ડૉગીને કરવું હોય એટલું વહાલ કરો પરંતુ... થોડી સાવધાની સાથે

Published: Jan 14, 2020, 17:50 IST | darshini vashi | Mumbai Desk

ઘરની અંદર રાખવામાં આવતો પાળતુ શ્વાન ક્યારે પરિવારનો સભ્ય બની જાય છે એની ખબર પણ પડતી નથી.

શ્વાન માણસનો સાચો અને વફાદાર મિત્ર ગણાય છે. ઘરની અંદર રાખવામાં આવતો પાળતુ શ્વાન ક્યારે પરિવારનો સભ્ય બની જાય છે એની ખબર પણ પડતી નથી. પરંતુ હેલ્થને સંબંધિત નાનીસરખી બેદરકારી અને અધૂરી જાણકારી ઘણી વખત શ્વાન અને એના માલિક પરિવારના સભ્યોને ગંભીર બીમારીમાં ધકેલી શકે છે. આવું ન થાય એ માટે શું કરવું જોઈએ એની વધુ જાણકારી મેળવીએ

થોડા સમય પહેલાં એક અમેરિકામાં એક યુવકના હાથ અને પગ પર તેના પાળતુ શ્વાનમાં રહેલા બૅક્ટેરિયાનો ચેપ લાગતાં સોજા ચડી ગયા હતાં એટલું જ નહીં, એને લીધે તેણે હાથ અને પગના કેટલાક હિસ્સા પર વાઢકાપ કરવી પડી હતી. બીજા એક કિસ્સામાં ૬૦ વર્ષની એક મહિલા કૂતરાને કિસ કરવા જતાં તેને બૅક્ટેરિયાનો ચેપ લાગ્યો અને તેણે હાથપગ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બન્ને કેસમાં શ્વાન પાળતુ હોવા છતાં એનું ઇન્ફેક્શન લાગ્યું હતું એનું કદાચ એક કારણ એની સારસંભાળમાં બેદરકારી અથવા તો હેલ્થ અને વૅક્સિનેશન સંબંધિત અપૂર્ણ માહિતી પણ હોઈ શકે છે. આવા પ્રકારના ઘણા કેસ આજ સુધીમાં નોંધાઈ ચૂક્યા છે, પણ ભવિષ્યમાં આવા કેસોનું પુનરાવર્તન ન થાય એ માટે કયાં પગલાં લેવાં જોઈએ અને શું ધ્યાનમાં રાખવું જોઈએ એના વિશે આ ફીલ્ડના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો પાસેથી થોડી જાણકારી મેળવીએ.
જેઓ પ્રૉપર માધ્યમ થકી કૂતરાને ઘરમાં લાવતા હશે તેમને વૅક્સિનેશનથી લઈને અન્ય તમામ જરૂરી જાણકારી હોય જ છે, પરંતુ કૂતરા થકી ઇન્ફેક્શન ફેલાવાના કેસ ત્યાંથી જ બહાર આવે છે જેઓ એને પ્રૉપર રૂટ થકી લાવતા નથી એમ વેટનરી ડૉક્ટર એકતા ઠક્કરનું કહેવું છે. તેઓ કહે છે, ‘સમયસર વૅક્સિનેશન અને દવા, બાહ્ય શારીરિક સ્વચ્છતા અને ડાયટ શ્વાનને હેલ્ધી રાખવા માટે પૂરતાં હોય છે. જે ઘરમાં આ ત્રણ વસ્તુ પર ધ્યાન આપવામાં આવતું હશે ત્યાં ઇન્ફેક્શન કે કોઈ બીમારીના કેસ સામે આવતા નથી. આમ જોવા જઈએ તો કૂતરા અથવા તો પાળતુ પ્રાણી થકી માનવીમાં અનેક ઇન્ફેક્શન દાખલ થઈ શકે છે જેનું લિસ્ટ ઘણું લાંબું છે જે ગૂગલ પર મળી જશે. પરંતુ મોટા ભાગનાં ઇન્ફેક્શન ભારતમાં લાગુ પડતાં નથી. અહીં શ્વાન થકી ફેલાતાં ઇન્ફેક્શન કે બીમારીમાં મુખ્યત્વે એનાં યુરિન, વાળ અને સ્કિન થકી ફેલાતાં ઇન્ફેક્શનના કેસ વધારે સામે આવે છે. જો ઘરમાં ડોગે યુરિન કર્યું હોય અને તેને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવ્યું હોય અથવા તો તમે યુરિન સાફ કરીને હાથ બરોબર ન ધોયા હોય તો તમને એનો ચેપ લાગી શકે છે. યુરિન ઉપરાંત લૅપ્ટોસ્પાઇરોસિસ પણ ચેપી પુરવાર થાય છે. જો તમારા કૂતરાને લેપ્ટોસ્પાઇરોસિસ થયો હોય અને તમે એનું ધ્યાન ન રાખો તો તમને પણ એનો ચેપ લાગી શકે છે. ત્રીજું છે ટિક-બોર્ન ઇન્ફેક્શન એટલે કે જો તમારા ડૉગને ટિક ઇન્ફેક્શન થયું હશે તો તમને પણ એનો ચેપ લાગી શકે છે. અત્યારે આ નામ ઘણું ચર્ચામાં છે. જોકે હજી વિદેશોની સરખામણીમાં ભારતમાં એના કેસ ઓછા નોંધાયા છે. વધુ વાળ ધરાવતા કૂતરા રાખવાનું આજકાલ બધાને બહુ ગમે છે, પરંતુ આ વાળ ઘણી વખત મુશ્કેલી પણ સર્જી શકે છે. જો પ્રૉપર વૅક્સિનેશન ન થયું હોય તો કૂતરાને વારંવાર ખંજવાળ આવવાની સમસ્યા પણ આવી શકે છે, જેને લીધે એને સ્કિન પ્રૉબ્લેમ થઈ શકે છે, ફંગલ ઇન્ફેકશન થઈ શકે છે, ઍલર્જી થાય છે અને એનો ચેપ ઘરના સભ્યોને લાગી શકે છે. ઘણી વખત શ્વાનમાલિકોને ઇન્ફેક્શન નહીં લાગતું હોય તો ઍલર્જી લાગી જાય છે. અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ હડકવા. જો ડૉગને હડકવા હશે અને એ બાઇટ કરશે તો હડકવા થવાના ચાન્સિસ રહે છે.’
ઘરના સભ્યોની સહમતી જરૂરી
ડૉ. એકતા ઠક્કર સલામતીના પૉઇન્ટ પર કહે છે, ‘જો ઘરના તમામ સભ્યોની સંમતિ હોય તો જ ઘરમાં કૂતરો રાખવો. તમને ગમે છે એટલે કૂતરો પાળો છો એવું ન હોવું જોઈએ, કેમ કે આખો દિવસ તમે ઘરે નથી રહેવાના. કૂતરાની દેખભાળથી લઈને નાનામાં નાની વાત ઘણો સમય અને જાણકારી માગી લે છે. જો એમાં કચાશ રહેશે તો બીમારી ઘર કરી શકે છે. એટલે કૂતરું પાળવા પૂર્વે ઘરના સભ્યોની અનુમતિ લઈ લેવી જોઈએ. બીજું એ કે તમે શા માટે શ્વાન પાળવા માગો છો એ સ્પષ્ટ હોવું જોઈએ. જો તમે ઘરનું ધ્યાન રાખવા માટે શ્વાન પાળતા હો તો એ શ્વાન અલગ આવે છે. જો તમે એને પંપાળવા કે એની સાથે રમવા માટે શ્વાન લાવો તો એ અલગ હોય છે. જો આ બાબત વચ્ચે ફરક સમજ્યા વગર શ્વાન લાવશો તો પણ સમસ્યા થઈ શકે છે.’
કેવી રીતે જાણવું?
ઇન્ફેક્શનનું સાયન્સ બહુ ઊંડું અને બહોળું છે એમ જણાવીને ડૉ. એકતા ઠક્કર કહે છે, ‘દરેક બીમારીનાં લક્ષણો અલગ-અલગ હોય છે, પરંતુ કૉમન લક્ષણોની વાત કરીએ તો ઇન્ફેક્શન કે બીમારીથી પીડાતા શ્વાનની બૉડી-લૅન્ગ્વેજ બદલાઈ જાય છે. એની વર્તણૂક બદલાઈ જાય છે. ફૂડ કે ડ્રિન્કિંગ હૅબિટ બદલાઈ જાય, ગુસ્સે થઈ જાય તેમ જ યુરિનમાં ફેરફાર આવે એવી બધી નાની વસ્તુઓ દેખાઈ આવે છે. કૂતરાનું ઇન્ફેક્શન માણસને લાગે છે એ બધાને ખબર છે, પણ માણસનું ઇન્ફેક્શન પણ કૂતરાને લાગી શકે છે. જેમ કે ટીબી. જો ઘરમાં કોઈ વ્યક્તિને ટીબી હોય અને તે કૂતરાની નજીક રહેતા હોય તો કૂતરાને તેનું ઇન્ફેક્શન લાગી શકે છે. આ તો થઈ ઇન્ફેક્શનની વાત, પણ એવા ઘણા લોકોને મેં જોયા છે કે જેનું પાળતુ પ્રાણી બીમાર પડ્યું હોય તો તે એને માણસના ડૉક્ટર પાસે લઈ જતા હોય છે. જોકે ઘણાને નહીં ખબર હોય કે ડૉગની અલગ-અલગ બીમારીના પણ અલગ-અલગ ડૉક્ટર હોય છે. ત્યાં સુધી કે એની અલગ-અલગ હૉસ્પિટલ પણ  હોય છે.’
વિદેશ જેવી પ્રણાલી હજી ભારતીયોએ સ્વીકારી નથી
ઇન્ફેક્શન સ્પેશ્યલિસ્ટ ડૉ. મેહુલ ભટ્ટ કહે છે, ‘પાળતુ પ્રાણી એવા લોકો જ પાળતા હોય છે જેને એનો શોખ હોય છે એટલે તેઓ એની દરકાર પણ રાખતા જ હોય છે. પરંતુ ઇન્ફેક્શનની વાત કરીએ તો પાળતુ પ્રાણીઓને લીધે ઇન્ફેક્શન કરતાં ઍલર્જીના કેસ વધુ નોંધાય છે. જેમ કે એમના વાળ જેમાં વધુ માત્રામાં જર્મ્સ હોય છે અને એની ઝપેટમાં નાનાં બાળકો જલદી આવી જતાં હોય છે. જો તમારા ઘરમાં પેટ હોય અને બાળકોને શરદી-ખાંસી જલદીથી મટતી ન હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. ઇન્ફેક્શન અને ઍલર્જી બન્ને અલગ છે. ઍલર્જી કોઈ વસ્તુ શરીરને માફક ન આવતી હોય તો થતી હોય છે, જ્યારે ઇન્ફેક્શન એટલે બૅક્ટેરિયા, જર્મ્સ, વાઇરલ એ બધું. જો ઇન્ફેક્શનની વાત કરીએ તો રેબીઝ જે જાનલેવા પણ સાબિત થાય છે. આ રેબીઝ ગલીનાં કૂતરાં કે રસ્તા પર રઝળતાં કૂતરાંને થાય છે, પણ પાળતુ કૂતરામાં એના કેસ રૅર જોવા મળે છે. એમને પ્રૉપર વૅક્સિનેશન આપવામાં આવેલું હોય છે તેથી એમના મોઢાની અંદર પણ વધુ બૅક્ટેરિયા હોતા નથી. ઇન્ફેક્શન વર્ડ સ્ટ્રીટ ડૉગ માટે પ્રૉપર બેસે છે કેમ કે વધુ ઇન્ફેક્શન ત્યાંથી જ લાગે છે. મારી પાસે એવા ઘણા પેશન્ટ આવે છે જેને પેટથી ઍલર્જી થઈ હોય. કૂતરું કરડે પછી જો તરત સારવાર લેવામાં આવે તો કોઈ વાંધો નથી આવતો, પરંતુ પેશન્ટની લાપરવાહીના લીધે કેસ બગડી જતા હોય છે અને દોષનો ટોપલો કૂતરા પર ઢોળવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ મુજબ કોઈ પણ પાળતુ પ્રાણી ઘરમાં રાખતાં પૂર્વે પ્રી-એક્સપોઝર વૅક્સિન લેવી. વિદેશમાં મોટે ભાગે ઘણા લોકો આ વૅક્સિન લેતા હોય છે. જે આ વૅક્સિન લે છે તેને લગભગ પંદર વર્ષ સુધી કોઈ વાંધો આવતો નથી. એટલે કોઈ પ્રાણી કરડે તો કોઈ ઇન્ફેક્શન પકડતું નથી. જેમ ભારતમાં કોઈને કૂતરું કરડે તો તેને રેબીઝનું ઇન્જેક્શન આપવામાં આવે છે, પરંતુ કૂતરું કરડે એની રાહ જોયા વિના પહેલાં જ વૅક્સિન લઈ લેવામાં આવે તો કોઈ ચિંતા ઊભી થતી નથી. ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ છે, પરંતુ અહીં કોઈ લેતા નથી. વિદેશમાં ઘણા ઍડ્વાન્સમાં લે છે, તેમને કોઈ વાંધો આવતો નથી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK