Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રેમ અને એકબીજા માટે ભરપૂર માન આ જ રહસ્ય છે મહેતાપરિવારના સંપનું

પ્રેમ અને એકબીજા માટે ભરપૂર માન આ જ રહસ્ય છે મહેતાપરિવારના સંપનું

19 February, 2020 05:59 PM IST | Mumbai
Bhakti D Desai

પ્રેમ અને એકબીજા માટે ભરપૂર માન આ જ રહસ્ય છે મહેતાપરિવારના સંપનું

મહેતા પરિવાર

મહેતા પરિવાર


ચાર પેઢીના સંયુક્ત પરિવારમાં રહેતાં ૮૨ વર્ષનાં જસવંતીબહેન મહેતા આજે પણ ખૂબ જ કાર્યરત છે. તેમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. તેમના પતિ તુલસીદાસ, મોટા પુત્ર પ્રકાશ, વહુ તૃપ્તિ, પૌત્ર અમીષ, પૌત્રવધૂ ખ્યાતિ અને પ્રપૌત્ર જિયાંશ તેમની સાથે ચેમ્બુરમાં રહે છે. તેમની પ્રપૌત્રી અમી ચિત્રાંગ મોદી તેમના સાસરે છે. પરિવારના અન્ય સદસ્યોમાં નાના પુત્ર હિતેશ, પુત્રવધૂ બંસરી, ત્રણ દીકરીઓ શીલા સંઘવી, આશા ગાંધી અને અલકા વોરાનો સમાવેશ થાય છે. 

સ્વભાવે કડક અને કામકાજમાં આટલી મોટી ઉંમરે પણ ચીવટતાનાં આગ્રહી જસવંતીબહેનનો જન્મ ભાવનગરના ટીંબી ગામમાં થયો હતો. બીજી છોકરીઓ કરતાં જસવંતીબહેનનું બાળપણ થોડુંક અલગ રહ્યું. તેઓ છ ભાઈ-બહેન હતાં અને તેમનો ક્રમ પાંચમો હતો. મુંબઈમાં લોકોનાં સપનાં પૂરાં કરવાની શક્તિ રહેલી છે. જે લોકો ધંધાર્થે આવે છે તેઓ ધંધો જમાવે છે અને જે નોકરી મેળવવાના ઉદ્દેશથી આવે છે તેઓ નોકરી લઈને પરિવારનું પોષણ કરી શકે છે. આવી જ રીતે જસવંતીબહેનના પિતા પણ આજીવિકા માટે મુંબઈમાં કાલબાદેવીની જૂની હનુમાન ગલી પાસે રહેવા આવ્યા અને પછી મુંબઈમાં જ સ્થાયી થઈ ગયા.



જસવંતીબહેનના કહેવા મુજબ એ જમાનાની છોકરીઓમાં અને આજની છોકરીઓમાં ઘણો ફરક છે. તેમને ભણતરની સાથે ઘરનાં કામ પણ શીખવવામાં આવતાં અને છોકરીઓ પણ પોતાની જવાબદારી સમજીને નાનપણથી ઘરના દરેક કામમાં મદદ કરતી.


નાનપણથી ઘર સંભાળવાની આદત

તેઓ પોતાના ભણતરની વાત કરતાં કહે છે, ‘હું કન્યાશાળામાં ભણી. નાની ઉંમરમાં જ મમ્મી અવસાન પામ્યાં હતાં. મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં હતાં તેથી હું પાંચ ચોપડી (ધોરણ) ભણી ઘરના કામમાં લાગી ગઈ હતી. જવાબદારીઓને કારણે ઘર ચલાવતાં પણ આવડી ગયું હતું.’


બીજી પેઢી : અહીં પ્રકાશભાઈ કહે છે, ‘મારાં મમ્મી હવે સેવાપૂજા સંભાળે છે અને ઘરમાં રસોઈનું કામ તૃપ્તિ કરે છે. કેટલાંય વર્ષોથી મમ્મીએ રસોડાથી નિવૃત્તિ લઈ લીધી છે, પણ આજે પણ અમને અમારાં મમ્મીની રસોઈનો સ્વાદ યાદ જરૂર આવે છે. એ સમયની સ્ત્રીઓ જાતજાતની ખાવાની વસ્તુઓ ઘરે બનાવતી. અમારે ત્યાં આજે પણ ઘરે અથાણાં બનાવવાની પરંપરા જળવાયેલી છે, પણ અમારા પછીની પેઢી કદાચ એ બહારથી જ લાવશે.’

જસવંતીબહેનનાં લગ્ન બાવીસમા વર્ષે થયાં હતાં અને તેમનાં સાસુ-સસરા સાવરકુંડલામાં રહેતાં હતાં. તેમની સગાઈના છ મહિના પછી તેમનાં લગ્ન થયાં અને જ્યારે તેમને પૂછ્યું કે એ સમયના રૂઢિચુસ્ત વિચારો ધરાવતા વડીલોએ તેમને સગાઈથી લગ્ન સુધીમાં મળવાની છૂટ આપી હતી કે નહીં ત્યારે તેઓ બેધડક રીતે બોલી ઊઠ્યાં, ‘રવિવાર અને બુધવારે અમારું મળવાનું અને

હરવા-ફરવાનું નક્કી જ રહેતું. એ છ મહિનામાં અમે ઘણું ફર્યાં. અમે વીટી સ્ટેશન પાસે કૅપિટલ સિનેમામાં દર બુધવારે ફિલ્મ જોવા જતાં અને રવિવારે ફરવા જતાં.’

સમય વિતાવવાની રીતમાં તફાવત

જસવંતીબહેન કહે છે, ‘આજની પેઢીની છોકરીઓ હાથમાં મોબાઇલ લઈ કમ્પ્યુટર પર અથવા  ટીવી જોઈને સમય વિતાવી રહી હોય ત્યારે મને થાય છે કે તેમના માટે આજે મનોરંજનનાં કેટલાં સાધનો ઉપલબ્ધ છે, પણ અમારો સમય અલગ હતો. અમને અમારા વડીલો કામ અને કળા શીખવવાનો જ આગ્રહ રાખતા. મારી વાત કહું તો મને સમય વિતાવવા સીવણના ક્લાસમાં મોકલતા.’

સીવણકળા શોખનો વિષય છે તેથી આ સાંભળી જસવંતીબહેનને સીવણકામનો શોખ હશે એવું થોડી વાર માટે કોઈ પણ ધારી લે એમાં નવાઈ નહીં, પણ અસલી મજા તો ત્યારે આવી જ્યારે એક લાંબા શ્વાસ પછી તેમણે તેમના ચહેરા પર અણગમાના હાવભાવ સાથે કહ્યું, ‘અહીં સીવણકામનો શોખ કોને હતો? આ તો હવે વડીલોનું માન રાખવા તેમની વાત માનવી પડતી, કારણ કે અમારા જમાનામાં ‘વડીલો કહે એ જ સાચું’ આ સૂત્ર પર જ અમે જિંદગી જીવતાં. મારી પાસે સમય રહેતો અને આ સમયના સદુપયોગ માટે અને છોકરીને એક કળા પણ હસ્તગત થાય એ માટે મને સીવણ શીખવાડ્યું હતું.’

તેમનો જવાબ સાંભળીને અને હાવભાવ જોઈને આખો પરિવાર ખડખડાટ હસવા લાગ્યો.

બીજી પેઢી : તૃપ્તિબહેન અહીં કહે છે, ‘અમારા સમયમાં થોડો ફરક એવો હતો કે છોકરીઓને ભણાવવાનો આગ્રહ તો રહેતો, પણ વેકેશનમાં કામ પણ શીખવતા હતા અને ત્યારે હજી મોબાઇલની ટેક્નૉલૉજી ખાસ આગળ વધી નહોતી તેથી છોકરીઓ ભણે, રમે અને સાથે જ કામ પણ શીખે. મને પહેલેથી રસોઈ આવડતી હતી. મારી દીકરી અને મારી વહુ, જે મારી દીકરી જ છે તેને મેં ક્યારેય કોઈ વાતની ફરજ નથી પાડી; કારણ કે અમારા ઘરની આ ત્રીજી પેઢીનાં બાળકો છે અને હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે. હું માનું છું કે મા હોય કે સાસુ, પણ જમાના સાથે પોતાનો અભિગમ બદલે તો જ સંપથી પોતાનાં બાળકો સાથે રહી શકાય. મને ઘણી વાર થાય છે કે જે સુખ અને છૂટ મારી કલ્પનાઓમાં હતાં એ મારાં બાળકોને પણ મળે અને તેથી હું તેમને કોઈ પણ બંધનમાં નથી રાખતી. હા, બાળકોમાં જ્યારે નાનપણથી સંસ્કારનું સિંચન થયેલું હોય છે ત્યારે  તેઓ મોટાં થયા પછી રોકટોક વગર પણ શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય લઈ શકે છે.’

ત્રીજી પેઢી : અહીં ખુશ્બૂ કહે છે, ‘અમારે સમય કેવી રીતે વિતાવવો એ પ્રશ્ન ક્યારેય ઉદ્ભવતો નહીં, કારણ કે મારે ભણવામાં સમય વીતી જતો અને પછી મેં નોકરી લીધી હતી. હવે જિયાંશ નાનો છે એટલે મેં નોકરી મૂકી દીધી છે અને આખો દિવસ જિયાંશની સાથે અને તેના કામમાં સમય ક્યાં વીતી જાય છે એની ખબર જ નથી પડતી.’

આહારની પસંદગી વિશે

અહીં એક મોટો તફાવત ભોજનમાં આવ્યો છે. આ એક ચુસ્ત વૈષ્ણવ પરિવાર હોવાથી જસવંતીબહેન ક્યારેય કાંદા-લસણ નથી ખાતાં. તેમના ઘરમાં પણ ક્યારેય કાંદા-લસણ આવતાં નહીં અને આજે જ્યારે બધી જ પેઢીઓ સાથે રહે છે ત્યારે દરેકની પસંદને સાચવવા અને માન આપવા ઘણી વાતો એવી બનતી હોય છે કે ક્યારેક વડીલોએ નમતું મૂકવું પડે છે અને કોઈ વાર બાળકોએ પણ બાંધછોડ કરવી પડે છે. પરિવારનો મૂળ ઉદ્દેશ પ્રેમથી હળીમળીને સાથે રહેવાનો છે તેથી આ બધી નાની-નાની વાતો પર ક્યારેય કોઈ વાદવિવાદ અહીં થતા નથી, પણ ભોજનની પસંદને લઈને અને કાંદા-લસણના વપરાશને લઈને જનરેશન ગૅપ તો કહી જ શકાય.

નિયમિત જીવનશૈલી

જસવંતીબહેને નિયમિતતાને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું હોવાથી તેમણે કે તેમના પતિએ આટલી મોટી ઉંમર સુધીમાં ક્યારેય કોઈ દવાનું સેવન કર્યું નથી. તેઓ કહે છે, ‘અમે સવારે ઊઠીને નિત્યકર્મ, સેવા, પાઠ, પૂજા બધું કરીને સવારે ૧૦.૩૦થી ૧૧ વાગ્યાની વચ્ચે જમી લેતાં અને સાંજે પણ વહેલા જમવાનો નિયમ રહેતો. દરેક વસ્તુ સમયસર થતી અને વહેલા સૂઈને વહેલા ઊઠવાની આદત હતી તેથી મારા ઘરમાં બામ સિવાય કોઈ પણ પ્રકારની દવા આવી નહોતી.’

બીજી પેઢી : અહીં તૃપ્તિબહેન કહે છે, ‘મારે દવા લેવી પડે છે, કારણ કે આજકાલની જીવનશૈલી એવી થઈ ગઈ છે. અમે પણ નિયમિતતામાં માનીએ છીએ, પણ ક્યારેક સંજોગોને કારણે ખાવાપીવાના સમયમાં  આગળ-પાછળ થઈ જાય.’

ત્રીજી પેઢી : અહીં અમીષ કહે છે, ‘અમને કામને કારણે અને ઘણી વાર મોડે સુધી બહાર આવવા-જવાનું હોય તો જમવામાં અને સૂવામાં મોડું થાય. સમયની બાબતમાં અમે ખાસ ધ્યાન નથી રાખી શકતાં. અમારાં દાદા-દાદીને એ વાત નથી ગમતી જે સમજી શકાય એમ છે; કારણ કે તેઓ નિયમમાં ખૂબ જ બંધાઈને રહ્યાં છે, જે અમારી જીવનશૈલીને ધ્યાનમાં રાખતાં અઘરું થઈ જાય છે.’

સમય સાથે ઘણી વાતોમાં બદલાવ આવે છે અને મહેતાપરિવારમાં પણ આવ્યો છે છતાં દરેકના વિચારોને માન આપી એકબીજા સાથે પ્રેમથી રહેવાની કળા તેમના વડીલો અને બાળકો બન્નેમાં છે, જેનાથી આ પરિવારની એકતા બની રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 05:59 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK