આ માણસનું સાલું કેવું હોય છે? કેટલા માણસમાં માણસ જેવું હોય છે?

Published: Feb 06, 2020, 15:57 IST | Jayesh Chitalia | Mumbai Desk

માણસ સામે તેની માણસાઈ સંબંધી અનેક સવાલ અને શંકા ઊઠી રહ્યાં છે, માનવી કેવો બની રહ્યો છે, શું કરી રહ્યો છે, કઈ દિશામાં જઈ રહ્યો છે? આ સવાલના જવાબ માણસોએ જ શોધવા રહ્યા...

એક ઝાડ પર રાતના બે ભૂત વાતચીત કરી રહ્યાં હતાં. એ સમયે ઝાડ પાસેથી એક માણસ પસાર થતો હોય છે જેને જોઈ એક ભૂતે બીજા ભૂતને કહ્યું, હમણાં ચૂપ રહી જા, અહીંથી માણસ પસાર થઈ રહ્યો છે. આ સાંભળી બીજા ભૂતે કહ્યું, અરે તું અંધશ્રદ્ધામાં નહીં પડ, હવે માણસ જેવું કંઈ રહ્યું નથી. આ ભૂતની વાત કમ સે કમ એક વાર વિચારવા પ્રેરે છે અથવા મજબૂર કરે છે, શું માણસો હવે માણસ રહ્યા છે ખરા? આ સાથે એક પંક્તિ પણ યાદ આવે છે,

આ માણસનું સાલું કેવું હોય છે?
કેટલા માણસમાં માણસ જેવું હોય છે?

કેમ માણસ આવો થઈ ગયો? શું બની ગયું યા શું થઈ રહ્યું છે કે માણસ સામે તેના મનુષ્યત્વ બાબતે સવાલ અને શંકા ઊઠે છે. આપણે બધી રીતે વિકાસ કરી રહ્યા છીએ. જ્ઞાન, વિજ્ઞાન, ટેક્નૉલૉજી, અવકાશ, બ્રહ્માંડ, તબીબી વગેરે સહિત અનેક વિષયમાં આપણે સતત નવું શોધતા અને સિદ્ધ કરતા રહ્યા છીએ. જગતને અને જીવનને એક નવું જ સ્વરૂપ આપી દીધું હોય એવું લાગ્યા કરે છે. અનેક સિદ્ધિ માણસના નામે બોલે છે. માનવી ધારે તો શું ન કરી શકે એવું પણ ગર્વપૂર્વક કહેવાય છે અને એવું માનવી સાબિત પણ કરે છે. પરંતુ આ બધાં સત્ત્વો અને તત્ત્વો વચ્ચે માણસ પોતે ક્યાંક ખોવાઈ ગયો છે. આ માણસને સર્વનામ ગણીને આપણે આપણી ભીતર ડોકિયું કરીએ, ઊંડા ઊતરીએ તો ખયાલ મળે કે બધે સફળ થતો જતો માણસ સત્ય, ન્યાય અને માનવતાની બાબતે ક્યાં થાપ ખાઈ રહ્યો છે, ક્યાં માણસ તરીકે હારી રહ્યો છે, નિષ્ફળ જઈ રહ્યો છે? આપણે માણસ તરીકે કેવું જગત નિર્માણ કરી રહ્યા છીએ? આપણી ભાવિ પેઢીને શું આપીને જવા માગીએ છીએ? આ સવાલ દરેક માનવીએ વિચારવા જેવો છે.

આપણે બધું છીએ, પણ માણસ?
કારણ સીધાં અને સરળ છે તેમ છતાં આપણે એને નજરઅંદાજ કરી રહ્યા છીએ. આપણી ભીતરનાં અહંકાર, અભિમાન, ઈર્ષ્યા, વેરઝેરના ભાવ આપણને સત્ય સુધી જતા રોકે છે, સત્ય સુધી જવાની વાત તો બાજુએ રહી, સત્યને ઓળખતાં પણ રોકે છે. આપણે ઊંડા ઊતરીએ તો છેલ્લા કેટલાક દસકાઓથી યા સદીથી આપણામાં જે પરિવર્તન શરૂ થયા છે એમાં આપણે એકેક ક્ષેત્રમાં સરસાઈ મેળવી રહ્યા છીએ, પરંતુ માણસાઈ ગુમાવી રહ્યા છીએ. આપણા પાયાના ઘડતરમાં એવું આવી ગયું છે કે આપણી અંદરનો માણસ બાજુએ રહી ગયો છે અને આપણે હિન્દુ યા મુસ્લિમ કે ઈસાઈ કે સિખ બની ગયા છીએ. આપણે ઉત્તર ભારતીય, સાઉથ ઇન્ડિયન, બિહારી, મરાઠી, ગુજરાતી, તામિલ, બંગાળી બની ગયા છીએ, આપણે લોકો ડૉક્ટર, વકીલ, પ્રોફેસર, સીએ, એન્જિનિયર, રાજકીય કે સામાજિક નેતા, પ્રધાન, સંસદસભ્ય, સરકારી અમલદાર, ઉદ્યોગપતિ, બિઝનેમૅન, કૉર્પોરેટર, સરપંચ વગેરે બની ગયા છીએ. આપણને બાળપણથી કંઈક ને કંઈક બનવાનું શીખવવામાં આવે છે, પણ માણસ બનવાનું શીખવવામાં આવતું નથી!

માણસ તરીકે માનવતા કેટલી?
આપણા માણસની આગળ કેટલાંય પદ અને પ્રતિષ્ઠા લાગી ગયાં છે. આપણે ધર્મના, જ્ઞાતિ, જાતિ, પેટાજ્ઞાતિ, પેટાજાતિ, ઊંચ, નીચ, પૈસાદાર, ગરીબ કેટલાય ટુકડાઓમાં વહેંચાઈ ગયા છીએ જેને લીધે આપણે માત્ર માનવી તરીકેનું અસ્તિત્વ ખોઈ બેઠા હોઈએ એવો સવાલ વારંવાર થયા કરે છે. આપણે કહેવાતા માનવતાવાદી ખરા, માનવ અધિકાર માટે લડનારા ખરા; પરંતુ માનવતાની સાચી વ્યાખ્યા શું? માનવ અધિકાર ખરેખર શું? ન્યાય અને અન્યાય શું? સત્ય અને અસત્ય શું? આવા અનેક પાયાના સવાલોના જવાબ ખોઈ બેઠા છીએ. આપણે રંગ બદલતા કાચિંડાનો પણ વિક્રમ તોડી નાખ્યો છે. કાચિંડો પણ અમુક હદ સુધી રંગ બદલે છે અને અમુક જ રંગ બદલે છે, જ્યારે આપણી રંગ બદલવાની ગતિવિધિ ખતરનાક છે. કાચિંડો તો પોતાના કુદરતી સ્વભાવ અને રક્ષણ માટે આમ કરે, જ્યારે આપણે માણસ તો માત્ર અંગત સ્વાર્થ માટે આવું કરીએ છીએ. કોઈને પણ ક્યારે પણ છેતરવામાં આપણને કોઈ ફરક પડતો નથી. ખોટું બોલવામાં કે ખોટું કરવામાં આપણને હવે કોઈ સંવેદના રહી નથી. એવા અસંખ્ય કિસ્સા આપણી સામે બનતા રહે છે. હાલની સ્થિતિ પણ જોઈએ તો આપણા રાષ્ટ્રનું જે થવાનું હોય તે થાય, આપણે માણસ તરીકે સાવ જ અસંવેદનશીલ, નિષ્ઠુર, બુદ્ધિહીન, સ્વાર્થી બની ગયા છીએ. આપણામાં પણ શેતાનો-હેવાનો સક્રિય બન્યા છે, જ્યારે સજ્જનો નિષ્ક્રિય રહ્યા છે, આપણે બધા મળીને આપણા રાષ્ટ્રના ટુકડા કરતા રહ્યા છીએ અથવા ટુકડા થતા જોઈ રહ્યા છીએ. સત્તા અને સ્વાર્થની તરસ-ભૂખને મિટાવવા આપણે માણસાઈની દરેક સીમાને તોડી રહ્યા છીએ.

ધર્મને પકડ્યો, ધાર્મિકતા છોડી દીધી
આપણને આપણી ભીતરથી સવાલનો જવાબ મળતો નથી ત્યારે આપણે આપણા પરમાત્માને આ સવાલ પૂછીએ છીએ તો જવાબ એ જ મળે છે કે એ તમારી સમસ્યા છે. મેં તો તમને બધાને માણસ તરીકે જગતમાં મોકલ્યા હતા, તમે માણસને બદલે બીજું કંઈક બનવાનું પસંદ કર્યું તો હું શું કરું? તમે ધર્મને પકડ્યો અને ધાર્મિકતા છોડી દીધી. તમે જાતિ, જ્ઞાતિ, સત્તા અને સંપત્તિને પકડી લીધી જ્યારે કે કરુણતા અને માનવતા છોડી દીધી. તમે અહંકારને પકડી લીધો અને એ અહંકારને માનવ કરતાં પણ મોટો બનાવી નમ્રતા અને ઉદારતા છોડી દીધી. હાલની સ્થિતિની વાત કરીએ તો તમે દેશના નાગરિકત્વ માટે લડી રહ્યા છો, પણ તમે નાગરિકપણું છોડી દીધું. તમને અધિકાર જોઈએ છે, પરંતુ તમને ફરજ બજાવવી નથી. તમે જેની થાળીમાં ખાઓ છો તેનું જ ખોદો છો. તમે જે માટીમાં રહો છો તેને જ ધૂળ માનીને પગ નીચે રગડી નાખો છો. તમે તો પરમાત્માને પણ પકડીને તેના પર માલિકી ભાવ બનાવી લીધો અને તમારી માન્યતાની વિવિધ જેલમાં તેને પૂરી દીધો, પરંતુ પરમને સમજવાનાં સત્ય અને વિવેકને છોડી દીધાં. હવે તો તમે ખુદ ઈશ્વર પણ આવીને કહે તો તેની વાત પણ ક્યાં માનવા જેવા રહ્યા છો?

પરમાત્મા હજી પસ્તાયો નથી
સમય અને સંજોગ માણસની પરીક્ષા લેતો રહે છે, આ સમય-સજોગમાં જ માણસ કેટલો માણસ છે એ સાબિત થાય છે. વર્તમાન સમયમાં બધા જ માણસો માટે માણસ તરીકે તેમની સામે સવાલ ઉઠાવવો ન્યાયી કે વાજબી ન ગણાય, પરંતુ અમુક માણસોએ તેની સાચી તસવીર શેતાનની હોવાની બતાવી દીધી છે. સવાલ માત્ર વર્તમાન સમયનો નથી, આ યુદ્ધ કે ઇન્સાન અને શેતાન તરીકે જીવવાની લડાઈ સતત ચાલુ જ રહી છે. જીવે છે ઘણા, મરે છે પણ ઘણા. આજ સુધી કરોડ લોકો આવ્યા અને ગયા તેમ છતાં માણસ તરીકે કેટલા જીવી ગયા? માણસાઈને કેટલા લોકો સાર્થક કરી ગયા એ સવાલ થતો રહે છે, જવાબ બહુ ઓછા છે. તેમ છતાં રવીન્દ્રનાથ ઠાકુર (ટાગોરસાહેબ)ના શબ્દોમાં કહીએ તો દરેક નવા બાળકનો જન્મ એટલું તો સાબિત કરે છે કે પરમાત્મા માણસ બનાવીને હજી પસ્તાયો નથી. આ માણસ બહેતર બની શકે છે અને જગતને સુંદર બનાવી શકે છે એવું સતત સાબિત થતું રહ્યું છે, તેથી જ ભાવિ માટે આશા અકબંધ રહે છે. આપણે આ સમય-સંજોગમાં માણસ તરીકે કેવા છીએ અને આ જગતને શું આપી જવા માગીએ છીએ એ સ્વયંને જ પૂછી લઈએ. આપણો ધર્મ કોઈ પણ હોય, માનવતાથી મોટો ધર્મ કોઈ હોઈ શકે નહીં. આપણામાં માનવતાનો ધર્મ છે કે નહીં એનો જવાબ આપણાથી વધુ સાચો કોણ આપી શકે?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK