મહારાષ્ટ્રનું રાજકારણઃ રાજ્યપાલે બીજેપીને પૂછ્યું, તમે સરકાર બનાવવા ઇચ્છુક છો?

Published: Nov 10, 2019, 08:17 IST | Mumbai

ચૂંટણીનું પરિણામ આવ્યાના ૧૫ દિવસ બાદ સૌથી વધુ બેઠક મેળવનારા પક્ષને રાજ્યપાલે પત્ર પાઠવ્યો. જો કે તેનાથી શિવસેના અને કોંગ્રેસમાં ગભરાટ ફેલાયો છે.

ભાજપને સરકાર રચવાનું આમંત્રણ(તસવીર સૌજન્યઃ PTI)
ભાજપને સરકાર રચવાનું આમંત્રણ(તસવીર સૌજન્યઃ PTI)

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયાના ૧૫ દિવસ બાદ રાજ્યપાલ ભરતસિંહ કોશ્યારીએ ગઈ કાલે સૌથી વધુ ૧૦૫ બેઠક મેળવનારા પક્ષ બીજેપીને પત્ર પાઠવીને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. આ પત્રમાં બીજેપી સરકાર બનાવવા માટે ઇચ્છુક છે કે કેમ એમ પૂછવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
કૅરટેકર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં નજીકનાં સૂત્રોના જણાવ્યા મુજબ તેમને સરકાર બનાવવા બાબતે પત્ર દ્વારા રાજ્યપાલે બીજેપીને પૂછ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની કુલ ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી મહાયુતિના બીજેપી અને શિવસેના સહિતના સાથીપક્ષોએ ૧૬૧ બેઠક મેળવી હતી જે સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીના ૧૪૫ના આંકડા કરતાં વધારે છે. બીજેપીને ૧૦૫, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ અને કૉન્ગ્રેસને ૪૪ બેઠક આ ચૂંટણીમાં મળી હતી. આમ છતાં, કોઈ પણ પક્ષે સરકાર બનાવવા માટે દાવો હજી સુધી નથી કર્યો.
આથી રાજભવનમાંથી સરકાર બનાવવાની પ્રક્રિયા આગળ વધારવા માટે ગઈ કાલે સૌથી વધુ ૧૦૫ બેઠક મેળવનારા પક્ષને સરકાર બનાવવા બાબતે શું વિચારે છે એવો સવાલ
કર્યો હતો.

શિવસેના-કૉન્ગ્રેસમાં ગભરાટ

રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવા બાબતે પૂછ્યું હોવાના સમાચારથી શિવસેના અને કૉન્ગ્રેસમાં ગભરાટ ફેલાયો છે. પોતાના વિધાનસભ્યોને તોડવાનો પ્રયાસ થવાના ડરથી બન્ને પક્ષના નેતાઓ વિધાનસભ્યોને મળવા દોડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. શિવસેનાના વિધાનસભ્યોને મલાડના એક રિસૉર્ટમાં રખાયા છે. તેમને મળવા માટે અનિલ દેસાઈ, મિલિંદ નાર્વેકર, ગજાનન કીર્તિકર સહિતના નેતાઓ રિસૉર્ટમાં તો જયપુરની હોટેલમાંથી અજ્ઞાત સ્થળે લઈને તેમની સાથે ચર્ચા કરવા માટે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાક, ‌મલ્લિકાજુર્ન ખરગે, પૃથ્વીરાજ ચવાણ સહિતના નેતાઓ મુંબઈથી જયપુર રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું.

ચુકાદાની મહારાષ્ટ્રના રાજકારણને અસર નહીં થાયઃ શરદ પવાર
અયોધ્યાની વિવાદાસ્પદ ભૂમિ બાબતે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સ્વાગત કરતાં એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે આ ઘટનાની મહારાષ્ટ્રના રાજકારણ પર કોઈ અસર નહીં થાય. શરદ પવારે સીમાચિહ્નરૂપ ચુકાદાને માન આપવાનો તમામ લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ‘અયોધ્યાની વિવાદાસ્પદ ભૂમિ પર રામમંદિર બાંધવાનો માર્ગ મોકળો કરતાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચના સર્વસંમત ચુકાદાને કારણે રાષ્ટ્ર સામેની ગંભીર ચિંતાજનક બાબત પર ધ્યાન આપી શકાશે. ન્યાયતંત્રે સમાજના દરેક વર્ગનાં હિતોની જાળવણીની વાત કરી એ નોંધપાત્ર બાબત છે.’
શરદ પવારે જણાવ્યું હતું કે ‘આ રાજકીય વિષય નહીં હોવાથી એના પર ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. મહારાષ્ટ્રના રાજકારણ પર એની ઝાઝી અસર થવાની નથી. લોકો બે-ત્રણ દિવસમાં આ વિષયને ભૂલી જશે. સર્વસામાન્ય જનતા માટે આ બહુ મહત્ત્વનો વિષય ન પણ હોય. વિવિધ રાજકીય પક્ષોએ એનું સ્વાગત કર્યું એ સારી બાબત છે. સમાજના તમામ વર્ગોએ આ ચુકાદાનું સ્વાગત કરીને શાંતિ-સૌહાર્દતા જાળવવા જોઈએ. મંદિરમાં જવું કે મસ્જિદમાં જવું એ દરેક નાગરિકના અધિકાર અને પસંદગીનો વિષય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK