Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રને એક મુખ્ય પ્રધાન સાથે બે નાયબ મુખ્ય પ્રધાન મળશે

મહારાષ્ટ્રને એક મુખ્ય પ્રધાન સાથે બે નાયબ મુખ્ય પ્રધાન મળશે

01 November, 2019 05:30 PM IST | મુંબઈ

મહારાષ્ટ્રને એક મુખ્ય પ્રધાન સાથે બે નાયબ મુખ્ય પ્રધાન મળશે

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી?

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી?


વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળ્યાને આજે એક અઠવાડિયું વીતી ગયું છે છતાં રાજ્યમાં હજી સુધી સરકાર રચાઈ નથી. જોકે એમ છતાં સત્તાસ્થાપનની હિલચાલો વેગવાન બની છે. મુખ્ય પ્રધાન અને સત્તાસ્થાને સમાન વહેંચણી સંદર્ભે શિવસેના કે બીજેપી ટસની મસ નથી થતી ત્યારે રાજ્યમાં સૌથી વધુ બેઠક જીતનાર બીજેપી શિવસેનાને રીઝવવા માટે શું મહારાષ્ટ્રમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ માટે વિચારી રહી છે એવી ચર્ચાએ ગુરુવારે જોર પકડ્યું છે ત્યારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોઈએ પણ મુખ્ય પ્રધાનપદનો અમરપટ્ટો પહેરીને ચાલવું નહીં એવું કથન કર્યું હતું. બીજી બાજુ બીજેપી સત્તાથી દૂર રહે એ માટે કૉન્ગ્રેસ શિવસેનાને ટેકો આપવાના મરણિયા પ્રયાસ કરી રહી છે.
મુખ્ય પ્રધાનપદની અઢી-અઢી વર્ષની વહેંચણીની શક્યતાને નકારતાં દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના વરિષ્ઠ નેતાઓએ શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદ સોંપવાની તૈયારી દાખવી હોવાનું જાણવા મળ્યું હતું. ચૂંટણી પછી દિવાળી પૂરી થઈ ગઈ હોવા છતાં હજી શિવસેનાના સંજય રાઉતની બયાનબાજી અને બીજેપીના સુધીર મુનગંટીવારના કટાક્ષોની આતશબાજી ચાલુ જ છે. કોઈ નક્કર પ્રસ્તાવ હજી સુધી કોઈ પક્ષે રજૂ કર્યો નથી. અપક્ષ વિધાનસભ્યોનું સમર્થન મેળવવા માટે બન્ને પક્ષોની ચડસાચડસી ચાલી રહી છે. બીજી બાજુ રાજકીય વેરને ભૂલી જઈને બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે શિવસેનાને ટેકો આપશે એવો સ્પષ્ટ સંકેત કૉન્ગ્રેસે આપ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે શિવસેનાને ટેકો આપવાનો પ્રસ્તાવ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સમક્ષ મૂકવામાં આવશે એટલે હવે દિલ્હીથી કોઈ જવાબ આવે એની રાહ જોવાઈ રહી છે.
એનડીએના પાંચ વર્ષના કાર્યકાળમાં શિવસેનાને અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ સોંપવાનું ક્યારેય નક્કી કરવામાં આવ્યું ન હોવાના દેવેન્દ્ર ફડણવીસના નિવેદનને પગલે ઉદ્ધવ ઠાકરે નારાજ હતા. ઉદ્ધવ ઠાકરેની નારાજગી દૂર કરવા માટે શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવાનો નિર્ણય બીજેપીના મોવડીમંડ‍ળે લીધો છે. બીજેપીના મોવડીમંડળે મહારાષ્ટ્રની નવી રચાનારી સરકારમાં બે નાયબ મુખ્ય પ્રધાન રાખવાનો નિર્ણય લીધો છે, એમાં એક બીજેપીનો અને બીજો શિવસેનાનો નાયબ મુખ્ય પ્રધાન હશે. શિવસેનાને અન્ય કેટલાંક મહત્ત્વનાં મંત્રાલયો ફાળવવાની પણ શક્યતા છે. કેન્દ્રમાં સ્વતંત્ર અખત્યારના પ્રધાનપદની શિવસેનાની માગણી પણ બીજેપીના મોવડીઓની વિચારણા હેઠળ છે.
મહારાષ્ટ્રની નવી રચાનારી સરકારની બ્લુપ્રિન્ટ તૈયાર છે અને દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વાર મુખ્ય પ્રધાન બનીને કેન્દ્રમાં મોદી-૨.૦ સરકારની માફક રાજ્યમાં ફડણવીસ-૨.૦ રચવા હોમવર્ક કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની જેમ જ રાજ્યમાં એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનોની ફૉર્મ્યુલા બીજેપીએ અપનાવી હતી. શિવસેનાને પ્રધાનમંડળમાં ૧૩ ખાતાં સોંપવાનું લગભગ નક્કી છે. સોદાબાજીમાં એકાદબે વધારે મંત્રાલયો સેનાને સોંપાય એવી શક્યતા છે. ગઈકાલે શિવસેનાને મોકલવાના પ્રસ્તાવની ચર્ચા બીજેપીમાં ચાલતી હતી.

ફડણવીસ ઉદ્ધવને ફોન કરશે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની બીજેપીના નેતાપદે નિમણૂક થયા બાદ શિવસેનાને નાયબ મુખ્ય પ્રધાનપદ સહિત ૧૩ પ્રધાનપદાં આપવાની વાત ચાલી રહી છે ત્યારે ફડણવીસ ઉદ્ધવ ઠાકરે સાથે આ સંદર્ભે ચર્ચા કરવા ફોન કરવાના હોવાની વાત સૂત્રો પાસેથી જાણવા મળી હતી. ફિફ્ટી-ફિફ્ટી ફૉર્મ્યુલાના મુદ્દે શિવસેના ટસની મસ નથી થતી ત્યારે બન્ને પક્ષ વચ્ચેની તાણ દૂર કરવા ફડણવીસ ઉદ્ધવને મનાવવા માટે ફોન કરવાના છે.



જે અપક્ષ વિધાનસભ્યનું નામ લેશો એ અમારા સંપર્કમાં છે-સંજય રાઉત
અપક્ષ વિધાનસભ્યોનું સમર્થન મેળવવાની બન્ને પક્ષોની ચડસાચડસીમાં શિવસેનાના નેતા સંજય રાઉતે એટલે સુધી કહ્યું કે તમે જે અપક્ષ વિધાનસભ્યનું નામ લેશો એ અમારા સંપર્કમાં છે. સત્તાવહેંચણી બાબતે અમારું વલણ નરમ પડ્યું નથી. અમે ટાઢા પડીને તડજોડ કરી રહ્યા હોવાની અફવા છે. જનતા બધું જાણે છે. બીજેપી અને શિવસેના વચ્ચે જે નક્કી થયું છે એ કરવું જ જોઈએ.’


શિવસેના વિધાનમંડળ પક્ષના નેતાપદે એકનાથ શિંદેની વરણી
બીજેપી અને એનસીપી પછી હવે શિવસેનાએ પણ વિધાનમંડળ પક્ષના નેતાની વરણી કરી છે. ગઈ કાલે શિવસેનાના વિધાનસભ્યોની બેઠકમાં આદિત્ય ઠાકરેએ વિધાનમંડળ પક્ષના નેતાપદ માટે એકનાથ શિંદેના નામની મૂકેલી દરખાસ્તને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં સુનીલ પ્રભુને પાર્ટીના વ્હિપ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એ બેઠકમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દિવાળીના દિવસે ફડણવીસના વિધાન તરફ નારાજગી દર્શાવી હતી. શિવસેનાને અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ આપવાનું ક્યારેય નક્કી થયું નહોતું એવું દિવાળીના દિવસે મુખ્ય પ્રધાને કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે ‘હજી બીજેપી તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. અમિત શાહ સાથે જે નક્કી થયું છે એવું તેમણે કરવું જોઈએ. અમે સ્થિર સરકાર આપવાનો પ્રયત્ન કરીશું. અમે મિત્રપક્ષને શત્રુ માનતા નથી. બહાર ઘણી અફવા ફેલાઈ છે. અનેક પ્રસ્તાવો મીડિયાએ આપમેળે ઊભા કરીને ચર્ચા શરૂ કરી દીધી છે.’

શિવસેનાએ લીધી રાજ્યપાલની મુલાકાત
નવા ચૂંટાયેલા વિધાનસભ્યો એકનાથ શિંદે અને સુનીલ પ્રભુની વરણી બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા. રાજ્યપાલ સાથેની મુલાકાત દરમ્યાન શિવસેનાના વિધાનસભ્યોએ કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનની ચર્ચા કરી હતી. વિધાનસભ્યોએ માવઠાને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માગણી રાજ્યપાલ સમક્ષ કરી હતી.


સુધીર મુનગંટીવારનો કટાક્ષઃ મુખ્ય પ્રધાનપદ શિવસૈનિકને મળશે
બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે ગઈ કાલે શિવસેનાની મુખ્ય પ્રધાનપદની માગણી તરફ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રનું મુખ્ય પ્રધાનપદ શિવસૈનિક જ શોભાવશે, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ પોતાને શિવસૈનિક જ માને છે. મુખ્ય પ્રધાનપદ સિવાયની અન્ય તમામ બાબતોની ચર્ચા હજી બાકી છે. શિવસેનાને મોકલવાના પ્રસ્તાવના મુદ્દા પણ ચર્ચવાના બાકી છે. શિવસેનાને કેટલાં પ્રધાનપદ સોંપવાં એ પ્રશ્ન તો છે જ. જોકે શિવસેના ૧૩ કરતાં વધારે મંત્રાલયો મેળવવાને લાયક છે કે નહીં એ પણ પ્રશ્ન છે.

ઘટક પક્ષોને કૅબિનેટ કક્ષાના પ્રધાનપદની આઠવલેની માગણી
મહારાષ્ટ્રમાં સત્તાવહેંચણી બાબતે શિવસેના અને બીજેપી વચ્ચે જબ્બર હુંસાતુંસી ચાલી રહી છે ત્યારે મહાયુતિના ઘટક પક્ષોને કૅબિનેટ કક્ષાનાં પ્રધાનપદ ફાળવવાની માગણી રિપબ્લિકન પાર્ટી (આઠવલે)ના નેતા રામદાસ આઠવલેએ કરી છે. આઠવલેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં જનતાએ મહાયુતિને જનાદેશ આપ્યો છે. દરેક પક્ષને મળેલી બેઠકોના આંકડા સ્પષ્ટ થયા છે. એવામાં ઝાઝી લપ્પનછપ્પન કર્યા વિના વહેલી તકે સત્તાસ્થાપનાની ઔપચારિક કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ.’

હવે મહારાજાના નામે મત માગવા ન આવાતઃઅરવિંદ જગતાપ
બીજેપી અને શિવસેના વચ્ચે સત્તાનો મહત્વનો દલ્લો મેળવવા માટે રસ્સીખેંચ ચાલી રહી છે ત્યારે મરાઠી સિરિયલના રાઇટર અરવિંદ જગતાપે યુતિ અને આઘાડીમાં દમ રહ્યો નથી એવી ટીકા ફેસબુકના માધ્યમથી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 05:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK