Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્વર્ગમાં બેઠા રેંટિયો કાંતતા ગાંધીજી જ્યારે મુલાકાતીઓને ભારતના હાલ પૂછે છે

સ્વર્ગમાં બેઠા રેંટિયો કાંતતા ગાંધીજી જ્યારે મુલાકાતીઓને ભારતના હાલ પૂછે છે

02 October, 2012 02:37 AM IST |

સ્વર્ગમાં બેઠા રેંટિયો કાંતતા ગાંધીજી જ્યારે મુલાકાતીઓને ભારતના હાલ પૂછે છે

સ્વર્ગમાં બેઠા રેંટિયો કાંતતા ગાંધીજી જ્યારે મુલાકાતીઓને ભારતના હાલ પૂછે છે




સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે





આજે ગાંધીજયંતી છે. ગાંધીજી ખૂબ સરળ હતા અને એટલે જ આજે આપણા દેશમાં તેમની નોટ થકી બધું સરળ શક્ય છે. કોક અજાણ્યા કવિની સરસ બે લીટી SMSમાં આવી’તી:

વાહ રે ગાંધી ક્યા ચલી તેરી આંધી



આયા થા લંગોટ મેં ઔર રહ ગયા રુપયોં કી નોટ મેં!

કેવા મસ્ત દેશમાં આપણે જીવીએ છીએ કે ગાંધીજીએ દારૂબંધીની જ આજીવન હિમાયત કરી અને તે ગાંધીજીની વસ્તુઓ વિશ્વની હરાજીમાંથી ભારતના લિકરકિંગ વિજય માલ્યા ખરીદીને ભારત લાવે! અહો આશ્ચર્યમ! આઝાદી વખતે મહાત્મા ગાંધીએ સરદારને કહ્યું ને સરદાર પીએમ ન થયા. હિસ્ટરી રિપીટ. હમણાં થોડાં વરસો પહેલાં ગાંધીએ કહ્યું અને સરદાર પીએમ બન્યા. અહો વિચિત્રમ્! ગાંધીજીના નામ પર કદી કોઈને હસાવી ન શકાય, પરંતુ તેમના થકી આ રાષ્ટ્રની પ્રત્યેક વ્યક્તિનું સ્મિત આજે સલામત છે માટે ચાલો, તમને સાવ મગજ વગર કાલ્પનિક કથાઓ સંભળાવું છું. મગજ લગાડ્યા વગર વાંચજો.

ગાંધીજી સ્વર્ગમાં બેઠા છે અને રેંટિયો કાંતી રહ્યા છે. એવામાં ઇન્દિરા ગાંધી આવ્યાં. બાપુએ પૂછ્યું, ‘બેટા, ભારતના હાલ કેવા છે?’

ઇન્દિરાએ કહ્યું, ‘બાપુ, ભારતે ખૂબ પ્રગતિ કરી છે. તમને ત્રણ ગોળી મારી હતી, મને સ્ટેનગનથી વીંધી છે.’

ત્યાં રાજીવ ગાંધી આવ્યા. ઈ કે, ‘અરે બાપુ, ભારતની પ્રગતિ અદ્ભુત છે. મમ્મીને ગનથી ઉડાડ્યાં’તાં, મને તો બૉમ્બથી ઉડાડ્યો છે.’

એટલામાં દેવ આનંદસાહેબ ગળામાં રંગીન રૂમાલ ને માથે ટોપી પહેરી ડોકમાં બેરિંગ ફિટ કર્યું હોય એમ હલતા-ડૂલતા આવે છે. બાપુ ફિલ્મસ્ટાર દેવ આનંદને પણ પૂછે છે, ‘ભાઈ, મેરા ભારત કૈસા હૈ?’

દેવ આનંદજી કહે છે:

બાપુ, જૉની મેરા નામ હૈ

ક્યા બાત હૈ! ક્યા બાત હૈ ! ક્યા બાત હૈ!

બાપુ ઇન્ડિયા કી હાલત મેં તો બડી ઉલ્કાપાત હૈ!

ગાઇડ સારે ખો ગએ હૈં! ઔર મુસાફિરોં પે ઘાત હૈ

બાપુ તુમ્હારે દેસ મેં અબ ઘોટાલોં કી બરસાત હૈ!

બાપુ આ જવાબથી ટેન્શનમાં આવી જાય છે ત્યાં રાજેશ ખન્ના (કાકા) આવી ચડે છે અને ઈ ભારતના હાલ કહે છે તેના અંદાજમાં:

‘અરે ઓ બાપુમોશાય! આનંદ નહીં હૈ દેસ મેં, અવતાર કી આરાધના હો રહી હૈ બાપુ. આપકી કસમ કો ખાકે બંડલબાઝ નેતાઓં કી દાગવાલી સાધના હો રહી હૈ બાપ... વોટ કી કટી પતંગ ફટ ગઈ ફિર ભી યહાં કુર્સિયોં કી કામના હો રહી હે બાપુ. પ્રેમનગર હિન્દ થા વો દાગ બન ગયા. પ્રજા તો રોઝ રાઝ કા સામના કર રહી હૈ બાપુ!’

કાકાના જવાબમાં બાપુના ચહેરા પર સહેજ મલકાટ આવે છે. ફિલ્મોનાં નામવાળો રાજેશ ખન્નાનો જવાબ બાપુને દેશનો અંદાજ આપી જાય છે ત્યાં જગજિત સિંહ બાપુને પગે લાગવા આવે છે.

ગાંધીબાપુએ જગજિત સિંહને પણ પૂછી લીધું, ‘દેશના કોઈ લેટેસ્ટ ન્યુઝ?’

ગઝલસમ્રાટે ‘હોઠોં સે છૂ લો તુમ’ ગઝલના રાગમાં જ હિન્દુસ્તાનની હાલત વર્ણવી:

ભારત કી હૈ ક્યા દશા કૈસે તુમ્હેં સમજાઉં?

ફૅશન કા છાયા હૈ નશા ગીત ઉસકે મૈં ક્યા ગાઉં?

યે જવાનોં કી પીઢી જ્.ગ્. મેં ડૂબી હૈ

ફૉરેન કે ગાને સબ ગાતે યે બખૂબી હૈં

કોલા-વરી છાયી હૈ બાપુ મૈં ક્યા બતલાઉં?

અને ત્યાં ગુજરાતી ફિલ્મના હાસ્ય-અભિનેતા રમેશ મહેતા પહોંચ્યા બાપુના ચરણે. રમેશભાઈએ પણ અસલ્લ કાઠિયાવાડી લહેકામાં દેશની દુર્દશા વર્ણવી:

‘ઓ હો હો હો! કહું છું બાપુ, ભારતનું તો અટાણે પીદડક પૂ થઈ ગયું છે. ભારત તો મોટું મહાભારત થાવા બેઠું છે. ગોલકીનું કોઈ કોઈનું સારતું (માનતું) જ નથીને! મોંઘવારીમાં નાના માણાની કડ્ય ભાંગી ગઈ છે. તમારા બતાવેલા ઓઇલા તઇંણેય વાંઇનદરા હવે મોટા થઈને નેતા થઈ ગયા છે. માળા બેટા સાચું કાંઈ સાંભળતા નથી, સાચું કાંઈ બોલતા નથી કે સાચું કાંઈ ભાળતા નથી. છાપું ઉઘાડો તો એમાં રોજ દી ઊગે ન્યાં શિનાળવા (ખોટા ધંધા) જ દેખાય છે. આખી જુવાન પેઢી ફાટીને ધુવાડે ગઈ છે ને સાવ ઇંગ્લિશના રવાડે ચડી ગઈ છે. મધ્યમ વર્ગના માણહના માંયલામાં તો સવાર-સાંજ ઘામ (મૂંઝારો) થાવા માંડ્યો છે બાપુ! કાંઈક કરો! કહું છું કે કાંઈક કરો! અને હા, ભૂલી ગયો, આપણા ગુજરાતમાં તો વિકાસના નામે કાઇશ થાય છે! એક બાજુ ફડાકાવાળી થાય છે તો બીજી બાજુ ધડાકાવાળી થાય છે.

ખાટી-ખાટી આંબલી ને ઈથી ખાટું દહીં

ડખા તો મેં ઘણાય જોયા, પણ આપણા ભારત જેવા નહીં!

લ્યો તંઇ બાપુ... રામ-રામ! ઓ હો હો...!

રમેશ મહેતાના લહેકાથી બાપુ હસ્યા પણ ખરા ને અંતે વાતનો પ્રાણ જાણીને રડી પડ્યા. ત્યાં કોઈએ સમાચાર આપ્યા કે ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રૉન્ગ ગાંધીજીનાં દર્શને આવવા માગે છે. તેણે અંદર આવી બાપુના ચરણસ્પર્શ કરી મસ્ત સમાચાર ઇંગ્લિશમાં આપ્યા જે હું તમને ગુજરાતીમાં કહું છું:

‘બાપુ, પ્લીઝ ડોન્ટ વરી. ભારત ખૂબ આગળ વધી રહ્યું છે. મેં કોઈને નથી કહી ઈ વાત તમને કરું છું કે મેં ચંદ્ર પર જ્યારે પ્રથમ પગ મૂક્યો ત્યારે પણ ચંદ્ર પર ગુજરાતી શેઠની દુકાન જોઈ’તી! અત્યારે તો ચંદ્ર પર ગુજરાતીઓના પ્લૉટિંગ શરૂ થઈ ગયા છે. મોજ કરો! ઇન્ડિયા ઇઝ ગ્રોઇંગ!’

આ સાંભળીને ગાંધીબાપુ ખડખડાટ હસી પડે છે ને તમે શું જૂની કબજિયાત જેવું મોં કરીને હજી બેઠા છો, હસો! હૅપી બર્થ-ડે ગાંધીજી!

ઑફ ધ રેકૉર્ડ

કાં એક ખૂણામાં બેસીને રડી લેવું કાં દુનિયાના દરેક ખૂણામાં જઈને લડી લેવું!

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2012 02:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK