MSEB ગોટાળામાં અજિત પવાર સહિત 31 બૅન્ક ડિરેક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો

Published: Aug 27, 2019, 14:01 IST | મુંબઈ

ચૂંટણી પહેલાં જ એનસીપીને ફટકો

અજિત પવાર
અજિત પવાર

મુંબઈ પોલીસે કરોડો રૂપિયાના મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક (એમએસઈબી) ગોટાળાના કેસમાં હાઈ કોર્ટના આદેશ અનુસાર એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત ૩૧ બૅન્કના ડિરેક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ચૂંટણી માથે છે ત્યારે જ એનસીપીને અજિત પવાર સામે ગુનો નોંધાતાં મોટો ફટકો પડવાની શક્યતા છે.

મુંબઈ પોલીસે અજિત પવાર સહિત પીઝન્ટ્સ ઍન્ડ વર્કર પાર્ટી (પીડબ્લ્યુપી)ના નેતા જયંત પાટીલ તેમ જ રાજ્યના ૩૪ જિલ્લામાં આવેલી બૅન્કના યુનિટના અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ નોંધાવેલી ફરિયાદને આધારે અમે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે એવું એક અધિકારીએ જણાવ્યું હતું.

હાઈ કોર્ટના જસ્ટિસ એસ. સી. ધર્માધિકારી અને એસ. કે. શિંદેની ખંડપીઠે બાવીસ ઑગસ્ટે ઈઓડબ્લ્યુને આરોપીઓ વિરુદ્ધ વિશ્વનીય પુરાવા હોવાને આધારે પાંચ દિવસમાં ગુનો નોંધવા માટેનો આદેશ આપ્યો હતો જેને આધારે ઇઓડબ્લ્યુએ મુંબઈ પોલીસને ફરિયાદ કરતાં અજિત પવાર સહિત ૩૧ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૭થી ૨૦૧૧ના સમયગાળામાં એમએસઈબીમાં કથિત રીતે કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ આરોપીઓ પર હતો અને એને કારણે બૅન્કને ૧૦૦૦ કરોડ રૂપિયાની નુકસાની ગઈ હતી.

એનસીપીના વધુ એક ધારાસભ્ય શિવસેનામાં જોડાશે

મહારાષ્ટ્રના નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના ધારાસભ્ય દિલીપ સોપાલે સોમવારે જાહેરાત કરી હતી કે હું ટૂંક સમયમાં શિવસેનામાં જોડાઈશ અને આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડીશ.

સોલાપુર જિલ્લાની બર્શી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સોપાલ ગઈ કૉન્ગ્રેસ-એનસીપી જોડાણની સરકારમાં રાજ્યના કૅબિનેટ પ્રધાન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

સોમવારે સોલાપુરમાં સભાને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હું શિવસેનામાં જોડાઈશ અને રાજ્યની ચૂંટણી લડીશ.

આ પણ વાંચો : ઘાટકોપરમાં બાળકીના શારીરિક શોષણના આરોપસર એકની ધરપકડ

શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિકટના સહાયકે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે સોપાલ શિવસેનામાં જોડાશે.

ગયા મહિને પાલઘર જિલ્લાની શહાપુર વિધાનસભાના એનસીપીના ધારાસભ્ય પાંડુરંગ બરોરા પણ શિવસેનામાં જોડાયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK