Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અગર હોતે સભી અપને તો બેગાને કહાં જાતે?

અગર હોતે સભી અપને તો બેગાને કહાં જાતે?

18 February, 2019 09:10 AM IST |
પ્રવીણ સોલંકી

અગર હોતે સભી અપને તો બેગાને કહાં જાતે?

પ્રવીણ સોલંકી

પ્રવીણ સોલંકી


માણસ એક રંગ અનેક

ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે, અગર હોતી દુનિયા ચમન તો વિરાને કહાં જાતે
ચલો અચ્છા હુઆ અપનોં મેં કોઈ ગૈર તો નિકલા, અગર હોતે સભી અપને તો બેગાને કહાં જાતે?



સંસાર શુભ-અશુભના દ્વંદ્વ થકી જ છે. તડકો-છાંયો, દિવસ-રાત, સુખ-દુ:ખ, અમૃત-ઝેર, પ્રેમ-વેર બધાં જ એકબીજાના અસ્તિત્વને સહારે છે. કોઈ એક વગર બીજાનું મહત્વ નથી, માહાત્મ્ય નથી. બીજા અર્થમાં કહીએ તો સંસ્ાારમાં અનિષ્ટ છે તો ઇષ્ટની કિંમત છે, ઝેર છે તો અમૃતની ઓળખાણ છે, માતમ છે તો મહેફિલની મજા છે, ઉકરડો છે તો બાગની મહત્તા છે.


વર્ષોથી આપણે એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ. અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓએ કદાચ ઉકરડો શબ્દ સાંભળ્યો જ નહીં હોય. ઉકરડો એટલે ગાર્બેજ? એના સંગ્રહનું સ્થાન? ગુજરાતીમાં ઉકરડાના શબ્દકોષી અર્થ પણ અનેક છે. એક તો છાણ ને પૂંજાનો, ગોબરનો ઢગલો, ગંદું સ્થાન, ગંદવાડ, ગંધાતા કચરાકૂડાનો સંગ્રહ વગેરે. જ્યાં-જ્યાં વસે વસ્તી ત્યાં-ત્યાં ગલી ગંદવાડની. ઉકરડાનો આપણે આભાર માનવો જોઈએ કે આપણી આસપાસની ગંદકી એ ચૂપચાપ સંઘરે છે. આપણી ફરજ છે એને રોજબરોજ નિયમિત રીતે સાફ કરવાની.

આપણી આસપાસ આપણાં ઘરમાં આપણે જેને નકામી-નગણ્ય વસ્તુ ગણીએ છીએ એ કેટલી ઉપયોગી છે એનો આપણને ખ્યાલ જ નથી આવતો. એ બધી નગણ્ય વસ્તુઓમાંથી જીવનના પાઠ શીખવા મળે છે. જો આપણે વિચાર કરીએ તો સાવરણી દરેકના ઘરમાં હોય જ છે. શું કામ છે સાવરણીનું? આપણા ઘરનો કચરો દિવસના ત્રણ-ચાર વાર સાફ કરે છે. ઘરને ચોખ્ખું રાખે છે. ઘરની ચોખ્ખાઈથી મન પ્રસન્ન રહે છે. ચાળણી વિશે આપણે ક્યારેય વિચાર્યું છે? અનાજનો કચરો એ જુદો તારવે છે. ચાળણી અને વાંસળી બન્નેમાં વીંધ હોય છે. એકના વીંધમાંથી સૂર નીકળે છે, જે આપણને શાતા આપે છે. ચાળણીનાં વીંધ આપણને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દીપો બળે છે, પોતાની જાતને બાળે છે આપણને પ્રકાશ આપવા. સાબુ આપણા શરીરનો મેલ સાફ કરે છે, આપણા શરીર માથે ઘસાઈ-ઘસાઈને પોતાની જાતને ઓગાળતાં-ઓગાળતાં.


ગટર મને ગમે છે. ગટર ન હોત તો શું થાત? શહેર કે ગામનું ગંદું પાણી ક્યાં જાત? અગરબત્તી ખુદ બળીને વાતાવરણમાં સુગંધ પ્રસરાવે છે. પગલુછણિયું જાતે ગંદું બનીને આપણા પગની ગંદકી પોતાનામાં સમાવી લે છે.

આપણા ઘરની દરેક વસ્તુ આપણી કેટલી સેવા કરે છે એ ક્યારેય વિચારતા નથી. ધારો કે એક દિવસ તમે ઘરમાં આવો છે ને રોજની આદત મુજબ ઑફિસ-બૅગ, ટેબલ પર મૂકવા જાઓ છો ને ટેબલ ગાયબ હોય તો? કેવા ઘાંઘા-ફાંફાં થઈ જવાય? એક દિવસ પંખો બગડી જાય, ખ્ઘ્ બગડી જાય, ગૅસ ખલાસ થઈ જાય કે ગીઝર બગડી જાય એ ક્ષણે આપણી શું પ્રતિક્રિયા હોય છે? આપણા શરીરનાં અંગો, હાથ, પગ, આંખ, નાક, કાન, બધામાંથી કોઈ એક બગડે ત્યારે કેવી હાલત થાય છે? શું લાગણી અનુભવાય છે? એ જ રીતે આપણા ઘરની દરેક જણસ અપ્રત્યક્ષ રીતે એક અંગ બની ગઈ હોય છે, એના આધાર કે સહારા વગર નિરાધાર બની જઈએ છીએ. આપણને સપને પણ ખ્યાલ નથી રહેતો કે ઘરની નાની વસ્તુઓ આપણા જીવનનું કેટલું અવિભાજ્ય અંગ બની ગઈ છે. ટાંચણી જેવી નગણ્ય ગણાતી વસ્તુ પણ ક્યારેક ન મળતાં વિહ્વળ બની જવાય છે.

એક બીજી વસ્તુનો પણ વિચાર કરીએ કે ઘરની આ બધી વસ્તુઓ નકામી બની જાય ત્યારે વેચી દઈએ છીએ કે ફેંકી દઈએ છીએ. ફેંકી દીધેલી વસ્તુઓને ઉકરડો સંઘરે છે, પણ શરીરનાં અંગોનું શું? નથી આપણે વેચી શકતા નથી ફેંકી શકતા. તો? ક્યાં સંઘરાય છે આ બધું? આપણું મન એક મોટામાં મોટો ઉકરડો છે. આપણા મનમાં કેટલી બધી નકામી વસ્તુઓ આપણે સંઘરી રાખીએ છીએ. બહારના ઉકરડાનો નિકાલ તો મ્યુનિસિપાલિટી કરી નાખે છે, પણ મનના ઉકરડાને સાફ કરવા આપણે જાતે જ મ્યુનિસિપાલિટી બનવું પડે; જે નથી બની શકતા. એથી મનમાં સંઘરાયેલો આ બધો કચરો કોહવાયા કરે છે ને જીવન વિષમ બનાવે છે.

મનના કચરાના નિકાલનો ઉપાય શું? સમુદ્રમંથન વખતે વિષરૂપી કચરો નીકળ્યો અને શંકર એ હળાહળ ગટગટાવી નીલકંઠ બની ગયા. આપણે શંકર બની શકીએ? જી હા! કઈ રીતે? રીત અઘરી છે, પણ મુશ્કેલ નથી. શરત એટલી કે મનમાં સંઘરાયેલા ઉકરડાની દુર્ગંધથી આપણો અંતરાત્મા ત્રસ્ત થઈ જવો જોઈએ. આપણને એની શરમ આવતી થઈ જવી જોઈએ. મનનો ઉકરડો જીવનને દોહ્યલું બનાવે છે એવું ભાન થઈ જવું જોઈએ.

પ્રાર્થના, યોગ, મનન, ચિંતન, સદ્વ્યવહાર, સત્સંગ, સાફ વાંચન, દયા, ધર્મ, ક્ષમતા આ બધાં મનના ઉકરડાની દુર્ગંધ સાફ કરવા માટે એક પ્રકારના ફ્લિટની ગરજ સારે છે. આ બધાં સુગંધી સ્પ્રે છે. ગુણવંત શાહે એક જગ્યાએ લખ્યું છે કે દરેક માણસ પોતાને માથે એક કચરાટોપલી લઈને ફરતો હોય છે. આ વાંચતાં મને વિચાર આવ્યો, માણસ શું કામ? દેવોને માથે તો મને ઘણી વાર કચરાની ટોપલી નહીં, ટોપલો દેખાયો છે. ઇન્દ્રદેવની લંપટતા શું છે? રૂપ બદલીને અનેક સ્ત્રીઓને-પત્નીઓને છેતરનાર, છલના કરનારને માથે તો ટોપલી-ટોપલા કરતાં ઉકરડો જ હોવો જોઈએ. બ્રહ્માજી પોતાની પુત્રી વિશે વિષયાંધ થયા એ શું કચરાટોપલી નહોતી? પરાશર જેવા મુનિએ સોળ વર્ષની કન્યા પાસે સહવાસ માગ્યો એ કચરાટોપલી નહોતી? સત્યવતીને જોઈને વૃદ્ધ શાંતનુ આસક્ત થઈ ગયા એ શું કચરાટોપલી નહોતી? કિંદર્ભ ઋષિ મૃગનું રૂપ ધારણ કરી મૃગલી સાથે મૈથુનમાં મગ્ન થયા એ શું કચરાટોપલી નહીં તો ફૂલછાબ હતી? કચરાટોપલીમાં માત્ર કામવાસના જ નહીં; વેરઝેરની ભાવના, લોભ, ઈર્ષ્યા, મોહમાયા, અધૂરાં સપનાં, અધૂરી આશા, અધૂરી ઇચ્છાઓ, કજિયા, કંકાસનો કૂડો-કચરો પણ હોય છે.

ઉકરડો કેટલો મહત્વનો છે એ વાત હવે સમજાય છેને? કુદરતે દરેક વસ્તુનું નિર્માણ કરતાં પહેલાં એના ઉપયોગનો વિચાર પહેલાં કર્યો છે; પણ માણસ એ ઓળખી શકતો નથી, પારખી શકતો નથી કેમ કે તેની દૃષ્ટિ સંકુચિત છે. એક ચોક્કસ દાયરા સુધી જ તેની નજર પહોંચે છે. એટલે તો કહેવાય છે કે નજરઅંદાજ કરવા જેવું તો ઘણું છે, પણ અંદાજ એવો રાખો કે બધું નજરમાં રહે.

ભાગવતમાં એક ઉત્તમ ઉદાહરણ વાંચવા મïળ્યું. શુકદેવજીના ગુરુ એટલે રાજા જનક. જનક વિદેહી. શિક્ષા પ્રાપ્ત કર્યા પછી શુકદેવજીએ રાજા જનકને ન્ામþતાથી કહ્યું કે ગુરુદેવ, મારે આપને ગુરુદક્ષિણા આપવી છે તો બોલો, આપને શું આપું? જનક રાજાએ મંદ હસતાં-હસતાં કહ્યું ‘વત્સ, હું રાજા છું, મારી પાસે શું નથી? જગતનું સર્વ ઐશ્વર્ય હું ધરાવું છું.’ શુકદેવજીએ કહ્યું, ‘ગુરુદેવ, એટલે જ આપને પૂછવું પડ્યું કે શું આપું?’ ગુરુ-શિષ્યમાં રકઝક ચાલી. શિષ્ય આપવા માટેનો આગ્રહ છોડવા માટે તૈયાર નહોતો અને ગુરુ ન લેવાનો હઠાગ્રહ પકડીને બેઠા હતા. આખરે ગુરુએ યુક્તિ રચીને શિષ્યને ટાળવા માટે કહ્યું કે તું જીદ કરે છે તો ચાલ, મને કોઈ એવી વસ્તુ આપ જે સાવ નકામી હોય. ગુરુ જનક જાણતા હતા કે વિશ્વમાં એવી કોઈ ચીજ નથી જે સાવ નકામી હોય. ચપટી ધૂળ પણ કામની છે. અરે મનુષ્યની વિષ્ટાનો પણ ઉપયોગ છે. એટલે શુકદેવજી માગ્યું આપી શકશે નહીં. પણ શુકદેવજી જનકના શિષ્ય, સહેજે હાર કેમ સ્વીકારે? તેમણે તરત કહ્યું કે ગુરુજી, હું આપે માગેલી વસ્તુ અવશ્ય આપીશ. હમણાં જ આપને ચરણે ધરીશ. જનક રાજા આર્ય સહ બોલ્યા કે વત્સ, સંસારમાં એવી કઈ નકામી ચીજ તારી પાસે છે જે તું મારા ચરણે ધરીશ? શુકદેવજીએ કહ્યું કે ગુરુજી, મારી પાસે એક સાવ નકામી ચીજ છે, વર્ષોથી મેં સંઘરી રાખી છે. એ છે મારો અહંકાર! હું આપને મારો અહંકાર અર્પણ કરું છું. જનક શુકદેવને ભેટી પડ્યા.

અને છેલ્લે...

‘ઘર’ વિશેના મારા નિબંધનું અનુસંધાન

ઘરની ‘બારી’નું મહત્વ શું છે? આપણે કેટલા વિચિત્ર છીએ, હવા અને પ્રકાશ મળે એ માટે બારીઓ રાખીએ છીએ ને પછી પાછા પડદા કરાવીએ છીએ. ઘરનો ઉંબરો આજના કેટલા યુવાનોએ જોયો હશે કે એના વિશે કંઈ વિચાર્યું હશે? ઉંબરો એટલે મર્યાદા. ઉંબરો લક્ષ્મણરેખા પણ કહેવાય. ઘરની લક્ષ્મી બહાર ન ચાલી જાય એટલે ઉંબરાનું સર્જન થયું એવું પણ મનાય છે. આપણે ઉંબરો પૂજીએ છીએ, ઉંબરો આસ્થાનું પ્રતીક છે. ઘરનું પાણિયારું! ‘પાણિયારું’ શબ્દનું અંગ્રેજીમાં ભાષાંતર શું કરું? વૉટર-ફિલ્ટર રાખવાની જગ્યા? એક જમાનામાં ‘પાણિયારું’ ઘરની પવિત્રમાં પવિત્ર જગ્યા ગણાતું. માટીનાં માટલાં અને ત્રાંબા-પિત્તળનાં બેડલાંથી સજ્જ પાણિયારું ઘરની શોભા ગણાતું. લોકો ઘરનું પાણિયારુ જોઈને દીકરી દેતા. પાણિયારામાં જેટલા ઘડા ઓછા એટલું કૂવામાંથી ઓછું પાણી સીંચવું પડેને!

કુદરતે દરેક વસ્તુનું નિર્માણ કરતાં પહેલાં એના ઉપયોગનો વિચાર પહેલાં કર્યો છે; પણ માણસ એ ઓળખી શકતો નથી, પારખી શકતો નથી કેમ કે તેની દૃષ્ટિ સંકુચિત છે. એક ચોક્કસ દાયરા સુધી જ તેની નજર પહોંચે છે. એટલે તો કહેવાય છે કે નજરઅંદાજ કરવા જેવું તો ઘણું છે, પણ અંદાજ એવો રાખો કે બધું નજરમાં રહે. સમાપન

આ પણ વાંચો : થોડી સી આપ કી તારીફ ક્યા કર દી, કિ ચાંદ જલતે જલતે સૂરજ હો ગયા

નકામી વસ્તુ અને વ્યક્તિ માટેની એક હાસ્યરચના

નાથ વગરની નારી નકામી, મકાન વગરની બારી નકામી
ખીચડી બહુ ખારી નકામી, સાકર વગરની ઘારી નકામી
વાત વાતમાં વડકાં નકામાં, સગાં બહુ કડકા નકામાં
રાત બહુ કાળી નકામી, ઘરમાં સાથે સાળી નકામી
કામ વગરનું જાવું નકામું, ભૂખ વગરનું ખાવું નકામું
વધુપડતું બોલવું નકામું, પરાયા પાસે પેટ ખોલવું નકામું
ગણતર વગરનું ભણતર નકામું પોલી જમીનમાં ચણતર નકામું
ફરજ વગરના હક નકામા, રસ વગરના પ્રેક્ષક નકામા

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 09:10 AM IST | | પ્રવીણ સોલંકી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK