બાળકોને વહાલ કરો પણ થોડી લિમિટમાં

Published: 4th September, 2012 05:55 IST

બાળકોને વધુ પડતાં લાડ લડાવી માથે ચડાવતાં દાદા-દાદીને કારણે કેટલીક વાર શિસ્ત શીખવતી મમ્મીની હાલત તો વિલન જેવી બની જાય છે. નવી જનરેશનના બહેતર ઉછેરની જવાબદારી ઘરના વડીલોએ સમજવી જોઈએ

paresh-rawal-childમંગળવારની મિજલસ - તરુ કજારિયા

ગયા મંગળવારે ફૅમિલીરૂમનો લેખ વાંચી એક વાચક યુવતીનો ફોન આવ્યો. તેણે મને સીધો જ સવાલ કર્યો કે એકવીસમી સદીના આજના સમયમાં જૉઇન્ટ ફૅમિલી સિસ્ટમ વ્યક્તિની ફ્રીડમને રૂંધી નાખે છે એમ તમને નથી લાગતું? તેનો સવાલ અણધાર્યો હતો, પરંતુ મારી પાસે એ પ્રfનના જવાબ માટે અંગત અનુભવનું ભાથું હતું. એટલે મેં તેને કહ્યું કે પરિવારમાં મળતાં હૂંફ કે પ્રેમ એ કોઈ પર્ટિક્યુલર સદીનાં મોહતાજ નથી. એ તો એક એવરગ્રીન ફૅક્ટર છે. હા, પરિવારના સભ્યોનું એક-બીજા સાથેનું ટ્યુંનિંગ કેવું છે? વડીલોના વ્યવહાર અને યંગ જનરેશનના ઍટિટ્યુંડ કેવા છે એના પર દરેક કેસનું મૂલ્યાંકન થઈ શકે. બાકી ફ્રીડમ સાથે કેટલીક રિસ્પૉન્સિબિલિટીઝ વણકહી જ આવી જાય છે એ હકીકત તો પાયાની છે.

તેણે એ દરેક વાતમાં સંમતિ પુરાવી અને પોતાની વાત રજૂ કરી, જે ટૂંકમાં કંઈક આવી હતી : એ એજ્યુકેટેડ સ્ત્રી તેના વેલ-ક્વૉલિફાઇડ પતિ, બારેક વર્ષની પુત્રી, સાસુ-સસરા અને કુંવારા દિયરની તેમની જૉઇન્ટ ફૅમિલી છે. પોતે હોમમેકર છે અને દીકરીના એજ્યુકેશનની જવાબદારી પોતે જ સંભાળે છે. એટલે આસપાસના બીજા વિદ્યાર્થીઓની જેમ તેની દીકરી ટ્યુંશન ક્લાસિસમાં નથી જતી, પરંતુ તે બહેનની સમસ્યા એ છે કે ઘરમાં દાદા-દાદીનાં લાડ એટલાં બધાં છે કે દીકરી મમ્મીની વાત સાંભળતી નથી. તે દીકરીને ભણાવતી હોય ત્યારે દાદી દીકરીની દયા ખાધા કરે, ‘બિચારી હમણાં સ્કૂલમાં ભણીને આવી અને હવે ઘરમાં પણ તેના પર ભણવાનો બોજો નાખે છે! થોડી વાર ટીવી જુએ એમાં શું ખાટું-મોળું થઈ જાય?’ આવું બધું તેના દેખતાં જ વહુને કહે એટલે પૌત્રી પણ મમ્મીની સામે થતાં શીખી છે અને તેને ભણવા બેસાડતાં નાકે દમ આવે છે.

તે દુ:ખ સાથે કહે છે, ‘હું કંઈ વધુ પડતી સ્ટ્રિક્ટ કે રિજિડ નથી, પણ આજનું એજ્યુકેશન કેટલું ડિમાન્ડિંગ છે એ આપણે જાણીએ છીએ. વળી હું તો સાઇકૉલૉજી ભણી છું અને મેં ખૂબ જ કાળજીપૂર્વક દીકરીનું રૂટીન બનાવ્યું છે. એમાં તેના ભણવાના, રમવાના, જિમના, ટીવી જોવાના એવા બધા જ ટાઇમ સ્લૉટ રાખ્યા છે.’

પોતે હોમમેકર છે એટલે દીકરીને ધીમે-ધીમે ઘરનાં કામ અને ફરજોમાં પણ રસ લેતી કરવાની કોશિશ કરે છે. જૉઇન્ટ ફૅમિલીમાં રહીને ઘરના બધા સભ્યો પ્રત્યેની બધી જ ફરજો નિષ્ઠાથી બજાવવા છતાં પોતાની દીકરીને જ સારી તાલીમ આપીને ઉછેરી નથી શકતી એનું તેને બહુ દુ:ખ થાય છે.

તે યુવતીની હકીકત સાંભળતાં વિચાર આવ્યો કે એક મૉડર્ન એજ્યુકેટેડ મમ્મી પાસે હોય એ બધી જ સજ્જતા તેની પાસે છે અને તે પોતાની દીકરીને એનો લાભ આપવા ઇચ્છે છે. વળી ધર્મના સંસ્કાર પણ આપે છે. આમ છતાં દાદા-દાદી પૌત્રીને ખોટાં લાડ લડાવે છે! અને અજાણતાં જ તેને પોતાની મમ્મીના શબ્દની ઉપેક્ષા કરતાં શીખવે છે.

તેઓ એ બાળકીને સ્વચ્છંદી બનાવી રહ્યાં છે, ‘પણ તમારા પતિ પોતાનાં મા-બાપને અટકાવતા નથી?’ મેં પૂછ્યું અને જે શંકા હતી એ જ સાચી ઠરી! પતિ આખો સમય જૉબમાં બિઝી રહે છે એટલે તેમને દીકરીની સ્કૂલ કે ઉછેરની અન્ય બાબતોમાં રસ લેવાનો ટાઇમ નથી. વળી ક્યારેક પત્ની તેમને દીકરીની કોઈ અયોગ્ય વર્તણૂક બાબત ધ્યાન દોરે તો તેઓ પણ દાદા-દાદીની જેમ જ તેનું ઉપરાણું તાણે છે કે દીકરી હજી તો નાની છે!

અજાણતાંમાં થતી ભૂલ

બાળકોના ઉછેરમાં કેટલીક વાર ઘરના વડીલો જ અડચણરૂપ બનતા હોય છે એનો તેમને ખ્યાલ પણ નથી આવતો. બાળકના કુમળા મન પર કે પરિવારના અન્ય સભ્ય પર, કોઈ વાતનો પ્રભાવ ત્યારે જ પડે જ્યારે તે સહમતીથી કહેવાતી હોય. બહાર દોડી જવા કે ટીવી પર પોતાનો કોઈ ફેવરિટ પ્રોગ્રામ જોવા થનગનતા નાના બાળકને મમ્મી કે પપ્પા કહે કે ના, તારે રમવા નથી જવાનું, ટીવી પણ નથી જોવાનું, પણ આ બુક વાંચવાની છે અને આ લેસન પૂરું કરવાનું છે તો સ્વાભાવિક છે કે તેને એવી શિખામણ આપનાર વ્યક્તિ નથી જ ગમવાની, પણ જો ઘરના બીજા વડીલો એ વખતે આવીને બાળકની દયા ખાય કે તેને જે જોઈએ એ કરવાની છૂટ આપી દે તો પેલા બાળકને મન તો તેઓ હીરો અને શિસ્ત શીખવતી મમ્મી કે પપ્પા વિલન બની જાય. જ્યારે હકીકતમાં તો આજના કૉમ્પિટિટિવ ટાઇમ માટે બાળકને નાનપણથી તાલીમ આપતી કે તૈયાર કરતી વ્યક્તિ તેની પરમ હિતેચ્છુ છે એ હકીકત આ બાળકો જ્યારે મોટાં થઈને પોતાના ક્ષેત્રે ઝળહળે છે ત્યારે તેમને અને તેમના વડીલોને (જો હયાત હોય તો) પણ સમજાય છે, પરંતુ ત્યાં સુધી તો પેલી વ્યક્તિની ધીરજની કસોટી થઈ જાય છે. કેટલાક કિસ્સામાં તો સાસુઓ પુત્રવધૂ પ્રત્યેના પોતાના અસંતોષનો બદલો આ રીતે બાળકોને ગેરમાર્ગે દોરીને લેતી હોય છે. ‘અમારા જમાનામાં તો... આમ હતું ને તેમ હતું!’ આ તેમનું ધ્રુવવાક્ય હોય છે. ન તો તેઓ સમય સાથે બદલાય છે ન તો પોતાની જુનવાણી વિચારશૈલી તેઓ છોડે છે. આને પરિણામે નવી પેઢીને આ યુવતીને થયો એવો સવાલ થાય છે.

પરિસ્થિતિ ઊલટી પણ હોય

સંસ્કારી અને એજ્યુકેટેડ વડીલો હોય એવાં ઘરોમાં આનાથી તદ્દન ઊલટી સ્થિતિ પણ જોવા મળે છે. આવાં જ એક દાદીને જાણું છું, જેઓ પોતાની ચાર વર્ષની પૌત્રીને સતત કમ્પ્યુટર ગેમ્સ રમતી જોઈને ચિંતિત થઈ ઊઠે છે. તેઓ તેને વાર્તા સંભળાવે છે કે ગીતો ગાવા જેવી પ્રવૃત્તિમાં વાળવા પ્રયત્ન કરે છે. તેઓ બાળકીની મમ્મીને રોજ તેને બહાર ગાર્ડનમાં ફરવા લઈ જવા કહે છે, પરંતુ પેલી મમ્મીને કલાકો સુધી ઊંઘવા જોઈએ છે એટલે તેને તો દીકરીનું કમ્પ્યુટરનું વળગણ આર્શીવાદ જેવું લાગે છે. તેનો ઍટિટ્યુંડ તો આવો છે : ‘હાશ! એટલો ટાઇમ તો આ લાવ ને તે લઈ આવ એવી તેની ડિમાન્ડ્સ બંધ રહેશે! મારે નિરાંતે ઊંઘ ખેંચાશે!’ એટલે ઘણી વાર તો તે પોતાની સગવડ સાચવવા સામેથી દીકરીને કમ્પ્યુટરની ખુરસી પર બેસાડી દે છે! યાદ નથી આવતું, પણ ક્યાંક સાંભળ્યું હતું કે પહેલાંના જમાનામાં ઘરમાં છોકરાંવ રડતાં ત્યારે બહોળા પરિવારના કામકાજમાં ડૂબેલી રહેતી વહુવારુઓ રડતાં બાળકોના મોઢામાં ચૂસણી ખોસી દેતી! આજે એ ચૂસણીનું સ્થાન ટીવી કે કમ્પ્યુટરે લીધું છે!

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK