Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હમ સમઝદાર ભી ઇતને હૈં કિ ઉનકા જૂઠ પકડ લેતે હૈં ઔર...

હમ સમઝદાર ભી ઇતને હૈં કિ ઉનકા જૂઠ પકડ લેતે હૈં ઔર...

18 November, 2019 03:40 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

હમ સમઝદાર ભી ઇતને હૈં કિ ઉનકા જૂઠ પકડ લેતે હૈં ઔર...

હમ સમઝદાર ભી ઇતને હૈં કિ ઉનકા જૂઠ પકડ લેતે હૈં ઔર...


હકીકતમાં આ શેર લૈલા-મજનૂ, પ્રેમી પંખીડાં માટે છે; પણ સરકાર-પ્રજા માટે પણ એટલો જ બંધ બેસે છે. આ લખાય છે ત્યાં સુધીમાં મહારાષ્ટ્રમાં સરકાર રચાવાની ભવાઈ પૂરી થઈ નથી. દરેક પક્ષ જે રીતે પ્રજાને બેવકૂફ બનાવવા નિવેદનો બહાર પાડે છે એ વાંચતાં-સાંભળતાં હસવું કે રડવું એ જ સમજાતું નથી. દ્રૌપદીનું વસ્ત્રાહરણ ફક્ત એક દુ:શાસને કર્યું હતું. લોકશાહીરૂપી દ્રૌપદીનું વસ્ત્રાહરણ બધા જ પક્ષો કરી રહ્યા છે. કૃષ્ણ ક્યાંય દેખાતો નથી કે કોઈને નજરમાં આવતો નથી. ભીષ્મપિતામહ સમ નેતાઓ ‘બળતું ઘર કૃષ્ણાર્પણ’ કરી અદૃશ્ય છે કે વિદેશમાં છે. કૌરવો અને પાંડવોમાં એવી સેળભેળ થઈ રહી છે કે ઓળખવા મુશ્કેલ થઈ પડ્યા છે.

મને ખરેખર તો દયા આપાણા વિધાનસભ્યો પર આવે છે. ને ગુસ્સો મતદાતાઓ ઉપર. આપણે કેવા લોકોને ચૂંટીએ છીએ? સ્વમાનહીન, લેભાગુ, લાલચુ, અવિશ્વાસુ ઉમેદવારને? ઘેટાંબકરાં ગમે ત્યાં નાસી ન જાય એટલે ભરવાડે એને એક વાડામાં બંધ કરી પૂરી રાખે એમ દરેક પક્ષે પોતાના વિધાનસભ્યોને જુદી-જુદી જગ્યાએ પૂરી રાખ્યા, ગોંધી રાખ્યા. બધા સહર્ષ પુરાવા તૈયાર પણ થઈ જાય-થઈ ગયા. જોકે વર્ષોથી આવું ચાલતું આવ્યું છે. વર્ષો જૂની આપણી આ વેદના છે. આટલાં વર્ષોમાં કોઈ મરદનો બચ્ચો હજી સુધી પાક્યો નથી કે જે પોતાના મોવડી મંડળને પોકારી-પોકારીને કહી દે કે જનતાએ અમારા પર વિશ્વાસ મૂકવો જોઈએ. અમે જાનવર નથી કે ખરીદાઈ શકીએ, વેચાઈ શકીએ. અમને અમારી જવાબદારીનું ભાન છે. લોકશાહીની રક્ષા કરવી એ અમારું વ્રત છે, વચન છે, કર્તવ્ય છે. અમે ખુવાર થઈ જઈશું; પણ ખુમારી નહીં છોડીએ, વફાદારી નહીં મૂકીએ.



કેવાં સરસ વાક્યો લખી નાખ્યાં! પણ ખાટલે મોટી ખોટ પાયાની છે. આવો માઈનો લાલ છે ક્યાં? અહીં તો ‘જેના ભાણામાં લાડુ એના ભાણામાં હું’ના સિદ્ધાંતવાદીઓનો શંભુમેળો ભેગો થયો છે. ‘વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો’ની વૃત્તિવાળી એક આવી જમાત ઊભી થઈ છે. પક્ષ કોઈ પણ હોય, કાગડા બધે જ કાળા છે. દેશના ભવિષ્ય વિશે વિચાર કરતાં ધ્રૂજી ઉઠાય છે. ૭૦ વર્ષથી આ જ સર્કસ ચાલતું આવ્યું છે. એમાં સુધારો કેમ નથી થતો? હજી સુધી એવું કોઈને કેમ નથી સૂઝ્યું કે જે ઉમેદવાર જે પક્ષમાંથી ચૂંટાયેલો હોય તે પક્ષાંતર કરી જ ન શકે? બીજા પક્ષમાં જોડાવું હોય તો વિધાનસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા પછી જ જોડાઈ શકે. માત્ર સ્વતંત્ર ઊભા રહીને જે ચૂંટાય તે જ પોતાનો મનગમતો પક્ષ નક્કી કરી શકે. લેકિન વો દિન કહાં?


વર્ષોથી આપણે નેતા કે પક્ષ દ્વારા એક જ તકિયા કલામ જેવા એક જ સંદેશા સાંભળતા આવ્યા છીએ કે અમારે દેશને સમૃદ્ધ બનાવવો છે, ગરીબી હટાવવી છે, બેરોજગારી ઘટાડવી છે, ખેતીવાડી ક્ષેત્રે ક્રાન્તિ લાવવી છે, શિક્ષણ ક્ષેત્રે સુધારા કરવા છે, વિજ્ઞાન ક્ષેત્રને વિકસાવવું છે વગેરે વગેરે. પક્ષ કોઈ પણ હોય, નારા એકના એક રહ્યા છે. વળી બીજું ઊડીને આંખે વળગે એવું, કાનને વાગે એવું, મગજની નસને તંગ કરે એવું કૉમન ફૅક્ટર એ રહ્યું છે કે જૂની સરકારની ટીકા કરવાની, દેશની હોય કે રાજ્યની હોય. આગલી સરકારે દેશને ખાડામાં નાખી દીધી છે, અમે એ ખાડો પૂરવા આવ્યા છીએ, ખાડામાંથી દેશને બહાર કાઢવા આવ્યા છીએ. આગલી સરકારે દેશને ખીણમાં ધકેલી દીધો છે, અમે દેશને શિખર પર લઈ જવા આવ્યા છીએ એવાં ઢોલ-નગારાં અચૂક સાંભળવા મળે જ. આગલી સરકાર કરતાં અમારું શર્ટ વધારે સફેદ છે એ સૂત્રની પિપૂડી જોરશોરથી વગાડાય જ.

હાલમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવાના ચાલી રહેલા તમાશાએ પ્રજાનું ખૂબ-ખૂબ મનોરંજન કર્યું. એમાં પણ ‘વિચારશ્રેણી’ના મુદ્દાએ તો બેવડ વળી જાય એવા હસાવ્યા. સરકાર રચવા જુદા- જુદા પક્ષોની વિચારશ્રેણીનો આધાર લઈ એક સર્વસામાન્ય-માન્ય વિચારશ્રેણીનો મુસદ્દો બનાવી એકબીજાને ટેકો આપી સરકાર બનાવવી. પક્ષ અને વિચારશ્રેણી? ‘આંસિયા કી બાત કરતે હો? કિસ ઝમાને કી બાત કરતે હો?’ જનતાને એ સત્ય હવે તો સમજાઈ જ ગયું છે કે બધા જ પક્ષની એક જ વિચારશ્રેણી છે. સત્તા! સત્તા પર આવવાની, સત્તા પર ટકી રહેવાની. સત્તા દેવ, સત્તા ધર્મ સત્તા સબ કુછ ભાઈ, સત્તા સિવાય જગની બધ્ધી જૂઠી સગાઈ. સત્તાને ખીલે દેશરૂપી ગાયને બાંધીને દોહવાય એટલી દોહી લેવાની એ જ મુખ્ય વિચારશ્રેણી.


કડવું અને વરવું લાગે એવું આ સત્ય પ્રજા હવે સમજી ગઈ છે.

રાજકીય પક્ષો અને રાજકારણીઓએ આત્મસંશોધન કરવાનો સમય આવી ગયો છે. જો આવાં જ નાટકો ચાલતાં રહેશે તો મતદાનની પવિત્ર ફરજ બજાવવાથી પ્રજા અળગી થઈ જશે. કોને માટે, શું કામ મતદાન કરવું? આવા ભવાડા માટે?

ધીમે-ધીમે જનતાને એવો અહેસાસ થતો જાય છે કે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે, કરવો પડશે. સરકાર પોતાને માટે શું કરશે એ વિચાર બાજુએ રાખીને પોતે દેશ માટે શું કરી શકશે એ જ વિચારવું પડશે. અને આજ સુધી જનતાએ એ જ વિચાર્યું છે. વિચાર કરો, આઝાદી પછી દેશનો આટલોબધો વિકાસ કોને કારણે થયો છે? કોઈ પણ સરકાર કે પક્ષ એનું સંપૂર્ણ શ્રેય લઈ શકે એવી લાગણી ઊભી કરી શક્યા નથી. વિકાસમાં મોટો ફાળો ભારતની જનતાનો જ છે. એની સહનશીલતાનો છે, જનતાના ધૈર્યનો છે, જનતાની બુદ્ધિનો છે, જનતાની ધીરજનો છે. કિસાનોની મહેનતનો, મજૂરોના પરસેવાનો, વેપારીઓની આવડતનો, ઉદ્યોગપતિઓની સૂઝબુઝનો, શિક્ષણશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોની દીર્ઘદૃષ્ટિનો છે. અત્યાર સુધી બધી સરકારે માત્ર ડાકલાં વગાડ્યાં છે, ખરા અર્થમાં નાચી છે તો જનતા જ.

એક ખૂબ જ પ્રચલિત વાત છે. એક વિદેશી ભારતભ્રમણ કરવા આવ્યો. ભારતમાં ૩૬ કરોડ દેવતાઓ છે એ જાણી તેને નવાઈ લાગી હતી. તે નાસ્તિક હતો. ભગવાન પર બિલકુલ ભરોસો નહીં. એક વર્ષના ભ્રમણ પછી તે પોતાને દેશ પહોંચ્યો. તેણે લખેલી ડાયરીમાંની એક નોંધ જાહેરમાં પ્રગટ થઈ. તેણે લખ્યું હતું કે ભારતમાં હું એક વર્ષ ફર્યો, ભારતની આમ જનતા, ભારતના રાજકારણીઓ, સાધુસંતો, જાહેર રસ્તા પર ખેલ કરતા મદારીઓ, રસ્તા પર ભીખ માગતા ભિખારીઓને મળ્યો, નાનાં-નાનાં કારણોસર જાહેરમાં વિરોધ કરતાં ટોળાંઓ જોયાં, વાત-વાતમાં લાગણી દુભાવાનાં કારણોસર નીકળતાં સરઘસો નીરખ્યાં, ગલીના ખૂણેખાંચરે લઘુશંકા કરનારા, પાનની પિચકારી મારનારા, જાહેર બગીચામાં ઊંઘનારા, જુગાર રમનારા, અશિષ્ટ હરકતો કરનારા જોયા, જાહેર શૌચાલયો, રેલવેનાં શૌચાલયો, સરકારી ઑફિસ આવેલાં બિલ્ડિંગો અને મ્યુનિસિપાલિટીનાં મકાનોના શૌચાલયોની દુર્ગંધ અને અવ્યવસ્થા માણી. ઘણુંબધું માણ્યું જે મારે માણવા જેવું નહોતું. પણ સરવાળે મને એક મોટો ફાયદો થયો. હું ભગવાનમાં માનતો થયો. આટલો મોટો દેશ, વસ્તી અને વિસ્તારથી ઊભરાતો દેશ, અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં અવ્વલ નંબરે આવતો દેશ આટલી સરળતાથી, શાંતિથી ચાલી રહ્યો છે એ ઈશ્વરની કૃપા નહીં તો બીજું શું હોઈ શકે? આ અહેવાલ વિદેશીનો અંગત અનુભવ કે અંગત મત હોઈ શકે, થોડીક અતિશયોક્તિ પણ હોઈ શકે છતાં એમાંનું આંશિક સત્ય નજરઅંદાજ કરવા જેવું નથી જ.

અને છેલ્લે...

રાજકારણ અને રાજકારણીઓ માટેનાં કેટલાંક અવતરણો, ઉક્તિઓ માણીએ જે રસપ્રદ અને વિચારપ્રેરક છે.

મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પણ પોતાની ભૂલનો દોષ સહેલાઈથી બીજા પર ઢોળી નાખવો એનું નામ રાજકારણ.

રાજકારણ આટલું બધું ગંદું, અટપટું થઈ ગયું છે એનું કારણ એ છે કે લોકોને ખબર જ નથી કે પોતાને શું જોઈએ છે. જ્યારે રાજકારણીઓ સ્પષ્ટ રીતે જાણે છે કે પોતાને શું જોઈએ છે.

રાજકારણમાં વિરોધ પક્ષની સત્તાનું મૂલ્ય કેટલું? જેટલું પતિનું તેના ઘરમાં હોય એટલું.

જે બેધડક, બેફામ જૂઠાણાં ફેલાવી શકે છે તેના પર લોકો વરસી પડે છે; જ્યારે સાચું બોલનારા પર લોકો માથે છાણાં થાપે છે.

શાસક પક્ષ અને વિરોધ પક્ષની કામગીરી બહુ સ્પષ્ટ છે. વિરોધ પક્ષે શાસક પક્ષના કૌભાંડની ખોજ કરતા રહેવાની અને શાસક પક્ષે એને ઢાંકતા રહેવાની.

ભારત એટલે શાંત બહુમતી અને ધાંધલિયા લઘુમતીનો દેશ. રાજકારણ જ એવો વ્યવસાય છે જેમાં શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.

સાચો રાજકારણી કુશળ ખિસ્સાકાતરુ જેવો તો હોવો જ જોઈએ. સાથોસાથ કુશળ-કપટી વકીલ પણ, જેથી કોઈનું ખિસ્સું કાપ્યું હોવા છતાં કોર્ટમાં સાબિત કરી શકે કે ભોગ બનનારને ખિસ્સું જ નહોતું.

કુશળ રાજકારણીઓને આંકડાની રમત આવડવી જોઈએ. એક રાજકારણીએ કહ્યું કે મારા પક્ષમાં ૮૦૦ સક્રિય સભ્યો છે. ૩૦ મારી તરફેણમાં અને પાંચસો મારી વિરુદ્ધમાં.

રાજકારણીમાં બે યોગ્યતા હોવી જોઈએ, એક વચનો આપવાની અને બીજી એ વચનો પૂરાં કેમ ન કરી શક્યો એનાં કારણો પૂરાં પાડવાની.

આપણા દેશમાં અડધોઅડધ રાજકારણીઓ ભ્રષ્ટ છે. પણ કયા અડધા એ કહેવું બહુ મુશ્કેલ છે.

રાજકારણી એક જ સંજોગમાં ફરી વાર મતગણતરીની માગણી નહીં કરે, જ્યારે તેની પત્નીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હોય.

કેટલીક વાર લાગે છે કે લોકો પાસે જેટલી સમસ્યા છે એ કરતાં રાજકારણીઓ પાસે વધારે ઉકેલ છે.

સારું છે કે રાજકારણીઓ પોતાનાં બધાં વચનો પાળતા નથી, નહીં તો દેશ વહેલો ખાડે જાત.

મુશ્કેલી એ છે કે કૉન્ગ્રેસીઓ પાર્લમેન્ટેરિયનો છે, ઘણા બીજેપી કે જનતા દળ‍ કે બીજા અન્ય પક્ષના પાર્લમેન્ટેરિયનો છે પણ કમનસીબી એ છે કે કોઈ ભારતીય પાર્લમેન્ટેરિયનો નથી.

મને ખરેખર તો દયા આપાણા વિધાનસભ્યો પર આવે છે. ને ગુસ્સો મતદાતાઓ ઉપર. આપણે કેવા લોકોને ચૂંટીએ છીએ? સ્વમાનહીન, લેભાગુ, લાલચુ, અવિશ્વાસુ ઉમેદવારને? ઘેટાંબકરાં ગમે ત્યાં નાસી ન જાય એટલે ભરવાડે એને એક વાડામાં બંધ કરી પૂરી રાખે એમ દરેક પક્ષે પોતાના વિધાનસભ્યોને જુદી-જુદી જગ્યાએ પૂરી રાખ્યા, ગોંધી રાખ્યા. બધા સહર્ષ પુરાવા તૈયાર પણ થઈ જાય-થઈ ગયા.

સમાપન

એક રાજકીય પક્ષની જાહેરાત.

જે આત્મવિશ્વાસથી જૂઠું બોલી શકતો હોય, જેની પાસે મની અને અને મસલ પાવર હોય, બેચાર સાધુસંતો અને અપાર ગુંડામવાલીઓને પાળ્યા હોય, શરમ નેવે મૂકી હોય, માનઅપમાન ગળી જવાની ક્ષમતા હોય, ફેંકાફેંક કરવાની અને વચનોની લહાણી કરવામાં પાવરધો હોય, ટોળાં ભેગાં કરવાની અને વિખેરવાની ચતુરાઈ હોય એવી વ્યક્તિની જરૂર છે. શૈક્ષણિક લાયકાત અનિવાર્ય નથી. અમારો સંપર્ક સાધો.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 03:40 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK