જો દૂસરોં કી ખુશી કે લિએ અપની હાર માન લેતા હૈ ઉસસે કોઈ કભી ભી જીત નહીં શકતા હૈ!

Published: Oct 21, 2019, 15:58 IST | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી | મુંબઈ ડેસ્ક

જેટલા બકરા દાનમાં આપો એટલા મોટા તમે? હાળું આ ગણિત મારા મગજમાં ઊતરતું નથી. કંઈક ફોડ પાડો.

પ્રવીણ સોલંકી
પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

ત્રણ પ્રસંગો એવા છે જ્યાં બોલવાનો, સંભાષણ કરવાનો સખત કંટા‍ળો આવે; એક સન્માન સમારંભ, બીજો શોકસભા અને ત્રીજો ચૂંટણીપ્રચારનો સમારંભ. પાંચ, સાત, દસ વક્તાઓએ એકનું એક બોલવાનું હોય. એક ચોક્કસ વ્યક્તિનાં ગુણગાન ગાવાનાં અને તેમણે કરેલાં કાર્યો, ત્યાગ, સમર્પણોનાં ઢોલ-નગારાં વગાડવાનાં. બધું યંત્રવત્, વિધિવત્ હોય. ઉત્સાહ વધારે, ઉમળકો ઓછો. હૃદયને હાંસિયામાં રાખીને શબ્દોના સાથિયા પૂરવા પડે. હા, અપવાદ હોવાના જ. સાચી લાગણી, ભાવના અને નિષ્ઠાથી પણ આવા સમારંભ થાય છે, પણ એની ગતિવિધિ તો એકસરખી જ હોય છે.
તાજેતરમાં એક કિસ્સો બન્યો. લાગશે મજાક, પણ છે હકીકત. આવો માણીએ... એક ચૂંટણીપ્રચારના સમારંભમાં વક્તાએ ઉમેદવારના કુટુંબે કેટકેટલાં બલિદાન આપ્યાં છે એની લાંબી યાદી વર્ણવી. રાબેતા મુજબ તાળીઓ પણ પડી. સભા પછી ભોજન કરતાં-કરતાં એક ઓળખીતી, આધેડ, કાઠિયાવાડી વેપારી વ્યક્તિ મારી પાસે આવી. પૂછ્યું, ‘બાપુ એક સવાલ કે’દાડાનો મારા મનમાં વળ ખાયા કરે છે. થયું કે આજે નિકાલ કરી જ નાખું. હેં ભઈ, બલિદાન એટલે શું? ફલાણાએ ઘણાં બલિદાન આપ્યાં એવું સાંભળીને મને ખૂબ અચરજ થાય છે. મારું હાળું બકરાના બલિદાનથી શું મહાન બની જવાય? જેટલા બકરા દાનમાં આપો એટલા મોટા તમે? હાળું આ ગણિત મારા મગજમાં ઊતરતું નથી. કંઈક ફોડ પાડો.’
કાઠિયાવાડી ભાષામાં કહું તો હું તેમના સવાલથી ઘા ખાઈ ગયો. મેં કહ્યું, ‘સાહેબ, તમને આ વાતમાં બકરા ક્યાંથી યાદ આવી ગયા?’ તેઓ બોલ્યા, ‘કેમ ભઈ, બલિ તો બકરાના જ અપાય છેને, કાંઈ હાથી-ઘોડાના થોડા અપાય છે? બકરું બચાડું ઢીલું-નબળું પ્રાણી એટલે જેને ફાવે ઈ તેને હલાલ કરી નાખે. કહેવાય છેને કે સબળાને સૌ સલામ કરે ને નબળાને હાલતાં-ચાલતાં, વગરવાંકે ટપલાં મારી જાય.’
મને હસવું આવી ગયું. તેમના અજ્ઞાન પર નહીં, તેમના ભોળપણ પર, તેમની ભાષા પર. બાકી આમ વ્યક્તિનું જ્ઞાન તેમના સમાજ, શિક્ષણ, વેપાર અને તેમના વ્યવહાર પૂરતું મર્યાદિત હોય છે એનો અનુભવ તો આપણને ‘કૌન બનેગા કરોડપતિ’ના શો દ્વારા અવારનવાર થતો રહ્યો છે! મેં શાંતિથી તેમને કહ્યું, ‘સાહેબ, તમે આંધળે બહેરું કૂટો છો. બલિ એટલે બકરો નહીં, બલિ એટલે ભોગ, ત્યાગ, કુરબાની. દેવને માટે કાઢેલો ભાગ. બલિ એટલે ભક્ત પ્રહ્‍લાદનો પૌત્ર. દાનવોનો રાજા.’
મારો જવાબ સાંભળીને તેઓ વધારે મૂંઝાયા. મને કહે, ‘ભઈલા, કંઈ ફોડ પાડીને વાત કરો. આમ જલેબીની જેમ ગૂંચળાં ન વાળો.’ પછી મેં ટૂંકમાં બલિરાજાની વાત કહી અને ‘બલિદાન’નો મહિમા સમજાવ્યો. થયું કે આજે વાચકોને પણ એ શબ્દના અર્થ સમીપ લઈ જાઉં!
સમુદ્રમંથનમાંથી અમૃતકુંભ નીકળ્યો. સમુદ્રમંથન દેવો અને દાનવોએ સાથે મળીને કર્યું હતું. હવે આ અમૃતકુંભ કોનો? બન્ને પક્ષે હુંસાતુંસી થઈ, ઝઘડો થયો, મારામારી પર ઊતરી આવ્યા. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભગવાને-વિષ્ણુજીએ મોહિની સ્વરૂપ ધારણ કરીને દૈત્યોને લલચાવ્યા. દૈત્યો અમૃતકુંભ ભૂલી જઈને મોહિનીને પામવા પેંતરા કરવા લાગ્યા. એ તકનો લાભ લઈને વિષ્ણુએ દેવતાઓને અમૃત પીવડાવીને અમર કરી દીધા. દૈત્યોને આ છળની ખબર પડી. ભયંકર યુદ્ધ થયું. દૈત્યો હાર્યા, ઇન્દ્ર ભગવાને દૈત્યોના રાજા બલિનો સંહાર કર્યો.
દાનવો-દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી. એ વિદ્યા વડે શુક્રાચાર્યે બલિરાજાને નવજીવન આપ્યું. બલિ પાસે વિશ્વજિત યજ્ઞ કરાવ્યો. યજ્ઞ દ્વારા દિવ્ય અસ્ત્રશસ્ત્ર અને સર્વજીત રથ મેળવ્યા. આ દિવ્ય શસ્ત્રો વડે બલિએ દેવોને પડકાર્યા. ફરીથી યુદ્ધ થયું. દેવો હાર્યા. બલિના હાથમાં સ્વર્ગનું રાજ્ય આવ્યું. દેવો હતાશ, નિરાધાર, લાચાર થઈ ગયા. બધાએ પ્રભુને શરણે આવીને પૂછ્યું કે ‘પ્રભુ અમારી યાતનાઓનો અંત ક્યારે આવશે?’ પ્રભુએ કહ્યું, ‘અત્યારે તમારો સમય બહુ ખરાબ ચાલે છે. તમારી યાતનાઓનો અંત ત્યારે જ આવશે જ્યારે ગુરુ શુક્રાચાર્ય અને શિષ્ય બલિરાજા વચ્ચે ખટરાગ થશે, ઝઘડો થશે.’ દેવોએ નિરાશ થઈને પૂછ્યું, ‘પણ પ્રભુ, ક્યારે થશે? કેમ થશે અને નહીં જ થાય તો?’ પ્રભુએ કહ્યું, ‘ધીરજ રાખો, એક દિવસ તો થશે જ અને નહીં થાય તો હું કરાવીશ.’
બીજી તરફ બલિએ સ્વર્ગનું રાજ્ય તો મેળવ્યું, પણ એ રાજ્ય ટકાવી રાખવાની ચિંતા વધવા લાગી. સફળતા મેળવવી સહેલી છે, પણ એને ટકાવી રાખવી બહુ મુશ્કેલ છે. બલિરાજા ફરીથી શુક્રાચાર્યના શરણે ગયા. શુક્રાચાર્યે કહ્યું, ‘જે ૧૦૦ અશ્વમેધ યજ્ઞ કરે તે કાયમનો સ્વર્ગનો રાજા બને છે. તું ૧૦૦ અશ્વમેધ યજ્ઞ કર.’
બલિ ૧૦૦ અશ્વમેધ યજ્ઞ કરવાનો છે એ વાત સાંભળીને દેવોની માતા અદિતિ ગભરાયાં. પતિદેવ કશ્યપના કહેવા પ્રમાણે તેમણે ૧૨ દિવસનું પયોવ્રત કર્યું. પ્રભુએ પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું ત્યારે માતા અદિતિએ કહ્યું, ‘હે પ્રભુ, મારા બાળક દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું અપાવો.’ પ્રભુએ કહ્યું કે ‘એ શક્ય નથી. બલિ યજ્ઞ દ્વારા મારું યજન કરે છે; પણ હે મા, આપનું વ્રત વિફળ નહીં થાય. હું આપને જરૂર સહાય કરીશ. બલિને મારવાનું સંભવ નથી, પણ બલિ પાસે માગવાનું તો સંભવ છેને?’
પહેલાં તો અદિતિ કંઈ સમજ્યાં નહીં, પણ તેમને ભગવાન પર ભરોસો હતો. થોડા સમય પછી કશ્યપ-અદિતિને ત્યાં વામન સ્વરૂપે જન્મ લીધો. જન્મ લીધો એમ કહેવા કરતાં પ્રગટ થયા કહેવું વધારે ઉચિત રહેશે. વામનજી પ્રગટ થયા ત્યારે તેમનું સ્વરૂપ ૭ વર્ષનું હતું. કદ ઠીંગણું, બટુકજી.
બલિરાજાના ૯૯ યજ્ઞ પૂરા થયા. ૧૦૦મો યજ્ઞ ચાલે છે ત્યાં બટુકજી પધાર્યા. તેમના મુખનું તેજ અને કાંતિ જોઈને સૌ આભા બની ગયા. વામનજીએ યજ્ઞમાં પૂજા કરી. બલિરાજાએ વામનજીની પૂજા કરી આવકાર આપ્યો. બોલ્યા, ‘મહાત્મા, આપનું સ્વાગત છે. મને લાગે છે કે પૃથ્વી પરના સમસ્ત બ્રાહ્મણોનું તપ મારે ત્યાં આજે આપના રૂપમાં શરીર ધારણ કરીને આવ્યું છે. ધન્ય થયો છું હું. વામનજીએ ઉત્તર આપતાં કહ્યું, ‘બલિ, તારામાં પરદાદા હિરણ્યકશ્યપુનું શૌર્ય, દાદા પ્રહ્‍લાદની ભક્તિ અને પિતા વિશેચનની ઉદારતાનો સમન્વય થયો છે એ જોઈને હું અતિપ્રસન્ન થયો છું.’ બલિરાજા નવાઈ પામ્યા. બોલ્યા, ‘આટલી નાની વયમાં તમે મારા દાદા-પરદાદાને કઈ રીતે જાણો?’ વામનજી મનમાં મલકાતા બોલ્યા, ‘કારણ કે હું તારા બાપાના બાપા અને તેના બાપાનો પણ બાપ છું.’ પછી વાત વાળી લેતાં કહ્યું કે ‘જ્ઞાનને કોઈ વય નડતી નથી.’ બલિએ પછી હાથ જોડીને કહ્યું, ‘હે બટુક બ્રાહ્મણ, હું આપના પર પ્રસન્ન છું. મારા પર ઉપકાર કરી જે માગવું હોય તે માગી લો.’ વામનજી બોલ્યા કે ‘અમારા જેવા બ્રાહ્મણોને બીજું શું જોઈએ? પૂજાપાઠ કરવા ત્રણ ડગલાં જમીન મળી જાય એટલે ભયો ભયો.’ બલિ અભિમાનથી બોલ્યા, ‘આપ બાળક છો એટલે માગતાં નથી આવડતું. ત્રણ ભુવનના નાથ પાસે ત્રણ પગલાં જમીન માગી આપ મારું અપમાન કરો છો. ફરીથી વિચાર કરીને માગો.’ રકઝક ચાલતી હતી. શુક્રાચાર્ય આવ્યા. બધી વાત જાણી. તપના તેજથી આચાર્ય પામી ગયા કે આ તો સ્વયં ભગવાન વિષ્ણુ છે. ગુરુએ શિષ્યને બીજી બાજુ લઈ જઈને કહ્યું કે ‘ચેતી જા, આ વામન નથી, વિરાટ છે. દુનિયાનો દાતાર આજે તારે આંગણે ભિખારી બનીને કંઈ એમનેમ નથી આવ્યો. તને છળવા આવ્યો છે.’ પણ બલિ જેનું નામ, ગુરુને કહ્યું, ‘સ્વયં ભગવાન મારી સામે હાથ લંબાવીને માગે એનાથી બીજું રૂડું શું હોય? મેં તેમને વચન આપ્યું છે, એ મિથ્યા નહીં થાય.’ ગુરુ-શિષ્ય વચ્ચે વાદ થયો, વાદમાંથી વિખવાદ થયો, પણ બલિ આપવા અડગ રહ્યો. વામનજી પાસે આવીને કહ્યું કે ‘ભલે મહારાજ, આપની માગણી હું પૂરી કરીશ. સંકલ્પ કરાવો.’ વામનજી કમંડળમાંથી પાણી કાઢી બલિને આપવા જાય છે ત્યાં શુક્રાચાર્ય ફફડી ઊઠ્યા. શિષ્યનું સત્યાનાશ ન થાય એ આશાએ દેડકાનું રૂપ ધારણ કરી કમંડળના નાળચામાં ઘૂસી ગયા. પાણી બહાર આવે જ નહીં, વામનજીએ ભેદ પામી લીધો. દર્ભની એક સળી લઈને બલિને કહ્યું, ‘ઊભો રહેજે, આમાં કંઈક ભરાયું લાગે છે.’ સળી નાખી નાળચામાં. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ભયભીત બની, ભગવાનના ભોગ બનવામાં કંઈ સાર નથી એમ સમજીને શુક્રાચાર્યે માર્ગ કરી આપ્યો અને દેડકાસ્વરૂપ સંકેલીને અદૃશ્ય થઈ ગયા.
અને છેલ્લે...
વામનજી બલિ પાસે સંકલ્પ કરાવે છે. બલિ કહે છે, ‘પ્રભુ, માપી લો ત્રણ ડગલાં.’ વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તેમનું સ્વરૂપ જોઈને બલિ અંજાઈ ગયો. વામને એક ડગલામાં પૃથ્વી માપી લીધી. બીજા ડગલે આખું બ્રહ્મલોક કબજે કરી લીધું. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? ભગવાને બલિને કહ્યું, ‘બલિ, તેં ત્રણ ડગલાં માટેનું મને વચન આપ્યું છે, બોલ, હવે શું કરું? વચન પૂરું નહીં કરે તો તું નર્કમાં જઈશ. બલિએ હસતાં-હસતાં કહ્યું, ‘આમ મારે આંગણે માગવા આવ્યા એ જ મારું સ્વર્ગ છે. હું નર્કમાં જાઉં કે શૈશૈ નર્કમાં, મારો તો જન્મ સફળ થઈ ગયો. આમ છતાં હું મારું વચન જરૂર પાળીશ. પ્રભુ, ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો. ભગવાન આભા બની ગયા. બલિના માથે ત્રીજું ડગલું મૂકીને પરાસ્ત તો કર્યો, પણ તેમના ત્યાગ અને નિષ્ઠાથી પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો! દાનમાં શ્રેષ્ઠ એટલે રાજા બલિનું દાન અને એટલે જ બલિદાન શબ્દ પ્રયોજાયો.

સમાપન
ઘણાને પ્રશ્ન થાય છે કે વામને ત્રણ ડગલાંનું વચન શું કામ માગ્યું? તેઓ ધારત તો એક જ ડગલામાં બધું લઈ શક્યા હોત, પણ અહીં ગૂઢાર્થ છે. પહેલે ડગલે પૃથ્વીરૂપી માયા સંકેલી લીધી, બીજે ડગલે બ્રહ્મ‍ાંડરૂપી મમતા, પણ અહંકારનું શું? પ્રભુએ તો બલિ પાસે સ્વનું સમર્પણ કરાવવું હતું. શરણાગતિ સ્વીકારે તો અહંકાર જાય. સર્વ સમર્પણથી મમતા જાય, સ્વ-સમર્પણથી અહંતા જાય. ઈશ્વરની લીલા અજબ છે, તેમની ગતિ ન્યારી છે. રમત અનેરી છે, બે પંક્તિઓ ખૂબ જ સૂચક છે. વારંવાર વાંચજો, વાગોળજો, કેટલી સૌમ્યતાથી રાધેશ્યામ વર્માએ આ રમત પર કટાક્ષ કર્યો છે...
‘અમે છીછરું રમતાં રમતાં
ઊંડા ઊંડા જઈએ રે
અમે ઊંડું ઊંડુ રમતાં રમતાં
છીછરા છીછરા થઈએ રે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK