મફતલાલ ગ્રુપના ચૅરમૅન અરવિંદ મફતલાલનું મધ્ય પ્રદેશમાં અવસાન

Published: 31st October, 2011 20:03 IST

મફતલાલ ગ્રુપના વડા અને સમાજસુધારક અરવિંદ મફતલાલનું લાંબી માંદગી બાદ ૮૮ વર્ષની વયે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં ગઈ કાલે સવારે ૭.૧૫ વાગ્યે અવસાન થયું હતું. તેમના પરિવારમાં પુત્ર અને અરવિંદ મફતલાલ ગ્રુપના ચૅરમૅન હૃષીકેશ મફતલાલ અને દીકરી મૈતિલી દેસાઈનો સમાવેશ થાય છે. એક મહિના પહેલાં બીમાર અરવિંદ મફતલાલને ચિત્રકૂટ લઈ જવામાં આવ્યા હતા. 

 

ઇચ્છા હતી કે તેઓ તેમની જિંદગીનો અંતિમ સમય ચિત્રકૂટમાં ગાળે. ૨૭ ઑક્ટોબર ૧૯૨૩ના રોજ જન્મેલા મફતલાલને છેલ્લા કેટલાક વર્ષથી પૅરાલિસિસની અસર થઈ હતી. તેમના અંતિમસંસ્કાર તેમની અંતિમ ઈચ્છા મુજબ સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટના પ્રાંગણમાં જ કરવામાં આવશે. આ જ ટ્રસ્ટના તેઓ ચૅરમૅન પણ હતા.

મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ અને સિડનહૅમ કૉલેજમાં અભ્યાસ કરી ચૂકેલા અરવિંદ મફતલાલે આઝાદી પછીના સમયમાં દેશની પ્રગતિમાં પણ કુનેહપૂર્વક ફાળો આપ્યો હતો. તેમના દાદાજી દ્વારા ૧૯૦૫માં સ્થાપવામાં આવેલા ટેક્સટાઇલ મિલના ગ્રુપનું સુકાન હાથમાં આવ્યું ત્યારે તેમણે તેમની કુનેહથી એની ઝડપી પ્રગતિ કરી હતી. તેમણે ટેક્સટાઇલ ઉપરાંત દેશની સૌથી મોટી અને રબ્બર કેમિકલ ઇન્ડસ્ટ્રી નોસિલની સ્થાપના કરી હતી. એ સિવાય દેશની સૌથી મોટી ફ્લોરો કેમિકલની નવીન ફ્લોરિનની સ્થાપના પણ કરી હતી.

અરવિંદ મફતલાલ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર પણ રહી ચૂક્યા હતા.  તેમણે ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા સામાજિક ક્ષેત્રે પણ પ્રદાન આપ્યું હતું. જાણીતા ગાંધીવાદી મણિભાઈ દેસાઈ સાથે મળીને તેમણે ભારતીય ઍગ્રો ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી. તેમણે ૧૯૬૮માં આદિવાસીઓ અને ગ્રામજનોને હેલ્થ સર્વિસિસ મળી રહે એ માટે સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. અરવિંદ મફતલાલને તેમના કાર્ય બદલ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ૧૯૬૬માં તેમને દુર્ગાપ્રસાદ ખૈતાન મેમોરિયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૮માં ઝેવિયર લેબર રિલેશન્સ ઇન્સ્ટિટ્યૂટ-જમશેદપુર દ્વારા ઇન્ડસ્ટ્રિયલ શાંતિ માટેનો સર જહાંગીર ગાંધી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો તેમ જ ૧૯૯૩માં તેમને ઇન્ટરનૅશનલ અસોસિએશન ઑફ લાયન્સ ક્લબ્સ ઑફ ધ યુએસ દ્વારા લાયન્સ હ્યુમેનિટેરિયનનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK