મેક-અપ કદીયે સૌંદર્ય પ્રગટાવતો નથી, ઊલટાનું એ તો કુરૂપતાને ડિક્લેર કરે છે

Published: 19th December, 2014 06:09 IST

સત્ય કદી કદરૂપું નથી હોતું અને જૂઠાણું કદી રૂપાળું નથી હોતું. મેક-અપ તો તેણે કરવો પડે જે રૂપાળું ન હોય
સોશ્યલ સાયન્સ - રોહિત શાહ


યાર, એક વાત સમજાતી નથી કે આધાર કાર્ડમાં કોઈ પણ વ્યક્તિનો ફોટો કેમ સારો નથી હોતો? મારી વાત ન માનવા જેવી લાગે તો અમિતાભ બચ્ચનના ઘેર જઈને તેમની પુત્રવધૂ અને વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનનું આધાર કાર્ડ જોઈ આવવાની તમને છૂટ છે. ‘વિશ્વસુંદરીનો ફોટોય આધાર કાર્ડમાં તો ખરાબ જ કેમ હોય?’ આ સવાલ તમનેય પછી પજવશે.

અહીં હું આધાર કાર્ડની વાત કરું છું, નિરાધાર કાર્ડની નહીં. જે આધાર કાર્ડ દેશભરમાં વ્યક્તિની સાચી ઓળખ ગણાવાની હોય અને જે આધાર કાર્ડ વ્યક્તિની રાષ્ટ્રીયતાનો પુરાવો ગણાતો હોય એમાં જ વ્યક્તિનો ફોટો આવો કઢંગો અને કદરૂપો? આધાર કાર્ડ આવ્યું એ પહેલાં સરકારે ઇલેક્શન કાર્ડ જાહેર કરેલું. એનીયે આવી જ ભૂંડી દશા હતી. એમાંય કોઈનો ચહેરો ક્લિયર દેખાતો નહોતો. કાં તો કાળા ધબ્બા જેવું હોય કાં તો આંખો ખેંચી-ખેંચીને જોવું પડે એટલું ઝાંખું છપાયેલું હોય!

વૉટ્સઍપ પર કોઈકે મસ્ત કમેન્ટ વહેતી મૂકી છે કે દરેક માણસ એટલો કદરૂપો નથી હોતો જેટલો તે આધાર કાર્ડમાં દેખાય છે અને દરેક માણસ એટલો રૂપાળો પણ નથી હોતો જેટલો તે તેના ફેસબુક પર દેખાય છે! ફેસબુક પરનો ફોટો તો કદરૂપા આદમીનો હશે તોય કામદેવ જેવો લાગશે અને રખડતી ભિખારણનો હશે તોય રૂપસુંદરી જેવો લાગશે!

વૉટ્સઍપની ઉપરની કમેન્ટની સાથે જ બીજી પણ એક મસ્ત કમેન્ટ હતી કે ‘દરેક માણસ એટલો ખરાબ નથી હોતો જેટલો તેની વાઇફ સમજતી હોય છે અથવા વર્ણવતી હોય છે અને એટલો સારો પણ નથી હોતો જેટલો તેની માતા તેને સમજતી કે વર્ણવતી હોય છે!’

દરેક પત્નીને તેના લાઇફ-પાર્ટનરની ખામીઓ જ દેખાય છે અને દરેક માતાને તેના દીકરાની ખૂબીઓ જ દેખાય છે! માતાની દૃષ્ટિએ જે યુવક પુત્ર સારો હોય છે તે જ યુવક તેની પત્નીની નજરે કેમ સારો નથી હોતો?

કવિઓ કહે છે કે સૌંદર્ય વસ્તુમાં નથી હોતું, જોનારની આંખોમાં હોય છે. જોનાર વ્યક્તિ કેવી દૃષ્ટિએ જુએ છે એના આધારે વસ્તુમાં સૌંદર્ય કે કુરૂપતા દેખાય છે. શું આ વાત આટલી હદે સાચી હશે? માતાની આંખ અને પત્નીની આંખમાં જોવા માટેનો આટલો મોટો દૃષ્ટિભેદ હોતો હશે?

ફ્રેડરિક નીત્શેની સામે એક વખત તેના કોઈ સ્વજને ખોટું બોલવાનું સાહસ કર્યું હતું. એ જૂઠાણું પકડાઈ ગયા પછી નીત્શેએ કેવું રીએક્શન આપ્યું હતું? તેણે કહેલું કે તમે મારી સામે જૂઠું બોલ્યા એનું મને જરાય દુ:ખ નથી, પરંતુ હવે પછી હું કદીયે તમારો ભરોસો નહીં કરી શકું એનું ભારોભાર દુ:ખ છે.

મારા એક વાચકે મને એક વખત કહ્યું હતું, ‘તમારા લેખો હું રેગ્યુલર વાંચું છું. તમે બેધડક સાચી વાત લખો છો. સાચું કહેવા કે લખવા માટે આટલી બધી હિંમત તમે કેવી રીતે કરો છો?’ મેં જવાબમાં કહ્યું કે ‘સાચું બોલવામાં-કહેવામાં વળી શાની હિંમત જોઈએ? હિંમત તો ખોટું બોલવામાં જોઈએ!’

પોતાની જાતને છેતરીને બોલવું, બીજાને સારું લગાડવા માટે બોલવું, દિલમાં હોય એનાથી કંઈક વિપરીત બોલવું એ બધામાં હિંમત જોઈએ. તમે રસ્તા પરથી વાહન લઈને જતા હો ત્યારે નિયમ પ્રમાણે વાહન ચલાવવામાં હિંમત જોઈએ કે નિયમો તોડીને વાહન ચલાવવામાં હિંમત જોઈએ? સ્ટૉપ-સિગ્નલ હોય ત્યાં વાહન થોભાવવામાં હિંમતની જરૂર નથી હોતી, સ્ટૉપ-સિગ્નલ હોવા છતાં વાહન દોડાવી મારવામાં હિંમત કરવી પડે છે. જોકે એવી હિંમતને હિંમત ન કહેવાય, નફટાઈ કહેવાય.

સત્ય કદી કદરૂપું નથી હોતું અને અસંત્ય કદી રૂપાળું નથી હોતું. મેક-અપ તો તેણે કરવો પડે જે રૂપાળું ન હોય! પતંગિયાને કદી મેક-અપ કરવો પડે ખરો? અને કોલસાને ગમે તેટલો મેક-અપ કરો તોય એ સુંદર લાગે ખરો? સાચી અને તાત્વિક વાત તો એ છે કે કોલસાની કાળાશ એ એનું સૌંદર્ય છે, કારણ કે એ એનું સત્ય છે. મેક-અપ કદીયે સૌંદર્ય પ્રગટાવતો નથી, ઊલટાનું એ તો કુરૂપતાને ડિક્લેર કરે છે!

કોઈ વાત આપણે આખી દુનિયાને સમજાવી શકીએ, પણ પોતે ન સમજી શકીએ એ ટ્રૅજેડી છે. આપણે ઘણી વખત ભ્રષ્ટ અને બેઈમાન માણસની ખુશામત કરતા હોઈએ છીએ. બીજાઓ આગળ એ માણસની ખોટી વાહવાહી કરતા હોઈએ છીએ. ભોળા લોકો આપણી વાત સાચી માની લે છે. પેલા બેઈમાન આદમીને આપણા કહેવાથી લોકો સજ્જન માનવા માંડે છે, પરંતુ આપણી જાતને ભીતરથી આપણે એ વાતની પ્રતીતિ કરાવી નથી શકતા. બીજા લોકો તેનો ભરોસો કરે એવાં વિધાનો આપણે વારંવાર કરતા હોઈએ છીએ, પરંતુ ખુદ આપણે તેનો જરાય ભરોસો કરવા તૈયાર નથી હોતા. અત્યારે ઘણા કૉન્ગ્રેસીઓ રાહુલ ગાંધી બાબતે આવી પરિસ્થિતિ કદાચ અનુભવી રહ્યા છે.

તાજેતરમાં ‘કસ્તુરબા’ નાટક જોયું. એને નાટક કહેવાય કે નહીં એ વિશે મારો પ્રતિભાવ આપવાનો મને અધિકાર નથી, કારણ કે નાટકના સ્વરૂપ વિશે અને રંગમંચના નિયમો કે એની વ્યાખ્યાઓ વિશે હું ખાસ્સો અજ્ઞાની છું. છતાં એટલું અવશ્ય કહી શકું કે આ નાટકમાં બધું વેરવિખેર છે. પચાસ જેટલા પ્રસંગોને દૃશ્ય-શ્રાવ્ય રૂપે રજૂ કર્યા છે. ટુકડા-ટુકડા છે. સૂત્રધાર દ્વારા સાતત્ય પ્રગટાવવાનો પ્રયત્ન થયો છે, પણ એ ઇનફ લાગતો નથી. ભાવક નાટક જોતી-માણતી વખતે ધક્કા-આંચકા ખાવાનું પસંદ ન જ કરે. વળી પ્રસંગોને ઝડપથી ભજવી નાખવાને કારણે પાત્રના મનો-વ્યાપારોનું જે ડેપ્થ પ્રગટવું જોઈએ એ માટે એમાં બિલકુલ અવકાશ નથી. આપણું જીવન પણ એક નાટક જ છે. એમાં સત્યનું અને સાતત્યનું સૌંદર્ય હોવું જરૂરી છે.

તમારે શું જોઈએ છે?

આધાર કાર્ડના ફોટો અને વૉટ્સઍપના ફોટો બન્ને જૂઠા છે. પત્નીની સમજ અને માતાની સમજ બન્ને ખોટી છે. સત્ય કંઈક જુદું જ છે. પત્ની સત્ય જોતી નથી અને માતા સત્ય જોવા ઇચ્છતી નથી-જોઈ શકતી નથી. આપણી લાઇફને સુંદર બનાવવી હોય તો સત્યનું સૌંદર્ય ખીલવવું પડશે. એવું થશે તો પછી સાચું કહેવા-લખવામાં હિંમતની જરૂર નહીં પડે, ખોટું બોલવામાં જ લુચ્ચી હિંમત એકઠી કરવી પડશે. તમારે સચ્ચાઈનું સૌંદર્ય જોઈએ છે કે પછી સૌંદર્ય હેઠળ ઢંકાયેલી કુરૂપતા?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK