Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માણસ ચાહવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેને ચાહીએ

માણસ ચાહવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેને ચાહીએ

30 December, 2020 03:34 PM IST | Mumbai
Sejal Ponda

માણસ ચાહવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેને ચાહીએ

માણસ ચાહવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેને ચાહીએ


દરેકે દરેક મોટિવેશનલ સ્પીકર, ગુરુજનો, પ્રેરણાસ્રોત આપણને ખુશ રહેવાની સલાહ આપે છે. કોઈ પણ પરિસ્થિતિ આવે, ખુશ રહો એવું દરેકનું કહેવું હોય છે. પ્રેરણાત્મક લેખોમાં પણ આપણે એ જ વાંચતા હોઈએ છીએ કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેતાં આવડવું જોઈએ. ખુશ રહેવું એક કળા છે. નાની વસ્તુમાંથી તમને ખુશી મળી રહે છે. ખીલતાં ફૂલને જોઈ તમને ખુશી થવી જોઈએ. રમતાં બાળકોને જોઈ તમને ખુશી થવી જોઈએ. આકાશના તારા જોઈ તમને ખુશી થવી જોઈએ. રોજ તમારા શ્વાસ ચાલે છે એ અનુભવી તમારે ખુશ થવું જોઈએ. માણસને અભાવમાં પણ ખુશ રહેતાં આવડવું જોઈએ. ખુશ રહો તો મન અને તન બન્ને સ્વસ્થ રહે. આ બધું જ આપણે વાંચી અને સાંભળી ચૂક્યા છીએ.

વાંચીને સાંભળીને થોડોક સમય આપણામાં શક્તિનો સંચાર થાય છે. નકારાત્મક વિચારો દૂર થાય છે. આપણે ખુશ રહેવાનું શરૂ કરીએ છીએ. પણ શું આ ખુશીની અવસ્થા શાશ્વત છે ખરી? સંતો અને ગુરુજનોએ તો બોધ આપી દીધો કે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહો એ જ જીવન જીવવાની ચાવી છે. માણસ માટે આ ચાવી દરેક વખતે ખૂલે છે ખરી? જેમણે સંસારનો ત્યાગ કર્યો છે તેમના માટે કોઈ અવસ્થા દુઃખ આપનારી નથી હોતી, કારણ કે તેમને કશું જ સ્પર્શતું જ નથી. સુખ, દુઃખ, રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, મોહ, આસક્તિ, અપેક્ષા આ બધું ન સ્પર્શવાને કારણે તેઓ ખુશ છે. સુખી છે. એટલે માણસ ખુશ ત્યારે જ રહી શકે જ્યારે આ બધું તેને સ્પર્શે નહીં. સંતો, ગુરુજનો ખુશ રહેવાની અને સુખી થવાની અવસ્થાને ભીતર સાથે જોડે છે. ખુશી ભીતરથી અનુભવવાની હોય છે, પણ જો ભીતર જ ઉદ્વેગ હોય તો? તો તમારી સામે તમને ગમતી વસ્તુ કે વ્યક્તિ પણ મૂકી દો, તમને ખુશી મળશે જ નહીં; કારણ કે ઉદ્વેગને લીધે તમને ગમતું જ મળ્યું છે પણ તમે અનુભવી શકતા નથી.



અમુક સમય એવો હોય છે કે મનનો ઉદ્વેગ શમતો નથી હોતો. મનની અકળામણ વધતી જ ચાલે છે. એવા સમયે ખુશી તો ક્યાંથી અનુભવાય? બધું જ મન સાથે જોડાયેલું છે. મન અસ્વસ્થ હશે તો દરેક પરિસ્થિતિ પ્રતિકૂળ જ ભાસશે. મનમાં કકળાટ ભર્યો હશે તો દરેક સંજોગ, દરેક વ્યક્તિ નકારાત્મક જ દેખાશે. આવું થવાનું કારણ શું? કોઈ પણ માણસ એક એવી પરિસ્થિતિએ ક્યારે પહોંચ્યો હશે જ્યારે તેને બધું જ નકારાત્મક લાગતું હશે? જવાબ છે... જ્યારે તેની અંદર શ્રદ્ધા તૂટી હશે, જ્યારે તેની અંદર ભરોસો તૂટ્યો હશે, જ્યારે તેની અંદર ધીરજ ખૂટી હશે. એ સમયે ઉદ્વેગ ભરાવો, અકળામણ થવી સ્વાભાવિક છે. જેમ માણસ ખુશ હોય તો તે આવેગને વ્યક્ત કર્યા વગર નથી રહી શકતો એમ મનમાં ભરાયેલા ઉદ્વેગને પણ એ વ્યક્ત કરી નાખે છે.


ખુશી વ્યક્ત કરનારો માણસ આપણને સારો લાગે છે અને ઉદ્વેગ-અકળામણ વ્યક્ત કરનારો માણસ આપણને નથી ગમતો. આપણે તેનાથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ. જે સમયે માણસ ઉદ્વેગ કે અકળામણ કાઢતો હોય એ સમયે શું આપણે તેને ચાહી શકીએ છીએ ખરા? માણસને દરેક પરિસ્થિતિમાં ચાહવો જોઈએ એવું પણ ગુરુજનો કહે છે. તો પછી આપણે ઉદ્વેગી માણસને કેમ નથી ચાહી શકતા? કેમ તેની સાથે સંપર્ક કરવાનું ટાળીએ છીએ? કારણ કે આપણને હસતો-બોલતો માણસ જોવો ગમે છે. ખુશખુશાલ વ્યક્તિ સાથે વાત કરવી ગમે છે. એવી વ્યક્તિ સાથે સંબંધ રાખવો ગમે છે. આપણે પોતે પણ ક્યારેક કકળાટ કર્યો હશે, અકળાયા હોઈશું, મનમાં ઉદ્વેગ અને રોષ અનુભવ્યો હશે એ સમયે દુનિયાએ આપણી સાથે કેવો વ્યવહાર કર્યો હતો? કોઈકે આપણને શાંતિથી સાંભળ્યા હશે તો કોઈકે આપણને સાંભળવાનું ટાળ્યું હશે. જેણે આપણને શાંતિથી સાંભળ્યા અને સમજાવ્યા હશે તેની પાસે આપણે ઊભરો ઠાલવ્યો હશે અને તેમની સમજાવટથી આપણને સારું પણ લાગ્યું હશે. આ સારું લાગવાની જે ફીલિંગ છે એને જ વહેંચવાની છે. પછી વાત કરીએ. પછી સમજાવીશું એવું વિચારીને આપણે એ વ્યક્તિની અકળામણ વધારતા હોઈએ છીએ. ચોવીસ કલાક માણસ ખુશ રહે એ શક્ય નથી. તેને રોષ આવે, અકળામણ આવે, બધું જ થાય એવી પરિસ્થિતિમાં આપણે તેની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ એ મહત્ત્વનું છે. દરેક પરિસ્થિતિમાં ખુશ રહો એવી સલાહ દરેક જણ આપતો ફરે છે, પણ જે માણસ ખુશ નથી તેની સાથે કેવું વર્તન કરવું એ પણ શીખવું જોઈએ. કોઈ પણ આવેગ ન સ્પર્શે એવી પરિસ્થિતિ પર પહોંચતાં માણસને વાર લાગે છે. એ સમયે તેને સાચવવાનો હોય છે. ખુશી એટલે કશું ન સ્પર્શવાની શૂન્યતા અને ઉદ્વેગ એટલે બધું જ સ્પર્શી જવાની ભરભરાટી. આ બન્ને વચ્ચે ઝોલાં ખાતા માણસને ચાહતા રહેવું જોઈએ.

માત્ર એક ક્ષણ પૂરતી હોય છે જીવનથી હારી જવા માટે. અને એ જ ક્ષણમાં આત્મહત્યા થાય છે, કારણ કે મનની મૂંઝવણ કોઈ સમજતું નથી અને એનો કોઈ ઉપાય નહીં મળે એવું માણસ ધારી બેસે છે. જીવવાની આશા ખોઈ બેસે છે. આપણે પાછળથી વાતો કરીએ કે શું કોઈ એવું નહીં હોય જે આત્મહત્યા કરનારને સંભાળી શક્યું હોય? પણ શું આપણે કોઈને તેને ન ચાહવાના સમયમાં ચાહી શકીએ છીએ? સંભાળી શકીએ છીએ? વિચારી જોજો.


માણસ ચાહવાની સ્થિતિમાં ન હોય એ સમયે તેને ચાહવો એ બહુ મોટો પડકાર હોય છે. 2020 પૂરું થવાને હવે એક જ દિવસ બાકી છે. નવા વર્ષે લોકો નવા રિઝોલ્યુશન લેશે. એમાં એક રિઝોલ્યુશન ચોક્કસ લઈએ કે માણસ ચાહવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેને ચાહીએ, શું ખબર કોઈની જિંદગી બચી જાય.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2020 03:34 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK