મલાડમાં આવેલા પાસપોર્ટ સર્વિસ સેન્ટરના સ્ટાફની ફ્લૅશ સ્ટ્રાઇકથી પબ્લિક પરેશાન

Published: 28th November, 2012 05:01 IST

મલાડ (ઈસ્ટ)ના રાણી સતી માર્ગ પર આવેલા રાહેજા ટિસ્કો પ્લાઝા અપાર્ટમેન્ટમાં આવેલા પાસપોર્ટ સર્વિસ સેન્ટરનો સ્ટાફ ગઈ કાલે સવારે વેરિફિકેશન ઑફિસર અને ગ્રાન્ટિંગ ઑફિસર સહિત ત્રણ કર્મચારીઓની ટ્રાન્સફરના વિરોધમાં અચાનક જ સ્ટ્રાઇક પર ઊતરી ગયો હતો,જેને કારણે પાસપોર્ટનાં વિવિધ કામ માટે આવતા લોકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી.

સવારે સાડાદસથી બપોરે લંચ-ટાઇમના દોઢ વાગ્યા સુધી તેઓ સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા. જોકે ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે દરમ્યાનગીરી કરી તેમને કામ પર ચડી જવા કહ્યું હતું અને તેમના વિરોધના મુદ્દા આપવા કહ્યું હતું અને જો એમ ન કરે તો તેમની સામે ઍક્શન લેવાની ચીમકી આપતાં તેઓ ફરી કામ પર ચડી ગયા હતા. લંચ-ટાઇમ પછી રાબેતા મુજબ કામ શરૂ થઈ શક્યું હતું. 

કેટલાક સ્ટાફ-મેમ્બર્સે બહાર આવેલા લોકોને આવીને કહ્યું પણ હતું કે તેઓ ફ્લૅશ સ્ટ્રાઇક પર ઊતરી ગયા હોવાથી કામ નહીં થાય, જ્યારે લોકોએ તેમનો વિરોધ કર્યો ત્યારે તેમણે સૉલ્યુશન માટે કહ્યું કે જે પણ લોકોને અપૉઇન્ટમેન્ટ આપવામાં આવી છે એ પોસ્ટપોન કરાશે અને નવી અપૉઇન્ટમેન્ટની જાણ તેમને એસએમએસ દ્વારા અથવા કૉલ કરીને કરવામાં આવશે. જોકે પોતાનો કામધંધો છોડીને ખાસ રજા કઢાવીને પાસપોર્ટનું કામ કરાવવા આવેલા લોકો તેમના આ સૉલ્યુશનને કારણે નારાજ થયા હતા અને તેમણે ગોકીરો મચાવી દીધો હતો. એથી કોઈકે આ બાબતે દિંડોશી પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી ગઈ હતી અને ટોળા પર કાબૂ મેળવ્યો હતો.

આ બાબતે વધુ માહિતી આપતાં રીજનલ પાસપોર્ટ ઑફિસર વિનયકુમાર ચૌબેએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૦ વર્ષથી એ ત્રણ કર્મચારીઓ (વેરિફિકેશન ઑફિસર અને ગ્રાન્ટિંગ ઑફિસર) મુંબઈમાં સર્વિસ કરે છે. રોટેશન-વાઇઝ તેમાંના એકને અમદાવાદ અને બેને પણજી ટ્રાન્સફર આપવામાં આવી હતી, પણ તેમને એ ટ્રાન્સફર લેવી નહોતી એથી તેમણે વિરોધ દર્શાવી તેમના સ્ટાફનો સાથ લઈ ફ્લૅશ સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા.’

એસએમએસ=શૉર્ટ મેસેજિંગ સર્વિસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK