આ મુંબઈ અને નર્ક બન્ને એકસમાન છે

Published: 25th November, 2014 05:11 IST

મુંબઈમાં રહેનારાઓ એટલી ઝડપી લાઇફ જીવે છે કે તેમને ક્યારેય એ વાત સમજાતી નથી કે એ લોકો નર્કમાં જીવી રહ્યા છે.
સ્પેશ્યલ કમેન્ટ - મહેશ ભટ્ટ, ફિલ્મ-પ્રોડ્યુસર અને ડિરેક્ટર

અસુવિધાઓની ભરમાર આ શહેરના લોકો ભોગવી રહ્યા છે અને હવે તો સમય પણ એવો આવી ગયો છે કે લોકોને આ અસુવિધાની પણ આદત પડી ગઈ છે. રસ્તા પર કચરો ન હોવો જોઈએ એવું તેઓ વિચારી પણ નથી શકતા અને ગંદકી વિનાના રસ્તાઓની કલ્પના પણ નથી કરી શકતા. હવે ગંદકી એ તેમના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે એવું તેમણે સ્વીકારી લીધું છે. મુંબઈ એ દેશની આર્થિક રાજધાની છે, પણ આ આર્થિક રાજધાનીની સડક જુઓ તો સમજાશે કે આ દેશની જેવી ઇકૉનૉમી છે એવી જ એની સડક છે. બિલ્ડિંગના બાંધકામ આડેધડ થઈ જાય છે અને થઈ ગયેલા એ બાંધકામ માટે કોઈ પૂછવાવાળું નથી. લૉની બાબતમાં પણ એવું જ છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનને તો કોઈ લૉ જેવું છે જ નહીં. છેલ્લે ક્યારે ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે ચેકિંગ કર્યું હતું એ પણ હવે તો ન્યુઝપેપરમાં જોવા નથી મળતું. કાં તો ચેકિંગ બંધ થઈ ગયું છે અને કાં તો એવું થયું છે કે ચેકિંગ માત્ર દેખાવ માટે નાના ઠેલાવાળાઓને ત્યાં જ થાય છે જેમાં મીડિયાને ખાસ કંઈ ઇન્ટરેસ્ટ નથી. આ જે સિચુએશન છે એ મુંબઈને બદથી બદતર બનાવે છે. પૉલ્યુશન ઓછું થાય એ માટે કોઈ પ્રકારનાં કડક પગલાં લેવામાં નથી આવતાં. કોઈ પણ ફ્લાયઓવર પરથી જુઓ તો તમને મુંબઈ પર ફૉગ હોય એવું દૃશ્ય જોવા મળે. એ પૉલ્યુશન આજે મુંબઈકરની લાઇફ ટૂંકી કરી રહ્યું છે. ભાગદોડ પણ એટલી વધી ગઈ છે કે એના કારણે પણ હવે સરેરાશ મુંબઈવાસીનું આયુષ્ય બીજા સિટીમાં રહેતા લોકો કરતાં ઓછું થઈ ગયું છે અને જો લાંબું જીવે છે તો એ કોઈ મોટી બીમારી સાથે જીવે છે.

મારું માનવું છે કે મુંબઈને સુધારવાની તક હવે હાથમાંથી નીકળી જાય એ પહેલાં એના માટે કામ શરૂ કરવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર મુંબઈમાં ઘણુંબધું કામ કરી શકાય એમ છે અને એ કરવું જરૂરી પણ છે. જો એ ન થયું તો મુંબઈમાં રહેવું દુષ્વાર થઈ જશે અને મુંબઈમાં કામ કરતા લોકોની હાલત ખરાબ થઈ જશે. મુંબઈ એવું શહેર છે કે એ દરેકને સાચવી લે છે અને દરેકને તેમની મહેનત મુજબનું રિઝલ્ટ આપે છે. હું જ ઓછામાં ઓછા એક હજાર એવા લોકોને ઓળખું છું કે જે મુંબઈના નથી, પણ આજે મુંબઈમાં સેટલ થઈને કરોડપતિ થઈ ગયા છે અને તેમના જેવા લાખો લોકો બીજા પણ છે જ. મારું માનવું છે કે આવું પૉઝિટિવ વાતાવરણ ધરાવતાં સિટી પણ આજે દુનિયામાં ઓછાં રહ્યાં છે કે જ્યાં સેટલ થનારો ક્યારેય દુખી ન થયો હોય. જો એવું હોય તો પછી શું કામ સુવિધાના મામલે કોઈએ હેરાન થવું જોઈએ. સરકાર ધારે તો આ શહેરની તકલીફો દૂર કરી શકે છે અને તકલીફો દૂર કરવી એ એની ફરજ અને કામગીરી પણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK