ભારતે માલદીવને મોકલાવ્યું પાંચ પ્લેન ભરીને પીવાનું પાણી

Published: 6th December, 2014 04:45 IST

વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બળી જવાને કારણે પીવાના પાણી માટે તરસી રહેલા માલદીવના પાટનગર માલેના એક લાખથી વધુ રહેવાસીઓ માટે ભારતીય હવાઈ દળનાં પાંચ વિમાનો ગઈ  કાલે ૨૦૦ ટન પાણી અને રાહતસામગ્રી લઈને પહોંચ્યાં હતાં.

પોતાના દેશમાં સર્જાયેલી સ્થિતિની માહિતી આપતાં માલદીવના આર્થિક વિકાસ પ્રધાન મોહમ્મદ શરીફે કહ્યું હતું કે ‘સરકારે કટોકટી જાહેર કરી છે અને ભારત, શ્રીલંકા, ચીન તથા અમેરિકા પાસેથી મદદ માગી છે. વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આગ લાગ્યા પછી સરકારે લોકોને પીવાના પાણીની બૉટલો મફત આપી હતી, પણ સ્નાન કરવા માટેનું પાણી ન હોવાથી પરિસ્થિતિ વણસવા માંડી હતી,’

ભારતે કરેલી મદદ બાબતે માલે ખાતેના ભારતના રાજદૂત રાજીવ શહારેએ જણાવ્યું હતું કે ‘ભારતથી પાંચ મોટાં માલવાહક વિમાનોમાં પાણી મગાવવામાં આવ્યું છે. પાણીને ફિલ્ટર કરવાનો પ્લાન્ટ ધરાવતું એક જહાજ પણ માલદીવ મોકલવામાં આવ્યું છે.’ હિન્દ મહાસાગરમાં આવેલા દ્વીપ-દેશ માલદીવ પાસે પીવાના પાણીનો પ્રાકૃતિક સ્રોત નથી અને પીવાના પાણીની વ્યવસ્થા દરિયાના પાણીને ફિલ્ટર કરીને કરવામાં આવે છે. માલેની હૉસ્પિટલો અને હોટેલોમાં વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે, પણ સ્થાનિક રહેવાસીઓએ તો સરકાર તરફથી મળતા પાણી પર જ આધાર રાખવો પડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK