"પંજાબી છોકરીને ન પરણે તો મર્સિડીઝ લાવી આપવાની લાલચ આપેલી પેરન્ટ્સે"

Published: 7th October, 2014 02:54 IST

પેરન્ટ્સ ન માને તો મલાડની સંદીપા લૉએ અને નેપિયન સી રોડના રૂપેશ શાહે ભાગી જવાની બધી તૈયારી કરી લીધી હતી, પણ પ્રેમે સૌને ઝુકાવ્યાસ્પેશ્યલ સ્ટોરી - અજબ પ્રેમ કી ગજબ કહાની - પલ્લવી આચાર્ય

ભારતના ભાગલા સમયે લાહોરથી પુણે શિફ્ટ થયેલો સિવિલ એન્જિનિયર પંજાબી હિન્દુ દીપક લૉનો પરિવાર પછી મલાડ (વેસ્ટ)માં સેટલ થયો. સિડનહૅમ કૉલેજમાં ભણતી તેમની દીકરી સંદીપાના ગ્રુપમાં જે ફ્રેન્ડ્સ હતા એમાં નેપિયન સી રોડ પર રહેતા હીરાના વેપારીનો દીકરો રૂપેશ શાહ પણ હતો. ફ્રેન્ડ્સને મળવા એક વાર રૂપેશ સંદીપાની કૉલેજમાં આવ્યો હતો. પછી એ ગ્રુપ સાથે મજા આવી એથી અવારનવાર આવતો હતો. ફસ્ર્ટ યરમાં ભણતી સંદીપા ૧૮ વર્ષની અને રૂપેશ ૨૦ વર્ષનો હતો. રૂપેશને સંદીપા જોતાં જ ગમી ગઈ હતી.

હા નહીં પાડે

રૂપેશે ગ્રુપમાં કહ્યું કે તેને આ છોકરી ગમે છે ત્યારે તેના ફ્રેન્ડ્સે તેને કહેલું કે તે હા નહીં પાડે. બધા ફ્રેન્ડ્સે બહુ વાર ના કહેવા છતાં રૂપેશે નક્કી કર્યું હતું કે એક વાર પૂછી જ જોશે. રૂપેશે સંદીપાને કહ્યું, ‘તું મને ગમે છે. મને લાગે છે કે મારી ગુજરાતી જૈન ફૅમિલીમાં તું સેટ થઈ જઈશ.’

સંદીપાએ ત્યારે રૂપેશને કહ્યું કે આ બાબત ડિફિકલ્ટ લાગે છે. જોકે ત્રણેક દિવસમાં સંદીપાએ હા પણ કહી દીધી, કારણ કે તેને પણ રૂપેશ ગમતો હતો.

મુશ્કિલ રાહ

એકાદ મહિના પછી સંદીપા અને રૂપેશે વિચાર્યું કે આ રિલેશન વિશે ઘરે કહી દઈએ. રૂપેશે પેરન્ટ્સને કહ્યું કે તેને એક પંજાબી છોકરી ગમે છે, તમને ચાલશે? તેના પેરન્ટ્સનો જવાબ મળ્યો - ના, જરાય નહીં ચાલે. પત્યું. રૂપેશની લાઇફમાં પહેલો બ્રેક આવ્યો. પંદરેક દિવસ સુધી રૂપેશ તેમને એક વાર તેને જોઈ લેવા માટે સમજાવતો રહ્યો, પણ તેમને મંજૂર જ નહોતું. છેવટે રૂપેશનો પ્રયત્ન સફળ થયો. તેઓ છોકરી જોવા તૈયાર થયા, પણ તેને ન ઘરે બોલાવી કે ન તેના ઘરે ગયા. ઘરની આસપાસ દૂરથી જોઈ લીધી અને કહી દીધું, ‘આ ન ચાલે; તે પંજાબી છે, કાસ્ટ જુદી છે. આપણો બિઝનેસ છે અને તેઓ સૅલરીડ પીપલ છે. લુકમાં પણ ચાલે એવું નથી.’

એ પછી રૂપેશને તેના પેરન્ટ્સે રીતસર લાલચ આપવાનું શરૂ કર્યું : તને આનાથી વધારે સારી ગુજરાતી છોકરી મળશે, વધુ સંપન્ન લોકો પણ મળશે. તું આ છોકરી સાથે લગ્ન ન કરે તો તને મર્સિડીઝ કાર અપાવીશું.

રૂપેશના પેરન્ટ્સે કરેલા આવા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. રૂપેશના પેરન્ટ્સે દીકરાના વધુપડતા આગ્રહને લઈને ઉપલક તો ઉપલક, છોકરી જોઈ તો ખરી; પણ સંદીપાના પેરન્ટ્સે તો છોકરાને જોવાની પણ ઘસીને ના જ પાડી દીધી, કારણ કે તેમને હતું કે લવ-મૅરેજમાં આમ પણ બહુ કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે અને આ તો ગુજરાતી જૈન છે.

ચલો ભાગ ચલેં

બેય પક્ષે પેરન્ટ્સ માનતા નહોતા તેથી સંદીપા અને રૂપેશે નક્કી કરી લીધું હતું કે પ્રયત્નો ચાલુ રાખીશું અને છતાં ન માને તો ભાગી જઈશું. આવો સંકેત રૂપેશે તેના પેરન્ટ્સને આપી દીધો હતો. સામે તેના પેરન્ટ્સે પણ કહી દીધું કે આ રીતે પરણીશ ને અમે ઘરમાં નહીં રાખીએ તો શું કરશો? એનો પ્લાન પણ રૂપેશે બનાવી લીધો હતો. તેણે પેરન્ટ્સને કહ્યું કે ‘મને ગાડી ચલાવતાં આવડે છેને! ડ્રાઇવરની જૉબ કરીશ અને વાઇફ ભણેલી છે એથી તે પણ જૉબ કરશે.

ઘર ભાડે લઈશું અને અમારા જેટલું કમાઈ લઈશ.’

બીજી બાજુ સંદીપાને તેના પેરન્ટ્સે સમજાવવાની બહુ કોશિશ કરી, પણ તેઓ નાકામ રહ્યા. રૂપેશના ફ્રેન્ડ્સે કોર્ટના સાક્ષીઓ તથા તેને રહેવાની વગેરે સગવડ કરી તેમનાં લગ્નની તૈયારી કરી રાખી હતી.

પ્યાર કી જીત

 બન્ને તરફના પેરન્ટ્સને લાગ્યું કે આ લોકો સામ-દામ-દંડ-ભેદ કોઈ રીતે માનવા તૈયાર નથી. વળી તેમને એવો છૂપો ડર પણ લાગતો હતો કે કંઈક અજુગતું પગલું ભરી લેશે તો? બીજી તરફ રૂપેશની બહેનની સગાઈ કરી હતી તેના સસરાએ રૂપેશના પેરન્ટ્સને સમજાવ્યા. પછી તેઓ સંદીપાના ઘરે ગયા. સંદીપાનાં મમ્મી જરાય માનવા તૈયાર નહોતાં, પણ તેના પપ્પાએ સમજાવ્યું કે તે બીજે પરણીને પોતે સુખી નહીં રહી શકે કે બીજાને સુખી નહીં કરી શકે; તે માનતી જ નથી, પછી શું થશે? છેવટે બન્ને પરિવારે ગોળધાણા ખાધા અને ૧૯૮૯ની ૨૪ જાન્યુઆરીએ ધામધૂમથી મહાલક્ષ્મીના વ્ઞ્ પૅવિલિયનમાં લગ્ન કરાવ્યાં.

મજા પડી જીવવાની

રૂપેશના પેરન્ટ્સનાં વખાણ કરતાં સંદીપા થાકતી નથી. તેને આ ઘરમાં બહુ ઍક્સેપ્ટન્સ મળ્યું એની વાત કરતાં તે કહે છે, ‘મારાં સાસુ-સસરાએ મને એટલી સરસ રીતે સ્વીકારી કે મને કોઈ જ તકલીફ કદી નથી આવવા દીધી. તેમના આટલા સરસ સ્વીકારના કારણે જ ફૅમિલી સાથે ઍડ્જસ્ટ થવામાં મને કોઈ તકલીફ નથી પડી. હું નવકાર મંત્ર અને સામાયિક કરતાં શીખી ગઈ છું અને કરું છું. હવે મને નાની શાંતિ અને મોટી શાંતિ કરાવવાની ભાવના છે.’

૧૯૯૦માં સંદીપાના જન્મદિવસે જ તેને બે ટ્વિન દીકરીઓ થઈ રિયા અને રિચા. ચાર વર્ષ પછી દીકરો કવીશ થયો. સંદીપા જ્વેલરી ડિઝાઇન કરે છે. રૂપેશને ડાયમન્ડનો બિઝનેસ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK