બ્યુટિફુલ દેખાવાની લાયમાં શરીર સામે ખોટા ખતરનાક ખતરા તો પેદા નથી કરતાને?

Published: 26th December, 2011 06:54 IST

આપણે હોઈએ એના કરતાં જરાક વધારે સુંદર દેખાવું એમાં કંઈ ખોટું નથી, પરંતુ એમ કરવા જતાં શરીરને અન્યાય ન કરીએ ને પોતે વિકૃત ન દેખાઈએ એટલી કાળજી તો રાખવી જ જોઈએ


(મન્ડે-મંથન-રોહિત શાહ)

ચાલો, કલ્પના કરીએ કે આ જગતમાં ક્યાંય અરીસો ન હોત તો! મિરર વગરની દુનિયાની કલ્પનાય હોરર લાગે છેને! અરીસો ન હોત તો આપણે આપણો ફેસ જોઈ શકતા ન હોત. આખી દુનિયાને જોઈ શકનારી આપણી આંખોને જ આપણે કદી જોઈ શક્યા ન હોત. જેણે આયનો બનાવ્યો છે તે બ્રહ્મર્ષિ કરતાં ચડિયાતો આદમી ગણાય. તેને વંદન કરવાનું ચૂકવાનું આપણને ન પરવડવું જોઈએ.

આયના આગળ ઊભેલો મારા જેવો કદરૂપો માણસ પણ થોડી ક્ષણો માટે એવા વહેમમાં આવી જાય છે કે ના...ના... હું સાવ કદરૂપો તો નથી જ. હુંય કોઈકને ગમી  જાઉં એવો છું! આવો વહેમ માણસને જિવાડે છે.

સૌને સુંદર દેખાવું ગમે છે. બીજાની આંખોમાં (અને એના હૈયામાં) વસી જવાનું સૌને પસંદ હોય છે. આપણે ત્યાં પ્રાચીન કાળમાં સૌંદર્ય સાથે સ્ત્રીઓનો જ નાતો હતો. પુરુષ રૂપાળો ન હોય તો ચાલે, પણ સ્ત્રી અટ્રૅક્ટિવ હોવી જોઈએ એવું આજેય ઘણા લોકો માને છે.સ્ત્રીના સૌંદર્ય પર જે કવિતાઓ લખાઈ છે એ દૂર કરવામાં આવે તો વિશ્વની તમામ ભાષાઓનું સાહિત્ય દરિદ્ર થઈ જાય.

રૂપનું ખેંચાણ આપણા પુરુષપ્રધાન સમાજમાં પુરુષને ભોક્તા અને સ્ત્રીને ભોજ્યા માનવામાં આવે છે. ભોક્તા સુંદર ન હોય તો ચાલે, ભોજ્યાનું સુંદર હોવું મહત્વનું ગણાયું. કદરૂપી, બેડોળ, સુકલકડી અને જાડીપાડી સ્ત્રી ઉપર તો કોઈ રૅપ પણ નથી કરતું. એ વાત તો જગજાહેર છે કે પુરુષો મોટે ભાગે ભ્રમરવૃત્તિના હોય છે. તાજું અને સુંદર ફૂલ જોઈને તેની દાનત ડગમગી ઊઠે છે. પુરુષોને રૂપાળી સ્ત્રીઓ માટે ખાનગી ખેંચાણ રહ્યા કરે છે. એની સાથે એક રહસ્ય એ પણ જોડાયેલું છે કે સ્ત્રીને પણ છાની-છાની એક ખ્વાહિશ હોય છે પોતાના સૌંદર્ય દ્વારા પુરુષને આકર્ષવાની. કેટલીક સ્ત્રીઓ તો પોતાના સૌંદર્યનો ભરપૂર ‘લાભ’ પણ લેતી રહે છે.

હકીકતમાં આપણે સૌ સુંદરતા અને નવીનતાના આશિકો છીએ. કોઈની નજર માત્ર બાહ્ય સુંદરતા પર અટકેલી હોય છે તો કોઈની નજર આંતરિક સુંદરતાને ચાહતી હોય છે. શરીરની સુંદરતા કરતાં ગુણ અને ચારિhયની સુંદરતા અધિક ટકાઉ અને અધિક સુગંધીદાર હોય છે એ ખરું. છતાં શરીરની સુંદરતાની આગવી મહત્તા છે.

સૌંદર્યનો ઠાઠ

એકમાત્ર ‘સુંદરતા’ પાછળ કેટકેટલા કારોબાર ચાલે છે! ઠેર-ઠેર બ્યુટી પાર્લરો ધમધમે છે. શરીરનું વજન વધારવા અને ઘટાડવા માટેનાં સેંકડો સેન્ટર્સ તમામ શહેરોમાં ધમધોકાર ચાલે છે. વાંકાચૂંકા દાંતને સીધા કરી આપનાર ડેન્ટિસ્ટો છે તેમ પ્લાસ્ટિક સર્જરી કરીને કદરૂપા ભાગને થોડો રૂપાળો કરી આપનારા સર્જનો પણ છે. નાહવા માટેના જાતજાતના સેંકડો ‘સૌંદર્યસાબુન’ છે તો હેરકૅર માટે જાતજાતનાં શૅમ્પૂઝ અને હેરડાઇ પણ છે. ચશ્માં ન પહેરવાં હોય તો કૉન્ટૅક્ટ લેન્સ અને એ પણ ન જોઈએ તો લેઝર પદ્ધતિથી આંખોના નંબર ઉતરાવી શકાય છે. દરેક અખબારમાં સેક્સ-કૅપેસિટી વધારવાની કૅપ્સૂલ્સની જાહેરાતની જેમ શરીરની હાઇટ વધારવાની મેડિસિનની જાહેરાત પણ જોવા મળે છે. આ બધા ઉપરાંત ફૅશનમાં આવતાં નિતનવાં પરિવર્તનો આપણને વધારે સુંદર દેખાવાની સ્પર્ધામાં દોડાવ્યે રાખે છે.

વાહિયાત પ્રયોગો નહીં

સુંદર દેખાવા માટેના છીછરા અને વાહિયાત પ્રયોગો વાસ્તવમાં એ વ્યક્તિને વિકૃત બનાવી મૂકે છે. ઘણી યુવતીઓએ લિપસ્ટિકના લપેડા એટલાબધા કર્યા હોય છે કે જાણે સમારેલું માંસ લાગે! ફેસ પર તેણે કરેલા પાઉડરના
થપેડા જ તેને બેડોળ બનાવી મૂકે છે. ફૅશનના બહાને ફાલતુ હેરસ્ટાઇલ, હાઈ હીલ્સનાં સૅન્ડલ કે વલ્ગર વસ્ત્રો દ્વારા એ વ્યક્તિ ગંદી અને બીભત્સ લાગે છે. સૌંદર્યની સાધના હોય, એના ઉધામા ન શોભે. પોતાના બૉડી-સ્ટ્રક્ચર પ્રમાણે અને પોતાની ઉંમરના અનુસંધાને જ સૌંદર્યની માવજત કરવી જોઈએ.

બી અલર્ટ

કેટલીક મુગ્ધ યુવતીઓ પોતાના બૉયફ્રેન્ડના કહેવાથી સ્લિમ બનવા અતિશય ડાયેટિંગ કરે છે. સપ્રમાણ શરીર સારું લાગે છે એ સાચું છે, પરંતુ એ માટે ખોટા પ્રયોગો ક્યારેક ખતરનાક બની જાય છે. ઘણી યુવતીઓ પૌષ્ટિક આહાર તો નથી જ લેતી, પૂરતો આહાર પણ નથી લેતી. યુવાનીમાં આવા  પ્રયોગો કરીને ઘડપણને વહેલું નોતરવાની મૂર્ખામી ન કરવી જોઈએ. શરીરને વધારેપડતા ડાયેટિંગથી દૂબળું-કમજોર બનાવીશું તો થોડા જ વખતમાં રૂપાળા ગાલ અંદરની તરફ ખૂંચી જશે, આંખો ઊંડી ઊતરી જશે અને આંખોનું નૂર ભુંસાઈ જશે. સુંદર દેખાવા માટે એવા પ્રયાસો ન કરવા જોઈએ કે જે થોડુંઘણું સૌંદર્ય છે એ પણ જલદી નાશ પામી જાય.

લપસણો માર્ગ

કેટલીક યુવતીઓ પોતાને આર્થિક રીતે ન પરવડતું હોય છતાં સુંદર દેખાવાની લાયમાં હજારો રૂપિયા વેડફતી રહે છે. બ્યુટી પાર્લરોવાળા લોભામણી જાહેરાતો આપે છે અને મુગ્ધ યુવતીઓનાં ટોળેટોળાં ત્યાં ધસી જાય છે. દર મહિને સૌંદર્યની માવજત માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતી યુવતીઓને પછી ખોટા માર્ગે જઈને કમાણી કરવી પડે છે. ક્યારેક આબરૂના ધજાગરા ઊડે છે અને જિંદગી ધૂળધાણી થઈ જાય છે. આ માર્ગ ખૂબ લપસણો છે. લાંબો વિચાર કર્યા વગર સુંદર દેખાવા ગયેલી અનેક મુગ્ધ યુવતીઓ માનસિક ડિપ્રેશનનો શિકાર બની જાય છે કાં તો પછી ગુમરાહ થઈ જાય છે.

ઓવરસ્માર્ટ બનવાના ઉધામા ન કરો

સુંદર હોવું એ સદ્ભાગ્ય છે અને સુંદર દેખાવું એ આવડત છે, કલા છે. સુંદરતા માટેનો પ્રયાસ કરવો એ માનવીની સહજ પ્રકૃતિ-વૃત્તિ છે અને આપણે એની કદર કરવી જોઈએ. તમે જોજો, ઘણા લોકો પંચોતેર વર્ષની ઉપરની ઉંમરેય ઍટિકેટથી રહેતા હોય છે. ઘરની બહાર નીકળવાનું હોય ત્યારે જ માત્ર નહીં, ઘરની અંદર હોય ત્યારે પણ એ લોકો જરાય લઘરવઘર નથી હોતા. આવી સૌંદર્યનિષ્ઠા દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. સાધુ-સાધ્વી પણ કદરૂપાં હશે તો તેમનો પ્રભાવ ઓછો પડશે. ટીવી પરની ધાર્મિક ચૅનલો દ્વારા જે સાધુ-સાધ્વીઓ હરિનામના ઉપદેશોની ઊલટીઓ કર્યા કરતા હોય છે તેમના અંગત ડ્રેસ-ડિઝાઇનર, હેરસ્ટાઇલિસ્ટ અને મેકઅપમૅન હોય છે. સજીધજીને, વિશિષ્ટ પ્રકારનાં ટીલાં-ટપકાં દ્વારા પોતે માત્ર ધાર્મિક જ દેખાવા નથી માગતાં; એ સુંદર દેખાવા બાબતેય સભાન જ હોય છે. હવેથી ધાર્મિક ટીવી ચૅનલો પરથી ઉપદેશ ઓકતાં સાધુ-સાધ્વીઓને ધ્યાનથી જોજો. તેમના મેકઅપમૅને કરેલી ઉપાસનાનો અંદાજ આવી જશે. ઇન શૉર્ટ સુંદર દેખાવું, આકર્ષક દેખાવું એમાં કંઈ ખોટું નથી.પરંતુ હવે મૂળ વાત એ છે કે સુંદર દેખાવા માટે કેટલી હદ સુધી આગળ વધી શકાય? ગધેડો ગમે તેટલો મેકઅપ કરે તોય કંઈ ઘોડો નથી લાગતો અને કાગડો ગમે તેટલો મેકઅપ કરીનેય હંસ નથી બની શકતો. એટલે કે પોતાની આઇડેન્ટિટીને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. પોતાની ઓકાત ભૂલી જઈને ઓવર સ્માર્ટ બનવાના ઉધામા ન કરવા જોઈએ.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK