પતિદેવને રાખો ઇમોશનલી હૅપી

Published: 16th November, 2011 08:38 IST

સ્ત્રીઓ બે ચીજથી હંમેશાં ખુશખુશાલ રહે છે. એક તો પતિનો સ્પર્શ ને બીજું પતિનો પ્રેમ, પરંતુ પુરુષોની લાગણીઓને સમજવી અને તેમને ખુશ રાખવા કપરું કામ છે. આ મુશ્કેલ કામને કેવી રીતે સરળ બનાવી શકાય એ જોઈએ(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

કહેવાય છે કે પતિને પ્રસન્ન્ા રાખવા માટે તેના પેટ સુધી પહોંચવું પડે એટલે કે તેને ભાવતી રસોઈ જમાડવાથી તે હંમેશાં તેની પત્ની પર ખુશ રહે છે એટલે ખુશહાલ, સુમધુર લગ્નજીવન માણી શકાય છે. વળી, શારીરિક સંતોષની સાથે જ પાર્ટનરના ભાવનાત્મક સંતોષનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે, કેમ કે પતિ-પત્ની એકમેક સાથે લાગણી અને ભાવનાથી જોડાયેલાં હોય છે.

ઇમોશનલ અટૅચમેન્ટ વગર પતિ-પત્નીના સંબંધનો પાયો મજબૂત નથી હોતો. એકમેકની લાગણીને સમજવી ખૂબ જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે વાંધા-વચકા કે વિખવાદ ન પડે અને નયનોમાં નેહ નીતરતો રહે એ માટે શું-શું કરી શકાય એ જાણી લઈએ.

સમજવાની કોશિશ

પાર્ટનરને ઇમોશનલ હૅપી રાખવા માટે સૌથી પહેલા તેને સમજવાની કોશિશ કરો. તેની પસંદ-નાપસંદ, ખુશી-નારાજી, ગમો-અણગમો વગેરે બાબતમાં ઊંડાણથી દિલચસ્પી લઈ તેને જાણો. જ્યારે બધી બાબતો સમજી લઈએ, જાણી લઈએ ત્યારે કોઈ એવું કામ ન કરો જે તેને ગમતું ન હોય. દા. તા. તેને પંચાતિયા પડોશી ન ગમતા હોય તો તેને ટાળો. તેની સાથે વ્યવહાર ન રાખો. આમ કરવાથી તમે તમારા પાર્ટનરને ભાવનાત્મકરૂપે ખુશ રાખી શકો છો.

સાઇકોલૉજિસ્ટના મત મુજબ પુરુષ સ્ત્રી કરતાં ઓછું બોલે છે. વળી, તેઓ પોતાની લાગણીઓને પણ જલદી જતાવતા નથી. આવામાં તેની વણકહેલી વાતોને સમજી લેવી એક સમજદાર પત્નીની નિશાની છે. પુરુષ ભલે સાહસી અને હિંમતવાળો હોવાનો દાવો કરે, પરંતુ સાચું તો એ છે કે તેઓ ભીતરથી કમજોર અને અસલામતી ફીલ કરે છે. આ માટે તેમને આંતરિક રૂપથી મજબૂત બનાવવા માટે બતાવવું જરૂરી છે કે તમે દરેક પળે તેની સાથે છો.

ગપસપ જરૂરી છે

મોટે ભાગે પુરુષ સ્ત્રીઓને ગૉસિપક્વીન, ચૅટર-બૉક્સ વગેરે નામથી બોલાવે છે. જ્યારે સચ્ચાઈ એ છે કે ગપ્પાં મારવામાં પુરુષો સ્ત્રીઓથી જરા પણ ઊતરતા નથી. જો તમે તેની પસંદના ટૉપિક પર વાત કરો તો તે બહુ ખુશ થાય છે. આરવને રાજકારણમાં ખૂબ રસ. એક-એક મુદ્દા પર વિસ્તારથી વાત કરી શકે. તેની પત્ની અનન્યા પણ રાજકારણમાં રસ લેતી થઈ ગઈ અને બન્ને વચ્ચે આ મુદ્દા પર વાત ચર્ચાતી રહે છે. તેનાથી આરવ ખૂબ ખુશ રહે છે. પતિની વાતચીતમાં રસ લો. તેઓ જ્યારે પોતાના ફ્રેન્ડ, કલીગ, બૉસ અથવા સંબંધીઓની કોઈ વાત તમારી સાથે શૅર કરે તો તેની વાત જરૂરી સાંભળો, પણ અવગણો નહીં. મનોવૈજ્ઞાનિક કહે છે, ‘જે પુરુષોની પત્ની તેની વાત માનતી નથી, તેનામાં રસ લેતી નથી અને પોતાની જાતને ખાસ મહેસૂસ કરે છે તો બન્ને વચ્ચે ભાવનાત્મક જોડાણ નબળું પડે છે.’

સેક્સ્યુઅલી સૅટિસ્ફાઇડ

લગ્નજીવનમાં સેક્સલાઇફ બહુ અગત્યનો ભાગ ભજવે છે એટલે પાર્ટનરને ઇમોશનલ સંતુષ્ટ કરતાં પહેલાં તેમને સેક્સ્યુઅલી સૅટિસ્ફાઇડ કરવા ખૂબ જરૂરી છે એટલે બેડ પર તેને સાથ આપો. તેની કામેચ્છા વધારો. સેક્સક્રિયાને દિલચસ્પ બનાવવા માટે નવા-નવા પ્રયોગો કરીને તેમને સંતુષ્ટ કરવાની કોશિશ કરો. તેમનાં તન-મનને જીતી લો. આને કારણે તેમને ઇમોશનલ સંતોષનો અહેસાસ થશે, કેમ કે વિશેષજ્ઞોના મત મુજબ સેક્સક્રિયા જ કપલના સંબંધને બીજા સંબંધો કરતાં વિશિષ્ટ બનાવે છે અને એ પણ ખરું છે કે સ્ત્રીઓ પ્રેમ માટે સેક્સ કરે છે, જ્યારે પુરુષ સેક્સ માટે પ્રેમ કરે છે એટલે જ તમારી સેક્સ્યુઅલ પર્ફોર્મન્સથી તમે તમારા પાર્ટનરને ઇમોશનલી ખુશ રાખી શકો છો. તમે પણ તેની સાથે ખુશ છો એવો અહેસાસ દર્શાવો અને આવું કરવાથી તમે તમારા પાર્ટનરનો આત્મવિશ્વાસ વધારી શકો છો.

દેખાડો ન કરો

તમે જેવા છો એવા જ રૂપમાં પાર્ટનરની સામે રજૂ થાઓ એટલે કે પોતાના વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન લાવો. બનાવટી વાતો, દેખાડો, દંભથી દૂર રહો, ખોટું-સાચું બોલીને તમારો પ્રેમ છતો ન કરો. પતિની સામે તમારી છબિ સ્પષ્ટ અને પારદર્શી હોવી જોઈએ એટલે તમારી આંખો જોઈને જ તમારી દિલની વાત જાણી શકે. તમારો ટ્રાન્સપૅરન્સી, નિખાલસ વ્યવહાર પાર્ટનરને ભાવનાત્મક ખુશીનો અહેસાસ કરાવશે, કેમ કે સચ્ચાઈ કે નિખાલસતા ટ્રાન્સપૅરન્સી ઇમોશનલી કનેક્શનને જોડવાવાળી મજબૂત કડી છે, કેમ કે પુરુષ પોતાની પત્નીને જે રીતે ફિઝિકલી નૅકેડ જોવાનું પસંદ કરે છે એ જ રીતે તેને ઇમોશનલી નૅકેડ એટલે કે સ્પષ્ટ-નિખાલસ જોવાની ઇચ્છા રાખે છે. તે ઇચ્છે છે કે પતિ-પત્નીના સંબંધમાં કોઈ પણ પ્રકારનો દેખાડો ન હોવો જોઈએ. બધું જ બિલકુલ ટ્રાન્સપૅરન્ટ હોય.

સલાહ ન આપો

તમારા પતિ તમારી સાથે બધી વાતો શૅર કરે છે. બહુ સારી વાત ગણાય, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે તેની દરેક નાની-મોટી વાતોમાં દખલઅંદાજ કરો અથવા તો તેને સલાહ આપો. મોટે ભાગે પત્નીઓને સલાહ આપવાની ટેવ હોય છે. આમ કરો, તેમ ન કરો, તમારે આવું બોલવું ન જોઈએ, ફલાણાને મદદ કરવી જોઈએ વગેરે વગેરે. ક્યારેક તેમની સલાહ સાચી હોય છે છતાં પુરુષને વાતવાતમાં સલાહ-શિખામણ આપ્યા કરે તેવી પત્ની ગમતી નથી, કેમ કે પત્નીની સલાહથી તેના આત્મસન્માનને ઠેસ પહોંચે છે એટલે તમારી ઇમોશનલ અટૅચમેન્ટની કડી કમજોર થઈ શકે છે.

વિશેષજ્ઞો કહે છે, ‘પુરુષ બધું જાણવાવાળી ‘શ્રીમતી’ની ખ્વાઈશ જરાય નથી રાખતો. જે તેને વાતવાતમાં સલાહ-શિખામણ આપ્યા કરે અથવા ક્રિટિસાઇઝ કરવાની કોશિશ કરે એટલે કે પાર્ટનરને સલાહ આપવાની ભૂલ ન કરો.’

ખુશીનો અહેસાસ આપો

પતિને ભાવનાત્મકરીતે હૅપી રાખવા માટે તેને એ વાતનો અહેસાસ કરાવો કે તમે તેની સાથે ખુશ છો અને સાથે-સાથે એમ પણ કહો કે તમારી બધી ઇચ્છાઓ ને અપેક્ષાઓ પૂરી કરવામાં સક્ષમ છે અને તેનો સાથ પામીને તમે પોતાને ખુશનસીબ સમજો છો. ખાતરી છે કે તમારી વાતોથી તમને ખુશ જોઈને તેને પણ ખુશી મળશે. કેટલાક પતિ-પત્નીના સંબંધોમાં એવું બને છે કે તેઓ પોતાની ખુશી વાણી, વર્તન કે વ્યવહારથી જતાવતા નથી. એમાં શું બોલવાનું કે કહેવાનું, એ તો એની મેળે સમજાઈ જાય, એવું તેઓ માને છે; પણ આ બાબત સારી ન ગણાય. કોઈ પણ સંબંધીમાં પછી ઘરમાં કે બહાર જેમ તમે નારાજી વ્યક્ત કરી શકો છો તો ખુશી, રાજીપણું, પ્રસન્ન્ાતા પ્રગટ કરવાં જોઈએ.

સાઇકોલૉજિસ્ટ કહે છે, પુરુષોને જો આ વાતનું જ્ઞાન થઈ જાય કે તેઓ તેમની ફરજ બરાબર નિભાવી રહ્યા છે અને તેની પત્ની તેનાથી ખુશ છે તો તેમને ભાવનાત્મક સંતુષ્ટિનો અહેસાસ થાય છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK