જ્યોતિરાદિત્ય સિંધિયાએ છોડ્યો કૉન્ગ્રેસનો હાથ, આજે બીજેપીમાં જોડાશે

Updated: Mar 11, 2020, 08:31 IST | Madhya Pradesh

ધુળેટીએ મોદી અને અમિત શાહની લીધી મુલાકાતઃ મધ્ય પ્રદેશના બાવીસ ​બળવાખોર વિધાનસભ્યોએ રાજીનામાં આપતાં રાજ્ય સરકાર વેન્ટિલેટર પર: મુખ્ય પ્રધાન કમલનાથે રાજ્યપાલને લખ્યો પત્ર

જ્યોતિરાદિત્ય સિંધિયા
જ્યોતિરાદિત્ય સિંધિયા

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ગ્વાલિયરના રાજકુંવર જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈ કાલે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ૯ માર્ચની તારીખ ધરાવતો રાજીનામાનો પત્ર ગઈ કાલે બપોરે ૧૨.૨૦ વાગ્યે પક્ષપ્રમુખ સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યો હતો. જોકે કૉન્ગ્રેસ પક્ષે પક્ષના એક વખતના ધૂરંધર આગેવાન સ્વ. માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાની પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ હકાલપટ્ટીનો નિર્ણય બપોરે ૧૨.૩૫ વાગ્યે જાહેર કર્યો હતો. રાજીનામાના પત્રમાં જ્યોતિરાદિત્યે જણાવ્યું હતું કે ‘હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. પક્ષમાં રહીને જનસેવાની અસમર્થતાને કારણે પક્ષ છોડી રહ્યો છું.’

જ્યોતિરાદિત્ય ગઈ કાલે ધુળેટી નિમિત્તે બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. એક વખતનાં બીજેપીનાં વરિષ્ઠ નેતા વિજયા રાજે સિંધિયાના પૌત્ર અને રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધર રાજે (બીજેપી)ના ભત્રીજા જ્યોતિરાદિત્ય હવે બીજેપીમાં જોડાવાનું લગભગ નિશ્ચિત મનાય છે. મધ્ય પ્રદેશમાં બીજેપીની સરકાર રચાતાં હિન્દી પટ્ટામાં બીજેપીની મજબૂતાઈ ખૂબ વધી જશે. ત્યાર પછી કૉન્ગ્રેસના હાથોમાં ફક્ત પંજાબ અને રાજસ્થાન રહેશે.

દરમ્યાન મધ્ય પ્રદેશના કૉન્ગ્રેસના બાવીસ બળવાખોર વિધાનસભ્યોએ રાજીનામાં આપતાં રાજ્યમાં કૉન્ગ્રેસની કમલનાથ સરકાર મુસીબતમાં મુકાઈ ગઈ છે. મધ્ય પ્રદેશના ગુણા મતક્ષેત્રના ભૂતપૂર્વ સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાના ટેકેદાર મનાતા રાજ્યના બાવીસ બળવાખોર વિધાનસભ્યોએ રાજીનામાં રાજ્યપાલ લાલજી ટંડનને મોકલતાં કમલનાથની કૉન્ગ્રેસી સરકારની હાલત વેન્ટિલેટર પરના દરદી જેવી થઈ હતી. મધ્ય પ્રદેશ વિધાનસભામાં પાતળી બહુમતીથી સરકાર રચનારી કૉન્ગ્રેસના બાવીસ વિધાનસભ્યોએ રાજીનામાં આપતાં ૨૨૮ સભ્યોના ગૃહમાં હવે ૨૦૬ સભ્યો બચ્યા છે. જે પક્ષના ૧૦૬ સભ્યો હશે એ પક્ષ ગૃહમાં સત્તાધારી બની શકશે. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૧૧૪ અને બીજેપીને ૧૦૯ બેઠકો મળી હતી. બહુજન સમાજ પક્ષના બે તથા અન્ય પક્ષો-અપક્ષના પાંચ વિધાનસભ્યો ચૂંટાયા હતા. બાવીસ વિધાનસભ્યોનાં રાજીનામાં સાથે હવે ગૃહમાં કૉન્ગ્રેસનું સંખ્યાબળ ઘટીને ૯૨ પર પહોંચ્યું છે.

બીજી બાજુ કૉન્ગ્રેસી સરકારના ટેકેદાર બહુજન સમાજ પક્ષના બે અને સમાજવાદી પક્ષના એક મળીને ત્રણ વિધાનસભ્યો બીજેપીના નેતા શિવરાજસિંહ ચૌહાણને મળ્યા હતા. આટલી બધી ઊથલપાથલ છતાં બીજેપીના નેતાઓએ આ ઘટનાઓને કૉન્ગ્રેસ તથા અન્ય સંબંધિત પક્ષોની આંતરિક બાબત ગણાવી હતી.

ગયા સપ્તાહના અંતમાં જ્યોતિરાદિત્ય સિંધિયા તથા રાજ્યના છ પ્રધાનો બૅન્ગલોર પહોંચ્યા બાદ તેમની જોડેનો સંપર્ક કપાઈ ગયો હતો. ગઈ કાલે મુખ્ય પ્રધાન કમલનાથે સિંધિયાની છાવણીના છ પ્રધાનોને બરતરફ કરવાનો અનુરોધ કરતો પત્ર રાજ્યપાલ લાલજી ટંડનને લખ્યો હતો.

પક્ષત્યાગ બદલ જ્યોતિરાદિત્ય પર ટીકાઓનો વરસાદ કરતા કૉન્ગ્રેસીઓ

પક્ષત્યાગ કરવા બદલ જ્યોતિરાદિત્ય સિંધિયાને કૉન્ગ્રેસી નેતાઓએ આકરા શબ્દોમાં વખોડ્યા હતા. આત્યંતિક પગલું ભરનારા યુવા નેતાની ટીકા કરતાં કૉન્ગ્રેસના નેતાઓએ ૧૮૫૭ના બળવામાં સિંધિયા રાજવીઓની ભૂમિકા અને ૧૯૬૭માં જ્યોતિરાદિત્યનાં દાદી વિજયા રાજે કૉન્ગ્રેસ છોડી ગયાં એ ઘટનાઓને યાદ કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જનતાના વિશ્વાસને દગો દીધો છે. તેમના જેવી વ્યક્તિઓ સત્તા વગર જીવી શકતી નથી. આવી વ્યક્તિઓ જેટલી વહેલી પક્ષ છોડે એટલું વધારે સારું ગણાય. રાષ્ટ્રીય સ્તરે કટોકટીના વખતમાં બીજેપી જોડે હાથ મિલાવવાનું કૃત્ય નેતાની અંગત મહત્વાકાંક્ષાનો પરિચય આપે છે.
- અશોક ગેહલોત, રાજસ્થાનના મુખ્ય પ્રધાન

જ્યોતિરાદિત્યે પક્ષ છોડવામાં ‘સગવડતાના રાજકારણ’ અને ‘વ્યક્તિગત મહત્વાકાંક્ષા’ની મુખ્ય ભૂમિકા છે. બીજપીએ આપેલી લાલચોને કારણે તેઓ પક્ષ છોડવા તૈયાર થયા હશે. તેમને પક્ષમાં મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ એવા વળાંકે આવીને ઊભી છે કે તેમને અન્ય પક્ષમાં જોડાવાનો લોભ થયો છે.
- અધીર રંજન ચૌધરી. લોકસભામાં કૉન્ગ્રેસ જૂથના નેતા

જ્યોતિરાદિત્યની વિદાય કૉન્ગ્રેસને મોટો આંચકો અને બીજેપીનો મોટો લાભ છે.
- કુલદીપ બિશ્નોઈ, હરિયાણાના કૉન્ગ્રેસી નેતા અને વિધાનસભ્ય

૧૮૫૭ના બળવામાં ગ્વાલિયરના સિંધિયા રાજવીઓની મહત્વની ભૂમિકા હતી. એ વાત કદાચ જ્યોતિરાદિત્ય ભૂલી ગયા હશે. જોકે એ પરિવારમાં આ પ્રથમ ઘટના નથી. જ્યોતિરાદિત્યનાં દાદીમા વિજયા રાજે પણ ૧૯૬૭માં કૉન્ગ્રેસ છોડીને જનસંઘમાં જોડાયાં હતાં.
- જિતુ પટવારી, મધ્ય પ્રદેશ રાજ્ય સરકારના પ્રધાન

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK