જ્યારે શ્રી કૃષ્ણએ બાપુને કહ્યું, જ્યાં સુદર્શન ચક્ર અનિવાર્ય હોય ત્યાં બાંસુરીવાદન વ્યર્થ છે

Published: Oct 02, 2019, 14:10 IST | ગાંધી ખરા અર્થમાં મહાત્મા - દિનકર જોષી | મુંબઈ

ધારો કે શ્રીકૃષ્ણ અને ગાંધી સ્વર્ગલોકમાં મળે અને મળ્યા પછી આ બન્ને યુગપુરુષો શું ચર્ચાઓ કરે એની રોમાંચક કલ્પના પ્રસ્તુત છે

શ્રીકૃષ્ણ અને ગાંધી: એક મુલાકાત
શ્રીકૃષ્ણ અને ગાંધી: એક મુલાકાત

મહાયુદ્ધ નિવારવા માટે શ્રીકૃષ્ણે તમામ પ્રયત્નો કર્યા; યુદ્ધ નિવારી શકાયું નહીં, મહાસંહાર થયો જ. સોમનાથના સમુદ્રતટે યાદવો મદ્યપાન કરીને પરસ્પરથી લડ્યા અને નાશ પામ્યા. શ્રીકૃષ્ણ એ જોતા રહ્યા પણ બચાવી શક્યા નહીં.

જેવું શ્રીકૃષ્ણનું એવું જ ગાંધીનું. ગાંધી શ્રીકૃષ્ણના સમય પછી કેટલાં વરસે થયા હશે એ ચોકસાઈપૂર્વક આપણે જાણતા નથી. ગાંધીએ પણ દેશનું વિભાજન રોકવા પ્રયત્નો કર્યા, સફળ ન થયા અને દેશમાં મહાસંહાર થયો એ લાચારીથી જોતા રહ્યા. શ્રીકૃષ્ણને જમણા પગના તળિયે તીર વાગ્યું  અને ભાલકાતીર્થનું નિર્માણ થયું. ગાંધીને ત્રણ ગોળીઓ વાગી અને રાજઘાટનું નિર્માણ થયું.

હવે ધારો કે...

અહીં માત્ર ધારી લેવાનું છે, દેહધારીઓ દેહ છોડ્યા પછી સ્વર્ગલોકમાં કે પછી બીજા કોઈ લોકમાં ક્યાં અને કેમ મળતા હશે અને મળતા રહેશે તો પૃથ્વીલોકને સંભારીને શો સંવાદ કરતા હશે એ આપણે જાણતા નથી, પણ અહીં હવે પછીના થોડાક શબ્દોમાં શ્રીકૃષ્ણ અને ગાંધી સ્વર્ગલોકમાં મળે છે અને મળ્યા પછી આ બન્ને યુગપુરુષો પોતાના દિલની જે વાત ઠાલવે છે એની કલ્પના કરવામાં આવી છે.

મંચ પર ગાંધીજી તેમની લાક્ષણિક મુદ્રામાં બેઠા છે. ચરખો, લાકડી, ચશ્માં, ઢળતું મેજ, પુસ્તક. મંચના બીજા છેડે પ્રકાશ વર્તુ‍ળ-સુદર્શન ચક્રનું સૂચન. આ વર્તુળમાંથી કૃષ્ણ બહાર આવે છે. ગાંધી તરફ પીઠ છે.

કૃષ્ણ : હું યમુના તટે જન્મ્યો અને દ્વારિકા તટે વિરમ્યો.

ગાંધી : અને હું દ્વારિકા તટે જન્મ્યો અને યમુના તટે વિરમ્યો.

(કૃષ્ણ પીઠ પાછળ ચહેરો ફેરવે છે).

કૃષ્ણ : ઓહ તમે કોણ? (સ્મિત) હં ઓળખ્યા તમને મોહનદાસ! બરાબર ઓળખ્યા.

ગાંધી : ભલો વરત્યાં અચ્યુતા

કૃષ્ણ : વરતું કેમ નહીં મોહનદાસ?

ગાંધી : આપણા વચ્ચે પાંચ હજાર વરસનો ગાળો

કૃષ્ણ : એથી શું? જે કામ મે આજીવન કર્યું અને છતાં અધૂરું રહ્યું.

ગાંધી : એ જ કામ મેં આગળ ધપાવ્યું.

કૃષ્ણ : હા, મહાસંહાર રોકવા હું મથ્યો, પણ રોકી ન શક્યો. કુરુક્ષેત્રનો મહાવિનાશ થયો જ...

ગાંધી : અને દેશનું વિભાજન રોકવા હું મથ્યો પણ રોકી ન શક્યો.

કૃષ્ણ : યુદ્ધને અંતે મારા સ્વજનો મારી આંખ સામે જ ગાંડાતૂર થઈને પરસ્પર લડી મૂઆ. હું આ યાદવીને રોકી શક્યો નહીં, જોતો રહ્યો... માત્ર જોતો રહ્યો.

ગાંધી : અને હું પણ જેમને મારી જમણી-ડાબી આંખ માનતો હતો તેમને પરસ્પર પશુની જેમ કરડતા જોઈ રહ્યો. જોઈ જ રહ્યો... કશું કરી શકયો નહીં.

કૃષ્ણ : મેં એરક ઘાસની મુઠ્ઠી ભરીને આ ઉન્મત્ત થયેલા પરિવારજનો સામે ફેંકી. 

ગાંધી : અને મેં ઉપવાસ કર્યા.

કૃષ્ણ : અને છતાં આપણે કશું ન કરી શક્યા. એક અજાણ્યા પારધિએ તીર મારીને મારી જીવનયાત્રા સમાપ્ત કરી.

ગાંધી : અને આવા જ એક અજાણ્યા દેશવાસીએ ગોળી મારીને મારો અંત આણ્યો.

કૃષ્ણ : ગોળી?

ગાંધી : હા. ગોળી! પ્રભુ! આપ મારાથી પાંચ હજાર વરસ આગળ છો એટલે આપને તીરે મુક્તિ બક્ષી, મને ગોળીએ. માણસજાતે પ્રગતિ અવશ્ય કરી છે!

કૃષ્ણ : પણ આપણે બન્ને એક રીતે આપણા અન્ય સહધર્મીઓ કરતાં સદ્ભાગી છીએ.

ગાંધી : સદ્ભાગી? એ કઈ રીતે?

કૃષ્ણ : બુદ્ધ, મહાવીર, ઈસુ આ બધા મારા તો અનુજ, પણ તમારા તો પૂર્વજ.

ગાંધી : પૂર્વજ...

કૃષ્ણ : આ સૌ પોતાના જીવનકાળ દરમ્યાન અથાક મથ્યા અને છતાં માંડ મૂઠીભર સમકાલીનો તેમની સાથે હતા. તેમનો સ્વીકાર તેમના જીવનકાળમાં નહોતો થયો. દેહાવસાન પછી લાંબા કાળે જ્યારે તેમના ઉપદેશોને રાજ્યાશ્રય સાંપડ્યો ત્યારે બહુજન સમાજે તેમને સ્વીકાર્યા. પણ આપણે... હું અને તમે મોહનદાસ! તમે પણ...

ગાંધી : બેય મોહન ખરાને!

કૃષ્ણ : હા, આપણા સમકાલીનો લાખોની સંખ્યામાં આપણા જીવનકાળ દરમ્યાન જ આપણાથી મોહિત થયા.

ગાંધી : જેઓ આપણને શત્રુ માનતા હતા તેઓ પણ?

કૃષ્ણ : હા, તેઓ પણ! કંસ, જરાસંધ, શિશુપાળ કે કાળયવન આ કોઈનેય મારા વિના ચાલ્યું નહોતું.

ગાંધી : અને વિન્સ્ટન ચર્ચિલ, જનરલ સ્મટ્સ, મહંમદ અલી ઝીણા કે પેલા રાજકોટના વીરાવાળા... આ સૌએ પણ મને તો સતત ધ્યાનમાં જ રાખ્યો. હાહાહા (અચાનક) એક વાત પૂછું પ્રભુ?

કૃષ્ણ : પૂછો મોહનદાસ! પૂછો... પૂછીને પામવાનો આ જ તો એક અંતિમ અવસર છે. પ્રશ્ન એ પ્રજ્ઞાની પૂર્વભૂમિકા છે. અર્જુન પણ પૂછીને જ પામ્યો હતો.

ગાંધી : એ અર્જુન વિશે જ મારા મનમાં પ્રશ્ન છે. અર્જુન અહિંસા આચરવા માગતો હતો. અહિંસાને આત્મસાત કર્યા વિના સત્ય પામી શકાય નહીં અને આમ છતાં આપે તેને હિંસાના માર્ગે વાળ્યો. તસ્માય, ઉત્તિષ્ઠ કૌંતેય, યુદ્ધાય કૃતનિશ્ચય.

કૃષ્ણ : હિંસાને હું ધિક્કારું છું મોહનદાસ! અર્જુનને મેં હિંસા આચરવાનું નહીં, અહિંસાને એના પરમ તત્ત્વ સાથે અનુસરવાનું કહ્યું હતું. રાગ-દ્વેષ, ક્રોધ, અહંકાર આ બધાં હિંસાનાં પૂર્વ લક્ષણો છે. શત્રુ પર પ્રહાર કરવા માટે તેના માટે મનમાં ધિક્કાર પેદા થવો જોઈએ. તેના પર ક્રોધ જન્મવો જોઈએ. તેનો નાશ કરવા પોતે સમર્થ છે એવો અહંકાર પેદા થવો જોઈએ. જો આ બધાં તત્ત્વો ત્યજી દીધા પછી ધર્મના એક અનુસરણ તરકે હિંસા પણ આચરીએ તો એનાથી વિશુદ્ધ અહિંસા બીજી કોઈ નથી. જ્યાં સુદર્શન ચક્ર અનિવાર્ય હોય ત્યાં બાંસુરીવાદન વ્યર્થ છે એ ભેદરેખા વહેવારિક વિશ્વમાં અનિવાર્ય છે.

gandhiji

ગાંધી : હિંસા કે અહિંસા. માત્ર કર્મ નથી પ્રુભ! આ તો એક વિભાવના છે. જો અહિંસાની વિભાવના આત્મસાત થાય નહીં તો સત્યની પ્રાપ્તિ શી રીતે થાય? મેં આજીવન સત્યના પ્રયોગો કર્યા છે.

કૃષ્ણ : તમને આ સત્ય પ્રાપ્ત થયું હતું મોહનદાસ?

ગાંધી : કદાચ. કદાચ પ્રાપ્ત થયું પણ હોય, ન પણ થયું હોય.

કૃષ્ણ : (હસે છે) તમે તો એવાને એવા જ રહ્યા મોહનદાસ! પૃથ્વી પરથી આવીને સ્વર્ગમાં વસ્યે તમને ૭૨ વર્ષ થયાં અને તોય પૃથ્વી પરની પત્રકાર પરિષદમાં જે રીતે જવાબ વાળતા હતા એ જ રીત હજી વીસર્યા નથી.

ગાંધી : એ રીતમાં કોઈ ચાલાકી નહોતી! સત્યની મારી શોધમાં પ્રવર્તતી મારી માનસિક અનિશ્ચિતતાનો જ એ પ્રતિઘોષ હતો. હિટલરનાં ધાડાંઓનો હિંસાથી પ્રતિકાર કરવાને બદલે નિ:શસ્ત્ર થઈને પોતાનાં મસ્તકો ધરી દેવાનું મેં યુરોપની પ્રજાને સૂચન કર્યું હતું. યુરોપની પ્રજાએ જો મારી વાત માની હોત તો હિટલરનાં સૈન્યોના હાથે તેમનો જે વિનાશ થયો એથી ઘણો ઓછો વિનાશ અહિંસક પ્રતિકારથી થયો હોત.

કૃષ્ણ : આ ખામીનો વધ કરવો એ ધર્મવિહિત છે. એની સમક્ષ નતમસ્તકે પ્રાણાર્પણ કરવું એ ધર્મનિષિદ્ધ છે.

ગાંધી : હું કાયરતાપૂર્વક શત્રુને શરણે જવાનું નથી કહેતો વાસુદેવ! હું તો વીરતાપૂર્વક આત્મબલિદાન આપીને શત્રુના હૃદયમાં રહેલા દ્વેષભાવને નષ્ટ કરવાનું જ કહું છું.

કૃષ્ણ : તમારી આ અહિંસા સફળ થઈ ખરી?

ગાંધી: ના પાડવાનું મન થતું નથી અને હા પાડી શકાતી નથી. અહિંસા જ્યારે નિષ્ફળ જાય ત્યારે અહિંસાનું આચરણ કરનારમાં જ ક્યાંક ઊણપ હશે એવું જ મને તો લાગે.

કૃષ્ણ : અને છતાં કાશ્મીર પર જ્યારે તાયફાવાળાઓએ હુમલો કર્યો ત્યારે કાશ્મીરને બચાવવા જતા ભારતીય સૈન્યને તમે આશીર્વાદ આપ્યા હતા મોહનદાસ!

ગાંધી : મેં આપને પહેલાં જ કહ્યું હતું દેવકીનંદન! મેં આજીવન સત્યના પ્રયોગો કર્યા છે. જ્યારે, જે ક્ષણે, જે સત્યનાં મને દર્શન થયાં ત્યારે, એ ક્ષણે, એ સત્યનું જ મેં અનુસરણ કર્યું છે.

કૃષ્ણ : તમેય ખરા છો મોહનદાસ! સત્ય એ ધર્મના પરમ તત્ત્વને પામવા માટેની કેડી છે. તમે એ કેડી પર જ અટવાતા રહ્યા.

ગાંધી : (ચોંકીને) એટલે? હું સમજ્યો નહીં પ્રભુ! તમે અર્જુનને જે રીતે ગીતા સમજાવી એ રીતે મને પણ સમજાવશો તો હું તો ગૂંચવાઈ જઈશ. અર્જુન તમારો સખા હતો. હું તો એક એવો સામાન્ય જણ છું કે તમારી સામે નતમસ્તક પણ ઊભો ન રહી શકું.

કૃષ્ણ : (સ્વગત) રાજકીય મંત્રણાઓ માટે તૈયાર કરેલાં વાક્યો હજી મોહનદાસ ભૂલ્યા નથી! (પ્રગટ) ક્ષણે-ક્ષણે યન્નવતામુપૈતિ, તસ્માદ રૂપં રમણીયતાયા। સત્ય સુંદર છે મોહનદાસ અને સૌંદર્ય પ્રતિ ક્ષણે રૂપ બદલે છે એ પણ ખરું. સત્ય એ અર્થમાં સુંદર નથી. સત્ય તો લૌકિક અને શાશ્વત એમ બે સ્વરૂપે હોય છે. લૌકિક સત્યના માર્ગેથી તમે શાશ્વત સત્ય સુધી પહોંચો ત્યારે શાશ્વત સત્ય પરમ ધર્મ બની જાય છે. (હસે છે) જવા દો મોહનદાસ, આપણે આ બધું ઘણાં વર્ષો કર્યું-મેં અને તમે, બન્નેએ!

ગાંધી : અને છતાં જેમની વચ્ચે આ કામ કર્યું એ બધા આપણને અને આપણી વાતને સાવ ભૂલી ગયા છે.

કૃષ્ણ : હતાશ ન થાઓ મોહનદાસ! આપણને કોઈ ભૂલ્યું નથી. આપણા નામે તો... પેલી તરફ નીચે જુઓ. (ગાંધીજી એ દિશામાં જુએ) અને જો બરાબર દેખાતું ન હોય તો આ જુઓ, (અંગરખામાંથી ચલણી નોટોની થોકડીઓ કાઢે છે. એક, બે, પાંચ, દસ, વીસ, સો, બે હજાર બધી). જુઓ મોહનદાસ, તમને કોઈ ભૂલ્યું નથી. આવી કરોડો થોકડીઓમાં તમને રાખીને તમારો એકેએક પૃથ્વીવાસી એને છાતીએ વળગાડે છે. તમને કોઈ છોડતું નથી.

ગાંધી : અને છતાંય જો આ નોટથી હું વિખૂટો પડી જાઉં તો મને કોઈ ઓળખતું નથી.

કૃષ્ણ : એમ ભાંગી ન પડો મોહનદાસ! જાઓ ફરી વાર પૃથ્વી ઉપર જાઓ અને જે કામ અધૂરું રહ્યું છે એ પૂરું કરો!

ગાંધી : ભગવંત! એમ તો તમેય ગીતામાં વચન આપ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ્ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.

કૃષ્ણ : હું હજીય વચનબદ્ધ છું મોહનદાસ! મને ખબર છે, પૃથ્વી ઉપર ધર્મની ગ્લાનિ થઈ છે. ધર્મની પુનર્સ્થાપના માટે મારે જન્મ લેવાનો સમય થઈ ચૂકયો છે, પણ હું પ્રતીક્ષા કરું છું...

ગાંધી : પ્રતીક્ષા? કોની પ્રતીક્ષા ભગવંત?

કૃષ્ણ : પૃથ્વી ઉપર આજે કંસ, શિશુપાળ, જરાસંધ, કાળ‍યવન, ભૌમાસુર ઇત્યાદિ-ઇત્યાદિ અનેક જીવો પ્રગટ્યા છે પણ મારે જન્મ લેવા માટે એક દેવકી જોઈએ, એક વસુદેવ જોઈએ, એક જશોદા જોઈએ, એક નંદલાલ જોઈએ, એક ઉદ્ધવ જોઈએ, એક અર્જુન જોઈએ અને એક રાધા જોઈએ... હું આ બધાંને પૃથ્વી ઉપર શોધી રહ્યો છું. જે ક્ષણે મારી આ શોધ પૂરી થશે એ ક્ષણે હું મારું વચન પૂરું કરીશ.

- સંભવામિ યુગે યુગે !

ગાંધી : (આશ્ચર્યથી સાંભળ્યા કરે છે) તો પછી મારે શું કરવું દેવકીનંદન? શાધિ મામત્વાં પ્રપન્નમ.

કૃષ્ણ : નહીં. મોહનદાસ એમ નહીં! અર્જુનને મેં છેલ્લે કહ્યું હતું એ જ તમને કહું, યથેચ્છસિ તથા કુરુ. તમને જે ઉચિત લાગે એ જ કરો.

ગાંધી : (ઊભા થઈને બે ડગલાં ભરે છે) તો પછી હે પ્રભુ! મારે ત્યાં નથી જવું. મને અને મારી વાતને જેઓ છાતીની અંદર ઉતારે તેમની પાસે મારે જવું છે. ચલણી નોટો હાથમાં લઈને જેઓ આ કાગળિયાંમાં મારું જતન કરે અને છાતીએ વળગાડે તેમની પાસે મારે નથી જવું.

(ગાંધીજી ધીમાં ડગલાં ભરતાં એક તરફ જાય છે.) મંચ પર અંધકાર. કૃષ્ણ પર પ્રકાશ. કૃષ્ણ અકળ સ્મિત સાથે જોઈ રહે છે.

આ પણ વાંચો : મારા સત્યના પ્રયોગો

કૃષ્ણ : મોહનદાસ! મોહનદાસ! (હાથમાં ચલણી નોટો લઈને) કાગળના આ ટુકડા ઉપર જ્યારે તમે પ્રગટો છો ત્યારે એ ટુકડો કાગળ નથી રહેતો, સંપત્તિ બની જાય છે એટલુંય હજી તમે સમજ્યા નથી? તમારી જ છાપવાળા આવા કાગળના ટુકડાઓથી તો આજે પૃથ્વી ઉપર મારાં મંદિરો બને છે, મારી સ્થાપના થાય છે, ધામધૂમથી મારી કથાઓ થાય છે.

(મંચ પરથી પ્રકાશ ધીમે-ધીમે ઓછો થતો જાય. એક ક્ષણ સંપૂર્ણ અંધકાર અને પછી પ્રકાશનો ઝબકારો, જેમાં માત્ર રેંટિયો અને સુદર્શન ચક્ર બે જ દેખાય).

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK