તમારું લગ્નજીવન ખતરામાં નથીને?

Published: 1st December, 2011 07:26 IST

દામ્પત્યજીવન પ્રૉબ્લેમમાં મુકાય એ પહેલાં જ અમુક લક્ષણોથી ખ્યાલ આવી જાય છે કે દાળમાં કંઈક કાળું છે, પણ આપણે એને નજરઅંદાજ કરીએ છીએ. કયાં છે એ લક્ષણો?(ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી)

સંબંધ કાચ જેવા હોય છે, એને તૂટતાં વાર લાગતી નથી. છતાંય આપણા દેશમાં આજ સુધી લગ્નસંબંધને જીવનભરનો સંબંધ ગણવામાં આવતો. જોકે હવે સિનારિયો બદલાઈ ગયો છે. લગ્નસંબંધ સાવ તકલાદી બની ગયા છે. કોઈકનું લગ્નજીવન બે-ચાર મહિનામાં નંદવાઈ જાય છે તો કોઈકના લગ્નજીવનમાં ત્રીસ-પાંત્રીસ વર્ષના સહવાસ પછી પણ દરાર પડે છે. ઘણા લોકોને આઘાત લાગી જાય છે જ્યારે તેમને ખબર પડે છે કે તેમનો પ્રેમાળ પાર્ટનર પ્રેમમાં છે, એ પણ પોતાના નહીં પણ કોઈ ત્રીજી જ વ્યક્તિના. પણ આ બધું કંઈ સાવ અચાનક જ નથી બનતું, મોટા ભાગના કિસ્સાઓમાં આવું કંઈ બને એના થોડા જ સમયમાં એનાં લક્ષણો દેખા દેવા માંડે છે, પરંતુ તમે એ જોઈ શકતા નથી અથવા તો જોવા માટે તૈયાર નથી કે જોવા માગતા જ નથી. તમારા ભ્રમને યથાવત્ રાખવા માગો છો કે મારો પતિ/પત્ની મને જ પ્રેમ કરે છે અને તે લગ્નેતર સંબંધ બાંધી જ શકે નહીં. આપણે આજે એવી નિશાનીઓ અને એવાં લક્ષણો વિશે વાત કરવાના છીએ જેના દ્વારા તમારી પીઠ પાછળ કશુંક રંધાઈ રહ્યું છે એનો ખ્યાલ આવી શકે છે. આવી વાતોને નજરઅંદાજ નથી કરવાની. અમુક બાબતો રેડ સિગ્નલ બતાવે છે તમારા દામ્પત્યજીવનમાં આવનાર ખતરાનું. આવો, એવી બાબતો વિશે વિચારીએ.

સંવાદનો અભાવ

ઘણી વાર પતિ-પત્ની એટલાં અજનબી બની જાય છે કે શું જમશો, તમારી પોસ્ટ ટેબલ પર મૂકી છે ને કપડાં લોન્ડ્રીમાંથી આવી ગયાં છે જેવી વાતોથી વધારે કોઈ સંવાદ તેમની વચ્ચે થતો નથી. જ્યારે સંવાદનો અભાવ વર્તાય ત્યારે અલર્ટ થઈ જવાની જરૂર છે. ધીરે-ધીરે તો ઝઘડાઓ થતા પણ બંધ થઈ જાય છે. આ સમય છે જ્યારે તમારે તમારા બેટરહાફ સાથે બેસીને વાત કરી લેવી જોઈએ.

ફોન-હૅબિટ્સ બદલાય

કોઈ પણ વ્યક્તિની ફોન-હૅબિટ્સ પરથી ઘણુંબધું જાણી શકાય છે. આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં સેલફોન કોઈ પણ વ્યક્તિની ઝીણામાં ઝીણી અને ગુપ્તમાં ગુપ્ત માહિતી છતી કરી શકે છે. શું તમારો જીવનસાથી કોઈ ચોકક્સ ફોન આવે ત્યારે વાત કરવા માટે તમારાથી દૂર ચાલ્યો જાય છે? આ ચોક્કસ ફોન કરનાર વ્યક્તિ માટે તમારા જીવનસાથીએ સ્પેશ્યલ રિંગટોન સેટ કર્યો છે? શું ઘડી-ઘડી તેમના ફોન પર એસએમએસ આવ્યા કરે છે? તેમનો ફોન જો તમારી આજુબાજુમાં હોય તો ઝડપથી લઈ લે છે? આવાં લક્ષણો દેખાતાં હોય તો મોકો મળતાં જ ફોનનાં ઇનબૉક્સ અને સેન્ટ બૉક્સ ચેક કરી લેવાનાં, ઘણી માહિતી મળશે.

પસંદગીમાં ફેરફાર થવા

તમારો મોટી ફાંદવાળો પતિ અથવા તો પત્ની અચાનક જિમમાં જવા માંડે કે પછી પોતાના દેખાવ પ્રત્યે વધુપડતાં સજાગ થઈ જાય ત્યારે તમે ખુશ થઈ જાઓ છો તેના નવા, સુધરેલા દેખાવથી અને ઘટેલા વજનથી. પણ જો આ બાબતમાં તે તમારો અભિપ્રાય પૂછતા ન હોય તો એટલું સમજી લેજો કે આ બધું કરવા પાછળનો પ્રેરણાસ્રોત તમે નથી. તેની ફક્ત બાહ્ય પસંદગીમાં જ ફેરફાર નથી થતા, આંતરિક સ્તરે પણ ફેરફાર થાય છે. તમારો ગઝલપ્રેમી પતિ અચાનક જ બ્રિટ્ની સ્પિયર્સનો ફૅન થઈ જાય કે અંગ્રેજી કવિતાની શોખીન પત્ની શાયરીની શોખીન બની જાય ત્યારે આ લક્ષણો પર વિચાર તો કરવો જ પડે.

નાની-નાની વાતોમાં ઝઘડા

આમ તો દામ્પત્યજીવનમાં નોક-ઝોક થવી કે નાના-મોટા ઝઘડા થવા એ તંદુરસ્ત સંબંધની નિશાની છે, પરંતુ દરેક બાબત - તમારાં વસ્ત્રપરિધાનથી માંડીને તમારી બેસવાની સ્ટાઇલ, ચાલવાની સ્ટાઇલ કે શ્વાસ લેવાની સ્ટાઇલ પણ જો ઝઘડાનો વિષય બનતી હોય તો ચેતી જજો.

ચોરી માથે શિરજોરી

ઘણી વાર પોતાના ગુનાહિત માનસને છાવરવા માટે દોષનો ટોપલો સામેના પાત્ર પર ઓઢાડી દેવાય છે. કોઈ પણ વ્યક્તિને તેનો અહંકાર પોતાની ભૂલ સ્વીકારતાં અટકાવે છે એટલે તે સામેના પાત્રને દોષી ઠરાવે છે. જો તમારો જીવનસાથી અચાનક તમારા પુરુષ/સ્ત્રી કલીગ સાથે ચૅટ કરવા માટે વાંધો ઉઠાવે તો ખુશ નહીં થઈ જતા કે તે તમારા પ્રત્યે કેટલો/કેટલી પઝેસિવ છે. આગળ જતાં આ વાતનો પોતાની બેવફાઈને યથાર્થ ઠેરવવા માટે તે ઉપયોગ કરી શકે છે. આની પાછળનો કૉન્સેપ્ટ છે - યુ સ્લિપ્ડ, બટ આઇ વૉઝ પુશ્ડ.

કેટલી રાહ જોઈ?

તમને રેસ્ટોરાંમાં મળવાનું કહીને પછી આવે જ નહીં. કલાકો રાહ જોઈને થાકીને ઘરે ચાલ્યા જાય પછી નવાં બહાનાં સાંભળવા મળે. ક્યારેક આવું બની શકે, પણ અવારનવાર આવું બને તો ચેતી જજો.

એકલા બહાર જાય

તેમની પાસે હંમેશાં કારણ હોય છે કે તમે શા માટે તેની સાથે નહીં જઈ શકો. જેમ કે ‘ત્યાં ફક્ત ઑફિસના લોકો હશે’, ‘આ પુરુષોનો નાઇટઆઉટ છે, તને ત્યાં મજા નહીં આવે’, ‘અમે ત્યાં કામની વાતો કરવાના છીએ’... આવાં વાક્યો તમને સાથે નહીં લઈ જવા માટેનાં છે. જ્યારે તમે ઘરે બેસીને મૂવી જુઓ છો ત્યારે તે રાતે મનોરંજન માણે છે. કંઈક તો કારણ છે કે તમારો ઘરેલુ પતિ ‘આઇ પાર્ટી એવરી નાઇટ’ ટાઇપમાં પરિવર્તિત થઈ ગયો છે.

જાતીય જીવનમાં ફરક

તમારો પતિ તમારી સાથે સાસ-બહૂ સિરિયલ જુએ; પણ શારીરિક નિકટતામાં રસ ન લે, કૅન્ડલ-લાઇટ ડિનર કે સેક્સી લૉન્જરી પણ કારગત ન નીવડે ત્યારે મોટો પ્રૉબ્લેમ છે એ સમજી લેવું. ઘણી વાર તમારો જીવનસાથી તમારી સાથે સાંનિધ્ય માણતી વખતે જો બીજાનું નામ લે તો વાત ક્લિયર થઈ જાય છે કે તે એ નામની વ્યક્તિ સાથે સંબંધમાં છે. તમારો જીવનસાથી શક્ય એટલી ચોખવટ કરવાની કોશિશ કરશે. જો તમને એ ચોખવટ કન્વિન્સ ન કરી શકતી હોય તો પછી ડિવૉર્સ લૉયરને મળવાનો સમય આવી ગયો છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK