ના ઇશ્ક કા શૌક હૈ ના મોહબ્બત કરતે હૈં| ખુદા કે બંદે હૈં, બસ બંદગી કરતે હૈં!

Published: Jul 01, 2019, 12:00 IST | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક | મુંબઈ ડેસ્ક

ના ઇશ્ક કા શૌક હૈ ના મોહબ્બત કરતે હૈં ખુદા કે બંદે હૈં, બસ બંદગી કરતે હૈં! કભી ગમ હો તો હમેં યાદ કરના દર્દ ગીરવી રખતે હૈં ઔર ઉધાર દેતે હૈં!!

પ્રવીણ સોલંકી
પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

ઘણુંબધું વાંચ્યું છે. ઘણા લોકો જ્ઞાન ખાતર વાંચે છે, ઘણા લોકો અભ્યાસ ખાતર વાંચે છે. કેટલાક જ્ઞાન માટે વાંચે છે, તો કોઈ માહિતી ખાતર, તો કોઈ માત્ર આનંદ ખાતર વાંચે છે. વાંચવાનાં કારણો ભલે જુદાં-જુદાં હોય, પરિણામ એકસરખું રહેવાનું. પ્રસન્નતા! વાંચન એક વહેતી ગંગા છે. એમાં ડૂબકી મારો કે પગ ઝબોળો કે માત્ર આચમન લો, પ્રસન્નતા થવાની જ. વાંચવાની જેટલી મજા આવે છે એના કરતાં વાંચેલું બીજાને સંભળાવવાની મજા કંઈક ઓર છે. કોઈ પણ સારી કવિતા, લેખ, કથા, સારી રમૂજ, સાહિત્યકૃતિ વાંચ્યા પછી એને પેટમાં રાખી મૂકવા કરતાં ઓકી નાખવાની અનુભૂતિ કંઈક જુદી જ હોય છે. કેમ કે એમાં આપણું પોતાનું પણ કંઈ ઉમેરાય છે. આપણી ભાષા, આપણી અભિવ્યક્તિની કસોટી પણ થાય છે. ધન તિજોરીમાંથી બહાર નીકળી ન જાય એની ચિંતા હોય છે, વાત દિલમાંથી બહાર નીકળે એની ખુશી થાય છે.

નવું જાણવાની જિજ્ઞાસા માણસને જીવંત રાખે છે. અવનવું જાણવાથી, વાંચવાથી, અનુભવો લેવાથી માણસ વૃદ્ધ થતો અટકે છે, સદાબહાર યુવાન રહે છે. કહે છેને કે જિજ્ઞાસુ બનીને જીવો, યુવાનીનું અમૃત પીઓ. એઝરા પાઉન્ડ કહે છે કે પુસ્તક એટલે નાયકના હાથમાં મૂકેલો પ્રકાશનો પુંજ. ગાંધીજી કહેતા કે રત્નો કરતાં પુસ્તકો વધારે કીમતી છે, કારણ રત્ન તો માણસના બાહ્ય અંગને ચમક આપે છે, જ્યારે પુસ્તકો તો તેના અંતરાત્માને ઉજાળે છે. આજે મેં વાંચેલા ને મનમાં સંઘરી રાખેલાં વિચારો-કથાઓ પીરસું છું. સ્થળસંકોચને કારણે મર્યાદિત માત્રામાં, પણ મજા અમર્યાદિત બનશે એવી આશા રાખું છું.

એક ફકીરના ઘરમાં ચોર પ્રવેશ્યો. ખૂણેખૂણો ફંફોસ્યો, પણ ઘરમાં કંઈ નહોતું. અવાજથી ફકીર જાગી ગયો. સમજી ગયો કે ઘરમાં ચોર આવ્યો છે. તેની આંખમાં પાણી આવી ગયાં. ઘરમાં ચોર આવ્યો છે અને ચોરવા માટે કંઈ નથી એ યાદ આવતાં તે ડૂસકાં ભરવા લાગ્યો. તેનાં ડૂસકાં સાંભળીને ચોર આશ્ચર્ય પામ્યો. તેણે પૂછ્યું, ‘બાબા, શું થયું? રડો છો કેમ?’ ફકીર બોલ્યો, ‘ભાઈ, રડું નહીં તો શું કરું? આજે કેટલાય દિવસે મારા ઘરમાં કોઈનાં પગલાં થયાં છે એ જાણીને હૈયું ભરાઈ આવ્યું. ચોર ચોરી કરવા કોઈ શ્રીમંત, ધનવાન કે રાજાના ઘરે જ જાય. આજે તેં મને રાજા બનાવી દીધો છે એ વિચારે આંખમાં પાણી આવી ગયાં. તેં મને શ્રીમંત ગણ્યો એ બદલ આભાર, પણ ભલા માણસ, મારા ઘરમાં ચોરવા માટે કંઈ નથી. એકાદ-બે દિવસ પહેલાં તેં આવવાની જાણ કરી હોત તો કંઈક વ્યવસ્થા કરી રાખી હોત.’ પછી ફકીરે જે કાંબળી પર તે સૂતો હતો એ ચોરને ઓઢાડતાં કહ્યું, ‘મારી પાસે આ એક કાંબળી માત્ર છે એ તને આપું છું. ઠંડીના દિવસો છે, તને કામ આવરશે. મહેરબાની કરીને ના ન પાડતો, મારું દિલ તૂટી જશે.’

ચોર તો આભો જ બની ગયો. આ તે કેવો માણસ છે? જિંદગીમાં પહેલી વાર તેને ચોર હોવાની શરમ આવી. શું બોલવું અને શું ન બોલવું એ તેને સમજાયું નહીં. ત્યાં તેનું ધ્યાન ફકીર સામે ગયું. તે સાવ નગ્ન, નિર્વસ્ત્ર હતા. ફકીર પામી ગયા. બોલ્યા, ‘તું એની ચિંતા ન કર. ઉઘાડા રહેવાની મને આદત છે. દિવસે કામળી ઓઢીને ફરું છું, રાત્રે એના પર સૂઈ જાઉં છું. હવે રાત-દિવસ એક થઈ જશે એનો મને આનંદ થશે.’ ગદ્ગદ હૈયે જેવો તે બહાર નીકળ્યો કે ફકીરની બૂમ સંભળાઈ, ‘અરે ભલા ભાઈ, કેવો માણસ છે તું? જરા આભાર તો માન.’ ચોર સ્તબ્ધ થઈ ગયો, ‘આ ફકીર છે કે પાગલ? પોતે પરાણે આપે છે અને પાછો આભાર માનવાનું કહે છે?’ તેણે માન્યો, પણ ફકીરે કહ્યું, ‘મને સંભળાયો નહીં. જોરથી બૂમ પાડીને માન.’ ચોરે હસતાં-હસતાં એમ કર્યું.

ફકીરની કામળી ગામમાં ખૂબ જાણીતી હતી. તે પકડાયો અને અદાલતમાં તેને ખડો કરવામાં આવ્યો. ન્યાયાધીશે કહ્યું, ‘આ ફકીરની કામળી છે એ હું પણ જાણું છું. મારે કોઈ પુરાવા-સાક્ષીની જરૂર નથી. હું તને આકરામાં આકરી સજા ફરમાવીશ. સિવાય કે ફકીર પોતે કહે કે આ કામળી તેં ચોરી નથી.’ જ્યારે ફકીર અદાલતમાં આવ્યો ત્યારે ચોર થરથરી ગયો, ‘આ પાગલ શું કહેશે?’ ફકીરે કહ્યું, ‘આ માણસ ચોર નથી. મેં તેને કામળી ભેટ આપી હતી. જતાં-જતાં રસ્તા પરથી તેણે મોટેથી મારો આભાર પણ માન્યો હતો, જે આજુબાજુના ઘણા લોકોએ સાંભળ્યો હતો‍. બહાર આવીને ચોર ફકીરને પગે પડતાં બોલ્યો, ‘બાબા મને સંન્યાસ આપો. માફ કરજો, મેં તમને ઓળખ્યા નહીં.’ ફકીરે હસતાં-હસતાં કહ્યું, ‘પણ હું તને બરાબર ઓળખી ગયો હતો અને એટલે જ મેં તને કામળી ઓઢાડી હતી. આ કામળી સામાન્ય દોરા-ધાગાથી નથી બની. મારી પ્રાર્થના અને ભક્તિથી ગૂંથાયેલી છે. સામાન્ય માણસ બની એને ઓઢી નહીં શકાય. મને ખાતરી હતી કે તારા મનમાં જેમ એક ચોર જાગી રહ્યો છે એમ આંતરમનમાં એક શાહુકાર પણ ઊંઘી રહ્યો છે. મેં તો એ ઊંઘતા શાહુકારને જગાડવાનું એક કામ માત્ર કર્યું છે.’

ગણિતના એક પ્રોફેસર વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા. વચ્ચે-વચ્ચે સમજાવતા હતા કે જીવન એક ગણિત છે. એક પગલું ખોટું ભરો કે આખો દાખલો ખોટો પડે વગેરે વગેરે. બધા વિદ્યાર્થીઓ સાંભળવામાં, સવાલ-જવાબમાં ભાગ લે છે, પણ એક વિદ્યાર્થી ચૂપચાપ એક ખૂણામાં બેસીને સાંભળી રહ્યો છે. એકાએક પ્રોફેસરનું ધ્યાન એ વિદ્યાર્થી તરફ ગયું. તેને થયું કે આ ડોબા માટે કંઈક સહેલામાં સહેલો દાખલો પૂછું. તેમણે પૂછ્યું, ‘વિદ્યાર્થીઓ, ધારો કે એક ટોપલામાં ૧૦ દેડકા છે. એમાંથી એક દેડકો કૂદીને બહાર આવી જાય તો ટોપલામાં કેટલા દેડકા બાકી રહે?’ પેલા વિદ્યાર્થીએ તરત હાથ ઊંચો કર્યો. પ્રોફેસર મનોમન મલકાયા. તેની યુક્તિ સફળ થઈ. બોલ્યા, ‘આટલા વખતમાં તેં પહેલી વાર ચર્ચામાં ભાગ લીધો છે. બોલ કેટલા દેડકા બાકી રહે?’ પેલાએ કહ્યું, ‘એકેય નહીં. પ્રોફેસર વીફર્યા, ‘અક્કલ વગરના, આટલું સરળ ગણિત પણ તને આવડતું નથી? દસમાંથી એક બાદ કરો તો ૯નો જ જવાબ આવેને?’ પેલાએ કહ્યું, ‘સાહેબ, તમારા ગણિતને હિસાબે બરાબર છે, પણ મારા અનુભવના આધારે નથી. અમારો ખાનદાની ધંધો દેડકાનો વેપાર કરવાનો છે. અમારો અનુભવ છે કે ટોપલામાંથી એક દેડકું કૂદે કે પાછળ એક પછી એક બધા જ દેડકા કૂદે ને ટોપલો ખાલી થઈ જાય.’ પ્રોફેસર વિચારમાં પડી ગયા. આંકડાનું ગણિત જુદું છે. અનુભવનું કે જીવનનું ગણિત જુદું છે. જીવન આંકડાના ગણિતને આધારે ન મપાય, અનુભવના આધારે મપાય. કબૂલ કે જીવન એક કોયડો છે, પણ એને ઉકેલવા કરતાં સમજવો વધારે જરૂરી છે. જેની પાસે સમજણ છે એ ઉકેલી શકે છે, જેની પાસે આંકડા છે એ ઉલઝે છે.

વિનોબા ભાવે જેલમાં હતા ત્યારે તેમનું વજન એકાએક ઘટવા લાગ્યું, ફરિયાદ થઈ. અફસરે આવીને કહ્યું કે અમારી તપાસમાં માલૂમ પડ્યું છે કે કેદીઓનું સરેરાશ વજન વધ્યું છે. જેલમાંથી છૂટ્યા પછી એક દિવસ વિનોબા નદીકિનારે બેઠા હતા. ત્યાં પેલો અફસર આવ્યો. વિનોબાને પૂછ્યું કે ‘નદીમાં પાણી કેટલું છે? મને તરતાં આવડતું નથી અને મારે સામે પાર જવું છે.’ વિનોબાએ કહ્યું, ‘નદીમાં સરેરાશ પાણી ઘૂંટણ-ઘૂંટણ છે.’ અફસર નદીમાં ઊતર્યો. જેમ-જેમ ચાલવા લાગ્યો એમ-એમ ડૂબતો ગયો. વિનોબાએ તેમને બચાવી લીધા. કાંઠે આવીને માત્ર એટલું જ બોલ્યા, ‘જોયુંને સાહેબ, આ સરેરાશનો પ્રતાપ છે. ટૂંકમાં જીવન ગણિત અને વિજ્ઞાન જેટલું ચોક્કસ નથી. જીવન અણધાર્યું છે, અનઅપેક્ષિત ઘટનાઓથી ભરેલું છે. એ સપ્તરંગી છે તો કાળુંડિબાંગ પણ છે. મોસમ જેવું છે, બદલાયા કરે છે. ક્યારેક ધોમધખતો તડકો, ક્યારેક ધોધમાર વરસાદ, ક્યારેક વસંત, ક્યારેક પાનખર. જીવનને જાણવા કરતાં માણવાનો પ્રયત્ન કરશો તો સાચી રીતે જીવાશે.’

માણસના ખરાબ કે સારા વર્તન માટે આપણે ધિક્કારીએ છીએ કે સન્માન કરીએ છીએ, પણ એ વર્તન પાછળનું કારણ જાણવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા. એક રાણીએ પોપટ ખરીદ્યો. ખૂબ સુંદર પોપટ હતો, પણ પોપટના માલિકે કહ્યું, ‘રાણીસાહેબા, મારું માનો તો આ પોપટ તમે ન લો. બહુ ખરાબ ખરાબ બોલે છે.’ પણ રાજા, વાજા ને વાંદરા કોઈનું માને? રાણીએ કહ્યું, ‘હું એને સુધારીશ. એની સંગત ખરાબ હશે, હું એને સારી સંગતમાં રાખીશ, મારા સંસ્કાર આપીશ.’

રાણી પોપટને ઘરે તો લઈ ગઈ, પણ પોપટ સુધર્યો નહીં. એને સારા સંસ્કાર આપવા રાણીએ એક સંતને બોલાવ્યા. સંતને જોતાવેંત જ પોપટ બોલ્યો, ‘આ સાધુડો મારું શું ઉખાડી લેવાનો?’ રાણીને ખૂબ શરમ આવી. સંતે રાણીને કહ્યું, ‘ચિંતા કરો મા, મારા આશ્રમમાં એક પોપટ છે. બહુ ભલોભોળો છે. હંમેશાં માળા પકડીને રામનામ જપે છે અને પ્રાર્થનામાં મસ્ત રહે છે. હું આ પોપટને લઈ જઈશ. એની સાથે રાખીશ. એની સંગતમાં આ જરૂર સુધરી જશે.’

થોડા દિવસ પછી રાણી આશ્રમમાં ગયાં. સંત અને રાણી પોપટના પીંજરા પાસે આવ્યાં. ગાળો બોલતો પોપટ એકદમ ચૂપ હતો. કંઈ બોલતો નહોતો. પ્રાર્થના કરતા પોપટે પણ રામનામ જપવાનું છોડી દીધું હતું. માળાના મણકા એક બાજુ વિખેરાયેલા પડ્યા હતા. એણે પણ રાણી કે સંત તરફ જોયું નહીં. બન્ને આશ્ચર્ય પામ્યાં. રાણીએ પોતાના પોપટને પૂછ્યું, ‘તું કેમ ચૂપ છે? સુધરી ગયો? ગાળો કેમ બોલતો નથી?’ પોપટે કહ્યું, ‘હવે જરૂર નથી રહી.’ સંતે આશ્રમના પોપટને પૂછ્યું કે ‘તેં કેમ રામરામના જાપ છોડી દીધા? માળા કેમ તોડી નાખી?’ પોપટે કહ્યું કે ‘જેને માટે હું જાપ કરતો હતો, પ્રાર્થના કરતો હતો એ પોપટી, મારી પ્રેયસી મને મળી ગઈ છે. હવે પ્રાર્થનાની શી જરૂર? આ પોપટ નથી, પોપટી છે. મારી પ્રાર્થના ફળી.’ રાણીની પોપટાણીએ પણ કહ્યું કે ‘હું ગાળો પણ એટલા માટે જ બોલતી હતી. સાવ એકલી પડી ગઈ હતી એટલે દરેક વાતમાં ગુસ્સો આવતો અને અપશબ્દ બોલતી. મનોમન ભગવાનને પણ ભાંડતી કે મને એકલી કેમ રાખી? ભગવાને અમારું સાંભળ્યું અને અમે હવે પ્રેમથી રહીએ છીએ.’ રાણી અને સંત બન્ને દિગ્મૂઢ થઈ ગયાં.

આ પણ વાંચો : ઇન્સાન કહતા હૈ કિ પૈસા આએ તો કુછ કરકે દિખાઉં

અને છેલ્લે...

રામકૃષ્ણ ભગવાનને નૈવૈદ્ય ધરાવતા અને પછી એ જ નૈવૈદ્ય પોતે આરોગી જતા. ભગવાનને માળા પહેરાવતા અને પછી એ જ માળા પોતે પહેરતા. આ વાત મંદિરના ટ્રસ્ટીઓ સુધી પહોંચી. પ્રમુખે તેમને બોલાવ્યા અને ધમકાવતાં કહ્યું, ‘આ કંઈ પૂજાની રીત છે?’ રામકૃષ્ણએ શાંતિથી કહ્યું, ‘પૂજા એ પ્રેમ છે. પ્રેમ રીતથી નહીં, હૃદયથી થાય. ભગવાનને નૈવૈદ્ય ધરાવતા કે માળા પહેરાવતાં અને બન્ને એકમેકમાં લીન થઈ જઈએ છીએ. નૈવૈદ્ય ધરનાર એ જ ખાનાર બની જાય અને માળા પહેરાવનાર પહેરનાર બની જાય, બન્નેમાં કોઈ ફરક રહેતો નથી.’
વધુ બે-ત્રણ વાતો આવતા સપ્તાહે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK