbai

મનહરભાઈની એક્ઝિટ પછી પણ મન માનવા કે સ્વીકારવા તૈયાર નથી. સતત એવું થયા કરે છે કે ગમેત્યારે તેમનો ફોન આવી જશે અને કહેશે કે જેડી, આ નાટક તો તું જોજે જ

ગયા વીકમાં આપણી વાત ચાલતી હતી મહેન્દ્ર જોષીની અને વિધિના લેખ જુઓ. વિધિના લેખ કોઈ નાથી નથી શક્યું એનું કરુણ પણ વાસ્તવિક ચિત્રણ હમણાં મળ્યું.

ગયા શુક્રવારે આપણી આ કૉલમનો છેલ્લો ફકરો તમે વાંચ્યો હશે. તમને યાદ હોય તો એ છેલ્લા ફકરામાં મનહર ગઢિયા નામના નિર્માતામિત્રનો ઉલ્લેખ છે. મનહર ગઢિયા અને મહેન્દ્ર જોષી વચ્ચે થયેલા મારા માટેના સંવાદને ત્યાં દર્શાવવામાં આવ્યો છે. વાત એ જગ્યાએથી આગળ વધારવાની હતી અને મહેન્દ્ર જોષીની વાતો કરવાની હતી, પણ એવું કરવાને બદલે આજે આપણે થોડી મનહર ગઢિયા વિશે વાતો કરીએ. મનહરભાઈ જાણવા અને ઓળખવા જેવા માણસ હતા, હા, હતા.

આ અઠવાડિયે મારે એમ લખવું પડે છે કે ‘હતા’, કારણ કે ચાર દિવસ પહેલાં તેમનું નિધન થયું. મનહરભાઈ આપણા લેખને દર શુક્રવારે વાંચતા અને બહુ સારો લાગે, ગમે તો મેસેજ પણ કરતા. તેમના દેહાંતથી મારો એક પ્રિય વાચક ઓછો થઈ ગયો.

મનહરભાઈ પડદા પાછળના બહુ ઉમદા કલાકાર. કાજલ ઍડ્સ. દીકરીના નામે શરૂ કરેલી કંપની જે નાટકોની જાહેરખબર માટે ખૂબ પ્રખ્યાત છે એના માલિક. ખૂબ ઉમદા વ્યક્તિત્વ અને એક સફળ નિર્માતા. નાટકનો જીવ. ગુજરાતી રંગભૂમિ અને પૃથ્વી થિયેટર પર કંઈકેટલા કલાકારોને બ્રેક આપવાથી માંડીને તેમનામાં પ્રોત્સાહન ભરવાનું કામ કરનાર વ્યક્તિ. નાટકોની દુનિયામાં તેમનું ખૂબ સારુંએવું કૉન્ટ્રિબ્યુશન કહી શકાય. અજબ રિસ્પેક્ટ આપતા તેઓ નાટકોને અને કલાકારો, નિર્માતાઓ તથા નાટકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા અન્ય સૌને. નાટક જોવાથી માંડીને નાટક બનાવવા માટે એક ડિસિપ્લિન હોવું જોઈએ, એક પદ્ધતિ હોવી જોઈએ એવું તેઓ દૃઢપણે માનતા અને ફૉલો પણ કરતા. જો તમે તેમને જાહેરખબર આપનારા કન્સલ્ટન્ટ તરીકે અપૉઇન્ટ કર્યા હોય તો તેઓ તમને સલાહ આપ્યા વિના રહી શકે નહીં. પોતે નાટકનો અનુભવી જીવ અને એક નિર્માતા અને સર્જનકાર આત્મા એટલે તમને સાચી વાત અને વણમાગી સલાહ અચૂક આપે. એનાથી તેમને એક પૈસાનો ફાયદો ન હોય તો પણ અને એ સલાહથી તેમને કોઈ લાભ નથી થવાનો એવું તમને ચાર વાર કહે પણ ખરા, પરંતુ તમારા માટે, તમારું સારું થાય એ માટે તમારી પાછળ પડી જાય અને કરાવીને જ જંપે.

મારા તો આવા ખૂબબધા અનુભવો છે તેમની સાથેના. ભારતીભાભી અને દીકરી કાજલ બિચારાં બન્ને ટેન્શનમાં આવી જાય કે હમણાં આ લોકો છૂટા પડી જશે પણ મનહર ગઢિયાએ મને અને મારા જેવા અનેક લોકોને ખૂબ સલાહ આપી છે. નાટકની કઈ ડેટમાં ક્યાં શો કરવા અને કેવી રીતે શો કરવા જેવી અનેક સલાહ તેમણે મને આપી છે અને એ સલાહ ઘણે અંશે મને મદદરૂપ પણ થઈ છે. કોઈ પણ સારા કલાકારને મદદ કરવા માટે તેઓ હંમેશાં તત્પર રહેતા. કલા પારખવાના તેઓ જૌહરી હતા એવું કહું તો જરાય ખોટું નહીં કહેવાય. મારી આ વાત સાથે ગુજરાતી, અંગ્રેજી કે મરાઠી રંગભૂમિના પણ સૌ સહમત થશે. કોઈ ઊગતા કલાકારની ટૅલન્ટને પારખવાની કુનેહ તેમનામાં ખૂબ હતી. ક્યાંય જોયો હોય એવા યંગ દિગ્દર્શક કે ઍક્ટરને સામેથી ફોન કે મેસેજ કરે અને સિરિયલ કે નાટકમાં તક આપવા માટે તરત જ કહી દે. કહી દે એટલું જ નહીં, પોતે પણ હિંમતથી તેને તક આપે. એવા કેટલાયે કલાકારોને દિગ્દર્શક બનાવવાનો જશ મનહર ગઢિયાને ફાળે જાય છે.

હંમેશાં તેમની શોધ એક ઉમદા સર્જન અને એક ઉમદા સર્જકની રહેતી. નાટકોની દુનિયામાં કશું નવું, જુદું અને પ્રયોગાત્મક થતું રહે એની કોશિશમાં તેઓ રહેતા. જબાનના ઘણાને બહુ મીઠા લાગતા તો તેમનું હ્યુમર અને ધારદાર ઍટિટ્યુડ ઘણી વાર બહુ તીખાં પણ લાગતાં, પરંતુ સારી કૃતિને દિલ ખોલીને વધાવતાં કે ખરાબને વખોડવામાં તેઓ કોઈની સાડાબારી પણ ન રાખતા. પૃથ્વી થિયેટરથી માંડીને નેહરુ અને બીજા ઑડિટોરિયમમાં તમે તેમનાં ઘણાં નાટકો જોયાં હશે. ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ હિન્દી અને ગુજરાતી બન્ને, ‘શ્યામરંગ’, ‘સૂટેબલ બ્રાઇડ’ જેવું અંગ્રેજીમાં નાટક અને હમણાં તમે ‘સાત તેરી એકવીસ’ નામની નાટકની આખી સિરીઝ જોઈ હશે. આ સિરીઝમાં ખૂબબધા લેખકો, કલાકારો અને દિગ્દર્શકને ભેગા કરતા. સતત કશુંક નવું કરતા રહેવાની તેમની ખેવના તેમને ક્યારેક ફાઇનૅન્શિયલ નુકસાનમાં પણ મૂકી દેતી, પણ એની ક્યારેય તેઓ ચિંતા કરતા નહીં. કોઈ કલાકારનું કોઈ નાટક ગમી જાય તો એની પાછળ પોતાના પૈસા લગાડીને પણ તેઓ તેમને મદદ કરતા. એવા ઘણા કલાકારોએ પૃથ્વી થિયેટરમાં શો કર્યા હશે જેમની પાસે જાહેરખબરના પૂરા પૈસા પણ ન હોય, પરંતુ મનહરભાઈને એ ગમી ગયું હોય એટલે એ શો શક્ય બન્યો હોય. સારી કૃતિ, સારું સર્જન હોય તો પોતાના પૈસે એ સર્જનને લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા કરવામાં તેઓ સહેજેય સંકોચ રાખતા નહીં.

નાટક સારું જતું હોય તો એને વધુ સારી ઊંચાઈએ પહોંચાડવા માટે સારા રિવ્યુઝ લખતા હોય એવા સમીક્ષકોને ફોન કરીને તેઓ બોલાવતા. કહેતા કે તમે આ નાટક જુઓ, જો તમને ન ગમે તો તમારા બે પગ વચ્ચેથી નીકળી જઈશ. કરો, તમે આ નાટકનો રિવ્યુ કરો. નિર્માતાને પણ બહુ ઍન્કરેજ કરીને કહે કે આજના શોમાં આમને બોલાવ્યા છે. નાટક જાણે તેમનું પોતાનું હોય એટલી મહેનત કરતા. મને યાદ છે કે અમારાં નાટક જોવા માટે તેઓ ખૂબ મોટા વિવેચકોને લઈને આવતા. છેલ્લાં ઘણાં વર્ષોથી મેં નાટક કર્યાં નથી તો પણ અમારે એટલી બધી વાર ફોન પર નાટક વિશે વાત થઈ છે કે તું નાટક કર. કોઈ ને કોઈ વિષય પર વાત કરે. એક વિષય જે મેં તેમને ભૂતકાળમાં સંભળાવ્યો હતો એના વિશે પણ વાત થઈ હતી. મનહરભાઈ મને કહે કે તું નથી કરી શકતો તો કોઈ વાંધો નહીં, તું અને આતિશ માત્ર સ્ક્રિપ્ટમાં ઇન્વૉલ્વ રહો, આપણે બીજા કલાકારો સાથે રહીએ. હું બધું ઊભું કરી આપીશ. મને બહુ અફસોસ થાય છે કે હું તેમની સાથે નાટક ન કરી શક્યો. તેઓ જ્યારે કોઈ સારા કલાકારને કે સારા લેખક કે સારા દિગ્દર્શકને મળ્યા હોય તો મને કહે પણ ખરા કે તારી સિરિયલમાં આમને માટે જોજે. કોઈ સારું નાટક જોઈને આવ્યા હોય તો પણ ફોન કરીને કહે કે તું આ નાટક તો જોજે જ. અમારા બન્નેનો એવો સંબંધ કે કોઈ પણ સમયે ફોન કરી શકીએ. હું કહીશ કે મનહરભાઈનો નંબર અને સ્વભાવ બન્ને બહુ સહેલાઈથી યાદ રહી જાય એવા. મારી ઑફિસની કાસ્ટિંગ ટીમને પણ ખબર છે કે કાસ્ટિંગમાં અટક્યા હોય તો મનહરભાઈને ફોન કરી શકાય. ક્યારેય કોઈ આર્ટિસ્ટ માટે ફોન કરો એટલે મનહરભાઈ ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી નાટ્યજગતના ૧૦ કલાકારોનાં નામ તમને માત્ર ૧૦ જ મિનિટમાં આપી દે.

નાટકો માટે કહેવાય છે કે શો મસ્ટ ગો ઑન. શો તો ચાલતા જ રહેશે અને થતા જ રહેશે. કંઈક લોકો આવતા રહેશે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. હમણાં આપણી સિરીઝ મહેન્દ્ર જોષી પર ચાલી જ રહી છે અને આગળ એવા જ માંધાતાના લેખો આવવાના છે જેમનાં સર્જનો ઉત્કૃષ્ટ રહ્યાં અને તેમની સાથેના મારા અનુભવો શ્રેષ્ઠ રહ્યા. એટલે નાટકો તો ચાલતાં જ રહેવાનાં છે, પણ ગુણવત્તા, ગુણવત્તા જે પ્રકારની વર્ષો પહેલાં હતી અને આજે છે એમાં બહુ મોટો ફરક આવી ગયો છે. કોઈના જવાથી કશું અટકી ગયું હોય એવું નથી બનવાનું, પણ એ ઉમદા ગુણવત્તાનું કામ થતું અટકી જાય એવું તો બને જ છે. મને ઘણી વાર એવું થાય છે કે એવા ઘણા ઉમદા નિર્ણયો મનહર ગઢિયાએ લીધા કે લેવામાં મદદ કરી. જે જાહેરખબરને લગતા, લેખકના હોય, વિષયના હોય કે પછી કલાકાર કે દિગ્દર્શકના હોય, ક્યાંક કશું ખૂટશે તો ખરું. તેમની ખોટ રહેશે તો ખરી. બહુ મજબૂત વિલ-પાવરવાળા હતા તેઓ. મેં નાટકના ઘણા લોકોને વ્યસનમાં અટવાઈ જતા અને ખોવાઈ જતા જોયા છે. મનહર ગઢિયાને પણ વ્યસનો હતાં, પણ થોડાં વર્ષો પહેલાં એક જ મિનિટમાં તેમણે એવું નક્કી કર્યું કે આજથી હું સિગારેટ, દારૂ, તમાકુ કે નૉનવેજ કશું જ નહીં લઉં. એ દિવસથી તેઓ પોતાના નિર્ણયને છેલ્લે સુધી વળગી રહ્યા. આવી મજબૂત મનોબળવાળી વ્યક્તિ મેં બહુ ઓછી જોઈ છે. અઢી દસકામાં આ નિર્ણય કયારેય તૂટ્યો નથી. તમારી સાથે ચાર-પાંચ કલાક બેસવાનું થાય એટલે સિટ્રા નામનું સૉફ્ટ ડ્રિન્ક મગાવી આખો ગ્લાસ ક્રશ કરેલો આઇસ નાખે અને પછી એ પીતાં કલાકો સુધી તમારી સાથે વાતો કરતા રહે.

નાટકના સારા નિર્માતા હોવા ઉપરાંત તેઓ એક સારા પિતા પણ હતા. મારા કરતાં ઉંમરમાં ખાસ્સા મોટા અને એ જમાનામાં બે દીકરીના ફાધર. મેં બહુ ઓછા પિતાનો દીકરી માટેનો એવો વ્યવ્યહાર જોયો છે જેમાં દીકરી અને દીકરા વચ્ચે કોઈ ભેદભાવ ન દેખાતો હોય. જે ભેદભાવ આજે પણ અમુક વખત દેખાઈ આવે છે, પણ એ ભેદભાવ મેં આજે પણ ક્યારેય જોયો નથી. તેમને પણ બે દીકરી કાજલ અને હેતલ અને મારે પણ બે દીકરીઓ કેસર અને મિસરી. મારી દીકરીઓને પણ ખૂબ પ્રેમ કરે. ફૅન્ટૅસ્ટિક ફાધર. આજે નાટકની દુનિયામાં તેમના અનુભવ અને તેમના સંગઠનને લીધે કાજલે પોતાનું આગવું નામ ઊભું કર્યું છે અને હું શ્યૉર છું કે કાજલ વિલ ટેક લેગસી ફૉર્વર્ડ અને મરાઠી, ગુજરાતી, હિન્દી કે પૃથ્વી થિયેટર પર થતાં અંગ્રેજી નાટકોના બધા જ લોકો કે પછી હમણાં ગુજરાતી ફિલ્મોમાં જે સફળતાપૂર્વક પગપેસારો કર્યો છે એ બધા વતી હું એક વાત કહીશ કે અમે બધા કાજલ સાથે છીએ, કારણ કે મનહરભાઈ હંમેશાં અમારા બધા સાથે ઊભા હતા. હી વોઝ અ જેમ ઑફ અ પર્સન. આ અચાનક લઈ લીધેલી એક્ઝિટ જરા તકલીફ આપે છે. હું કહીશ કે મનહરભાઈ હવે મહેન્દ્ર જોષી જેવા પોતાના ફેવરિટ કલાકારો સાથે જ હશે અને ત્યાં એવી જ દુનિયા ઊભી કરે જે દુનિયા તેમણે અહીં ઊભી કરી હતી, પણ એમ છતાં એક વાત નક્કી છે, વી વિલ ઑલ્વેઝ મિસ યુ મનહરભાઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK