Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રેમ એટલે હું, પ્રેમ એટલે તું

પ્રેમ એટલે હું, પ્રેમ એટલે તું

12 February, 2021 02:26 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પ્રેમ એટલે હું, પ્રેમ એટલે તું

પ્રેમ એટલે હું, પ્રેમ એટલે તું

પ્રેમ એટલે હું, પ્રેમ એટલે તું


પ્રેમ એટલે શું?
સીધો પ્રશ્ન અને એટલે જ એનો જવાબ પણ એટલો જ સરળ અને સીધો જોઈએ. પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે સંયમનો ભાવ કે પછી પ્રેમ એટલે સાવ જ એકલા હોવા છતાં પણ ટોળાની ગરજ સારે એવો ઘોંઘાટ. પ્રેમ એટલે લાગણીનો ઓચ્છવ કે પછી પ્રેમ એટલે વહેતા ઝરણાનો મંદ ખળખળાટ. પ્રેમ એટલે ભરતડકે કોઈની રાહ જોવાનો ઉન્માદ કે પછી પ્રેમ એટલે રાતે દોઢ વાગ્યા સુધી પપ્પાની રાહ જોઈને સૂઈ ગયેલી દીકરીના ગાલ પર લહેરાતી વાળની લટ. પ્રેમ એટલે જાગ્યા પછીની તાજગી કે પ્રેમ એટલે નાની અમસ્તી વાતમાં પ્રગટ થઈ જતી નારાજગી. પ્રેમ એટલે સલામતી કે પછી પ્રેમ એટલે હૂંફ સાથે સતત હાજર રહેતી કોઈની લાગણી. પ્રેમ એટલે જમી લીધા પછી કરવામાં આવેલો પહેલો મેસેજ કે પ્રેમ એટલે જમ્યા વિના જ પેટ ભરી દે એવો ફ્લાઇંગ કિસનો સંદેશ.
પ્રેમ એટલે શું?
સવારે જાગ્યા પછી આંખ સામે આવી જતું બૂઢી માનું સ્મિત પ્રેમ છે કે પછી પ્રેમ એટલે ઘરમાં આવતાં જ પગમાં વીંટળાઈ જતું દીકરીનું હેત છે. કવિ મુકુલ ચોકસીક્સી કહે છે એમ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો પ્રેમ છે કે પછી શેક્સપિયર કહે છે એમ, ઉકરડામાં પણ ઉદ્ભવતું મઘમઘતું વાતાવરણ એટલે પ્રેમ. પ્રેમ એટલે એક હાથે વાગતી તાળી કે પ્રેમ એટલે બે હાથમાં સમાઈ જતું વિશ્વ.
પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે પહેલું ચુંબન કે પછી પ્રેમ એટલે પહેલું આલિંગન. પ્રેમ એટલે આંખોમાંથી ઊભરાતાં આંસુ કે પ્રેમ એટલે અસહ્ય બનતી જતી પીડાને સહ્ય બનાવતી સંવેદના. પ્રેમ એટલે વ્યવહારના વમળમાંથી છોડાવવાની વિધિ કે પછી પ્રેમ એટલે આંખોથી જ સાચવી લેવામાં આવતો વ્યવહાર. પ્રેમ એટલે રાજુ હીરાણી કહે છે એ કેમિકલ લોચા કે પછી પ્રેમ એટલે ડૉ. પ્રકાશ કોઠારી ગણાવે છે એ એકમેકમાં ખોવાઈ જવાનું તાદાત્મ્ય. પ્રેમ એટલે કશુંક મેળવી લેવું કે પ્રેમ એટલે અઢળક મોઢે આપીને ખાલીખમ થઈ જવું. એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય એનું નામ પ્રેમ કે પછી એકમેકથી જોજનો દૂર રહીને અનુભવવામાં આવતી સંતોષની અનુભૂતિ. પ્રેમ એટલે સહવાસ કે પછી પ્રેમ એટલે સંગાથ. પ્રેમ એટલે સમાધાનનો ભાવ કે પછી પ્રેમ એટલે અનરાધાર માગ. પ્રેમ એટલે પતિને પરમેશ્વર માનવાની ભાવના કે પછી પ્રેમ એટલે પત્નીની ન ગમતી તમામ વાતોનો સ્વીકાર.
પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે પરિણામ કે પછી પ્રેમ એટલે મનના કોઈ આછા ખૂણે જન્મતું પરિમાણ. પ્રેમ એટલે એકલતા કે પ્રેમ એટલે એકાંત. વાસ્તવિક બનાવે એ પ્રેમ કહેવાય કે પછી વાસ્તવવાદમાંથી સ્વપ્નસૃષ્ટિનું સર્જન કરે એ પ્રેમ. જેને જોઈને ઊટીની ઠંડી હવાની ખુશ્બૂનો અનુભવ થાય એ પ્રેમ કે જેને જોતાંની સાથે શરીરનું તાપમાન ૯૮ ડિગ્રી થઈ જાય એ પ્રેમ. પ્રેમ એટલે મનમાં શરૂ થઈ જતી બિસ્મિલ્લા ખાનની શરણાઈ કે પછી પ્રેમ એટલે રોમૅન્ટિક ગીતોનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. પ્રેમ એટલે કબૂલાત કે પ્રેમ એટલે મનને અકળ રાખવાની પરવાનગી. પ્રેમ એટલે પપ્પાનો પરકાયા પ્રવેશ કે પછી પ્રેમ એટલે મમ્મીના આત્માને મળેલો નવો આવાસ. પ્રેમ એટલે શત્રુંજયની તળેટીથી શરૂ થતી જાત્રા કે પ્રેમ એટલે ભગવાન આદિનાથનાં દર્શન કરતી વખતે પણ એમાં દેખાતો કોઈ અનન્ય ચહેરો. પ્રેમ એટલે વાસનાથી પર થઈને જિવાતી જિંદગી કે પ્રેમ એટલે પરસ્પરમાં નિરાકાર થઈ જવાની અનુભૂતિ. પ્રેમ એટલે ભાઈ માટે બાર બાધા રાખતી બહેન કે પ્રેમ એટલે દીકરી માટે આંખમાં આંસુ સારતી મા.
પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે બલા કે પછી પ્રેમ એટલે સજા. પ્રેમ એટલે તપેલીમાંથી ઊભરાઈ રહેલા દૂધનો ઊભરો કે પછી પ્રેમ એટલે ઊકળતા પાણીમાંથી છૂટતી વરાળોનો કાફલો. પ્રેમ એટલે આકાશમાં ઊગેલા તારાનું વિશ્વ કે પછી પ્રેમ એટલે ઊગતા સૂર્યનાં કિરણોમાંથી સ્ફૂરતો તાજગીનો સાક્ષાત્કાર. મૅક્ડોનલ્ડ્સમાં પણ મક્કા અને મદિનાનો અનુભવ એટલે પ્રેમ કે પ્રેમ એટલે મલ્ટિપ્લેક્સના અંધારા ખૂણામાં જાગતી એક દુનિયા. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે વઢી લેવાની છૂટ કે પછી પ્રેમ એટલે એ છૂટનો પણ કંજૂસાઈભર્યો વપરાશ. પ્રેમ એટલે વાત પહેલી કરવાનો ઉત્સાહ કે પછી પ્રેમ એટલે વહેમના વિશ્વમાં ઓગળી જતી સંવેદના. પ્રેમ એટલે રોટલીના ટુકડામાં ભરેલું ભીંડાનું શાક કે પછી પ્રેમ એટલે ભીંડાનું શાક બનાવતી વખતે કરેલા ભવાડા. પ્રેમ એટલે સાથે બૂઢા થવાનો એકબીજાને આપેલો વાયદો કે પછી પ્રેમ એટલે ક્યારેય બૂઢા નહીં થવા દેવાનો શોધી લીધેલો કીમિયો.
પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે ભયનો અભાવ અને પ્રેમ એટલે
હૂંફની હાજરી.
પ્રેમ એટલે સંજીવની અને પ્રેમ એટલે પ્રથમદર્શી.
પ્રેમ એટલે ન ગમતી વાતોથી મનમાં જન્મતો ઉકળાટ અને પ્રેમ એટલે જન્મેલા આ ઉકળાટને શાંત પાડવા માટે જાતે જ શરૂ કરવામાં આવેલો પ્રયાસ.
પ્રેમ.
પ્રેમ એટલે કેન્દ્રબિંદુ બદલી નવા પરિઘને પોતાનું ઘર બનાવવું અને પ્રેમ એટલે બાકી રહેલા સમયને વધારે સારી રીતે વાપરી એ ઘરને સજાવવું. પ્રેમ એટલે ઓગળતો હું અને પ્રેમ એટલે તું. પ્રેમ એટલે હું C/o તું.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2021 02:26 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK