કૈસે કૈસે આદમી ઐસેવૈસે હો ગએ ઐસેવૈસે આદમી કૈસે કૈસે હો ગએ

Published: May 27, 2019, 11:49 IST | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

આઝાદી કો લાએ થે હમ દુલ્હન બનાકર કુછ કમીને નેતાઓને ઉસે તવાયફ બના દી

પ્રવિણ સોલંકી
પ્રવિણ સોલંકી

માણસ એક રંગ અનેક

કોઈ પણ ઇલેક્શનનું પરિણામ ઉપરની પંક્તિઓમાં છે. ચૂંટણીના પરિણામ પછી કેટલાક આલિયામાલિયા મહાન બની જાય છે તો કેટલાક મહાન ગણાતા આલિયામાલિયા થઈ જાય છે. આ લેખ છપાશે ત્યારે ઇલેક્શનનું પરિણામ આવી ગયું હશે. ક્યાંક ફટાકડા ફૂટ્યા હશે, ક્યાંક મીઠાઈ વહેંચાઈ હશે. ગરબા-ભાંગડા નૃત્ય થયાં હશે તો ક્યાંક માતમ છવાયો હશે. ઈવીએમના નામનાં છાજિયાં લેવાયાં હશે. ગેરરીતિ થયાના આક્ષેપોનો મારો થયો હશે. દરેક ચૂંટણીનાં પરિણામોની આવી જ ફળશ્રુતિ હોય છે. પરંપરાથી આપણી માનસિકતા એ જ રહી છે કે આપણી તરફેણનાં પરિણામ આવે તો ન્યાય, વિરુદ્ધમાં આવે તો અન્યાય. કશુંય બદલાયું નથી, બદલાતું નથી. બદલાશે એવી આશા પણ નજરમાં આવતી નથી.

લોકોની ચિંતા હવે એ છે કે આઇપીએલ પૂરી થઈ ગઈ, ચૂંટણી પૂરી થઈ ગઈ; હવે પાનના ગલ્લા પર, ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં, ગલીનાં નાકાંઓ પર, લગ્ન સમારંભમાં, સ્મશાનમાં વાતો-ચર્ચાઓ કોની કરીશું. આપણા જ્ઞાન, નિપુણતાનાં બણગાં કઈ રીતે ફૂંકીશું? કોહલીએ આ રીતે શૉટ ન મારવો જોઈએ કે પ્રજ્ઞા સાધ્વીએ આવું વિધાન ન કરવું જોઈએ કે કે. એલ. રાહુલે શરૂઆતથી જ આક્રમક રમવું જોઈતું હતું કે રાહુલ ગાંધીએ પોતાનાં ભાષણોમાં થોડું હ્યુમર પણ ઉમેરવું જોઈએ એવી સલાહ કોને આપીશું?

ક્રિકેટ કરતાં લોકોને પ્રમાણમાં ચૂંટણીમાં વધારે રસ હોય છે, કેમ કે ચૂંટણીની પ્રક્રિયા-ક્રિયા બધા જ લોકો જાણતા હોય છે. ચૂંટણી ચર્ચા માટેનું મોકળું મેદાન પૂરું પાડે છે. કોઈ પણ સમયે કે સ્થળે મળતી વ્યક્તિ સાથે વાતની શરૂઆત કરવાનું નક્કર બહાનું પૂરું પાડે છે. ‘કેમ છો? શું લાગે છે મોદીનું?’થી શરૂઆત કરીને માયાવતી, મમતા, મુલાયમ, સોનિયા, પ્રિયંકાની કુંડળીની ચર્ચા કરવામાં સમય પસાર કરી નાખતા હોય છે. આઇપીએલ પૂરી થઈ કે વર્લ્ડ કપની રાહ જોવી પડી, કેમ કે પાછળ ચૂંટણી આવી. ચૂંટણી પૂરી થઈ પછી વિધાનસભાની ચૂંટણીની રાહ નહીં જોવી પડે; કેમ કે સરકાર કોની થશે, કોને કયું ખાતું સોંપવું ન સોંપવું, કયા પક્ષને સામેલ કરવો ન કરવો વગેરે વિષયો માટે ચર્ચા કરવાનું મોકળું મેદાન મળી ગયું હશે.

આપણી મૂળભૂત પ્રવૃત્તિ-સંસ્કૃતિ કે વિકૃતિ રહી છે ચર્ચા કરવાની. કેવળ ચર્ચા. એ ચર્ચા પણ આપણે શું કરવું જોઈએ એની તો નહીં જ, બીજાએ શું કરવું જોઈએ એની જ. અમેરિકાના પ્રેસિડન્ટ જૉન કેનેડી પ્રથમ વાર ચૂંટાયા ત્યારે તેમણે પહેલા જ ભાષણમાં એક ખૂબ જ અગત્યની વાત કરી હતી કે મારા વહાલા મતદારો, મહેરબાની કરીને મને ન પૂછતા કે હું તમારા માટે, તમારા દેશ માટે શું કરીશ. તમે દેશ માટે શું અને કેટલું કરશો કે કરી શકો છો એટલું મને જણાવજો. પ્રજાની સહાય વગર કોઈ પણ નેતા કે સરકાર દેશને ઊંચે લાવી ન શકે.

કોઈ પણ વિષય પર ચર્ચા કરવી એમાં કશું ખોટું નથી, પણ ચર્ચા રચનાત્મક હોવી જોઈએ. અધૂરી સમજણ અને અધૂરા જ્ઞાન સાથેની ચર્ચા કેવળ ટાઇમપાસ અને વાણીવિલાસ જ નીવડે છે. ચૂંટણી દરમ્યાન મને જાણવા મળેલી કેટલીક રસપ્રદ ચર્ચાનો ચિતાર અહીં રજૂ કરું છું. આ ચૂંટણીમાં મોટે ભાગે એવો દેખાવ થયો છે કે ચૂંટણી પક્ષો વચ્ચે નહીં, જાણે વ્યક્તિઓ વચ્ચે હોય. આ ચૂંટણીમાં મોટે ભાગે વ્યક્તિગત આક્ષેપો જ થયા છે. એકબીજાને વ્યક્તિગત રીતે ઉતારી પાડવાના પ્રયાસમાં મૂળભૂત પ્રશ્નો બાજુએ રહી ગયા એટલે વાત એ બની ગઈ કે ચૂંટણી પક્ષોની નહીં, વ્યક્તિની બની ગઈ. બીજેપી, કૉન્ગ્રેસ, બસપા, સમાજવાદી પાર્ટી વગેરે પક્ષોનાં નામ હાંસિયામાં ધકેલાઈ ગયાં. મોદી, રાહુલ, માયાવતી, મુલાયમ, મમતા વ્યક્તિગત રીતે મોખરે રહ્યાં. મોદી એટલે બીજેપી કે બીજેપી એટલે મોદી? રાહુલ એટલે કૉન્ગ્રેસ કે કૉન્ગ્રેસ એટલે રાહુલ? માયાવતી એટલે બસપા કે બસપા એટલે માયાવતી? મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. કોઈ એક જ વ્યક્તિની પક્ષ પર પકડ ખતરનાક સાબિત થઈ શકે. સાહિત્યમાં જેમ કહેવાય છે કે લોકપ્રિયતા એ ઉત્તમતાનો માપદંડ નથી એવું જ રાજકારણમાં છે. જવાહરલાલ નેહરુનું શાસન એનો પુરાવો છે. ભૂતકાળમાં નેહરુ એટલે કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસ એટલે નેહરુની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું વાતાવરણ પણ સર્જાયું હતું. પરિણામ શું આવ્યું? નેહરુ પછી કોણ અને ઇન્દિરા પછી કોણની ચર્ચા કરવી પડે એવી વિષમ પરિસ્થિતિએ જ કૉન્ગ્રેસને ડુબાડી.

દરેક પક્ષ કે પાર્ટીનું એ કર્તવ્ય છે કે એક મોટા નેતાની છત્રછાયા હેઠળ ભવિષ્યની નેતાગીરી- સંગઠન ઊભું કરવું. કોઈ એક વ્યક્તિની લોકપ્રિયતા વટાવી મેળવેલી સફળતા શાશ્વત નથી રહેતી-ટકતી. સૂર્ય નહીં હોય તો ચંદ્ર પ્રકાશ આપશે, ચંદ્ર ઢંકાશે તો તારલાઓ ટમટમશે એવા કુદરતી કાનૂનને રાજકારણ ન અનુસરી શકે, કેમ કે રાજકારણમાં દીવા પ્રગટાવનાર કરતાં ઓલવનારા વધુ હોય છે.

બીજો એક મુદ્દો પણ મજાકિયો છતાં મનન કરવા જેવો હતો. જ્યાં સુધી જનસંઘ અને કૉન્ગ્રેસ સામસામાં હતાં ત્યાં સુધી બન્નેની વિચારધારામાં ઘણો તફાવત હતો, પણ કાળક્રમે જનસંઘ પછી બીજેપીનો જન્મ થયા પછી બન્નેની વિચારધારામાં ઘણું સામ્ય આવી ગયું. બન્ને સુશાસનના દાવેદાર ગણાવે છે. બન્ને પ્રજાહિતની, ખેડૂતહિતની વાત કરે છે. બન્ને ગરીબોના બેલી તરીકે ઓળખાવાના પ્રયત્ન કરે છે, બન્ને પક્ષમાં અપરાધીઓ અને અસામાજિક તત્ત્વો સામેલ છે, બન્ને મહિલાઓના ઉદ્ધારક બનવા આતુર છે, બન્ને પક્ષ સભાને કેન્દ્રમાં રાખીને પક્ષની નીતિ ઘડે છે, બન્નેને હિન્દુ માટે માન અને મુસ્લિમ માટે સન્માન છે એવું ચિત્ર ઊભું કરવા આતુર છે તો પછી બન્નેને એક થવાનો વિચાર ક્યારેય કેમ નથી આવતો? બન્ને જો એક થઈ જાય તો કેટલાબધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. બીજેપીનું એકમાત્ર સૂત્ર ‘કૉન્ગ્રેસમુક્ત ભારત’ કરવા પાછળ જે તાકાત લગાડવી પડે છે એ તાકાતનો ઉપયોગ દેશસેવાનાં કાર્યોમાં થાય અને કૉન્ગ્રેસને બીજેપીને ઉખેડવા જે હવાતિયાં મારવાં પડે છે અને એ માટે અનેક ગતકડાં કરવામાં સમય અને સંપત્તિ વેડફાય છે એ બચી જાય અને દેશને ફાયદો થાય. બન્ને પક્ષ વારાફરતી સત્તાના ફળનો સ્વાદ માણે અને દેશની ડોલતી નાવને વારાફરતી હલેસાં મારી કિનારે લઈ આવે તો કેવો બેડો પાર થઈ જાય!

રસપ્રદ ચર્ચાનો એક અન્ય મુદ્દો એ હતો કે પ્રાદેશિક પક્ષોનું લોકસભાની ચૂંટણીમાં વધતું મહત્ત્વ કેટલે અંશે આવકાર્ય છે? મુખ્ય રાજકીય પક્ષો ક્યારેક પ્રાદેશિક પક્ષોને સહારે તરી તો જાય છે, પણ ત્યારે ઘણાને લોકશાહીની સમતુલા ખોરવાતી દેખાય છે. ‘બહુમત’ શબ્દ સાપેક્ષ બની જાય છે. બહુમતી છેતરામણી બની જાય છે. દાખલા તરીકે ધારો કે કુલ ૧૦૦૦ મતદારો છે અને એબીસીડી નામના ચાર પક્ષો છે. હવે ધારો કે ‘એ’ પક્ષને ૪૨૫ મત મળ્યા, ‘બી’ને ૩૫૦, ‘સી’ને ૧૨૫ અને ‘ડી’ને ૧૦૦ મળ્યા. ‘એ’ બહુમતીમાં ગયો ગણાશે; પણ બાકીના ૫૭૫ મતદારો ‘એ’ને નથી ઇચ્છતા. એનો અર્થ એ કે બહુમતી લઘુમતીમાં છે. લઘુમતી બહુમતી પર રાજ કરશે. બીજી સંભાવના એ પણ બને કે ‘બી’ અને ‘સી’ ગઠબંધન કરે, ૩૫૦ + ૧૨૫ તો ૪૭૫ બને અને સરકાર રચવાનો દાવો કરી શકે. આ સ્થિતિમાં ‘એ’ ‘ડી’ સાથે ગઠબંધન કરે ૪૨૫ + ૧૦૦ = ૫૨૫ ટોટલ થાય અને ‘એ’ દાવેદાર બને! હવે ખ્યાલ આવે છે કે આંકડાની આ રમત કેટલી છેતરામણી છે અને ગઠબંધન કેટલું ખતરનાક કે ઉપકારક છે?

ક્રિકેટની રમતની જેમ ચૂંટણીની રમત પણ પ્રજાને મનોરંજન પૂરું પાડે છે.

અને છેલ્લે...

લોકોની ચર્ચામાંથી નેતા કેવો હોવો જોઈએ કે કેવો હોય છે એની એક મજાની વાત એક રાજસ્થાની પાસેથી સાંભળી. રાજસ્થાનીઓને મન ઊંટ એટલે ધન. જેની પાસે વધારે ઊંટ હોય તે ધનવાન ગણાય. એક વૃદ્ધ પાસે ૧૭ ઊંટ હતાં અને ત્રણ દીકરા હતા. આખર ઘડીએ તેણે વિલ કર્યું કે મારાં ૧૭ ઊંટમાંથી અડધાં ઊંટ નાનાને, ૧/૩ ઊંટ વચલાને અને ૧/૯ ઊંટ મોટાને મળે. વૃદ્ધના મર્યા પછી હોબાળો થયો. અડધાં ઊંટ એટલે ૮.૫ ઊંટ નાનાને મળે. કેવી રીતે શક્ય બને? એક ઊંટને મારીને અડધું-અડધું થોડું કરાય? ગામઆખું સરપંચ પાસે ગયું. સરપંચે કહ્યું, મૂંઝાશો નહીં, હું મારું એક ઊંટ તમને આપું છું એટલે કુલ ૧૮ ઊંટ થઈ જશે. એટલે વ્યવસ્થિત રીતે ભાગલા પડી જશે. સરપંચની ઉદારતાથી બધા ધન્ય થઈ ગયા. ભાગલાની શરૂઆત થઈ. નાનાને અડધાં એટલે ૯ ઊંટ મળ્યાં. વચલાને ૧/૩ એટલે ૬ મળ્યાં અને મોટાને ૧/૯ એટલે બે ઊંટ મળ્યાં. ૯+૬+૨=ટોટલ ૧૭ ઊંટ થયાં. ૧ બાકી રહી ગયું. હવે? સરપંચે કહ્યું કે એ તો મારું છે, હું પાછું લઈ જાઉં છું. બધા આભા બની ગયા! કશું ન આપીને પણ વાહ-વાહ કરાવી જાણે એ સાચો નેતા.

આ પણ વાંચો : કૉલમ : ઔરતને જનમ દિયા મર્દોં, કો મર્દોંને ઉસે બાઝાર દિયા

સમાપન

ચૂંટણી વિશે કેટલીક ઉક્તિઓ.

જે વધારેમાં વધારે આત્મવિશ્ર્વાસથી જૂઠું બોલી શકે એ માણસ ચૂંટણીમાં વધારેમાં વધારે મતથી ચૂંટાઈ આવે છે.

ચૂંટણી એટલે વચનોની વસંત.

આપણે ભૂતકાળની ચૂંટણીમાંથી એટલું જ શીખી શકીએ છીએ કે ભૂલ કરવી એ આપણી પરંપરા છે.

રાજકારણીઓ દર પાંચ વર્ષે પ્રજાને મૂરખ બનાવવાનું જે અભિયાન છેડે છે એને ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે.

પ્રજા ઇચ્છે છે કે ચૂંટણી દર વર્ષે થવી જોઈએ કેમ કે ચૂંટણી સમયે ભાવવધારો થતો નથી, પ્રજાનાં કામ ફટાફટ થાય છે ને કરવેરા વધતા નથી.

૧૮ વર્ષ પૂરાં કરનાર યુવાનો ચૂંટણી જલદી ઇચ્છે છે કેમ કે બધા જ રાજકારણીઓ તેમને પ્રસન્ન કરવા તલપાપડ થાય છે.

દર પાંચ વર્ષે ખેડૂતોને ખાતરી આપવામાં આવે છે કે તમારા ઉત્પાદનનો ભાવ ચો રહેશે અને તમારી ખરીદીના માલનો ભાવ નીચો.

હારી ગયેલા ઉમેદવારો એક જ વિચાર કરતા હોય છે કે અમે વધારે જૂઠું બોલ્યા એટલે હારી ગયા કે વધુપડતું સાચું બોલ્યા એટલે?

લોકો સારા ઉમેદવારને મત એટલા માટે નથી આપતા કે ખરાબ ઉમેદવાર તેમને બીજું ઘણુંબધું આપે છે.

ચૂંટણી અને લગ્નના ઉમેદવારની એકસરખી જ સ્થિતિ હોય છે. એકસરખાં એટલાંબધાં વચનો અપાઈ જાય છે કે પાછળથી ભાન થાય છે કે આટલુંબધું બોલ્યા ન હોત તો સારું થાત.

અંતે મને ખૂબ જ ગમતો શેર ફરીથી દોહરાવું છું.

આઝાદી કો લાએ થે હમ દુલ્હન બનાકર
કુછ કમીને નેતાઓને ઉસે તવાયફ બના દી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK