Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રેલવે સ્ટેશનો પર સ્ક્રીનિંગમાં જૂજ પૉઝિટિવ કેસ મળ્યા

રેલવે સ્ટેશનો પર સ્ક્રીનિંગમાં જૂજ પૉઝિટિવ કેસ મળ્યા

30 November, 2020 09:42 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

રેલવે સ્ટેશનો પર સ્ક્રીનિંગમાં જૂજ પૉઝિટિવ કેસ મળ્યા

બાંદરા રેલવે સ્ટેશન પર કરાઈ રહેલું પ્રવાસીઓનું ચેકિંગ

બાંદરા રેલવે સ્ટેશન પર કરાઈ રહેલું પ્રવાસીઓનું ચેકિંગ


મુંબઈ મહાનગરપાલિકાને કોરોના રોગચાળા પર નિયંત્રણના પ્રયાસોમાં રેલવે સ્ટેશનો પર બહારગામથી આવતા મુસાફરોને તપાસવામાં ઝાઝા દરદીઓ મળતા નથી. દરદીઓ શોધીને શક્ય એટલા પ્રમાણમાં ઇન્ફેક્શનનો વ્યાપ ઘટાડવાની કાર્યવાહીમાં રેલવે સ્ટેશનોનું અભિયાન ખાસ મદદરૂપ થાય એમ લાગતું ન હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ અન્ય વિકલ્પો તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

રેલવે સ્ટેશનો પર લગભગ ૫૦,૦૦૦ કરતાં વધારે પ્રવાસીઓના ટેસ્ટિંગમાં માંડ ૨૦ જણના કોરોના રિપોર્ટ્સ પૉઝિટિવ મળ્યા છે. રેલવે સ્ટેશનો પર પહેલા દિવસે ૧૧ અને ત્યાર પછીના ચાર દિવસોમાં માંડ પાંચેક કેસ મળ્યા હતા. એ રીતે આરોગ્ય ખાતાના સત્તાવાળાઓને ‘રિવર્સ માઇગ્રેશન’ દ્વારા રોગચાળાનો પ્રસાર મુંબઈમાં જોવા મળતો નથી. એથી મુંબઈ મહાનગરપાલિકા કોરોના ઇન્ફેક્શનના દરદીઓ શોધવા માટે ટીબી અને લેપ્રસીના કેસીસ શોધવા માટેના બંધ ઘરોના અને ડોર ટુ ડોર સર્વેનો આધાર લેવાનું શરૂ કરે એવી શક્યતા છે.



બહારગામના સૌથી વધારે પ્રવાસીઓ પશ્ચિમ રેલવેનાં સ્ટેશનો પર આવે છે. બાંદરા, બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલમાંથી દરેક સ્ટેશન પર રોજ ત્રણેક હજાર પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. એમાંથી માંડ એકાદ-બે પ્રવાસીઓના પૉઝિટિવ રિપોર્ટ આવે છે. મુંબઈ મહાનગરપાલિકાના ‘એચ-વેસ્ટ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિનાયક વિસપુતેએ જણાવ્યું હતું કે અમારી ટીમો રોજ ૩૦૦૦થી વધારે લોકોને તપાસે છે. એમાંથી માંડ ૧૦ ટકા સિમ્પ્ટૉમેટિક હોય છે. પૉઝિટિવ રિપોર્ટવાળા દરદીઓનું પ્રમાણ સાવ ઓછું હોય છે.’ 


મહાનગરપાલિકાના ‘ડી’ વૉર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર રોજ ૨૦૦૦થી ૩૦૦૦ મુસાફરો આવે છે. રવિવાર સુધીમાં ત્યાં એક પણ કોરોના પૉઝિટિવ દરદી મળ્યો નથી.’

મધ્ય રેલવેમાં પણ બહારગામથી આવતા મુસાફરોમાં સિમ્પ્ટૉમેટિક દરદીઓનું પ્રમાણ માંડ દસેક ટકા હોય છે. દાદર સ્ટેશન પર મહાનગરપાલિકાના ‘જી-નૉર્થ’ વૉર્ડની મેડિકલ ટીમ સ્ક્રીનિંગ કરે છે. ‘જી-નૉર્થ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે ‘છેલ્લા પાંચ દિવસમાં અમારી ટીમોએ ૫૨૯૭ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કર્યું હતું, એમાંથી ૯૧૭ સિમ્પ્ટૉમેટિક જણાતાં તેમની રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી હતી. ફક્ત ૬ પ્રવાસીઓના રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા અને ૧ પ્રવાસીને હોમ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યો છે.’


છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર રોજ ૬૦૦ મુસાફરોના સ્ક્રીનિંગ અને ૨૫૦ મુસાફરોની રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવતી હોવાનું જણાવતાં પાલિકાના ‘એ’ વૉર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે અમારે ત્યાં માત્ર એક દરદી પૉઝિટિવ મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2020 09:42 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK