BJPના ઇન્ચાર્જ ઓમ માથુરનો શિવસેનાને જોરદાર ટોણો

Published: 22nd October, 2014 02:36 IST

મહારાષ્ટ્રમાં હવે BJP બિગ બ્રધર, બીજા કોઈએ મોટા ભાઈ થઈને ફરવાની જરૂર નથી, ઉદ્ધવ ઠાકરેએ સરકારને ટેકો આપવા કોઈ શરતો મૂકી હોવાના અહેવાલોને આધારવિહોણા ગણાવ્યા




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા બાદ પણ શિવસેના અને BJP વચ્ચે સામસામી ટોણાબાજી ચાલી રહી છે. આ ચૂંટણીમાં BJPના ઇન્ચાર્જ ઓમ માથુરે ગઈ કાલે કદાચ પહેલી વાર શિવસેનાનું નામ લીધા વગર જ ટોણો માર્યો હતો કે ચૂંટણીનાં પરિણામો બાદ હવે BJPએ રાજ્યના નવા બિગ બ્રધરની પોઝિશન મેળવી લીધી છે તેથી લોકોની આવી લાગણીથી વિપરીત અન્ય કોઈ પાર્ટીએ રાજ્યમાં પોતે મોટા ભાઈ થઈને ફરવાની જરૂર નથી.

ચૂંટણી પહેલાં જ શિવસેના અને BJP વચ્ચેની અઢી દાયકા જૂની મહાયુતિ તૂટી એનું મુખ્ય કારણ મોટા ભાઈ થવાની લડાઈ જ હતું, કેમ કે BJPએ રાજ્યની ૨૮૮ સીટોમાંથી સીટ-શૅરિંગમાં ફિફ્ટી-ફિફ્ટીની ફૉમ્યુર્લા અને જેની વધારે સીટો આવે એનો ચીફ મિનિસ્ટર બને એવી માગણી કરી હતી અને શિવસેનાને એ મંજૂર નહોતું તેથી યુતિનું જ વિસર્જન થઈ ગયું હતું.

રાજ્યમાં સરકાર રચવા ટેકો આપવાની સામે શિવસેનાના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરેએ BJP સામે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખુરસી અને હોમ, રેવન્યુ, ફાઇનૅન્સ, ઇરિગેશન સહિતનાં મંત્રાલયો માગ્યાં હોવાના અહેવાલોને ઓમ માથુરે પાયાવિહોણા ગણાવતાં કહ્યું હતું કે ‘આવા અહેવાલો મીડિયાના ભેજાની નિપજ છે. એમાં કોઈ તથ્ય નથી. પરિણામો જાહેર થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને BJPના ચીફ અમિત શાહની જેમ મને પણ ફોન કર્યો હતો, પરંતુ એ માત્ર અમારી પાર્ટીના વિજય બદલ શુભેચ્છા આપવા માટે કર્યો હતો. શિવસેનાએ સરકાર રચવામાં ટેકો આપવા માટે BJP સામે કોઈ શરતો રાખી છે એવા અહેવાલો પાયાવિહોણા છે.’

માથુર ચાલ્યા, નડ્ડા આવ્યા


દરમ્યાન મહારાષ્ટ્રમાં પાર્ટીને નંબર વન પોઝિશન પર પહોંચાડનારા BJPના ઇન્ચાર્જ ઓમ માથુરને હવે પાર્ટીએ ઉત્તર પ્રદેશ કબજે કરવાની જવાબદારી સોંપી છે અને મહારાષ્ટ્રમાં તેમના સ્થાને જે. પી. નડ્ડાને મૂકવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ દેશનું સૌથી મોટું રાજ્ય હોવાથી લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભામાં પણ BJPનો ઝંડો ફરકાવવાનું સપનું પાર્ટીનું છે.    

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK