Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહેન્દ્ર જોષી : રંગભૂમિનો પનોતો પુત્ર

મહેન્દ્ર જોષી : રંગભૂમિનો પનોતો પુત્ર

10 September, 2020 11:51 AM IST | Mumbai
Latesh Shah

મહેન્દ્ર જોષી : રંગભૂમિનો પનોતો પુત્ર

તીખો-મીઠો, ક્યારેક કડવો અને રસપ્રદ રીતે નમકીન માણસ એટલે મહેન્દ્ર જોષી

તીખો-મીઠો, ક્યારેક કડવો અને રસપ્રદ રીતે નમકીન માણસ એટલે મહેન્દ્ર જોષી


એકાંકીઓનો તેજીલો તોખાર અને પ્રાયોગિક નાટકોનો બેતાજ બાદશાહ હતો મહેન્દ્ર જોષી : એકથી એક ચડિયાતાં નાટકો રંગભૂમિને આપનાર આ મુઠ્ઠી ઊંચેરો કલાકાર એટલે તીખો ચટાક અને મીઠો મધૂરો, ક્યારેક કડવો તો ક્યારેક રસપ્રદ રીતે નમકીન

ગયા ગુરુવારનું રીકૅપ.
અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાના ફંક્શનમાં એચ. આર. કૉલેજના પ્રિન્સિપાલ અડવાણી સર દ્વારા મારી ધરપકડ. ગુનો - અંધકારમાં તેમના નાજુક પગ પર મારા ભારેખમ પગનું પડવું. તેમનો ચિત્કાર, પ્યુન લલ્લનનું પ્રકાશ પાથરવું અને ઉજાસમાં મારું ઝડપાઈ જવું. અડવાણીનું મને કે. સી. કૉલેજના ખૂંખાર પ્રિન્સિપાલ કુંદનાની પાસે લઈ જવું. આ હતી ૧૯૭૨-૭૩ના લતેશ શાહની બેહાલ હાલત.
અત્યારે કોરોનાના લૉકડાઉને પણ આવા જ બેહાલ કર્યા છે. હા, એ વાત ફરી આગળ ધપાવીશું ખરા પણ હાલ હું યોજી રહ્યો છું ઑનલાઇન ગુણાનુવાદ સભા. પ્રતિસાદ પણ અદ્ભુત જ મળે છે. આમાં ગુજરાતી રંગભૂમિના કલાકારો, ટેક્નિશ્યનો અને નિર્માતાઓ જોડાય. ગુણાનુવાદ સભા એટલે ક્રિટિકલ ઍપ્રીશિયેશન મીટિંગ. ગયા સોમવારે ગુણાનુવાદ સભાના હીરો હતા મહેન્દ્ર જોષી.
૧૯૭૦થી ૧૯૯૦ના બે દાયકામાં મહેન્દ્ર જોષીએ એકાંકી નાટ્ય સ્પર્ધાની દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. મહેન્દ્ર જોષીનું નામ પડે અને પ્રેક્ષકગૃહ હકડેઠઠ ભરાઈ જાય. જીવતોજાગતો-ધબકતો, ઇન્ટેલેક્ચ્યુઅલ બનવા મથતો, પ્રેક્ષકોને નવા અનુભવો પીરસવામાં પીછેહઠ ન કરવામાં માનતો માણસ એટલે મહેન્દ્ર જોષી. એકથી એક ચડિયાતાં નાટકો તેણે રંગભૂમિને આપ્યાં. તીખો ચટાક અને મીઠો મધૂરો, ક્યારેક કડવો તો ક્યારેક રસપ્રદ રીતે નમકીન માણસ એટલે મહેન્દ્ર જોષી. તેનાં એકાંકીઓ ગાજ્યાં એમ તેણે રંગભૂમિને આપેલા કલાકારોય ગાજ્યા. તેના હાથ નીચે તૈયાર થયેલા કલાકારોનું મોટું લિસ્ટ છે. 
આમિર ખાન, પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, શર્મન જોષી, જે. ડી., આતિશ કાપડિયા, વિપુલ અમૃતલાલ શાહ, દીપક તિજોરી, મકરંદ દેશપાંડે, અમી ત્રિવેદી, પરેશ ગણાત્રા, પદ્માવતી, અરુંધતી રાવ, દયા શંકર પાન્ડે, બકુલ  ઠક્કર, અમિત મિસ્ત્રી અને બીજા કંઈ કેટલાય આર્ટિસ્ટો તેણે રંગભૂમિ અને બૉલીવુડને આપ્યા. દુઃખની વાત એક જ છે કે તે વહેલો જતો રહ્યો. સિર્ફ સાડત્રીસ વર્ષની ઉંમરે તેણે આ દુનિયામાંથી એક્ઝિટ લીધી જે સદમો હજી અમને ઘણાને પચ્યો નથી. 
હું અને મહેન્દ્ર જોષી સમકાલીન હતા. તે કબીબાઈ સ્કૂલમાંથી એસ.એસ.સી. કરીને સિદ્ધાર્થ કૉલેજમાં આવ્યો અને તેણે ડિયર પિનાક નામનું પહેલું એકાંકી સ્પર્ધામાં ભજવ્યું. મેં હાઈ કોર્ટના એક્સ-જજ અજિત શાહ દિગ્દર્શિત ‘હું અનિકેત સહસ્ત્રબુદ્ધે છું’ એકાંકી ભજવ્યું. એ જમાનામાં દિગ્દર્શક દિનકર જાનીની બોલબાલા હતી. અમે બન્ને તેમના પહેલા ચેલાઓ થયા. મહેન્દ્ર જોષી તેમનો અર્જુન અને હું તેમનો એકલવ્ય થયો. હું કે.સી.માં હતો અને મહેન્દ્ર સિદ્ધાર્થ કૉલેજમાં હતો. એ સમયમાં પરેશ રાવલ એન. એમ. કૉલેજમાંથી અભિનયનાં અજવાળાં પાથરતો હતો. એમાં અજવાળાં કરતાં અંધારાં વધુ હતાં. એટલે તે એક સ્પર્ધામાં તેને ખરાબ પર્ફોર્મન્સ માટે વઢતા દિનકર  જાનીને મળ્યો. જાનીએ તેને મહેન્દ્ર જોષીનું નામ દિગ્દર્શક તરીકે સજેસ્ટ કર્યું. પરેશે જાનીને માનીને મહેન્દ્ર જોષીને એ વખતના પ્રિન્સિપલ તોલીને કહીને, પટાવીને, રિક્વેસ્ટ કરીને  એન. એમ.માં ઍડ્મિશન અપાવ્યું.
જાનીના માર્ગદર્શનમાં જોષી-રાવલની જોડી ચાલી પડી. હું કે. સી.માંથી મારાં પોતાનાં લખેલાં મૌલિક એકાંકીઓ લઈ જાઉં. મહેન્દ્ર દુનિયાભરનાં એકાંકીઓના ખજાનામાંથી જાનીની સલાહ પ્રમાણે વિશ્વવિખ્યાત એકાંકીઓ સ્પર્ધામાં લાવે. 
અમારા બન્ને વચ્ચે ગુજરાતી અને હિન્દી ભાષામાં નાટ્ય સ્પર્ધાઓમાં રસાકસી થાય અને લગભગ અમે બન્ને જ પહેલા-બીજા નંબરે પારિતોષિક પ્રાપ્ત કરીએ. ઇપ્ટા, આઇ. એન. ટી., પ્રોડ્યુસર્સ ગિલ્ડ, ઑલ ઇન્ડિયા જાગૃતિ ડ્રામા કૉમ્પિટિશન જેવી પુષ્કળ સ્પર્ધાઓમાં અમે ટકરાતા. પ્રેક્ષકો માટે અમે કટ્ટર સ્પર્ધકો હતા. અંદરખાને અમે બહુ જ આત્મીય મિત્રો હતા. બન્ને જાની સરના ફેનેટિક ચેલાઓ. એમના કહેવાથી અમે બન્નેએ આઇ. એન. ટી. ઍક્ટિંગ વર્કશૉપમાં સાથે જ જોડાયા. બ્રિટિશ લાઇબ્રેરી અને અમેરિકન લાઇબ્રેરીમાં જાની સરના સજેસ્ટ કરેલાં નાટકો વાંચવા અને ચોરવા સાથે જતા. પ્રામાણિકતાથી કહું તો બુકો ખરીદવાની ત્રેવડ ન હોવાથી, નાટકો વિશેની ચોપડીઓ ચૂંથવાની જાનીએ અમારામાં આદત નાખી હતી એટલે યેનકેન પ્રકારેણ બુક્સ ચોર્યા સિવાય કોઈ પર્યાય દેખાતો નહોતો. એક વાર બ્રિટિશ લાઇબ્રેરીમાં મહેન્દ્ર ચોરી કરતાં પકડાયો. મને ખબર પડી એટલે મેં તફડાવેલી બુક્સ મેં એમની જગ્યાએ મૂકી દીધી. મહેન્દ્ર પાસેથી બે બુક્સ લાઇબ્રેરિયનને મળી. અમારા ચહેરા પરથી નૂર ઊડી ગયું. પછી જે થયું એ આવતા અંકે...



જીવતોજાગતો-ધબકતો, પ્રેક્ષકોને નવા અનુભવો પીરસવામાં પીછેહઠ ન કરવામાં માનતો માણસ એટલે મહેન્દ્ર જોષી. તીખો-મીઠો, ક્યારેક કડવો અને રસપ્રદ રીતે નમકીન માણસ એટલે મહેન્દ્ર જોષી


માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
જન્મથી મરણની રમત કેવી રસપ્રદ છે? જન્મવા સાથે રડવું ફરજિયાત છે. મરતાં હસવું મરજિયાત છે. એનેય કુદરતે ફરજિયાત બનાવવાની જરૂર છે. જન્મીને જીવતા રહીને, પીડાઓ ભોગવીને એને અનુભવ અને સ્વીટ મેમરીને નામે મરણ સુધી સાચવી. હવે મરતી વખતે તો આનંદો. એ બહાને ઉપરવાળા સર્જનહારનો પાડ માનવાનો મોકો મળે અને મનને મોજ પડે. જીવન જીવતાં આવડે તો સૌથી સરસ, પણ ન આવડે તો મરણને તો જલસાથી ઊજવો.

shahlatesh@wh-dc.com


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 11:51 AM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK