Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : ઐ શોહરતોં! બખ્શો મુઝે, ગુમનામ હો જાને દો અબ

કૉલમ : ઐ શોહરતોં! બખ્શો મુઝે, ગુમનામ હો જાને દો અબ

13 May, 2019 01:00 PM IST |
પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

કૉલમ : ઐ શોહરતોં! બખ્શો મુઝે, ગુમનામ હો જાને દો અબ

પ્રવિણ સોલંકી

પ્રવિણ સોલંકી


માણસ એક રંગ અનેક

સંસારમાં એવી અસંખ્ય વ્યક્તિઓ છે જે નામ મેળવ્યા પછી ગુમનામ થઈ ગઈ છે. પ્રસિદ્ધના સૂરજમાં ઝળહળ્યા પછી અંધકાર ઓઢાડી દેવાની કુદરતની આ પટકથાનો પાર કોઈ પામી શક્યું નથી. હીરોમાંથી ઝીરો અને ઝીરોમાંથી હીરો બની જવાની પ્રક્રિયા અનાદિકાળથી ચાલતી આવી છે.



રવીન્દ્ર દવેનું નામ તમે સાંભળ્યું છે? સાંભળ્યું હોય તો સલામ, ન સાંભળ્યું હોય તો આજે તેના વિશે વાત કરવી છે. ૧૬ એપ્રિલ, ૧૯૧૯માં કરાચી ખાતે તેમનો જન્મ. તેમના જન્મનું આ શતાબ્દી વર્ષ. મુંબઈ-ગુજરાતના બેચાર ખૂણે જન્મ શતાબ્દી વર્ષ ઊજવાયું. ઊજવાઈ રહ્યું છે એ આનંદની વાત કરતાં આઘાતજનક વાત વધારે છે, કેમ કે હિન્દી-ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમનું જબરું પ્રદાન હતું. ફિલ્મરસિક પ્રેક્ષકો માટે તો છે જ પણ ગુજરાતી પ્રજા માટે ગૌરવપ્રદ બીના છે, હતી.


ધારો કે ફિલ્મ ક્ષેત્ર બાવન પ્રfનોત્તરીની રમત ચાલતી હોય ને કોઈ પૂછે કે મશહૂર અભિનેત્રી નૂતનની પહેલી ફિલ્મ કઈ? ‘નગીના’. કોઈ પૂછે કે ગાયક સી. એચ. આત્માએ પહેલી વાર કઈ ફિલ્મમાં ગાયું? ‘નગીના.’ વિજય આનંદ પહેલી વાર કઈ ફિલ્મમાં રજૂ થયા? ‘આગ્રા રોડ’. રાજેશ ખ્ાન્નાએ પહેલી કઈ ફિલ્મ સાઇન કરી? ‘રાઝ’. કોઈ પૂછે નાટu કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી કઈ ગુજરાતી ફિલ્મથી લાઇમ લાઇટમાં આવ્યા? ‘જેસલ તોરલ’. કોઈ પૂછે કે હિન્દી ફિલ્મમાં પૃથ્વીરાજને બધા ‘પાપાજી’ તરીકે ઓળખતા તો ગુજરાતીમાં ‘બાપાજી’ તરીકે કોણ ઓળખાતું? આ બધા સવાલોના જવાબમાં કેન્દ્ર તરીકે છે રવીન્દ્ર દવે.

રવીન્દ્ર દવેએ લગભગ ૩૨ ફિલ્મો-હિન્દી ફિલ્મનું ડિરેક્શન કર્યું. એમાંની સુપરહિટ ફિલ્મો હતી. ‘સાવનભાદો’, ‘પુંજી’, ‘નામ’, ‘મીનાબાઝાર’, ‘નગીના’, ‘મોતી મહલ’, ‘લુટેરા’, ‘સીઆઇડી ગર્લ, ‘આગ્રા રોડ’, ‘પોસ્ટ બૉક્સ ૯૯૯’, ‘ઘર ઘર કી બાત’, ‘ફરિશ્તા’, ‘સટ્ટા બાઝાર’, ‘દુલ્હા-દુલ્હન’, ‘રાઝ’ વગેરે. ૨૩ વર્ષની વયે ૧૯૪૩માં પહેલી ફિલ્મનું (‘પુંજી’) ડિરેક્શન કર્યું.


એ જમાનામાં રવીન્દ્ર દવે ભારતના આલ્ફ્રેડ હિચકૉક ગણાતા. એ સમયે ક્રાઇમ-સસ્પેન્સ ફિલ્મનું ચલણ જ નહોતું. રવીન્દ્રભાઈએ પહેલી મર્ડર મિસ્ટરી ‘ધમકી’ કરી. ખૂબ સફળ રહી. ૧૯૭૦ની આસપાસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડચકાં ખાઈ રહી હતી ત્યારે રવીન્દ્રભાઈ મેદાનમાં આવ્યા.

‘જેસલ તોરલ’એ ધૂમ મચાવી. અવિનાશ વ્યાસનાં ગીત-સંગીતે પ્રેક્ષકોને ઘેલા કર્યા. મનોગમ્ય કથા, નયનરમ્ય છબીકલા અને કર્ણપ્રિય સંગીતે ‘જેસલ તોરલ’ને જાજરમાન બનાવી દીધી. આ ફિલ્મને ગુજરાત રાજ્યના વિવિધ ૧૭ અવૉર્ડ પ્રાપ્ત થયા. રવીન્દ્ર દવેને અવ્વલ નંબરના ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરની હરોળમાં મૂકી દીધા. તો તખ્તાના નટસમ્રાટ-અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીને કચકડાના કામિયાબ કલાકાર તરીકે પ્રસ્થાપિત કર્યા. વળી આ ફિલ્મમાં પ્રથમ વાર રમેશ મહેતાને કૉમેડી રોલમાં મોકળું મેદાન મળ્યું, જે પાછળથી ગુજરાતી ફિલ્મોના કૉમેડી કિંગ તરીકે ઓળખાતા તેમ જ અનુપમા નામની મરાઠી અભિનેત્રીને ‘જેસલ તોરલ’માં પદાર્પણ કરાવ્યું. ‘જેસલ તોરલ’એ અનેક શિખરો સર કર્યાં, અને ગુજરાતી ફિલ્મોનું ગૌરવ વધાર્યું.

‘જેસલ તોરલ’ પછી ‘રાજા ભરથરી’ (૧૯૭૩), ‘હોથલ પદમણી’ (૧૯૭૪), ‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૭૦), ‘શેતલને કાંઠે’ (૧૯૭૫), ‘માલવપતિ મુંજ’ (૧૯૭૬), ‘ભાદર તારાં વહેતાં પાણી’ (૧૯૭૬), ‘સોન કંસારી’ (૧૯૭૦), ‘પાતળી પરમાર’ (૧૯૭૮) બનાવી. આ સર્વે ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી કરી હતી. એક નોંધપાત્ર વાત એ પણ છે કે રવીન્દ્ર દવેએ જે ૨૬ ગુજરાતી ફિલ્મો કરી એમાંથી ૧૬ ફિલ્મોમાં હીરોની ભૂમિકા ઉપેન્દ્ર ત્રિવેદીએ કરી હતી અને વીસ ફિલ્મોમાં સંગીત અવિનાશ વ્યાસનું હતું. તેમની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી ‘માલો નાગદે’ (૧૯૮૫). એક આડવાત પણ લેખને અનુરૂપ અને મારી યુવાનીની યાદગીરી માટે કહું તો ‘જેસલ તોરલ’માં મેં પણ એક નાનકડી ભૂમિકા કરેલી. જ્યારે જોવાની તક મળે ત્યારે દુરબીન લઈને મને શોધી કાઢજો.

રવીન્દ્ર દવેએ કરેલી હિન્દી ફિલ્મોમાં એ સમયે જાણીતા અને માનીતા તમામ કલાકારોએ અભિનય કર્યો જેવા કે સુરૈયા, નર્ગિસ, નિમ્મી, મીનાકુમારી, ગીતા બાલી, નલિની જયવંત, શકીલા, સાધના, માલા સિંહા, રાજ કપૂર, અશોકકુમાર, બલરાજ સાહની, સુનીલ દત્ત વગેરે. એ જ રીતે સંગીતકારો જેવા કે ગુલામ હૈદર, પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ, રોશન, એસ. ડી. બર્મન, સી. રામચંદ્ર, શંકર જયકિશન, કલ્યાણજી આણંદજી, ઓ. પી. નૈયર, રવિ, ચિત્રગુપ્ત જેવા ધુરંધરોએ તેમની ફિલ્મોમાં સંગીત પીરસ્યું.

રવીન્દ્રભાઈનો જન્મ કરાચીમાં, પણ બાપદાદાઓનું મૂળ હળવદમાં હતું. હળવદ એટલે ફિલ્મસર્જકોનું કાશી. અસંખ્ય હિન્દી ફિલ્મ ક્ષેત્રમાં ગુજરાતી માંધાતાઓ હળવદના હતા. દવે, ભટ્ટ, પંચોલી વગેરે હળવદના બ્રાહ્મણોથી ઊભરાતા ફિલ્મ સર્જકોમાં પંચોલીનું નામ બહુ ગાજ્યું. એમાં પણ લાહોરસ્થિત દલસુખ પંચોલીએ લાહોરમાં મોટું કાઠું કાઢ્યું હતું. પંચોલી રવીન્દ્રભાઈના મામા હતા. ૧૭ વર્ષની વયે મામા સાથે તેઓ પ્રોડક્શન મૅનેજર તરીકે જોડાયા. પ્રોડક્શન મૅનેજર તરીકે તેમણે છ-સાત પંજાબી ફિલ્મોમાં કામ કરી અનુભવ મેળવ્યો. લાહોરમાં પંચોલી સાહેબનાં પાંચ થિયેટર, કરાંચીમાં ૭ થિયેટર અને હૈદરાબાદ (સિંધ)માં ૧ થિયેટર હતાં. એ કારણે મૅનેજમેન્ટ શીખવાનો લાભ પણ તેમને મળ્યો.

હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડ્યા અને રવીન્દ્ર દવે ભારતને મળ્યા. લાહોરથી છોડી મુંબઈ તો આવ્યા પણ હૈયામાં હામ અને આંખોમાં સપના સિવાય તેમની પાસે કશું જ બચ્યું નહોતું. મૂડીમાં અનુભવ અને કલા હતાં. શીખ્યું કદી એળે જતું નથી ને અનુભવનું ભાથું કદી છૂટતું નથી એ ઉક્તિ રવીન્દ્રભાઈના સંદર્ભમાં સાચી પડી. એક દિવસ મુંબઈના બસ-સ્ટૉપ પર પ્રકાશ પિક્ચર્સવાળા શંકરભાઈ ભટ્ટ સાથે તેમની મુલાકાત આકસ્મિક રીતે થઈ. બન્ને હળવદિયા. એકબીજાને ઓળખે. બન્ને વચ્ચે ઔપચારિક વાતો થયા બાદ શંકરભાઈએ જાણી લીધું કે રવીન્દ્રભાઈ લાહોર છોડીને કાયમ માટે મુંબઈ આવી ગયા છે. હીરાપારખુ શંકરભાઈએ તેમનો હાથ પકડ્યો અને ‘સાવન ભાદો’ ફિલ્મના ડિરેક્શનની દોર તેમને સોંપી અને નસીબનું પાંદડું ફરી ગયું.

રાજેન્દ્રભાઈ મુંબઈના ફિલ્મ જગતમાં જોતજોતામાં છવાઈ ગયા. એડિટિંગથી માંડીને પટકથાલેખનની કળા જાણતા હોવાથી અને નિષ્ઠા અને પ્રામાણિકપણે મહેનત કરી હોવાથી એક પછી એક સફળતા તેમને વરવા લાગી. તેમણે પોતાનું યુનિટ શરૂ કર્યું. પત્ની જસુબહેનનો સંપૂર્ણ સહકાર મળ્યો. આ જોતજોતામાં આખું દવે કુટુંબ ફિલ્મજગતને ખોળે બેસી ગયું. રવીન્દ્ર દવેના પિતરાઈ ભાઈ પ્રતાપ દવે ‘પોસ્ટ બૉક્સ ૯૯૯’થી તેમના સિનેમૅટોગ્રાફર હતા. તેમના નાના ભાઈ કાંતિલાલ દવે ‘જેસલ તોરલ’થી નર્મિાતા બન્યા. કાંતિલાલના પુત્ર ભરત દવે ‘સંત સુરદાસ’થી નિર્માતા બન્યા. એક બીજા ભાઈ નામે રમેશ દવે પ્રોડક્શન ઇન્ચાર્જ બન્યા.

આટઆટલી સિદ્ધિ એક ગુજરાતી વ્યક્તિએ સ્વબળે મેળવી હોય અને ગુજરાત કે ગુજરાતી વ્યક્તિ તેમને યાદ સુધ્ધાં નથી કરતી એવું મેણું ભાંગવા માટે સુભાષ છેડાએ એક ઉમદા કામ કર્યું. રવીન્દ્રભાઈની કારકિર્દીની તમામ વિગતો-હકીકતો ભેગી કરીને લોકો સામે મૂકી તેમની જન્મશતાબ્દી ઊજવવાનું. સુભાષ છેડા ફિલ્મ અને ફિલ્મ જગતના ચાહક છે. કલા અને કલાકાર વિશેનાં સંશોધનોમાં તેમને ઊંડો રસ છે એમ આવાં ઘણાં સંશોધનો તેમણે કર્યાં છે.

રવીન્દ્ર દવે મસ્તમૌલા, નિખાલસ, આડંબરરહિત અને શોખીન માણસ હતા. જાતજાતના તેમને શોખ હતા. ખાસ તો જુદા-જુદા પ્રકારની કાર વાપરવાનો. ઑસ્ટિન, સિલ્વર કલરની શેવરોલે, કાળા રંગની હડસન, પ્લીમાઉથ, બ્યુક, ઍમ્બૅસૅડર જેવી કાર તેમની પાસે હતી. ડ્રાઇવર પણ તે અને મેકૅનિક પણ તે હતા. કારનું સમારકામ જાતે જ કરે. કાર તો ઠીક, સુતારકામનો પણ જબરો શોખ. બાળકો માટે ખુરશી-ટેબલ જાતે બનાવે. વળી એને પેઇન્ટ કરે. શિલ્પકળામાં પણ રસ. ભોજનકળા હસ્તગત નહોતી, પણ ખાવાનો શોખ. જુદી-જુદી વાનગીઓ બનાવવાનો આગ્રહ રાખે. આ બધા ઉપરાંત તેમને વાંચવાનો ખૂબ શોખ. વાંચન પણ એક જાતનો તેમનો ખોરાક હતો અને એટલે જ ગુજરાતની લોકકલા અને લોકવાર્તાઓને સફળતા પૂર્વક પડદા પર ઉતારી શક્યા.

આ પણ વાંચો : કૉલમ : ઘર મેં આજ હુઆ હૈ ઝગડા, મમ્મી જો દેંગી ખા લેંગે

અને છેલ્લે... એક રસપ્રદ વાત.

૧૯૫૧માં તેમણે ‘નગીના’ ફિલ્મ બનાવી. કદાચ એ પહેલી હિન્દી ફિલ્મ હતી જેને ‘A’ સર્ટિફિકેટ મળ્યું. પુખ્ત વયના લોકો જ એ જોઈ શકે. ફિલ્મમાં કેટલાંક ડરામણાં દૃશ્યો હતાં, જેનાથી બાળકો ભયભીત બની જાય એવો ડર હતો એટલે માત્ર પુખ્ત વયના પ્રેક્ષકો માટે જ પ્રવેશ હતો. ફિલ્મની હિરોઇન હતી નૂતન. શમ્મી કપૂર સાથે નૂતન ફિલ્મના પ્રીમિયર શો-પ્રથમ શોમાં ગઈ. દરવાને તેને અટકાવી પ્રવેશવા ન દીધી. કારણ? કારણ કે એ વખતે નૂતનની વય હતી માત્ર ૧૫ વર્ષ! આ પણ એક દુર્લભ ઘટના હતી કે હિરોઇન પોતાની જ ફિલ્મનો પ્રીમિયર શો જોઈ ન શકી.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2019 01:00 PM IST | | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK