સૂર્યગ્રહણના દિવસે માંડવી થયું તરબતર

Published: 22nd June, 2020 09:00 IST | Mumbai Correspondent | Mumbai Desk

સાત ઇંચથી વધુ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયાં, રાણાવાવ, પોરબંદર, જામનગર અને દ્વારકામાં મુશળધાર વરસાદ સૌરાષ્ટ્રમાં મેઘમહેર : માંડવી જળબંબાકાર

માંડવીમાં પોસ્ટ-ઑફિસ પાસે ભરાયેલાં પાણી. તસવીર : ઉત્સવ વૈદ્ય
માંડવીમાં પોસ્ટ-ઑફિસ પાસે ભરાયેલાં પાણી. તસવીર : ઉત્સવ વૈદ્ય

કચ્છના લોકો એક તરફ જ્યારે ગઈ કાલે થયેલા દુર્લભ સૂર્યગ્રહણનો વાદળિયા વાતાવરણ વચ્ચે આનંદ માણી રહ્યા હતા ત્યારે બીજી તરફ બંદરીય શહેર માંડવીમાં જાણે વાદળ ફાટ્યાં હતાં. ભારે વરસાદને પગલે માંડવીની લાકડાબજારમાં જાણે પૂર આવ્યાં હતાં. એ ઉપરાંત આઝાદ ચોક, રામેશ્વર કૉલોની, જી. ટી. ગ્રાઉન્ડ અને તબેલા વિસ્તાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ શહેરની શોભા સમાન માંડવીના ટોપણસર તળાવમાં પાણીની આવક શરૂ થતાં માંડવીના લોકો ટોપણસર તળાવની પાળે ઊમટી આવ્યા હતા.

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે સવારથી જ પલટો આવ્યો છે. કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. રાણાવાવમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. બીજી તરફ આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં આજે લાંબા વિરામ બાદ વરસાદે એન્ટ્રી કરી છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેથી લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે. જો કે ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા ૮ કલાકમાં સરેરાશ ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર તાલુકામાં ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાણાવાવ તાલુકામા પણ ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણા તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કચ્છના માંડવીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. માંડવી તાલુકામાં સર્વત્ર મેઘમહેર વરસી પડી છે. વહેલી પરોઢથી જ વરસાદનો પ્રારંભ થયો હતો. સવારના ૮ વાગ્યા સુધી માંડવીમાં સત્તાવાર ૧૩૫ એમએમ વરસાદ નોંધાયો છે. રાત્રે ભુજમાં પણ વરસાદ શરૂ થયો હતો. મુન્દ્રા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અબડાસા તાલુકાના ગામડામાં પણ વરસાદ છે. તો ભુજ તાલુકાના કેરા વિસ્તારમાં પણ ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં વરસાદ છે. રામાણિયા, બેરાજા વિસ્તારમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘમહેર વરસી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK