અકેલે હૈં તો ક્યા ડર હૈ?

Published: 9th August, 2012 05:37 IST

ઘણા લોકોને એકાંત પસંદ હોય છે. લેખક, કલાકાર, ચિંતક જેવા લોકો એકાંતનો આનંદ ઉઠાવે છે ને મળેલા એકાંતનો ઉપયોગ કરીને કશુંક સર્જનાત્મક નીપજાવે છે : જ્યારે કેટલાક લોકો એકલા રહી જવાની વાત સાંભળીને પણ ગભરાઈ જાય છે

 

 

(ગુરુવારની ગુફ્તગો -     નીલા સંઘવી)


એકલો જાને... એકલો જાને...
એકલો જાને રે...
હાક જો સુણી તારી, કોઈ ન આવે તો
એકલો જાને રે...

 

આ કાવ્યપંક્તિ એકલી વ્યક્તિને પ્રેરણા આપે છે. સાથે આવવાવાળું કોઈ ન હોય, માર્ગ કાંટાળો હોય, રસ્તો વિકટ હોય તો શું થઈ ગયું? તું પોતે જ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. તારામાં જો હિંમત હોય, જોશ હોય તો પછી ભલેને એકલો હોય, કોઈ તારું શું બગાડી લેવાનું છે? ઘણા લોકો એકલા જઈને કંઈ કામ કરી શકતા નથી અને તેમને હંમેશાં કોઈ સાથીની, સંગીની જરૂર પડે છે. ઘણા લોકો તો ઘરમાં પણ એકલા રહેતાં ડરે છે. ઘણા લોકો સમાજથી વિખૂટા પડીને પોતે એકલા પડી જશે એ વાતથી ડરે છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે, જેમને એકલા રહેવા મળે તો આનંદ-આનંદ થઈ જાય છે, કારણ કે મળેલા એકાંતનો ઉપયોગ તે કંઈક ને કંઈક રચનાત્મક, સર્જનાત્મક હેતુ માટે કરશે.


જો ફિલોસૉફિકલ વાતો બાજુએ રાખી દઈએ અને વાસ્તવિક વાત કરીએ તો આજના જમાનામાં કોઈ વ્યક્તિ સિંગલ હોય, કમિટેડ રિલેશનશિપમાં હોય કે સુખી લગ્ન્જીવન ધરાવતી હોય, એકલા પડી જવાનો ભય દરેકને સતાવે છે. એ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ ગમે એ હોય, છતાં આવો ભય તેને સતાવે છે એ હકીકત છે. જો તમે સતત તમારા ઇનબૉક્સને રિફ્રેશ કર્યા કરો છો, તમને પોતાને રેસ્ટલેસ જેવી ફીલિંગ થાય છે, શું કરી લઉં, કોને ફોન કરી લઉં, કોની સાથે વાત કરી લઉં જેવી લાગણી થાય તો તમને એકલતાની લાગણી સતાવી રહી છે એટલું સમજી જજો.


ડર શાને માટે?


એકલા રહી  જવાનો ડર કેમ લાગે છે? જવાબમાં કહી શકાય કે આપણે ઇન્સ્ટન્ટ યુગમાં જીવી રહ્યા છીએ. ઇન્સ્ટન્ટ કૉફીથી માંડીને માહિતી પણ આપણને ઇન્સ્ટન્ટ મળે છે. બધી જ ચીજ એક બટન ક્લિક કરવા જેટલી જ દૂર હોય છે. આપણામાં રાહ જોવાની ધીરજ જ નથી, એથી જે ક્ષણે આપણે એકલા પડીએ છે કે નવરા પડીએ છે, આપણને તકલીફ થવા લાગે છે. આપણને ડર  લાગે છે, કારણ કે આપણું મન, આપણું મગજ રિલૅક્સ થવાનું શીખ્યું જ નથી. જે પ્રકારની ફાસ્ટ લાઇફ આપણે જીવીએ છીએ, જે પ્રકારે કામમાં વ્યસ્ત રહીએ છે, પરિવાર અને સામાજિક વ્યવહારોમાં વ્યસ્ત રહીએ છે ત્યાર પછી દિવસના અંતે આપણી પાસે આપણી પોતાના માટે કોઈ સમય જ ક્યાં બચે છે? આખા દિવસમાં આપણે જે કર્યું હોય, આપણી સાથે જે થયું હોય એને વિચારવાનો નિરાંતનો સમય હોવો જોઈએ. ધારો કે કામની ડેડલાઇન પૂરી નથી થઈ શકી, કોઈ મિત્ર સાથે ઝઘડો થયો છે તો શાંતિથી રાત્રે પથારીમાં પડ્યા-પડ્યા એ વિશે વિચારો, પોતાની ભૂલ હોય તો શોધી કાઢો અને એને સુધારવાનો પ્રયત્ન કરો, પણ આપણે આવું કરતા નથી. આપણે એટલા બધા ઉતાવળમાં હોઈએ છીએ, આપણે
એટલા બધા એક્સાઇડેડ હોઈએ છીએ કે એકલા પડવાનો વિચાર પણ આપણને અકળાવી મૂકે છે. આપણે આપણા પોતાના વિચારોથી ડરીએ છીએ. આપણે આપણી જાતથી પણ છટકવા માગતા હોઈએ છીએ અને એથી જ આપણે ટીવીચૅનલ કે નેટસર્ફિંગ કરવા માંડીએ છીએ.


કદાચ આપણું સતત પ્લગ્ડ-ઇન સ્ટેટસ સોશ્યલ મિડિયા સાઇટ્સ પર સદાય કનેક્ટેડ રહેવાની ભાવના પેદા કરે છે અને જ્યારે એમ નથી બનતું ત્યારે એકાંત બહુ ડરામણું લાગે છે.


એકલા આવ્યા, એકલા જવાનું


આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ દુનિયામાં એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે. આવ્યાં ત્યારે આપણી સાથે કોઈ નહોતું અને જઈશુ ત્યારે કોઈ સંગી-સાથી નહીં હોય. એકલા થઈ જવાના વિચાર તમને એ હદે ડરાવી ન દો કે તમે તમારું કામ યોગ્ય રીતે કરી પણ ન શકો તો પછી પ્રોફેશનલની સલાહ લેવી જરૂરી બની જાય છે. ઘણીવાર આવા વધારે પડતાં ડરનું કારણ ઊંડુ પણ હોઈ શકે છે.

 

ડર કેવી રીતે ભગાવશો?

 

એકાંતથી ડરવામાં પીએચડી કરવાની જરૂર નથી. એને બદલે એકાંતનો સર્જનાત્મક ઉપયોગ કરવા માટે માસ્ટર્સ કરવાની જરૂર છે. તમે તમારા એકાંતને તમારો પોતાનો ‘મી’ ટાઇમ સમજીને એનો ઉપયોગ કરશો તો એકાંત ડરામણું લાગવાને બદલે સોહામણું લાગશે. સ્વને માટે મેળવેલા સમયનો સાચો આનંદ માણવો હોય તો તમારા મોબાઇલને સ્વિચ-ઑફ કરી દો. તમારા મેસેજ, કૉલ્સને બાજુ પર રાખી દો. ફોનના આકર્ષણને દૂર કરીને હાથમાં સરસ મજાનું પુસ્તક લઈને વાંચવાનું શરૂ કરો. સામાજિક પ્રવૃત્તિ, જે કોઈની સાથે જ થઈ શકે એવું તમે માનતા હો તો તમે ભૂલમાં છો, કોઈના સંગાથ વિના પણ એકલા મનગમતી પ્રવૃત્તિ થઈ શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ અનુસાર આપણે એકલા જ જ્યારે કોઈ વસ્તુનો અનુભવ કરીએ છે તો આપણે વધુ મજબૂત બનીએ છીએ અને એ યાદ લાંબો સમય સુધી તાજી રહે છે, તેથી એકલા ફિલ્મ જોવા, સંગીત સાંભળવા, પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં, કવિસંમેલનમાં કે ક્યાંય પણ જઈ શકાય છે. એ એકલાએ કરેલી પ્રવૃત્તિ પણ મધુર યાદ બની જશે. તમારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ હોય તો એનો સામી છાતીએ સામનો કરો. આમ કરવાથી તમે તમારો પોતાનો સામનો કરવાની હિંમત કેળવી શકશો. જ્યારે-જ્યારે એકલતાની લાગણી તમારા પર હાવી થઈ જાય એનો સ્વીકાર કરો અને ધીરે-ધીરે પસાર થવા દો.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK