ટ્રેનના દરવાજા પર ઊભા રહેવામાં ગુજરાતી યુવાને બહેનનાં લગ્ન માટેનું સોનું ગુમાવ્યું

Published: 29th July, 2012 04:05 IST

મલાડ પાસે રેલવે-ટ્રૅકના થાંભલા પર ઊભેલા માણસે અંકિત રાયચુરાના હાથ પર ફટકો મારીને ચેઇન, સોનાના સિક્કા અને ૧૦,૦૦૦ રૂપિયાવાળી બૅગ ઝૂંટવી લીધી

gujarati-gold-trainકાલબાદેવીમાં કાપડબજારમાં કામ કરતો અને મલાડ (વેસ્ટ)માં રહેતો અંકિત પ્રફુલ રાયચુરા શુક્રવારે રાતે ટ્રેનમાં આવી રહ્યો હતો. મલાડ સ્ટેશન નજીક આવતાં દરવાજા પર ઊભા રહેલા અંકિતના હાથ પર રેલવે-ટ્રૅકના થાંભલા પર ઊભેલા એક માણસે ફટકો મારીને તેની બૅગ ઝૂંટવી લીધી હતી. આ બૅગમાં તેની બહેન માટે ઘરેણાં બનાવવાનું સોનું, ૧૦,૦૦૦ રૂપિયા કૅશ અને એક મોબાઇલ હતાં. અંકિતના હાથમાંથી આ સોનું જતાં તેનો મિડલક્લાસ પરિવાર અત્યારે ચિંતામાં મુકાઈ ગયો છે.  

હાલાઈ લોહાણા જ્ઞાતિનો અને મલાડ (વેસ્ટ)ના દેવચંદનગરમાં રહેતો ૨૧ વર્ષનો અંકિત તેના માસાની કાલબાદેવીમાં આવેલી કાપડની દુકાનમાં ત્રણ વર્ષથી જૉબ કરે છે. તેના પિતા દવાબજારમાં સર્વિસ કરે છે અને અત્યારે વતન ગયા છે. તેની બહેન રિન્કી બીકૉમ થઈ છે અને ટ્યુશન કરે છે. અંકિતે આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘સોનાનો ભાવ દિવસે-દિવસે વધી રહ્યો છે એટલે ઘરમાં જે સોનું છે એમાંથી બહેન માટે એક-એક ઘરેણું બનાવતા જઈએ એવું વિચારીને મમ્મીએ મને શુક્રવારે ઘરમાં પડેલી સોનાની ચેઇન અને સોનાના ૧૦-૧૦ ગ્રામના બે સિક્કા આપ્યા અને કહ્યું કે ઝવેરી બજારમાંથી આનો ટચ અને વજન કરાવતો આવજે જેથી આપણે એમાંથી બહેન માટે ઘરેણાં બનાવી શકીએ.’

શુક્રવારે બૅગ કઈ રીતે ગઈ એ વિશે માહિતી આપતાં અંકિતે કહ્યું હતું કે ‘શુક્રવારે હું મારી રાબેતા મુજબની ચર્ચગેટથી ૮.૨૧ વાગ્યાની બોરીવલી ફાસ્ટ ટ્રેનમાં પાછો આવી રહ્યો હતો. મલાડ આવતાં હું દરવાજા પર આવ્યો હતો. એ વખતે રુઇયા હૉલ સામે ટ્રૅક નજીક થાંભલા પર ઊભેલા માણસે મારા હાથ પર તેના હાથથી જ ફટકો માર્યો હતો જેને કારણે મારા હાથમાંથી બૅગ પડી ગઈ હતી. મારી બૅગમાં એ વખતે સોનાની ચેઇન અને ૧૦-૧૦ ગ્રામના સોનાના બે સિક્કા, એક મોબાઇલ ફોન અને ૧૦,૦૦૦ રૂપિયા કૅશ હતાં. મલાડ સ્ટેશન પર ટ્રેન ઊભી રહી એટલે હું અને મારો એક ફ્રેન્ડ તરત જ ટ્રૅક પર દોડ્યા હતા અને તપાસ કરી હતી, પણ તે માણસ નાસી છૂટuો હતો. મેં મલાડ રેલવે-પોલીસને ફરિયાદ કરી તો તેમણે મને બોરીવલી જઈ જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)માં ફરિયાદ કરવા કહ્યું હતું. શુક્રવારે રાતે જઈને મેં પ્રાથમિક માહિતી તેમને આપી હતી, પણ ત્યાર બાદ ગઈ કાલે સવારે જઈને મેં એફઆઇઆર નોંધાવ્યો હતો.’    

બોરીવલી જીઆરપીના એક ઑફિસરે આ બાબતે કહ્યું હતું કે ‘અમે ચોરીનો કેસ નોંધ્યો છે. બીજું, આ રીતની ચોરી કરતા કેટલાક રીઢા ગુનેગારોને અમે જાણીએ છીએ એટલે સિટી પોલીસની મદદ લઈ અમે તેમની પૂછપરછ કરીશું. મુખ્યત્વે અમે અંકિતના મોબાઇલના આઇએમઈઆઇ (ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરને ટ્રેસ કરી ચોરને પકડવાની કોશિશ કરી રહ્યા છીએ.’

બીકૉમ = બૅચલર ઑફ કૉમર્સ, એફઆઇઆર = ફર્સ્ટ ઇન્ફર્મે‍શન રિપોર્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK