ગાંધીબાપુએ તેમનાં વ્રતોમાં 12મું વ્રત પછીથી ઉમેર્યું હતું

Published: Oct 02, 2019, 14:16 IST | ગાંધી ખરા અર્થમાં મહાત્મા - શૈલેષ નાયક | મુંબઈ

આજે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમની આવી કેટલીક જાણી-અજાણી વાતો જાણી લો

મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી

નાનપણમાં ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયા પછી સત્ય પ્રત્યેની પરાયણતાથી પ્રભાવિત થનાર, શાળામાં અતિશય શરમાળ છોકરો જેને કોઈ સાથે વાત કરવાનું ગમતું નહોતું, માતા-પિતાનો લાડલો મોનિયો ઉર્ફે મોહનદાસ કરમચંદ ગાંધી જેમના નિધનના ૬ દાયકા બાદ પણ કરોડો દેશવાસીઓ અને વિદેશના નાગરિકોમાં હૃદયસ્થ બનીને રહ્યા છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૧૫૦મી જન્મજયંતીની ભાવસભર ઉજવણી થઈ રહી છે.

માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધીના સૌથી નાના સંતાનની વિરાટ પ્રતિભાએ પોતાનાં કાર્યોથી દેશ અને દુનિયા પર એવી અમીટ છાપ છોડી છે કે આજે પણ જગતઆખું તેમને યાદ કરી રહ્યું છે. સત્ય, અહિંસાનો એવો સંદેશ આપ્યો છે કે આજે પણ દેશ-વિદેશના કંઈકેટલાય નાગરિકો તેમની રાહ પર ચાલી રહ્યા છે. દેશની આઝાદીની લડત જેમના નેતૃત્વમાં અહિંસક રીતે લડાઈ હતી એવા આપણા મહાત્મા ગાંધીબાપુનાં ૧૧ વ્રતો કે નિયમ જાણીતાં છે, પણ વાચકમિત્રો, શું આપને ખબર છે કે ગાંધીબાપુએ તેમનાં આ વ્રતોમાં ૧૨મું વ્રત પછીથી ઉમેર્યું હતું? હા, બાપુએ ૧૨મું વ્રત પછીથી ઉમેર્યું હતું. ગાંધીજીની આવી તો કંઈકેટલીયે જાણી-અજાણી રસપ્રદ બાબતો જાણવા જેવી છે.

મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ૧૯૧૫ની ૨૫ મેએ અમદાવાદમાં કોચરબ ગામ પાસે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો હતો અને ત્યાર બાદ આ આશ્રમ સાબરમતી નદીના કિનારે ખસેડાયો હતો જે આજે સાબરમતી આશ્રમ તરીકે તેમ જ ગાંધી આશ્રમ તરીકે જાણીતો છે. ગાંધીજીએ આશ્રમમાં રહેવા માટે ૧૧ નિયમો બનાવ્યા હતા; જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતા, વર્ણાશ્રમ અને સહિષ્ણુતાનો સમાવેશ કર્યો હતો. આશ્રમવાસીઓ માટે આ ૧૧ નિયમ બનાવ્યા પછી ગાંધીબાપુએ પછીથી ‘જાતમહેનત’ના નિયમનો ઉમેરો કર્યો હતો.

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના મંત્રી અમૃત મોદી ‘મિડ-ડે’ને કહે છે, ‘ગાંધીબાપુએ જાતમહેનત વ્રત પછીથી ઉમેર્યું હતું. બાપુની વિચારસરણીમાં જાતમહેનત મહત્ત્વનું અંગ છે. સાઉથ આફ્રિકામાં તેઓ જાતમહેનત કરતા હતા. માણસે શરીરશ્રમ વધુ કરવો જોઈએ એ જરૂરી છે એવું બાપુ માનતા હતા. કોચરબ આશ્રમમાં ગાંધીબાપુએ આ વ્રતો નક્કી કર્યાં હતાં. જીવનને ઘડવા કયા-કયા ગુણ કેળવવા જોઈએ એવા ચિંતનમાં ૧૧ વ્રતો પછી બાપુને જાતમહેનતનો ગુણ વિચારમાં આવ્યો હતો.’

ગાંધીજીએ કેમ ખુલ્લું મૂક્યું બહેરા–મૂંગાની શાળાનું નવું મકાન?

અમદાવાદમાં આવેલા ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં બે બાળકો સાથે સૌપ્રથમ વાર ૧૯૦૮ની ૧ માર્ચે બહેરા-મૂંગાની શાળા પ્રાણશંકર લલ્લુભાઈ દેસાઈએ શરૂ કરી હતી. ગાંધીજીએ ૧૯૧૬માં આ શાળાની મુલાકાત લીધી હતી. શાળા માટે સંસ્થાને શહેરની બહાર જમીન મળતાં ૧૯૨૮ની ૭ સપ્ટેમ્બરે મહાત્મા ગાંધીના હસ્તે આ શાળાના મકાનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત થયા બાદ જ્યારે શાળાનું નવું મકાન તૈયાર થયું ત્યારે આ મકાનને ખુલ્લું મૂકવા માટે કવિવર રવીન્દ્રનાથ ટાગોર આવવાના હતા, પરંતુ રવીન્દ્રનાથ ટાગોર માંદગીને કારણે આવી ન શકતાં મહાત્મા ગાંધીજીએ ૧૯૩૦ની ૨૫ જાન્યુઆરીએ બહેરા-મૂંગાની શાળાનું નવું મકાન ખુલ્લું મૂક્યું હતું.

બહેરા-મૂંગાની શાળાના પ્રિન્સિપાલ ગૌરાંગ ચૌહાણ અને સુપરિન્ટેન્ડન્ટ નવીનચંદ્ર વ્યાસે ‘મિડ-ડે’ને કહે છે, ‘એ જમાનામાં ગાંધીજી આશ્રમથી સાઇકલ લઈને અહીં શાળામાં આવતા હતા અને બાળકો સાથે સમય પસાર કરતા હતા. આ શાળાના મકાનને ૧૧૦ વર્ષ થયાં છે અને એ  હેરિટેજમાં નોંધાયું છે, પણ જાહેર કર્યું નથી. હાલમાં આ શાળામાં બાળમંદિરથી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરાવાય છે, જેમાં હાલમાં ૬૭૮ બહેરા-મૂંગા અને જોઈ ન શકતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બૉય્‍ઝ અને ગર્લ્સ હૉસ્ટેલ છે.’

૧૯૧ દેશોના નાગરિકોને રસ છે બાપુમાં

વાચકમિત્રો, તમને કદાચ આ જાણીને નવાઈ લાગશે કે ગાંધીજી વિશે જાણવા માટે અત્યાર સુધીમાં ૧૯૧ દેશોના નાગરિકોએ ભારે ઉત્સુકતા સાથે સર્ચ કર્યું છે. રોજેરોજ કંઈકેટલાય દેશોના નાગરિકો ગાંધીજી વિશે સર્ચ કરી રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા સાબરમતી આશ્રમમાં સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૩માં ગાંધી હેરિટેજ પૉર્ટલ શરૂ કર્યું હતું. ગાંધીજી વિશે જાણવા માટે આ અધિકૃત સાઇટ છે.

ગાંધી હેરિટેજ પૉર્ટલનું સંચાલન કરતાં વિરાટ કોઠારી ‘મિડ-ડે’ને કહે છે, ‘આ પૉર્ટલ પર ભારત, યુએસએ, યુકે, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, જપાન, ફ્રાન્સ, યુએઈ, જર્મની અને બંગલા દેશના નાગરિકો ગાંધીજી વિશે જાણવા માટે સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. આ દેશો ટૉપ-ટેનની યાદીમાં મોખરે છે. આ ઉપરાંત ૧૯૧ દેશોના ૬ લાખથી વધુ નાગરિકોએ આ સાઇટ પરથી ગાંધીજી વિશે જાણ્યું છે. ગાંધીજીનું ફૅમિલી ટ્રી, ગાંધીજીના ક્વોટ્સ, ગાંધીજીના ફોટો–વિડિયો અને ગાંધીજીનું કલેક્ટેડ-વર્ક સૌથી વધુ સર્ચ થઈ રહ્યું છે. આ પૉર્ટલ પર ૧૮ સાઇટ લૅન્ગ્વેજ છે જેમાં ૧૨ ભારતીય અને ૬ વિદેશી લૅન્ગ્વેજ છે. અત્યારે આ પૉર્ટલ પર ગાંધીજીને લગતાં ૧૯,૩૦,૦૦૦ પેજિસ છે. પીએચડી કરતા સ્ટુડન્ટ્સ આ સાઇટને મેઇન રિસર્ચ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત ઓથર્સ, રિસર્ચર્સ, પ્રોફેસર્સ આ સાઇટ રેગ્યુલર જોતા હોય છે.’

એક પુસ્તકે અંગ્રેજ મેડેલિન સ્લેડને ગાંધીબાપુનાં મીરાબહેન બનાવ્યાં

હા, વાચકમિત્રો, કદાચ આ હેડિંગ વાંચીને આપને અચરજ થશે કે અંગ્રેજો સામે દેશ માટે અહિંસક આઝાદીની લડતનાં મંડાણ કરનાર ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેવા આવવા માટે ખુદ અંગ્રેજ નૌકા અધિકારીની પુત્રી મેડેલિન સ્લેડ ભારે ઉત્સુક હતી અને તેણે બાપુના આશ્રમમાં આવીને મીરાબહેન બનીને જીવન સમર્પિત કર્યું હતું.

બ્રિટિશ એડમિરલની પુત્રી મેડેલિન સ્લેડે રોમા રોલાંએ લખેલું પુસ્તક ‘મહાત્મા ગાંધી’ વાંચ્યું હતું. તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયાં હતાં. આ પુસ્તક વાંચીને મેડેલિન સ્લેડે ગાંધીજીને મળવા આવવાનું મનોમન નક્કી કરી લીધું હતું. તેઓએ એ માટે ગાંધીજીને પત્ર લખ્યો હતો. ૧૯૨૫માં તેઓ અમદાવાદ આવ્યાં હતાં. ગાંધીજીને મળીને ગાંધીજીના સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. તેઓ આશ્રમમાં આવેલા પત્રોના જવાબ લખતા હતા. ૧૯૨૫થી ૧૯૩૩ સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં હતાં. મેડેલિન સ્લેડની તપસ્યા જોઈને ગાંધીજી તેમને મીરાબહેનના હુલામણા નામથી બોલાવતા હતા. ગાંધીજીને કારણે બધા જ તેમને મીરાબહેન કહીને બોલાવવા લાગ્યા હતા.

મુંબઈમાં મળેલા રામજીભાઈ ગાંધીજીના વણાટગુરુ બન્યા

સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીએ જ્યારે જાતે ખાદીનું વણાટકામ કરવાનું નક્કી કર્યું ત્યારે ગાંધીજી સહિત અન્ય આશ્રમવાસીઓને વણાટકામ શીખવવાની જવાબદારી સૌરાષ્ટ્રના લાઠી ગામના રામજી બઢિયાએ ઉપાડી હતી એથી તેઓ ગાંધીજીના વણાટગુરુ તરીકે જાણીતા થયા હતા. ગાંધીજીની વિનંતીથી રામજીભાઈ સાળ–સંચા અને પરિવાર સાથે આશ્રમમાં આવીને વસ્યા હતા. રામજીભાઈનાં પત્ની ગંગાબહેન પણ કુશળ ખાદી વણકર હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે ૧૯૩૦માં ગાંધીજીએ યોજેલી દાંડીયાત્રામાં રામજીભાઈની સક્રિય ભૂમિકા હતી. આજે પણ બઢિયાપરિવાર રામજીભાઈનો વારસો જાળવીને ખાદીના પ્રચાર–પ્રસારનું કામ કરી રહ્યો છે.

રામજીભાઈના પ્રપૌત્ર ધીમંત બઢિયા કહે છે, ‘દાદા કામ માટે મુંબઈ ગયા હતા. આઝાદીની લડતના દિવસો દરમ્યાન મુંબઈમાં ગાંધીજીની યોજાયેલી વિદેશી માલના બહિષ્કારની એક સભા બાદ ગાંધીબાપુ તેમના ઉતારા પર ગયા હતા. ગાંધીબાપુના ઉતારા પર સામંતભાઈ મારવાડી અને વણાટકામ કરતા મારા દાદા રામજીભાઈ બઢિયા ગયા હતા. ગાંધીબાપુને ખબર પડી કે રામજીભાઈ વણાટકામ કરે છે ત્યારે તેમણે રામજીભાઈને કહ્યું કે વતનમાં જઈને વણાટકામ કરો. દાદાને જાણે કે ગુરુમંત્ર મળ્યો હોય એમ બાપુને નમન કરી મુંબઈથી પોતાના વતન લાઠી આવી ગયા હતા. ત્યાર બાદ ગાંધીજીએ દાદાને વણાટકામ માટે સાબરમતી આશ્રમમાં તેડાવ્યા હતા અને ગાંધીજી તેમ જ અન્ય આશ્રમવાસીઓને દાદાએ વણાટકામ શીખવ્યું હતું.’

ગાંધીજી માટે આશ્રમનો પ્રાણ હતા મગનલાલ ગાંધી

સાબરમતી આશ્રમમાં ગાંધીજી અને કસ્તુરબા સાથે ઘણા આશ્રમવાસીઓ રહેતા હતા, જેમાં મગનભાઈ પણ એક હતા. ગાંધીબાપુ માટે મગનભાઈ આશ્રમનો પ્રાણ હતા. સાઉથ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમના દિવસોથી ગાંધીજી સાથે મગનભાઈ હતા. ગાંધીજીના અંતેવાસી અને ગાંધીવિચારના અનુયાયીઓમાંના એક એવા મગનલાલ ગાંધી ગાંધીજીના ભત્રીજા હતા. તેઓ આશ્રમના આર્કિટેક્ટ અને કાર્યક્ષમ મૅનેજર હતા. મગનલાલ વિના આશ્રમની વ્યવસ્થાની કલ્પના જ ન થઈ શકે. તેમણે ચરખા અને રેંટિયાની વિવિધ સુધારેલી ડિઝાઇન રજૂ કરી હતી. ૧૯૨૮માં તેમના મૃત્યુ સમયે ગાંધીજીએ નોંધ્યું હતું કે ‘હું વિધવા થઈ ગયો.’ ગાંધીજીએ તેમને આશ્રમનો પ્રાણ કહ્યા હતા.

મજૂરો માટે મિલમાલિકો સામે ગાંધીબાપુ મેદાને પડ્યા હતા

૧૯૧૭માં પ્લેગના ઉપદ્રવ દરમ્યાન મિલમાલિકોએ જાહેર કરેલું ૭૦ ટકા પ્લેગ બોનસ ઉપદ્રવ શમી જતાં પાછું ખેંચી લેતાં મજૂરોની આવકમાં ઘટાડો થયો હતો. એથી તેમણે ૫૦ ટકા વધારો માગ્યો હતો. માલિકો ૨૦ ટકા વધારો આપવા તૈયાર હતા, પણ મજૂરોને એ માન્ય નહોતું. એને કારણે તેમણે હડતાળ પાડી હતી. મજૂરોના પક્ષે ન્યાય હોવાથી ગાંધીજીએ હડતાળને ટેકો જ નહીં, માર્ગદર્શન પણ આપ્યું હતું, એટલું જ નહી, ગાંધીબાપુએ ઉપવાસ શરૂ કર્યા હતા. દેશભરમાં તેમના ઉપવાસની ઘેરી અસર પડી હતી.

આ પણ વાંચો : જ્યારે શ્રી કૃષ્ણએ બાપુને કહ્યું, જ્યાં સુદર્શન ચક્ર અનિવાર્ય હોય ત્યાં બાંસુરીવાદન વ્યર્થ છે

હડતાળને કારણે અમદાવાદમાં ૧૯૨૦ની ૨૫ ફેબ્રુઆરીએ મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ હતી. ગાંધીજીએ પોતાના હાથે રચેલું મજૂર મહાજન સંઘનું બંધારણ રજૂ કરીને મજૂરો પાસે મંજૂર કરાવ્યું હતું અને અનસૂયાબહેન સારાભાઈને પ્રમુખપદે બેસાડ્યાં હતાં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK