Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરણાઈના સૂરને બદલે મોતનું માતમ

શરણાઈના સૂરને બદલે મોતનું માતમ

05 January, 2021 11:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શરણાઈના સૂરને બદલે મોતનું માતમ

શરણાઈના સૂરને બદલે મોતનું માતમ


મલાડ (વેસ્ટ)ના લિન્ક રોડ પાસે આવેલા શિવશક્તિ બિલ્ડિંગમાં રહેતા ૨૭ વર્ષના અમિત ગૌડનાં લગ્નની તારીખ નક્કી કરવા તેને લઈને તેનો પરિવાર ૬ તારીખે છોકરીવાળાના ઘરે જવાનો હતો, પણ એના ત્રણ જ દિવસ પહેલાં થયેલા અકસ્માતમાં અમિતનું કરુણ મૃત્યુ થતાં તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેની માતા ત્રણ દિવસથી સતત રડી રહી છે. પરિવારમાં તે સૌથી નાનો અને લાડકો હતો એથી તેનાં લગ્ન કરવાની પરિવારને બહુ હોંશ હતી, પણ હવે શરણાઈના સૂરની જગ્યાએ મોતનું મોતમ છવાઈ ગયું છે. તેના પિતા પણ તેનો ફોટો જોઈ આંસુ ખાળી શક્યા નહોતા. 

વર્ષોથી મુંબઈમાં રહેતા રામવિલાસે આ અકસ્માત વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે ત્રણ દીકરા. અમિત સૌથી નાનો. અમે તો ૬ તારિખે તેનાં લગ્નની તારીખ નક્કી કરવા જવાનાં હતાં, પણ એ પહેલાં જ આ બની ગયું. અમિત પ્રાઇવેટ કાર ચલાવવાનું કામ કરતો હતો. તે ઘરેથી તેની બાઇક પર જતો અને ત્યાર બાદ મૅડમની ગાડી લઈને આગળ જતો. શનિવારે બપોરે ત્રણ વાગ્યે તે ઘરેથી નીકળ્યો હતો. મૅડમની ડૉટરને વરલી મૂકવા ગયો હતો ત્યાર બાદ રાતે ૧૧.૩૦ વાગ્યે તેની મોટી ભાભી ભાવનાએ તેને ફોન કરીને પૂછ્યું કે ક્યારે ઘરે આવો છો? તો તેણે કહ્યું કે હું હજી વરલી છું, મને આવતાં એકથી દોઢ કલાક લાગશે. દોઢ કલાક વીતી જવા છતાં જ્યારે તે ઘર ન આવ્યો ત્યારે ભાવનાએ ફરી ફોન કર્યો હતો. ત્યારે પોલીસે એ ફોન રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે અમિતનો ઍક્સિડન્ટ થયો છે, જલદી શતાબ્દી હૉસ્પિટલ પહોંચો. અમિતને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને બહુ બધું લોહી વહી ગયું હતું. તેને માત્ર એક સફેદ પટ્ટી લગાડાઈ હતી. અમે ડૉક્ટરને કહ્યું પણ ખરું કે તેના માથામાં ચીરો પડી ગયો છે, ટાંકા લઈ લો તો લોહી થોભી જશે. પણ તેમણે કહ્યું કે ટાંકા લેનાર ડૉક્ટર આજે નથી. ત્યાર બાદ અમે તેમને એમ પણ કહ્યું કે અમે અમારી જવાબદારી પર તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જઈએ, પણ અન્ય ડૉક્ટરો અને પોલીસે અમને તેને બીજી હૉસ્પિટલમાં લઈ જવાની પરવાનગી ન આપી. રવિવારે પરોઢિયે ચાર વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેનાં લગ્ન કરવાના અમને બહુ કોડ હતા, પણ હવે માત્ર તેની યાદો સાથે જ જીવવું પડશે.’



બાંગુરનગર પોલીસ સ્ટેશનનાં સિનિયર પીઆઇ શોભા પિસેએ અકસ્માત વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મલાડ લિન્ક રોડ પર ટોયોટાના શોરૂમ પાસે મરનારનો અકસ્માત થયો હતો. તેની યામાહા બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તે રસ્તા પર પટકાતાં ગંભીર રીતે ઘવાયો હતો. તેને શતાબ્દી હૉસ્પિટલ લઈ જવાયો હતો. જોકે ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK