મોનોરેલ : લોઅર પરેલ સાથે ભારતમાતા જંક્શનને જોડતો માર્ગ બંધ

Published: 9th December, 2012 07:36 IST

ગઈ કાલે સાંજે લેવાયેલા આ નિર્ણયને બે દિવસ માટે અમલી કરવામાં આવ્યો છે : ટ્રાફિકની સ્થિતિ વધુ નહીં વકરે તો ૩૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવશે
(રણજિત જાધવ)

મુંબઈ, તા. ૯

જેકબ સર્કલ-વડાલા મોનોરેલના બીજા તબક્કાનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાથી ગઈ કાલે બપોર બાદ ભારતમાતા જંક્શનથી લોઅર પરેલ સ્ટેશનને વાયા કરી રોડ રેલ ઓવરબ્રિજથી જોડતા મહાદેવ પાલવ માર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાનો અભ્યાસ કરવા માટે શરૂઆતમાં એને બે દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો હોવાથી જો ટ્રાફિકની સમસ્યા નહીં વકરે તો એને ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે.

બે મહિના બંધ


એમએમઆરડીએના જૉઇન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર દિલીપ કવટકરે કહ્યું હતું કે વાહનચાલકોને પડનારી મુશ્કેલી માટે અમે દિલગીર છીએ, પરંતુ ત્યાં ટ્રાફિક જૅમ ન થાય એ માટે અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની સહાય લીધી છે. બે મહિના સુધી આ પુલ બંધ રહેશે એવી આશા છે. જોકે એમએમઆરડીએનો જૂનો રેકૉર્ડ જોતાં કહી શકાય કે એ વધુ સમય બંધ રહેશે. પીક-અવર્સ દરમ્યાન કલાકના ૯૦૦૦થી વધુ વાહનોને ડાઇવર્ટ કરવાં પડશે.

બીજો વિકલ્પ શું?


બે મહિના સુધી તમામ વાહનચાલકોએ બીજો વિકલ્પ પસંદ કરવો પડશે. કેઈએમ તથા તાતા હૉસ્પિટલમાં જતી ઍમ્બ્યુલન્સે પણ ચિંચપોકલી તથા એલ્ફિન્સ્ટન રેલ ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડશે. જોકે ચિંચપોકલી તથા એલ્ફિન્સ્ટન રોડમાં સાંકડા રોડને કારણે હાલત પહેલેથી ખરાબ છે. ભારતમાતા જંક્શન તથા એન. એમ. જોશી જંક્શન માર્ગ વાયા મહાદેવ પાલવ માર્ગનું ૩૦૦ મીટરનું અંતર કાપતાં ૨૦ મિનિટ થતી હતી. જોકે હવે આ રોડ બંધ થવાથી ભારતમાતા જંક્શનથી લોઅર પરેલ સ્ટેશન જતાં ૪૫ મિનિટ થશે, કારણ કે વાયા એલ્ફિન્સ્ટન રોડ અથવા તો ચિંચપોકલી રેલ ઓવરબ્રિજ થઈને જવું પડશે.

વળી રેલમાર્ગે આવતા મુસાફરોએ પણ ભારતમાતા જંક્શનથી કરી રોડ સ્ટેશન બસ અથવા ટૅક્સીને બદલે ચાલતા જવું પડશે. મોનોરેલના મોટા ભાગના માર્ગમાં પિલરનું નિર્માણકાર્ય પૂરું થઈ ગયું છે. મહાદેવ પાલવ માર્ગમાં પિલર ઊભા કરવાનું કામ હજી બાકી છે.

કેઈએમ = કિંગ એડ્વર્ડ મેમોરિયલ, એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK