કચ્છ અને અંગ્રેજ શાસનના તાણાવાણા

Published: Jan 07, 2020, 15:17 IST | Sunil Mankad | Kutch

ઇતિહાસમાં કચ્છની અલગ ઓળખ રહી છે એનું કારણ એ કે વિવિધ રાજા-બાદશાહોના સમય દરમ્યાન કે બ્રિટિશકાળના સમય દરમ્યાન કચ્છ સ્વતંત્ર જ રહ્યું.

ઇતિહાસમાં કચ્છની અલગ ઓળખ રહી છે એનું કારણ એ કે વિવિધ રાજા-બાદશાહોના સમય દરમ્યાન કે બ્રિટિશકાળના સમય દરમ્યાન કચ્છ સ્વતંત્ર જ રહ્યું. સમગ્ર ભારતમાં બ્રિટિશરોએ એક જ ચલણ દાખલ કર્યું ત્યારે પણ કચ્છમાં પોતીકું ચલણ હતું જે ૧૯૪૮ સુધી ચાલુ રહ્યું. કચ્છની કસ્ટમ વ્યવસ્થા પણ અલગ હતી. આ બાબત કચ્છના મહત્વ સંદર્ભે ધ્યાન ખેંચે એવી છે. ભારતનાં દેશી રાજ્યો કરવાનું સરદાર પટેલે ચાલુ કર્યું ત્યારે પણ પ્રથમ અને સ્વૈચ્છિક રીતે રાજ્ય સોંપનાર કચ્છના રાજવી મદનસિંહ હતા. આમ સમગ્ર ઇતિહાસ પર નજર કરીએ તો કચ્છે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. જોકે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ધીમે-ધીમે ભારતભરમાં સત્તાનો પગપેસારો કરનારા અંગ્રેજોએ થોડા સમય માટે પણ કચ્છને કબજે કરવામાં સફળતા તો મેળવી જ હતી.

ઈ. સ. ૧૮૧૩માં રા’રાયધણ અને જમાદાર ફતેહ મોહમ્મદ બન્ને માત્ર પચીસ દિવસના તફાવતે ફાની દુનિયાને ત્યજી ગયા અને અનુગામી રાવશ્રી ભારમલજીના સાતેક વર્ષના શાસનમાં કચ્છે પોતાની સત્તા પર યુનિયન જૅકના બ્રિટિશ હિન્દની સત્તાને હામી થતી જોઈ હતી. આ અરસામાં કૅપ્ટન જેમ્સ મૅક્‍મર્ડોએ કચ્છના શાસન પર બ્રિટિશરોની આગવી રીત મુજબ ધાક જમાવી હતી. કૅપ્ટન મૅક્‍મર્ડોએ બ્રિટિશ ઇન્ડિયા કંપની તરફથી કચ્છ રાજ્યમાં પ્રથમ પૉલિટિકલ એજન્ટ તરીકે પ્રવેશ કર્યો હતો. મૅક્‍મર્ડોએ ઈ. સ. ૧૮૧૪માં કચ્છ આવીને અંજારમાં વસવાટ શરૂ કર્યો હતો. કચ્છની રાજકીય ગતિવિધિઓ જાણવા તે છૂપા વેશે અંજારમાં રહેતો હતો. અંજારમાં તે ભૂરિયા બાવા તરીકે ઓળખાતો. ધીમે-ધીમે તેણે બધી વિગતો જાણી અંગ્રેજ સ્ટ્રૅટેજી મુજબ કચ્છ રાજ્ય પર ચડાઈ કરી હકૂમત મેળવી લીધી હતી. તેણે કચ્છના ભાયાતી જાગીરદારો અને કચ્છના રાજવી બન્ને પાસે પોતાના એટલે કે અંગ્રેજોના સાર્વભૌમત્વનો સ્વીકાર કરાવ્યો હતો.

એ સમયકાળનું એક બળવાન વ્યક્તિત્વ હતું દીવાન લક્ષ્મીદાસ કામદારનું. તેમની મુત્સદ્દીગીરીને અંજલિ આપી આપણે દેશલજીના રાજ્યઅમલથી વર્તમાન ઇતિહાસના પાયા પડતા જોઈ શકીએ છીએ. ઈ. સ. ૧૮૧૯ની સંધિ દ્વારા કંપની સરકારે કચ્છના રાજવીની સ્વતંત્રતાને મર્યાદિત કરી હતી. રાવ ભારમલજીને પદચ્યૂત કર્યા અને દેશલજીને ગાદીએ બેસાડ્યા. કચ્છમાં બ્રિટિશ સૈન્ય ત્યારે મુકાયું હતું. કચ્છનાં બંદરો બ્રિટિશ ઉપયોગ માટે ખુલ્લાં મુકાયાં હતાં.

અંગ્રેજોએ એ સમયનાં કેટલાંક દૂષણોને પણ દૂર કર્યાં હતાં. નવજાત શિશુ કન્યાઓને દૂધ પીતી કરવાના જામ લાખાથી પ્રારંભાયેલા રિવાજને બંધ કરાવ્યો હતો. જાડેજા ભાયાતો અને જાગીરદારોને મહદંશે અલગ શાસન અધિકાર આપી અને તેમની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનો કચ્છને પણ સુપેરે પરિચય કરાવ્યો હતો. ભારમલજીને ગાદીત્યાગ કરાવ્યા બાદ બાલરાજા દેશલજીના નામથી રાજવહીવટ ચલાવવા નિમાયેલી રિજન્સી કાઉન્સિલનું પ્રમુખપદ બ્રિટિશ રેસિડન્ટ (જેમ્સ મૅક્‍મર્ડો)એ સંભાળ્યું હતું. કચ્છમાં ગૌહત્યા અને મોરહત્યા પણ બંધ કરાવી હતી.

કચ્છના વ્યાપારની, સમુદ્ર વ્યવહારની, ઉદ્યોગોની અને ખેતીના વિકાસની ગતિ બ્રિટિશરોની દખલને પરિણામે અવરોધાઈ હતી અને પછીના સમયમાં કચ્છના રાજવહીવટમાં પદ્ધતિ અને બંધારણ જરૂર આવ્યાં. દેશલજીએ માત્ર ૧૮ વર્ષની ઉંમરે અધિકાર સ્વીકારીને ન્યાયની આગવી પરંપરા વિકસાવી. આફ્રિકા સાથેનો - વિશેષત: ઝાંઝીબાર સાથેનો વ્યાપાર વિકસ્યો હતો, પણ કચ્છની મધ્યસ્થ રાજસત્તા તરીકે મહારાવના અધિકારો પર મર્યાદા મુકાઈ હતી અને ધીમે-ધીમે લખપતજી અને ગોડજીના સમયથી શરૂ થયેલી કચ્છના ઔદ્યોગિકીકરણની હવા બંધ થઈ એ કચ્છની નીતિઓ બ્રિટિશ ગમા-અણગમાને નજર સમક્ષ રાખીને ઘડાતી ગઈ હતી.

જોકે થોડા સમય પછી મૅક્‍મર્ડોએ જ કબજો કચ્છ રાજ્યને ફરી સોંપી દીધો હતો. એ રીતે કચ્છમાં અંગ્રેજ સત્તાનો પાયો નાખનાર કૅપ્ટન જેમ્સ મૅક્‍મર્ડોને આજે પણ અંજારના વસવાટ અને રાપર તાલુકાના વરણું ગામે સમાધિસ્થળે અચૂક યાદ કરાય છે. અંજારમાં રહેણાક દરમ્યાન પોતાના વતનમાં જેવો બંગલો મૅક્‍મર્ડોએ બંધાવ્યો હતો એવો જ બંગલો તેમણે અંજારમાં બંધાવ્યો હતો. આજે પણ એ બંગલો ર્જીણશીર્ણ અવસ્થામાં ઊભો છે ખરો, પણ યોગ્ય સારસંભાળ ન લેવાતાં એ આજે ખંડિયેર જેવી હાલતમાં છે.

રાપરથી પ૦ કિલામીટર આડેસરથી ૧પ કિલોમીટર તથા પિટાનગર ભુજથી ૧૭૦ કિલોમીટરના અંતરે આવેલું વરણું (વરુણેશ્વર) ગામ આવેલું છે, જે મૅક્‍મર્ડોની સમાધિનું સ્થળ છે. કચ્છ રાજ્યના અંગ્રેજોના પ્રથમ રાજકીય પ્રતિનિધિ કૅપ્ટન મૅક્‍મર્ડો કચ્છના રણમાં પ્રવાસે હતા એ દરમ્યાન તેમને કોલેરાનો રોગ લાગુ પડતાં આ વરણું ગામે ૧૮૨૦ની ર૮ એપ્રિલે તેમનું અવસાન થતાં તેમની કબર પણ વરુણેશ્વર મંદિરની બહારના ભાગે બનાવાઈ છે. વરુણેશ્વર મંદિર અને મૅક્‍મર્ડોની કબર એમ બબ્બે ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી હોવાથી વરણું કચ્છના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK