Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઐસે માહૌલ મેં દવા કયા હૈ, દુઆ ક્યા હૈ જહાં કાતિલ હી ખુદ પૂછે કિ...

ઐસે માહૌલ મેં દવા કયા હૈ, દુઆ ક્યા હૈ જહાં કાતિલ હી ખુદ પૂછે કિ...

06 April, 2020 04:21 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

ઐસે માહૌલ મેં દવા કયા હૈ, દુઆ ક્યા હૈ જહાં કાતિલ હી ખુદ પૂછે કિ...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


દરેક કાળા વાદળને એક રૂપેરી કોર હોય છે એ ઉક્તિ કોરોનાને પણ એક રીતે લાગુ પડી એમ કહી શકાય. આજે માણસ મશીન બની ગયો છે. હરતુંફરતું મશીન. બહારની દુનિયા તેનો દેશ છે, પોતાનું ઘર જાણે પરદેશ. વહેલી સવારે ઘરેથી નીકળે ત્યારે નાનું બાળક સૂતું હોય અને મોડી રાતે જ્યારે ઘરે આવે ત્યારે પણ. કોઈ રજાને દિવસે પિતાને જોઈને બાળક ચમકી જતાં પૂછે, ‘મમ્મી, આ અંકલ કોણ છે!’ વાતમાં થોડી અતિશયોક્તિ લાગે પણ મોટી માત્રામાં કરુણા છે, લાચારી છે, મજબૂરી છે. કોરોનાને કારણે કોઈ સમયે ઘરે ન રહેતા, સતત ઘડિયાળને કાંટે કામ કરતા, માત્ર સૂવા-જમવા આવતા લોકોને ફરજિયાત ઘરમાં રહેવાનો મોકો-અવસર મળી ગયો. આ વાત મામૂલી નથી, મહામૂલી છે. માણસને લોભ છે એટલે ક્યારેય થોભતો નથી. આજે ખોફને કારણે થંભી ગયો છે.

    જનતા કરફ્યુના દિવસની વાત છે. એ દિવસે બધા જ ઘરે રહ્યા, લગભગ બધા જ. સ્વેચ્છાએ હાઉસ અરેસ્ટ રહેવાનો એ ઐતિહાસિક દિવસ હતો. કાળા વાદળની રૂપેરી કોર હતી. કુટુંબ, આડોશીપાડોશી, આજુબાજુના મિત્રો સાથે મોઢા પર બુકાની બાંધી ગપ્પાં મારવાનો એક અનોખો લહાવો મળ્યો. એ પણ જાણવા મળ્યું કે કેટલાકે કૅરમ બોર્ડ માળિયા પરથી ઉતાર્યું, કેટલાકે ગંજીફાનાં પાનાં પૂરાં બાવન છે કે નહીં એ ગણવા માંડ્યા, કેટલાકે ‘વ્યાપાર’, ‘કરોડપતિ’, ‘સાપસીડી’ રમતનાં પૂંઠાંઓ શોધી કાઢ્યાં. કેટલાકે શોભાના પૂતળારૂપે અલમારીમાં ગોઠવાયેલાં પુસ્તકો ઉપરની ધૂળ ખંખેરી સાફ કર્યાં. કેટલાકે ઘણા સમયથી અસ્પૃશ્ય રહેલી ‘ગીતા’ ને ભજનાવલી ખૂણામાંથી બહાર કાઢી, કોઈએ પટારામાંથી ચોપાટને બહાર કાઢી ખંખેરી તો કોઈએ મળિયામાંથી ધૂળ ખાતું રૅકેટ કે ક્રિકેટનું બૅટ શોધ્યું. સામાન્ય રીતે દુશ્મનોનો મુકાબલો કરવા જાતજાતનાં હથિયાર ભેગા કરતાં હોય છે એમ કોરોના સામે મુકાબલો કરવાનાં  લોકો માટે આ બધાં હથિયાર સમા હતાં.



૨૨ માર્ચ, ૨૦૨૦ ભારત માટે ઐતિહાસિક દિવસ હતો. વિશ્વ માટે ભારતની એકતા અને નાગરિકોની સજાગતા, સતર્કતા ને શક્તિનું ઉદાહરણીય પ્રદર્શન હતું, દીવાદાંડી હતી. ભારત સહિત જગત આખું ૨૦૨૦ની ૨૨ માર્ચ વર્ષો સુધી યાદ કરશે. એ દિવસે દેશનો અવિરત ચાલતો ચરખો બંધ થઈ ગયો. સ્વેચ્છાએ, સ્વયંભૂ રીતે કોઈ પણ જાતની સમજાવટ કે બળજબરી વગર.


દેશભરમાં બધું જ સ્થિર-સ્થગિત હતું, સૂમસામ હતું, શાંતિની ચાદર પથરાઈ ગઈ હતી; પણ એ શાંતિ સ્મશાન શાંતિ નહોતી. એ શાંતિની ભીતર શિસ્તનો અલૌકિક ગુંજારવ હતો. બધું બંધ હતું, પણ જનસમુદાયના દિલની ધડકન આત્મ વિશ્વાસથી ધબકતી હતી, એમાંથી કુદરત સામેના પડકારનાં બ્યુગલ અદૃશ્ય રીતે સંભળાતાં હતાં. એને જાણે અનુમોદન આપતાં હોય એમ આકાશમાં પંખીઓ પાંખો ફફડાવતાં કલશોર કરતાં હતાં. કાબરની ચિચિયારીઓ સંભળાતી હતી, કોયલના ટહુકા સંભળાતા હતા. આસપાસનાં ઘરોમાંથી રમતાં બાળકોના હાકોટા-તાબોટા સંભળાતા હતા, કોઈ ઘરમાંથી ગીત-સંગીતના સૂરો તો ક્યાંકથી ટીવી પર આવતા સમાચારોનો ધ્વનિ. આમ શાંતિ અને ધ્વનિના સમતોલપણાનું એક અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. મને કવિશ્રી રાજેન્દ્ર શાહની કવિતાનું શીર્ષક યાદ આવી ગયું. ‘શાંત કોલાહલ’.

કલાપીની મશહૂર પંક્તિ છે.


‘માણ્યું તેનું સ્મરણ કરવું

એય છે એક લ્હાણું’. 

કોરોનાનો કાળો કેર સહન કરવો એ પણ એક લ્હાણું બની ગઈ ૨૨મી માર્ચની સાંજની પાંચ વાગ્યાની ઘડી. વર્ષો સુધી જેનું સ્મરણ નહીં ભુલાય એવી ઐતિહાસિક પળની એ પરાકાષ્ટા હતી. પોતાની જાતને હોડમાં મૂકી કોરોના સામે જંગ ખેલતા ડૉક્ટરો, પોલીસ કર્મચારીઓ, નર્સો, સ્વયંસેવકો, જવાનો, રોજબરોજની જરૂરિયાતો પૂરી પાડતા કર્મીઓ વગેરેનો આભાર માનવા, કૃતજ્ઞતા વ્યક્ત કરવા અત્ર-તત્ર-સર્વત્રથી – ચારે દિશાના અષ્ટ ખૂણામાંથી વિવિધ ઉપકરણોમાંથી અનાહદ નાદ ગુંજી ઊઠ્યો. થાળીઓ વાગી, તાળીઓ વાગી, સીટીઓ વાગી, ચારેકોરથી હર્ષોલ્લાસ ગુંજ્યો. જાણે કોરોના સામેના જંગનું એક એલાન પણ હોય. ભારતનો દરેક નાગરિક આ દૃશ્ય ક્યારેય નહીં ભૂલી શકે.

રૂપેરી કોરની વાત કર્યા પછી હવે કાળા વાદળની વાત કરીએ. ‘કાતિલ હી પૂછતે હૈં હુઆ કયા હૈ?’ આ કાતિલ કોણ છે? આપણે પોતે જ! કોઈએ સાચું જ કહ્યું છે કે હજારો માણસોની મહેનત પર કોઈ પાંચ જ માણસો પાણી ફેરવી શકે છે. મોટા ભાગના લોકો જનતા કરફ્યુનું પાલન અનુશાસનપૂર્વક કરે છે, પણ એક નાનકડો વર્ગ એવો પણ છે જે સોનાની થાળીમાં મેખની ગરજ પૂરી કરે છે. એમાંનો એક વર્ગ એવો છે જે કોઈ પણ કામ કે કારણ વગર, માત્ર ટહેલવા, વિહંગાવલોકન કરવા પગપાળા કે સ્કૂટર કે કારમાં નીકળી પડે છે. બીજો વર્ગ કોઈ ચોક્કસ બહાનું શોધીને બહારની હવા ખાવા નીકળે છે.

એક ત્રીજો વર્ગ એવો છે જેને વિશે કંઈ પણ બોલતાં, લખતાં કે કહેતાં બે વાર વિચાર કરવો પડે. ભલભલા નેતાઓ પણ તેમનાથી ડરે. આ વર્ગ છે ધાર્મિક વર્ગ! જનતા કરફ્યુ લાગ્યા પછી પણ આજની તારીખ સુધી (૨૮ માર્ચ) ધાર્મિક સ્થળે  ટોળાબંધ અવરજવર ચાલુ રહે! પોલીસ કે નેતાઓએ તેમને સમજાવવાની જવાબદારી ટાળ્યા પછી મારે અળખામણા થવું પડ્યું. માણસ માટે ધર્મ છે કે ધર્મ માટે માણસ? માણસ ટકશે તો ધર્મ ટકશે. જવાબ મળ્યો, ‘આ શ્રદ્ધા‍નો વિષય છે, તમારા જેવા બુદ્ધિશાળીઓએ (કટાક્ષ) આમાં વચ્ચે ન આવવું જોઈએ. વળી અમને પોલીસ તરફથી ચોક્કસ સમયે ધાર્મિક સ્થાન ખુલ્લું રાખવાની છૂટ આપી છે. પછી તમે શું કામ વાંધો લો છો?’

બોલો! આવા મહામાનવોને કઈ રીતે સમજાવી શકાય? પ્રશ્ન દેશના હિતનો હતો, આ લોકોએ વ્યક્તિગત કરી નાખ્યો! શયદાએ જ્યારે બે પંક્તિઓ લખી ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં આ પંક્તિઓ યથાર્થ ઠરશે.

વાત સાચી આંધળાના ધ્યાનમાં આવી શકે

ન સમજવું હોય એને કોણ સમજાવી શકે?

ઘરમાં જ રહેવું, ઘરની બહાર ન જ નીકળવું એવું પોકારી-પોકારીને કહેવા-સમજાવવા છતાં આવા અલ્પમતિ મૂઢ લોકોની અક્કલનો ઇસ્કોતરો કેમ નહીં ખૂલતો હોય? આવા લોકોના માનસમાં કયો વાઇ (ડાઇ) રસ ભરાણો હશે? ઘરમાં જ રહીને દેશની (અને સાથે પોતાની પણ) સેવા કરવાનો કુદરતે એક અમૂલ્ય મોકો આપ્યો છે એને વધાવી લેવાની ઇચ્છા આવા લોકોને કેમ નહીં થતી હોય? યક્ષ પ્રશ્ન તો એ છે કે આવા લોકો આખરે ઇચ્છતા શું હશે? નવાઈ તો એ લાગે છે કે આવા લોકોના ગુરુઓ- સંતો કંઈ નહીં કહેતા હોય? સમજાવતા હોય?

ખેર, દરેક બાબતમાં આવા અપવાદો તો રહેવાના જ. આપણી ફરજ આવા અપવાદોને અવગણીને સાવધાન રહેવાની છે. લડાઈ હજી તો શરૂ થઈ છે, લાંબી  મજલ કાપવાની થાય ત્યારે આપણાં પગ અને હામ થાકેલાં ન હોય એની તકેદારી રાખવાની છે. બીજા દેશોની સરખામણીમાં આપણી સ્થિતિ સારી છે એવું આશ્વાસન આપી પોરસાવાનો આ સમય નથી. આવનારી દરેક ક્ષણ આપણી કસોટીની હશે. આપણે માત્ર લડવાનું જ નથી, જીતવાનું છે, જીવવાનું છે ને જીવવા માટે જ ઘરમાં રહેવાનું છે. એકબીજાથી અંતર રાખવાનું છે. એકબીજાથી જેટલું  વધારે અંતર રાખીશું એટલી જ જલદીથી આપણે એકબીજાની નજીક આવવાની પળ પામીશું.

અને છેલ્લે...

  તત્ત્વચિંતક કન્ફ્યુશ્યસના એક શિષ્યે ગુરુની પરીક્ષા કરવા એક પક્ષીને પોતાના બે હાથની વચ્ચે પકડીને પૂછ્યું, ‘કહો ગુરુજી, મારા હાથમાં પક્ષી જીવતું છે કે મરેલું છે?’  ગુરુજી સમજી ગયા કે મને મૂંઝવવાની જ આ ચાલ છે. હું જે પણ જવાબ આપીશ, મને ખોટો ઠરાવશે. હું પક્ષીને જીવતું કહીશ તો તે દબાવીને મારી નાખશે અને જો મરેલું કહીશ તો હાથ ખુલ્લા કરી પક્ષી ને ઉડાડી મૂકશે. પણ કન્ફયુશ્યસ ખરા અર્થમાં ગુરુ હતા. તેમણે બહુ માર્મિક જવાબ આપ્યો. ‘હે વત્સ, તારા પ્રશ્નનો જવાબ પણ તારા હાથમાં જ છે. અર્થાત્ તું ધારીશ તો પક્ષી જીવતું રહેશે ને તું ધારીશ તો મરી જશે. મારા જવાબને નિમિત્ત બનાવ્યા વગર નક્કી કર, તારે પક્ષીને જિવાડવું છે કે મારવું છે?’

સમાપન

પેશન્ટ : ડૉક્ટર, મને એવી કોઈ દવા આપો કે મારાં બધાં જ દર્દ મટી જાય, હું કોઈ દિવસ માંદો ન પડું ને નિયમિત મારી તબિયતનું ધ્યાન રાખું.

ડૉક્ટર: એ કામ દવાથી નહીં થાય. મારું બિલ વાંચશો એટલે થઈ જશે.

નિંદા હમારી જો કરે, મિત્ર હમારા હોય

બિન સાબુ, બિન પાની સે મેલ હમારા ધોય

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 04:21 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK