અંગ્રેજીમાં MA કરતી દીકરી સાથે મમ્મીએ પણ શરૂ કર્યું ગુજરાતીમાં MA કરવાનું

Published: 21st November, 2014 03:28 IST

૧૯૮૧માં BCom થયા પછી ફાલ્ગુની શાહે છવ્વીસ વર્ષ પછી ફરી ભણવાનું શરૂ કર્યું : MA થયા પછી MPhil કર્યું અને હવે ગુજરાતી સાહિત્યમાં PhD કરી રહ્યાં છે
સ્પેશ્યલ સ્ટોરી - કૃપા પંડ્યા

હાજી અલીમાં રહેતાં બાવન વર્ષનાં ફાલ્ગુની શાહ અત્યારે ગુજરાતી સાહિત્યમાં PhD કરી રહ્યાં છે. તેમને નાનપણથી જ પેઇન્ટિંગનો ઘણો શોખ હતો. ફાલ્ગુનીબહેન BCom ગ્રૅજ્યુએટ છે, પણ તેમણે કૉમર્સમાં જ આગળ ભણવા કરતાં ગુજરાતીમાં MA કર્યું. એ પછી તેમણે MPhil પણ કર્યું. આ બધું તેમણે BCom કર્યાનાં ૨૬ વર્ષ પછી કર્યું. તેમણે BCom ૧૯૮૧માં પાસ કર્યું અને ૨૦૦૮માં ફરી પાછું ભણવાનું શરૂ કર્યું. આમાં તેમનું કાંઈ પહેલેથી નક્કી નહોતું. કહે છેને કે ભગવાને તમારા માટે કયા મોડ પર શું રાખ્યું હશે એ તમને પણ ખબર નથી હોતી. આવું જ થયું ફાલ્ગુનીબહેન સાથે.

MAમાં લીધું ઍડ્મિશન


એક દિવસ અનાયાસ ફાલ્ગુનીબહેન તેમની દીકરી કોમલને મળવા તેની કૉલેજમાં ગયાં હતાં. કોમલ SNDT કૉલેજમાં અંગ્રેજીમાં MA કરી રહી હતી. એ વાતને વાગોળતાં તે કહે છે, ‘મારી દીકરી કોમલ SNDT કૉલેજમાં અંગ્રેજી સાથે MA કરી રહી હતી ત્યારે અચાનક હું તેને મળવા ગઈ. ત્યાં કૉલેજના એક અભ્યાસખંડમાં લેક્ચર ચાલતું હતું જે ગુજરાતીમાં હતું. એ તરફ મારા પગ આપોઆપ દોરાયા. એ સમયે ત્યાં પ્રોફેસર ગુજરાતી સાહિત્ય પર પ્ખ્નાં લેક્ચર લઈ રહ્યા હતા. એ સમયે મને તરત જ મારા સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીનું વચન યાદ આવ્યું કે યુરોપ જેવા ખંડમાં મોટી ઉંમરે લોકો વિદ્યા પ્રાપ્ત કરે છે. બસ, એ પળે જ મને વિદ્યા પ્રાપ્ત કરવાની અદમ્ય ઝંખના થઈ.’

એક નવી સવાર

ફાલ્ગુનીબહેને ગુજરાતીમાં MA કરવાનું નક્કી કર્યું. તેઓ નિયમિત રીતે દીકરી સાથે કૉલેજમાં જતાં. પોતાનો અનુભવ વર્ણવતાં તે કહે છે, ‘મારી કૉલેજમાંથી મને અરબી સમુદ્ર દેખાતો હતો અને ઊંચું આકાશ. એને જોઈને મને એમ થયું કે હું વિદ્યાની પાંખો લઈને ઊડવા લાગી છું. મને ત્યારે અહેસાસ થયો કે મારા સદ્ગુરુની મારા પર કેટલી કૃપા છે કે ફરી મને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર આપ્યો, નહીં તો તમે જ્યારે તમારી બધી જવાબદારીથી નિવૃત્ત થઈ જાઓ છો ત્યારે તમને થાય કે હવે શું? તો આ એક જ ઉપાય છે કે તમારે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. તમારાં બાળકો મોટાં થઈ જાય છે ત્યારે તમને એક ખાલીપો લાગે છે જે તમે ભરી શકો છો. આ ઉંમરે વિદ્યાના અર્થી થવું એ એક નિજાનંદની મસ્તી આપે છે. કૉલેજમાં ભણાવવામાં આવતા ભાષા વિષયમાં આવતું ધ્વનિના ઉત્પન્ન થવાનું કારણ, ધ્વનિ ક્યાંથી આવે છે એ બારીકાઈથી ભણતાં મને મારા સ્વની નજીક જવાનો મોકો મળ્યો. વૈવિધ્યસભર વિષયોથી હું મારા આત્માની નજીક આવી. જે મારા સ્વને હું શોધતી હતી એ મને અભ્યાસમાંથી મળ્યું. મારી દીકરી સાથે એક મિત્ર તરીકે કૉલેજમાં જવું એ એક અવર્ણનીય આનંદ હતો. જ્યારે પરીક્ષા આવતી ત્યારે હું પણ એક નૉર્મલ વિદ્યાર્થીની જેમ ભણતી. ભણવા સાથે ઘરનું કામ પણ કરતી. મારાં સાસુ-સસરાનો મને ઘણો સપોર્ટ મળ્યો.’

કવિતાઓ ઘણી ગમે છે


ફાલ્ગુનીબહેને ભણવા માટે આર્ટ્સ કેમ પસંદ કર્યું એના જવાબમાં તે કહે છે, ‘હું સૌથી પહેલાં આર્ટિસ્ટ છું અને આર્ટિસ્ટની દુનિયા જ કંઈક અલગ હોય છે. મને ચિત્રો સાથે કવિતાઓ પણ બહુ ગમે છે. મને મારી માતૃભાષા માટે પ્રેમ છે. એટલે મને બીજો કોઈ વિચાર આવ્યો જ નહીં. ઊલટાનું મને એટલોબધો પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો કે મને જોઈને બીજાબધા પણ ફરીથી અભ્યાસ કરવાનો વિચાર કરતા થઈ ગયા કે ટાઇમ વેસ્ટ કરવા કરતાં ભણવું વધારે સારું છે. મને કળામાં પહેલેથી ઘણી રુચિ છે અને કવિતા મારો પ્રિય વિષય છે. પેઇન્ટિંગ કરતાં-કરતાં ક્યારેક મને કવિતાઓ સ્ફૂર્તિ એટલે પણ કદાચ મને કવિતા સાથે લગાવ થઈ ગયો અને આ જ લગાવે કદાચ મને સાહિત્ય તરફ ખેંચી.’

MA, MPhil અને હવે PhD


ફાલ્ગુનીબહેને SNDT કૉલેજમાંથી ગુજરાતી સાહિત્યમાં MA કર્યું અને SNDT યુનિવર્સિટીમાં પહેલાં આવ્યાં. એ પછી તેમને હજી આગળ અભ્યાસ કરવાનું મન થયું તો તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમના ગુરુ ‘સંત કવિ શ્રીમદ રાજચંદ્રજીની ગરબીમાં નારી ચેતનાનું આવિષ્કરણ’ વિષય પર MPhil કર્યું. હવે તેમના જ ગુરુ ‘સંત કવિ શ્રીમદ રાજચંદ્રજીનાં આધ્યાત્મિક કાવ્યો અને સંત કબીરનાં પદોનો તુલનાત્મક અભ્યાસ’ પર PhD કરવાનાં છે, જેનું તેમણે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

આર્ટનો શોખ પહેલેથી

ફાલ્ગુનીબહેને અગાઉ BComની સાથે રચના ઇન્સ્ટિટ્યૂટમાંથી એક વર્ષનો ટેક્સટાઇલ ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો. લગ્ન પછી JJ સ્કૂલ ઑફ આર્ટમાંથી બે વર્ષનો પેઇન્ટિંગનો કોર્સ કર્યો અને આ કરવાનો પર્પઝ એ જ હતો કે તેઓ ઘર પણ સંભાળી શકે અને ઘરમાં બેસીને કોઈ કામ પણ કરી શકે. તેઓ ઘરે બેઠાં-બેઠાં ડિઝાઇનર તરુણ તાહિલિયાણી, જેમ્સ પરેરા, અનીતા ડોંગરે, મોર ઍન્ડ મોર શોરૂમના પુરુષોના ડિઝાઇનર કુરતાનાં બટન પર પણ મોગલ આર્ટ (શાહજહાં પેઇન્ટિંગ) કરે છે. આર્ટનો શોખ તેમને ક્યાંથી લાગ્યો એ જણાવતાં તે કહે છે, ‘મને આર્ટનો શોખ પહેલેથી જ હતો. ત્યારે મને મારી જાત પર ઘણા સવાલ થતા કે હું કોણ છું? અને હું મારા અસ્તિત્વ વિશે સમજી નહોતી શકતી. હું પેઇન્ટિંગ સાથે ભક્તિ અને યોગ પણ કરતી. મારા ગુરુ ડૉ. રાકેશ ઝવેરી, તેમના ગુરુ શ્રીમદ રાજચંદ્રજીનું આધ્યાત્મિક પુસ્તક ‘વચનામૃતજી’ની મારા જીવન પર ગહેરી અસર થઈ. એ પુસ્તકને લીધે જ મેં ૨૬ વર્ષે પાછું ભણવાનું શરૂ કર્યું.’

મહિલાઓ માટે સંદેશ

ફાલ્ગુની શાહ પોતાના અનુભવોથી મહિલાઓ માટે એક સંદેશ આપવા માગે છે, ‘આપણી આજની નારીઓ સંસારની ચમકદમકમાં એટલી ખોવાઈ જાય છે કે તે એ નથી જાણતી કે બાહરી સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્યને ખીલવવું ઘણું જરૂરી છે. આજનું નારીજગત એ વાતથી હજી અન્જાન છે અને તે સભાન થાય એ ઘણું જરૂરી છે. આપણી જાતને ખીલવવાની કોઈ ઉંમર નથી હોતી. મારાં પેઇન્ટિંગ્સ પણ નારીવિષયક વધારે હોય છે. હું જ્યારે પેઇન્ટિંગ કરું છું ત્યારે ભક્તિ અને ધ્યાનનો યોગ સધાય છે જે મને શાંતિ અને આનંદનો અનુભવ આપી જાય છે અને એ સાથે મને એ ઊંડાણમાંથી આત્માના ઊધ્ર્વગમન તરફ લઈ જાય છે. રૂપમાંથી સ્વરૂપમાં, આકારથી નિરાકારમાં લય પામવું એ જ નારીનું સાચું આભૂષણ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK