મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલી જ વાર મુંબઈ નિર્ણાયક ભૂમિકા ભજવશે

Published: 17th October, 2014 06:07 IST

યુતિ તૂટવાને કારણે મુંબઈમાં બે દિશાનું ધ્રુવીકરણ થયું છે. એક તો કૉન્ગ્રેસ-NCP વિરોધી અને બીજું કાં BJPના પક્ષે અને કાં શિવસેનાના પક્ષે. અનેક મરાઠી મતદાતાઓ યુતિ તોડવા માટે BJPથી ખફા છે અને તેમણે સાગમટે શિવસેનાને મત આપ્યા હોય એવી સંભાવના છે. બીજી બાજુ ગેરમરાઠી મતદાતાઓએ BJP કરતાં મોદીને અને ચાહીને શિવસેનાની વિરુદ્ધ મત આપ્યો હોય એવી શક્યતા છે
મંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

સાધારણ રીતે એવું બને છે કે જ્યારે ચૂટણીમાં મોટા પ્રમાણમાં મતદાન થાય છે ત્યારે એ મતદાન પરિવર્તન માટેનું હોય છે. એમાં શાસક પક્ષનો પરાજય થાય છે અને વિરોધ પક્ષનો વિજય થાય છે. હરિયાણામાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં એક કરોડ ૬૩ લાખ મતદાતાઓમાંથી ૭૬ ટકા મતદાતાઓએ મતદાન કર્યું છે. ૨૦૦૯ની વિધાનસભાની ચૂટણીમાં હરિયાણામાં ૭૨.૨૯ ટકા મતદાન થયું હતું અને ગયા મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં ૭૦.૫ ટકા મતદાન થયું હતું. જોકે ૨૦૦૯ની ચૂંટણીમાં થયેલું ૭૨.૨૯ ટકા મતદાન ઓછું તો ન કહેવાય, પણ એ છતાંય પરિવર્તન થવાની જગ્યાએ કૉન્ગ્રેસનો બીજી વાર વિજય થયો હતો. માટે તો મતદાતાનો મૂડ પારખવો મુશ્કેલ પડે છે અને પ્રી-પોલ અને એક્ઝિટ પોલ ખોટા પડે છે.

મહારાષ્ટ્રમાં આ વખતે ૬૪ ટકા મતદાતાઓએ મતદાન કર્યું છે જે ૨૦૦૯ની વિધાનસભાની ચૂટણીમાં થયેલા ૫૯.૫ ટકા મતદાન કરતાં અંદાજે પાંચ ટકા વધુ છે. અહીં પણ કોયડો તો છે જ. ૨૦૦૪ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આટલું જ ૬૩.૪ ટકા મતદાન થયું હતું અને મતદાતાઓએ શાસક મોરચાને બીજી મુદત આપી હતી. મહkવની વાત એ છે કે મુંબઈમાં આ વખતે થયેલા મતદાનમાં ખાસ્સો વધારો થયો છે. ૨૦૦૯ની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં માત્ર ૪૬.૧ ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે પંચાવન ટકા મતદાન થયું છે. આટલું મતદાન તો લોકસભાની ચૂંટણીમાં પણ નહોતું થયું. લોકસભાની ચૂટણીમાં ૫૩ ટકા મતદાતાઓએ મત આપ્યો હતો.

આ સ્થિતિમાં બે વાત લગભગ નક્કી દેખાય છે. એક તો હરિયાણામાં કૉન્ગ્રેસનો પરાજય થશે અને BJPનો વિજય થશે. બીજું, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં મુંબઈ શહેર નિર્ણાયક ભૂમિકા ભજવશે. મુંબઈ શહેર એટલે વિસ્તારિત મુંબઈ શહેર જેની ૭૦ જેટલી બેઠકો છે. મુંબઈ મહાનગરપાલિકા અંતર્ગત શહેરમાં પંચાવન ટકા મતદાન થયું છે તો વિસ્તારિત મુંબઈ શહેરમાં પણ એટલું જ મતદાન થયું હશે એમ માની લેવામાં કોઈ જોખમ નથી. નવી મુંબઈ અને થાણે જિલ્લાનાં શહેરોમાં થયેલા મતદાનના આંકડા આ લખાય છે ત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ એ પંચાવન ટકાની આસપાસ હોવા જોઈએ. મુંબઈના મતદાનમાં થયેલો નવ ટકાનો વધારો અસાધારણ છે અને માટે મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલી વાર મુંબઈ નિર્ણાયક ભૂમિકા ભજવશે. જે શહેરને મહારાષ્ટ્રના રાજકારણમાં કાયમ હાંસિયામાં રાખવામાં આવ્યું છે એ શહેર મહારાષ્ટ્રના રાજકારણનું ભાવિ નક્કી કરશે.

કઈ દિશામાં ગયો હશે વિસ્તારિત મુંબઈનો મતદાતા? તેણે કૉન્ગ્રેસ અને ફ્ઘ્ભ્ને મત આપ્યો હોય એવી સંભાવના ઓછી છે. મુંબઈ શહેર માટે મહારાષ્ટ્રના વિકાસ કરતાં ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે અને કૉન્ગ્રેસ-NCPની આઘાડી સરકારે જેટલો ભ્રષ્ટાચાર કર્યો એટલો આ પહેલાં ક્યારેય થયો નથી. ૨૦૦૪ અને ૨૦૦૯ની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈએ કૉન્ગ્રેસ-ફ્ઘ્ભ્ને વિજય અપાવ્યો હતો, પરંતુ હવે ભ્રષ્ટાચારને કારણે મુંબઈગરાએ કૉન્ગ્રેસ કે ફ્ઘ્ભ્ને મત આપ્યો હોય એવી સંભાવના ઓછી છે.

તો પછી મુંબઈના મતદાતાનો મત કોને ગયો હશે? બે સંભાવનાઓ છે અને માટે એક્ઝિટ પોલમાં વિરોધાભાસ છે. ચારમાંથી બે એક્ઝિટ પોલ BJPને સ્પક્ટ વિજયી બતાવે છે અને બે એક્ઝિટ પોલ વિજયથી થોડેક છેટે બતાવે છે. જો BJP-શિવસેનાની યુતિ તૂટી ન હોત તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિને બે તૃતીયાંશ ૨૦૦ કરતાં વધુ બેઠકો મળી હોત. BJP-શિવસેનાની યુતિ તૂટવાને કારણે મુંબઈમાં બે દિશાનું ધ્રુવીકરણ થયું છે; એક કૉન્ગ્રેસ-NCP વિરોધી અને બીજું કાં BJPના પક્ષે અને કાં શિવસેનાના પક્ષે. અનેક મરાઠી મતદાતાઓ યુતિ તોડવા માટે BJPથી ખફા છે અને તેમણે સાગમટે શિવસેનાને મત આપ્યા હોય એવી સંભાવના છે. બીજી બાજુ ગેરમરાઠી મતદાતાઓએ BJP કરતાં નરેન્દ્ર મોદીને અને ચાહીને શિવસેનાની વિરુદ્ધ મત આપ્યો હોય એવી શક્યતા છે. આમ મુંબઈ શહેરમાં કૉન્ગ્રેસ અને BJP વચ્ચે કે કૉન્ગ્રેસ અને શિવસેના વચ્ચે ચૂંટણી નથી લડાઈ, પણ BJP અને શિવસેના વચ્ચે ચૂંટણી લડાઈ છે.

મુંબઈમાં આ જે બે દિશાનું ધ્રુવીકરણ થયું છે એમાં રાજ ઠાકરેના MNSનો કાંકરો નીકળી જશે. BJPથી નારાજ મતદાતાઓએ આગ્રહપૂવર્‍ક શિવસેનાને મત આપ્યો હશે, કારણ કે તેમની નજરે BJP ગદ્દાર છે અને શિવસેના વિક્ટિમ છે. આમ પણ મરાઠી માનસ, વિક્ટિમ હોવાની લાગણીને પોષનારું છે. રાજ ઠાકરેને પણ ચૂંટણી પ્રચારમાં BJPએ શિવસેના સાથે યુતિ તોડીને મરાઠીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો મુદ્દો ઉઠાવવો પડ્યો હતો. ૨૦૦૯માં MNSએ શિવસેનાનો ખેલ બગાડ્યો હતો તો આ વખતે સેના-BJP વચ્ચે થયેલા ધ્રુવીકરણને કારણે MNSનો ખેલ બગડી જશે એમ લાગે છે. ૨૫ વર્ષ જૂની યુતિ તોડીને મરાઠીઓ સાથે BJPએ ગદ્દારી કરી છે અને BJPને પાઠ ભણાવવો જોઈએ એવી લાગણી મુંબઈ છોડીને મહારાષ્ટ્રના મરાઠી મતદાતાઓમાં પણ જો વિસ્તરી હશે અને એ મતદાનમાં પરિણમી હશે તો ચૂંટણીનાં પરિણામો અણધાર્યા આવી શકે છે.

પરિણામો ગમે તે આવે, મુંબઈ શહેર મહારાષ્ટ્રના રાજકારણમાં નિર્ણાયક ભાગ ભજવી શકે એમ છે એવી જે શક્યતા ઊભી થઈ છે એ મુંબઈના નાગરિક માટે રાજી થવા જેવું છે. આખરે મહારાષ્ટ્ર વિધાનસભામાં દર ચોથો વિધાનસભ્ય મુંબઈ કે વિસ્તારિત મુંબઈનો છે. મુંબઈની ઉપેક્ષા હવે થઈ શકે એમ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK