શીખ રહા હૂં અબ મૈં ભી ઇન્સાનોં કો પઢને કા હુનર સુના હૈ ચેહરે પે કિતાબોં સે જ્યાદા લિ‍ખા હોતા હૈ!

Published: Jul 08, 2019, 14:24 IST | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી | મુંબઈ

ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે કે શું ચહેરા ખરેખર વાંચી શકાય છે? ૨૦-૨૫ વર્ષના લગ્નજીવન પછી પણ પત્નીનો ચહેરો વાંચી શક્યા છો?

ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે કે શું ચહેરા ખરેખર વાંચી શકાય છે? ૨૦-૨૫ વર્ષના લગ્નજીવન પછી પણ પત્નીનો ચહેરો વાંચી શક્યા છો? ૧૬-૨૦ વર્ષ પાડોશમાં રહ્યા પછી પણ પાડોશીને જાણી શક્યા છો? ચહેરા જો વાંચી શકાતા હોત તો એમ કેમ કહેવાય છે કે માણસ જેવો હોય છે એવો દેખાતો નથી. તે જેવો દેખાય છે એવો હોતો નથી. એમ તો પુસ્તક પણ ક્યારેક વાંચી શકાય છે, સમજી શકાતું નથી. ખેર, પુસ્તક અને માણસો વાંચ્યા પછી જેકંઈ સમજી શક્યો, માણી-જાણી શક્યો એનો આસ્વાદ આગળ વધારીએ. એક શેર વાંચીને વિચારતો થઈ ગયો.

‘ખૂબસૂરત રિશ્તા હૈ મેરે ઔર ખુદા કે બીચ

જ્યાદા મૈં માંગતા નહીં, કમ વો દેતા નહીં!

કેટલા અર્થ કરી શકાય આ પંક્તિના? માણસને જેટલી માગવામાં શ્રદ્ધા છે એના કરતાં ઈશ્વરને આપવામાં વધારે તત્પરતા છે? ઓછું માગશો તો ઈશ્વર વધુ આપશે? ઈશ્વર પાસે કંઈક માગવું હોય તો એમાં મર્યાદા હોવી જોઈએ? ઈશ્વર આપણી અમર્યાદિત ઇચ્છાઓ જાણે છે એટલે આપણે ઓછું માગીએ તો પ ણતે વધારે જ આપશે એવી શ્રદ્ધા? હકીકત એ છે કે આ પંક્તિ ઈશ્વર પરની શ્રદ્ધાની વાત છે, આપવા-લેવાની નહીં. હવે મજા જુઓ. આ એક પંક્તિ વાંચ્યા પછી આ જ કે આવા જ ભાવાર્થની અનેક પંક્તિ-વિચારો યાદ આવ્યાં.

બાલા શંકર : ‘અરે, પ્રારબ્ધ ઘેલું રહે ને દૂર ભાગે છે, ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે’ કે ‘કેવો ખુદા મળ્યો છે ભલા, શું કહું મરીઝ, પોતે ન દે, બીજા કને માગવા પણ ન દે’ કે મશહૂર પંક્તિ ‘હું જો હાથ ફેલાવું તો એની ખુદાઈ બહુ દૂર નથી, પણ હું માગું ને તે આપે એ વાત મને મંજૂર નથી.’

તો જરા જુદા સંદર્ભમાં.

‘હે ખુદા, તું મને કોઈ ગજથી માપી ન શક્યો

તેં મને દુ:ખ દીધાં તોય તું સંતાપી ન શક્યો

આપણે બન્ને એટલા મગરૂર હતા કે પ્રભુ

હું કંઈ માગી ન શક્યો, તું કંઈ આપી ન શક્યો!’ એક કવિની રચનાનો ભા‍વાર્થ એ છે કે પ્રભુ, માગું તો એટલું જ માગીશ કે એવું વર દે કે ક્યારેય માગવું ન પડે.

એક લઘુકથા યાદ આવી... મર્યા પછી એક માણસનો ઈશ્વરે ચોપડો તપાસ્યો. તેણે આખા જીવનમાં ઈશ્વર પાસે કંઈ જ માગ્યું નહોતું. ઈશ્વરે ગુસ્સે થઈ તેને નરકમાં મોકલવાનો હુકમ કર્યો. માણસે હાથ જોડીને પૂછયું કે ‘પ્રભુ મારી ભૂલ શું છે?’ પ્રભુએ કહ્યું, ‘મારા પરનો અવિશ્વાસ. તેં જીવનમાં મારી પાસે ક્યારેય કેમ કંઈ માગ્યું નહીં? શું મારી ઉદારતા પ્રત્યે તને વિશ્વાસ નહોતો?’

એક સંતની ધાર્મિક વાત. એક સંત અમ્રિતસર ગયા. કેટલાક ભક્તો તેમને સુવર્ણમંદિર લઈ ગયા. સંતને પોતાને ત્યાં આવેલા જોઈને મંદિરના વ્યવસ્થાપકોએ તેમનું સહર્ષ સ્વાગત કર્યું. અંદર પ્રવેશતાં રસ્તામાં એકે કહ્યું, ‘સાહેબ, અમારા આ મંદિરની એક વિશિષ્ટતા છે. મંદિરમાં પ્રવેશવા માટે અમે હિન્દુ-મુસ્લિમનો કોઈ ભેદ રાખતા નથી.’ સંતે કહ્યું, ‘આવું કહેવાની જરૂર શું કામ પડી? આ એક પ્રકારનો અહંકાર છે. મંદિરમાં પ્રવેશવા માટે ભલે તમે હિન્દુ-મુસ્લિમનો ભેદ ન રાખતા હો, પણ તમારા મનમાં તો એ ભેદ છે જ. એવું જો ન હોત તો આવું તમે કહ્યું જ ન હોત.’ બધા ચૂપ થઈ ગયા, પણ સંતે જોયું કે હજી પણ વ્યવસ્થાપકોના મનમાં કોઈ ખટકો છે. સંતે પૂછ્યું, ‘તમે હજી પણ કંઈક કહેવા માગો છો?’ એકે ધીરેથી કહ્યું, ‘આપે માથે ટોપી નથી પહેરી (માથું ઢાંક્યું નથી). માથે ટોપી સિવાય મંદિરમાં પ્રવેશ નથી.’

સંતે હસતાં-હસતાં કહ્યું, ‘તમે મારા શાળાજીવનની યાદ અપાવી. અમારી શા‍ળાનો નિયમ હતો કે ટોપી પહેર્યા વગર આવવું નહીં ને હું ટોપી પહેર્યા વગર જ જતો. શિક્ષક દરરોજ મને વર્ગની બહાર ઊભો રાખતા. થયું એવું કે હું અને શિક્ષક બન્ને કંટાળી ગયા હતા. એક દિવસ મેં શિક્ષકને બેધડક કહ્યું કે ટોપી ખરીદવાના મારી પાસે પૈસા નથી અને કોઈની અપાવેલી ટોપી મારે પહેરવી નથી, પણ એ વાત મહત્ત્વની નથી. મને કહો કે શાળામાં આવો નિયમ શું કામ છે? આની પાછળ કયું શાસ્ત્ર છે? કયું વૈજ્ઞાનિક કારણ છે? શિક્ષકે કપાળ કૂટતાં કહ્યું, શાસ્ત્રની લપ કર માં, નિયમ એટલે નિયમ. એ શું કામ છે એની અમનેય ખબર નથી અને તારેય એ જાણવાની જરૂર નથી. તને એકને અમે ટોપી વગર આવવા દઈએ તો કાલે બધા આવશે.’

ફરી પાછો સન્નાટો છવાઈ ગયો. બીજાએ કહ્યું, ‘સાહેબ આ ચર્ચાનો કોઈ અંત નથી. બીજું બધું જવા દો, આમ માથે ફક્ત એક રૂમાલ બાંધી લો.’ સંતે કહ્યું, ‘મારા માથે આકાશ છે. રૂમાલથી અનેકગણું મોટું છે.’ વ્યવસ્થાપકો હવે અકળાયા, ‘કહ્યું કે માફ કરજો, અમારે તો વિષયને આધીન રહેવું જ પડશે.’ સંતે કહ્યું, ‘જરૂર, તમે તમારી ફરજ બજાવો, હું મંદિરમાં પ્રવેશ નહીં કરું. તમે મને જે માન આપ્યું, મારો સત્કાર કર્યો એ બદલ આભાર.’ એટલું કહીને સંત નીકળી ગયા. રસ્તામાં પોતાના શિષ્યોને કહ્યું કે ‘આપણી આ જ માનસિકતા છે. પરંપરાને જાણ્યા વગર પરંપરાને વળગી રહીએ છીએ. કોઈ પણ નિયમ સમયને અનુસરીને હોય છે, સમય બદલાતાં નિયમ પણ બદલાવા જોઈએ.’

પરંપરાને વળગી રહેવાથી કેવું પરિણામ આવે છે એની એક રમૂજ સંતે શિષ્યોને કહી...

જંગલમાં એક નાનો-ભલો-ભોળો છોકરો ભગવાનની મૂર્તિ સામે રડતાં-રડતાં પ્રાર્થના કરતો હતો. ભગવાને પ્રગટ થઈને પૂછ્યું, ‘શું થયું બેટા?’ છોકરાએ કહ્યું, ‘પ્રભુ, મારી કુહાડી કૂવામાં પડી ગઈ છે. અમારું ગુજરાન લાકડાં કાપવાના ધંધા પર જ ચાલે છે.’ પ્રભુ કૂવામાં ઊતર્યા. એક સોનાની કુહાડી લઈ આવ્યા. છોકરાએ એ લેવાની ના પાડતાં કહ્યું, ‘આવી કીમતી કુહાડી મારી નથી.’ પછી પ્રભુ ચાંદીની અને રૂપાની લઈ આવ્યા. એની પણ ના પાડી. પછી એની મૂળ લોખંડની લઈ આવ્યા. છોકરાએ કહ્યું, ‘હા પ્રભુ, આ જ મારી છે.’ પ્રભુએ છોકરાની પ્રામાણિકતા પર ખુશ થઈ બીજી ત્રણેય કુડાહી તેને ભેટ આપી, પણ છોકરાએ સ્વીકારવાની ના પાડી. પ્રભુએ ગુસ્સે થઈને કહ્યું, ‘હું પ્રસન્ન થાઉં ત્યારે ભેટ આપવાની મારી પરંપરા છે. તું મારી પરંપરાનો અનાદર કરનાર કોણ?’ છોકરાએ ભેટ સ્વીકારી લીધી.

કાળક્રમે છોકરો મોટો થયો. સોના-રૂપા-ચાંદીની કુહાડી વેચીને ધનવાન બન્યો. લગ્ન કર્યાં. એક વાર પત્નીને લઈને જંગલમાં ફરતો હતો ત્યાં તેની પત્ની કૂવામાં પડી ગઈ. ફરી પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુ પ્રગટ થઈને કૂવામાંથી એક સુંદરમજાની ફિલ્મી હિરોઇનને લઈ આવ્યા અને પૂછ્યું, ‘બોલ, આ તારી પત્ની છે?’ છોકરાએ તરત જ કહ્યું, ‘હા, પ્રભુ. આ જ મારી પત્ની છે.’ પ્રભુ એકદમ ગુસ્સે થઈ ગયા. છોકરાને કહ્યું, ‘લક્ષ્મીના મદમાં તું આટલોબધો અપ્રામાણિક થઈ ગયો?’ છોકરો શાંતિથી બોલ્યો, ‘પ્રભુ, આમાં મારો વાંક નથી. વાંક તમારી પરંપરાનો છે. જો મેં હિરોઇનની ના પાડી હોત તો તમે એક પછી એક બીજી લઈ આવ્યા હોત અને પછી મારી મૂળ પત્ની લઈ આવ્યા હોત. આપની પરંપરા મુજબ મને ત્રણેય ભેટ આપત તો મારું શું થાત? હું એકને માંડ-માંડ સાચવી શકું છું.’

ઝેન કથાઓ બહુ જાણીતી છે, પણ ઝેન શબ્દ ક્યાંથી કઈ રીતે આવ્યો એ બહુ ઓછાને ખબર હશે. આમ તો ઝેન શબ્દ હયાતના અર્થ સાથે સંકળાયેલો છે. ભગવાન બુદ્ધ સંસ્કૃત નહીં પાલી ભાષા બોલતા હતા. પાલી ભાષામાં હયાત શબ્દ નથી, એની જગ્યાએ જ્ઞાન શબ્દ છે. બુદ્ધ પાલી ભાષામાં હયાતની જગ્યાએ જ્ઞાન શબ્દ બોલતા. બૌધ ભિક્ષુકો ચીન ગયા ત્યારે બીજી મુશ્કેલી ઊભી થઈ. ચીની ભાષામાં ‘જ્ઞ’ શબ્દ નથી. હકીકતમાં ચીની ભાષામાં કોઈ વર્ણમાલા નથી. ટૂંકમાં જ્ઞાન શબ્દની જગ્યાએ ચાન શબ્દ યોજાયો. બૌધ ધર્મની ખ્યાતિ જપાન સુધી પહોંચી. જપાનમાં ચાનની જગ્યાએ ઝાન અને ત્યાર બાદ ઝેન શબ્દ અમલમાં આવ્યો. ઝેન એટલે હયાત અને હયાત એટલે તલ્લીનતા અને છેલ્લે...

એક ઝેન કથા : એક ઝેન સાધુ ઝૂંપડીમાં રહે. બે-ચાર વાસણ કે બે-ચાર કપડાં સિવાય કશું નહીં છતાં સાધુ ૨૪ કલાક જાગે. લોકો તેને ગાંડો ગણી કહેતા કે આ પાગલને બે-ચાર વાસણ-કપડાંની પણ મમત છૂટતી નથી. રાજાએ વાત સાંભ‍ળી. કુતૂહલવશ થઈ સાધુ પાસે આવ્યા અને કહ્યું, ‘આવું શું કામ કરો છો? મારા મહેલમાં અબજો રૂપિયાની સંપિત્ત છે છતાં હું નિરાંતે સૂઈ જાઉં છું, તમે શું કામ જાગો છો?’ સાધુએ કહ્યું, ‘હે રાજન, તમારા સૂઈ જવાનાં અને મારા જાગવાનાં કારણ જુદાં છે.

આ પણ વાંચો : શું તમારા જીવનમાં કોઈ રુરેકા મોમેન્ટ આવી છે?

હું જે વસ્તુની ચોકી કરતાં જાગું છું એ અમૂલ્ય છે. તમારા ખજાના કરતાં પણ અમૂલ્ય મને છે મારો અંતરાત્મા. એ સદાય જાગતો રહે છે, ક્યારેય ઊંઘી ન જાય, એને કારણે હું જાગું છું. વળી એના સિવાય મારી પાસે કશું જ નથી. જ્યારે તમારી ભૌતિક સંપિત્ત ફક્ત તમારી જ નથી. એમાં બીજા પણ અનેક ભાગીદારો છે, જેની તમને ચિંતા નથી એટલે તમે નિરાંતે સૂઈ શકો છો. આપણું હોય તો જ ન ખોવાય એની ચિંતા થાય. બાકી પરાયા ધનની ચિંતા કોણ કરે છે?’ રાજા સાધુના પગમાં પડી ગયા.

સમાપન

તું તારી ખૂબીઓ જાણ, ખામી કાઢવા માટે લોકો છે

તું આગળ વધતો રહે, ટાંટિયા ખેંચવા માટે લોકો છે

સદા ઉન્નત મસ્તકે ચાલ, નીચો દેખાડવા માટે લોકો છે

તારી ચેતનાને જગાડતો રહે, બુઝાવવા માટે લોકો છે

પુણ્ય કર્યો તો હિસાબ આપ, પાપો ગણવા માટે લોકો છે

ખુદ પર વિશ્વાસ સદા રાખ, શક કરવા માટે લોકો છે

કંઈક કરીને દેખાડ દુનિયાને, તાળી પાડવા માટે લોકો છે

માણસ બનવાનું પહેલાં વિચાર, શયતાન બનાવવા લોકો છે

શું કામ વિચારે છે મરણ બાદ તારું શું થશે?

જે તને પાડતા એ જ ઉપાડવાવાળા લોકો છે.  

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK