પરમ તેજ સ‌મીપ તું લઈ જાઃ અઠવાડિયામાં એક કલાક ફાળવો તમારા શહેરને

Published: Dec 30, 2019, 14:24 IST | Manoj Joshi | Mumbai

હા, જરૂરિયાતમંદને દત્તક લેવાના કામની સાથે એક કામ આ પણ કરવાનું છે. ૨૦૨૦ને રુટિન બનાવીને નહીં રાખો. આ વર્ષને એવું બનાવો કે જ્યારે પણ તમને ૨૦૨૦ યાદ આવે ત્યારે તમારી આંખ સામે કંઈક નવું કર્યાનો આનંદ આવી જાય.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

હા, જરૂરિયાતમંદને દત્તક લેવાના કામની સાથે એક કામ આ પણ કરવાનું છે. ૨૦૨૦ને રુટિન બનાવીને નહીં રાખો. આ વર્ષને એવું બનાવો કે જ્યારે પણ તમને ૨૦૨૦ યાદ આવે ત્યારે તમારી આંખ સામે કંઈક નવું કર્યાનો આનંદ આવી જાય. પરમ તેજ સમીપ ગયાની ખુશી તમારી આંખોમાં ઝળકી આવે અને એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે તમારી જાતને કેન્દ્રમાંથી કાઢીને કોઈ માટે જીવવાનું શરૂ કરશો. કોઈ માટે જીવવાની આ એક શ્રેષ્ઠ રીત છે અને આ રીતને અપનાવવાની છે. અઠવાડિયામાં એક કલાક, માત્ર એક કલાક તમારે તમારા શહેરને આપવાનો છે. મુંબઈ મોટું છે. તમે મુંબઈને એક કલાક ન આપી શકો તો જ્યાં પણ રહો છો, જે સબર્બ તમારું છે એ સબર્બને એક કલાક ફાળવો. એક કલાક ફાળવીને શું કરવાનું એ પ્રશ્ન નહીં પૂછતાં. કારણ કે એ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે અને જે સમયે આ પ્રશ્ન પૂછશો એ જ સમયે તમને ખબર પડી જશે કે તમારે કરવાનું શું છે, તમારા વિસ્તારને, તમારા શહેરને શાની જરૂર છે?

એક કલાક શહેરને ફાળવવાનું કામ તમે સફાઈના સ્વરૂપમાં તો એકદમ સહજ રીતે કરી શકશો. સુશોભનના રૂપમાં પણ કરી શકશો અને તમારી સોસાયટીને, તમારા શહેરને વધુ ઉમદા બનાવવાની બાબતમાં પણ કરી શકો છો. તમારે કરવાનું માત્ર એટલું છે કે કોઈ પણ જાતના સંકોચ વિના, શરમ વિના તમારે તમારા ઘરમાંથી બહાર નીકળી જવાનું છે. ઘરની બહાર જેવો પગ મૂકશો કે તરત જ તમારા શહેરની શરૂઆત થઈ જશે. છ દિવસ દરમ્યાન જે કંઈ કરી નથી શક્યા એ બધું આ એક કલાકમાં કરી લો. રસ્તા પર પડેલો કચરો ઉપાડવાનું કામ પણ કરવા માંડો અને જ્યાં-ત્યાં પડેલા પથ્થરોને ઉપાડીને એક બાજુએ એકત્રિત કરીને પણ તમે શહેરને મદદરૂપ બની શકો. રસ્તા પર ટ્રાફિક હોય તો એ ટ્રાફિકને આગળ વધવાની બાબતમાં પણ તમે સહાયરૂપ બની શકો છો અને ઝાડની આજુબાજુમાં ચોંટાડી રાખવામાં આવેલા પોસ્ટરને ઉખાડીને પણ શહેરને વધારે ખૂબસૂરત બનાવવાનું કામ કરી શકો છો.

આ શહેર તમારું છે, આ શહેરમાં તમારું ઘર છે અને તમારે આજીવન આ શહેરમાં રહેવાનું છે. જેટલું શહેર સારું હશે, જેટલું શહેર શ્રેષ્ઠ દેખાશે એટલું જ તમારું જીવન શ્રેષ્ઠ બનશે. કોઈ જાતના સંકોચ વિના તમારા શહેરને એક કલાક આપો. આ એક એવું કામ છે જે કામ તમને પોતાને ખુશી આપવાનું, સંતોષ આપવાનું કામ કરશે. આજે વાત આપણે એક કલાકની કરીએ છીએ, પણ તમને ગૅરન્ટી સાથે કહું છું કે બે કે ત્રણ અઠવાડિયાં પછી તમે તમારી કાંડા ઘડિયાળ સામે નહીં જુઓ. ખરેખર, તમે બધું ભૂલીને તમારા શહેરને, તમારા વિસ્તારને સાચવવાના કામમાં લાગી જશો. આત્મ‌ીયતા વધશે એ જુદી. એક વખત આ કામ શરૂ કર્યા પછી કોઈને તમારું શહેર બગાડતાં જોશો તો જે અકળામણ આવશે એ અકળામણ પણ અકલ્પનીય હશે. રસ્તા પર કચરો કરનારાને લાફો મારવાનું મન થઈ આવશે અને પાનની પિચકારીથી રસ્તા પર રંગોળી કરનારાઓને શહેરમાંથી હાંકી કાઢવાનું મન થઈ આવશે.

દિવસ દરમ્યાન અઢળક કલાકો ફાલતું રીતે આપણે વેડફીએ છીએ, એ વેડફાટમાં ઘટાડો કરીને આ એક કલાક ફાળવવાનો છે અને તમારી સાથે મળીને કલાક શહેરને આપે એવા મિત્રો જોડવાના છે. રિટાયરમેન્ટ પછી ઘરમાં બેસી રહેનારાઓ માટે આ એક એવી એક્ટ‌િવિટી છે જે તેમના જીવતરને એક ધ્યેય આપશે. ધ્યેયપ્રાપ્ત‌િ માટે ઊઠો, જાગો અને મચી પડો ૨૦૨૦માં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK