સલામત રહે દોસ્તાના હમારા..

Published: Aug 02, 2020, 20:42 IST | Ruchita Shah | Mumbai Desk

વાઇરસ અને જીવનું જોખમ બાજુએ રહી જાય અને પોતાના મિત્રની તકલીફો પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી ઉપર આવી જાય, મિત્રતાની મિસાલ બની શકે એવી કેટલીક જોડીઓ સાથે આ ફ્રેન્ડશિપ ડેના દિવસે ગુફતગૂ કરીએ અને જાણીએ કેવો રહ્યો તેમનો ‘કોરોના મેં ભી યારાના’વાળો ફેઝ...

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19ના કાળમાં કેટલા સંબંધોમાં ખરેખર સત્ત્વ હતું અને કેટલા માત્ર નજીકના કહેવાતા સંબંધો હતા એનાં પારખાં કરવાની તક ઘણાને મળી હશે. એવામાં દોસ્તીના સંબંધની ગરિમા વધે એવાય કેટલાક કિસ્સા બન્યા છે. વાઇરસ અને જીવનું જોખમ બાજુએ રહી જાય અને પોતાના મિત્રની તકલીફો પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી ઉપર આવી જાય, મિત્રતાની મિસાલ બની શકે એવી કેટલીક જોડીઓ સાથે આ ફ્રેન્ડશિપ ડેના દિવસે ગુફતગૂ કરીએ અને જાણીએ કેવો રહ્યો તેમનો ‘કોરોના મેં ભી યારાના’વાળો ફેઝ...

કોવિડની ટેસ્ટ કર્યા વિના કોવિડનાં તમામ લક્ષણોને કઈ રીતે ભગાવાય એ આ ફ્રેન્ડશિપ પાસેથી શીખવા જેવું છે

કાંદિવલીમાં રહેતી ખ્યાતિ મહેતા અને નિરાલી વૈદ્યની લંગોટિયા યારવાળી દોસ્તી છે. જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે બન્ને એકબીજાના પડખે ઊભી રહી જાય છે. જોકે કોવિડકાળમાં આ સખીઓએ હદ જ કરી નાખી. ખ્યાતિને કોવિડમાં હોય એવા બધા જ સિમ્પ્ટમ્સ હતા. તે ડરે કે સ્ટ્રેસમાં ન આવી જાય એનો રસ્તો તેની ફિઝિયોથેરપિસ્ટ ફ્રેન્ડ નિરાલીએ કાઢ્યો. ખ્યાતિ કહે છે, ‘નિરાલી દરઅસલ ફિઝિયોથેરપિસ્ટ છે, પરંતુ થોડાં વર્ષ પહેલાં પોતાના પૅશનથી તેણે ક્રીએટિવ ફીલ્ડ પસંદ કર્યું અને એક કંપનીમાં કૉપી-એડિટર તરીકે કામ કરે છે. મને તાવ આવવાનો શરૂ થયો. સાઇનસ વધી ગયું. સ્મેલ અને ટેસ્ટ જતાં રહ્યાં. હું ડરી ગઈ હતી. શું કરવું હવે એની સમજ ન પડી એટલે પહેલો ફોન નિરાલીને કર્યો. હું જ્યારે પણ તકલીફમાં આવું એટલે પહેલાં તો મને નિરાલી જ યાદ આવે. પહેલાં તો તેણે મને શાંત કરી. મારી પૅનિકનેસને હળવી કરી. મારે કોવિડ ટેસ્ટ કરાવવી કે નહીં, શું કરું હું? એ બધામાં તેણે મને હિંમત આપીને ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી અને મને સંપૂર્ણ આઇસોલેટ થવાનું કહી દીધું. એ સમયે ઘરમાં જે હતું એમાંથી કેવી રીતે દવા કરવી એનું માર્ગદર્શન પણ આપી દીધું. ગરમ પાણીમાં લીંબુ, હળદર અને સૂંઠ નાખીને પાણી પીવાનું અને હલકો ખોરાક લેવાનો અને આખો દિવસ આરામ કરવાનો. નિરાલી કહે એટલે હું વાત માની પણ લઉં. એમાં સવાલ ન થાય. મારા સિમ્પ્ટમ્સ વધશે અને જરૂર લાગશે તો જ ટેસ્ટ કરીશું. એ સિવાય ટેસ્ટ કરીને રિસોર્સિસ બગાડવાની જરૂર નથી. પછી સવાર, બપોર, સાંજ તે મારા બૉડીના પૅરામીટર્સ લેતી. મારું ટેમ્પરેચર, ઑક્સિજન-લેવલ, પલ્સ-રેટ બધાં પર તેની નજર હતી. દિવસમાં ત્રણ-ચાર વાર વિડિયો-કૉલ દ્વારા મારી સાથે વાત કરી લેતી. હું આઇસોલેશનમાં હતી, પરંતુ તેણે મને એકલું લાગવા દીધું નથી કે મને માનસિક રીતે હતાશ થવા દીધી નથી. વચ્ચે એક વાર મારું ટેમ્પરેચર વધારે હતું તો અમારા ફૅમિલી ડૉક્ટર સાથે વાત કરીને મેડિસિનની અરેન્જમેન્ટ પણ તેણે જ કરી આપી હતી. મારો સ્વાદ અને ગંધ જતાં રહ્યાં હતાં તો તેણે મને વિડિયોથી જલનેતી શીખવાડ્યું હતું અને ૧૦ જ દિવસમાં મારાં ૮૫ ટકા ટેસ્ટ અને સ્મેલમાં ઇમ્પ્રૂવમેન્ટ હતું.’
ખ્યાતિ અને નિરાલી બન્ને સ્વાધ્યાય પરિવારમાં સાથે હતાં અને એ જ રીતે નાનપણથી એકબીજાના પરિચયમાં આવ્યાં છે. ખ્યાતિ કહે છે, ‘અમે એકબીજાને કૉમ્પ્લીમેન્ટ કરીએ છીએ. મને ખબર છે કે મને જો કોઈ પણ તકલીફ આવી તો નિરાલી છે જ મારે માટે. તેને ક્યારેક કોઈ જરૂર પડે તો હું છું જ તેની સાથે. દોસ્તી આનું જ નામ હોય. જોકે કોરોનામાં નિરાલીના સપોર્ટને હું જીવનમાં ક્યારેય નથી ભૂલી શકવાની. જેમાં માનસિક રીતે લોકો હતાશ અને નિરાશ થઈ જતા હોય છે એમાં તેણે મને કોઈ પણ જાતની ટેસ્ટ કરાવ્યા વિના પાછી ૧૪ દિવસમાં બેઠી કરી દીધી. એવી જ રીતે મારા જયપુર ફુટમાં કોઈક પ્રૉબ્લેમ હતો કે શું એની ખબર નહોતી પડતી, પરંતુ હું ચાલતાં-ચાલતાં ક્યારેક લથડી પડતી ત્યારે મારા એ પ્રૉબ્લેમને ડાયગ્નોઝ કર્યો, ઑર્થોપેડિક ડૉક્ટરો પાસેથી એના સેકન્ડ અને થર્ડ ઓપિનિયન લીધા અને છેલ્લે જર્મન કંપનીનો નવો ફુટ બનાવવામાં નેગોશિયેશનની જવાબદારી પણ તેણે જ સંભાળી. તેના જેવી મિત્ર મળી એને હું મારું સૌથી મોટું સદ્ભાગ્ય માનું છું.’

મિત્રતામાં પોતાની તબિયત બાજુએ અને મિત્રની જરૂરિયાત પહેલાં

મિત્રતામાં ઉંમર, સમય કે પૈસો જોવાનાં નથી હોતાં. પાર્લામાં રહેતા જતીન અજમેરા અને હેમેન્દ્ર શેઠ માટે આ વાત સાવ સાચી છે. મિત્રો સાથેના જ એક પ્રવાસ દરમ્યાન અકસ્માતનો ભોગ બનેલા જયંતભાઈને સ્પાઇન ઇન્જરી થઈ અને વ્હીલચૅર સાથે ૩૦ વર્ષ પહેલાં કાયમી નાતો જોડાઈ ગયો. જોકે જયંતભાઈની જિંદાદિલીને તેમના મિત્રોના આખા ગ્રુપમાં વખાણવામાં આવે છે. હેમેન્દ્રભાઈ પણ જયંતભાઈની સાદગી અને ઑલવેઝ હૅપીવાળા સ્વભાવને દુનિયાથી નોખાં ગણાવે છે. જોકે કોવિડના ટાઇમે જ્યારે લૉકડાઉનમાં કોઈ છૂટછાટ નહોતી ત્યારે જયંતભાઈને માઇલ્ડ બ્રેઇન-હૅમરેજ જેવું થયું. બ્લડપ્રેશર ખૂબ વધી ગયું હતું. જેવી હેમેન્દ્રભાઈને ખબર પડી એવા જ તેઓ જયંતભાઈને ત્યાં પહોંચી ગયા. દરઅસલ હેમેન્દ્રભાઈનું જાન્યુઆરીમાં બાયપાસનું ઑપરેશન થયું હતું અને તેમની ઉંમર ૬૪ વર્ષની એટલે કોઈ પણ ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધારે હોય. સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં પરિવાર પણ ન ઇચ્છે કે તેઓ ઘરની બહાર જાય. જોકે પરિવારનું એ સમયે માને એ બીજા. હેમેન્દ્રભાઈ કહે છે, ‘મારો મિત્ર તકલીફમાં હોય ત્યારે તેને સપોર્ટ કરવા માટે મારે જવું જ પડે. આમાં મેં કોઈ મહાન કામ નથી કર્યું. માત્ર મારી ફરજ બજાવી છે. જયંતની જગ્યાએ હું હોત તો તેણે પણ મને સપોર્ટ કરવાના પોતાનાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા હોત. મેં માત્ર મારી ડ્યુટી નિભાવી છે. એ સમયે ફૅમિલી ડૉક્ટર સાથે સંપર્કમાં રહીને તેને માટે જે ટ્રીટમેન્ટ હતી એ બધી જ કરાવી હતી.’
આ મિત્રોની જોડી એકબીજાને ૧૯૯૦થી ઓળખે છે, કૉમન ફ્રેન્ડ્સને કારણે. જયંતભાઈનાં પત્ની, તેમનો કૅરટેકર પણ તેમનું ખૂબ ધ્યાન રાખે છે. જોકે તેમનો હેમેન્દ્રભાઈ સાથેનો સંબંધ લોહીના સંબંધથી વિશેષ થઈ ગયો. જયંતભાઈ કહે છે, ‘અમારી બન્નેની ચૉઇસ સરખી, આદતો સરખી અને શોખ સરખા એટલે બૉન્ડિંગ વધારે મજબૂત થઈ ગયું. જોકે અકસ્માત પછી હું હિંમત ન હારી જાઉં એ રીતે હેમેન્દ્રભાઈ અને તેમના પરિવારે મને ખૂબ સપોર્ટ કર્યો છે. આમ તો અમારા મિત્રવર્તુળના તમામ લોકો ખૂબ જ જૉલી નેચરના છે અને કોઈ પણ સારા-માઠા પ્રસંગે એકબીજા માટે ઢાલ બનીને ઊભા રહી જાય છે, પરંતુ કોવિડ જેવા પડકારજનક સમયમાં જે રીતે હેમેન્દ્રભાઈ મારે માટે આવી ગયા એ માટેની કૃતજ્ઞતા હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. મારી આ સ્થિતિમાં પણ મિત્રોએ મળીને મને ભરપૂર ફેરવ્યો છે. આવા સુંદર મિત્રો જીવનમાં મળ્યા એ બદલ હું ઈશ્વરનો આભારી છું.’

આખો પરિવાર કોવિડ-પૉઝિટિવ હોય ત્યારે મિત્રોને કેમ ચેન પડે

ઘાટકોપરમાં રહેતા નીલેશ જૂઠાણી અને વીરેન શેઠની મિત્રતાને ૪૦ વર્ષ થઈ ગયાં. પ્રત્યેક દિન એનો રંગ વધુ ને વધુ પાક્કો જ થયો છે. જોકે આ વર્ષે તો હદ જ થઈ ગઈ. દરઅસલ નીલેશભાઈના આખા પરિવારના કોવિડના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા, જેમાં તેમનાં ૮૦ વર્ષનાં મમ્મી પણ હતાં. નાનો ભાઈ, દીકરો અને પત્ની પણ કોવિડ-પૉઝિટિવ હતાં, પરંતુ ઉંમરને કારણે મમ્મીની ચિંતા વધુ હતી. નીલેશભાઈ કહે છે, ‘પહેલાં માત્ર મારો રિપોર્ટ પૉઝિટિવ હતો એટલે હું તો ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં જતો રહ્યો હતો. જોકે જ્યારે મમ્મીના અને પરિવારના અન્ય સભ્યોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા ત્યારે મને સહેજ ડર લાગ્યો હતો. મિત્રોને જ્યારે ખબર પડી ત્યારે તેમણે આખું ઘાટકોપર માથે લેવાનું હોય એ રીતે મદદની તૈયારી દેખાડી દીધી. અમારું ૮ મિત્રોનું ગ્રુપ છે. દરેકનું એકબીજા સાથે બહુ સારું બૉન્ડિંગ છે અને બધા જ એકબીજાને સપોર્ટ કરે છે. જોકે ઍડ્મિટ થવાનું નક્કી કર્યું ત્યારે મારો ખાસ મિત્ર વીરેન શેઠ, દીપક મદાણી અને ક્રિષ્ણા શાહ મારા વતી લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્મિશન લેવા માટે પહોંચી ગયા હતા. એ સમયે કોરોનાનો ડર બહુ વધારે હતો. લોકો ઘરની બહાર નીકળતાં ડરતા હતા ત્યારે મિત્ર માટે કોરોનાના દરદીઓ હોય એવી હૉસ્પિટલમાં જવાની હિંમત કરવી એ બહુ મોટી વાત હતી. એ બહુ જ કટોકટીનો સમય હતો. મને ખબર પણ નહોતી પડી અને હૉસ્પિટલની તમામ પ્રોસેસ તેમણે મળીને પૂરી કરી દીધી હતી. એ પછી જ્યારે આઇસોલેશનમાં હતાં ત્યારે પણ તમામ વસ્તુ અમને પહોંચાડવાની જવાબદારી વીરેને લીધી હતી. ડૉ. નિખિલ દોશી પણ મારા બહુ સારા મિત્ર છે. આ સમયમાં તેઓ પણ દિવસમાં ત્રણ વાર મારી કન્ડિશન વિશે પૂછપરછ કરીને મને ગાઇડ કરતા. અત્યારે પણ અમારા ગ્રુપમાં બધાને જોડી રાખવાનું કામ વીરેનનું જ છે. એક તરફ તેણે ફિઝિકલ સપોર્ટ કર્યો તો બીજી તરફ તેણે ઇમોશનલી અને સાઇકોલૉજિકલી પણ હતાશ ન થઈ જાઉં એનું ધ્યાન રાખ્યું.’
મેં કંઈ નથી કર્યું બાપા, એવા લહેકા સાથે વીરેનભાઈ કહે છે, ‘મિત્ર હોય ત્યાં ડરની વાત જ ન હોય. અમે બધા પ્રિકૉશન્સ રાખીને કોવિડ હૉસ્પિટલમાં ગયા હતા. એ જરૂરી હતું અને એ કર્યું. આમેય નીલેશ અમારા સૌનો ગુરુ છે. બધી જ બાબતોમાં તે માસ્ટર છે. અત્યારે કોવિડમાં લગભગ ૧૦,૦૦૦થી વધુ ફેસ-શીલ્ડ બનાવીને તેણે વિવિધ હૉસ્પિટલોમાં અને સામાજિક સંસ્થાઓમાં ડોનેટ કર્યાં છે. કૉલેજ-ટાઇમની અમારી દોસ્તી છે અને સતત મિત્રો એકબીજા માટે જીવ આપી દઈએ એ સ્તરે જોડાયેલા છીએ. મિત્રો એ અમારું એક્સ્ટેન્ડેડ ફૅમિલી છે. અમને પણ નિલેશ કરતાં તેમનાં મમ્મીની વધુ ચિંતા હતી. જોકે ભગવાને બધું સારી રીતે પાર પાડ્યું. બાકી મિત્રતામાં કોવિડ આડે આવે જ નહીં ક્યારેય.’

કોરોનામાં અમને સમજાઈ ગયું કે સાચાં સગાં તો મિત્રો જ છે

સાસુ-સસરાનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો અને સડનલી કાંદિવલીમાં રહેતાં હેતલ સંઘવી ટેન્શનમાં આવી ગયાં. ઘરમાં ૬ વર્ષનો નાનો દીકરો પણ હતો. સાસુ-સસરાની તબિયત નરમ થઈ એટલે તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યાં હતાં જેથી વાઇરસ ઘરમાં હોવા છતાં વધુ ફેલાયો નહીં. જોકે આ ગાળામાં સંબંધીઓ અને પાડોશીઓ કરતાં મિત્રો પડખે આવીને ઊભા રહ્યા હોય એવા ઘણા કિસ્સા છે. મારી ફૅમિલીમાં અમને બધા સોલ સિસ્ટર કહે છે, એમ જણાવીને હેતલ કહે છે, ‘સાસુ-સસરાને હૉસ્પિટલાઇઝ કરવાં હતાં, પરંતુ ઍમ્બ્યુલન્સમાં તેમને નહોતું જવું એટલે ગાડીની આવશ્યકતા હતી. કોણ ગાડી આપે આવા સમયે? કોવિડ પેશન્ટને ગાડી આપવાની ઓળખીતાઓએ ના પાડી દીધી હતી, પરંતુ મારી ફ્રેન્ડ ચાંદનીએ એક જ વારની વાતમાં તરત ગાડીની ચાવી મોકલાવી દીધી. અમે બધા જ હોમ-ક્વૉરન્ટીન હતાં. ઘરની બહાર નીકળાય નહીં. કોવિડના નામથી લોકો એટલા ડરતા હતા કે મદદ કરવાની ઇચ્છા હોય એવા સારા લોકો પણ મદદ માગતાં દૂર ખસી ગયા હતા. જોકે એ સમયે મારી ફ્રેન્ડ દીના પંચાલે અમને ત્રણ દિવસ સવાર-બપોર-સાંજ ટિફિન મોકલાવ્યાં. ચાંદની અને દિના જાણે મારો પડછાયો બનીને અમારી મદદ કરી રહ્યાં હતાં. દવાથી લઈને મારા દીકરાનાં રમકડાં, શાકભાજી, ફ્રૂટ્સ એમ બધું જ આ બન્ને ફ્રેન્ડે સાચવી લીધું. હવે મારી સાસુના રિપોર્ટ લેવા અંધેરી જવાનું છે તો એ પણ મારી ફ્રેન્ડ મારા વતી જવાની છે. આવી મિત્રતા અને આવો સપોર્ટ મેં ક્યાંય ક્યારેય નથી જોયો. ખરેખર કોવિડે પોતાનાં અને પારકાંની બરાબર પરખ કરાવી દીધી.’

હું ભાંગી પડ્યો હતો, ત્યારે મારો આ મિત્ર ન હોત તો હું પણ ન હોત અત્યારે

કલ્યાણમાં રહેતા અશ્વિન દેરાસરી અને તેમનાથી ચારેક વર્ષ નાના યોગેશ સૂચક વચ્ચેની મિત્રતાને પણ લગભગ ૩૦ વર્ષ થયાં. યોગેશભાઈને તેઓ રાજુ તરીકે જ ઓળખે છે. અશ્વિનભાઈને ચાર જુલાઈએ સાધારણ તાવ હતો. પોતાના ફૅમિલી ડૉક્ટર હિમાંશુ ઠક્કરના કહેવાથી તેમણે ટેસ્ટ કરાવી, જેમાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો અને પગ તળેથી જમીન ખસી ગઈ. અશ્વિનભાઈ કહે છે, ‘અમારા એરિયામાં કેસ વધી ગયા હતા. પાલિકા પણ કડક વલણ લઈ રહી હતી. મને ઍડ્મિટ થઈ જવા માટે ફોન આવી ગયા હતા. પોલીસ-સ્ટેશનથી ફોન ચાલુ થઈ ગયા હતા. ઘરમાં હું આઇસોલેશનમાં હતો અને પત્ની તથા દીકરો સેફ હતાં, પરંતુ હવે મારે હૉસ્પિટલ જવું પડશે એ વિચારથી જ ગભરાઈ ગયો હતો. એ દિવસે લગભગ પાંત્રીસેક કૉલ આવ્યા હતા. હૉસ્પિટલાઇઝ થતાં પહેલાં મેં રાજુને ફોન કર્યો અને કહી દીધું કે પત્ની અને બાળકો ઘરની બહાર નહીં નીકળી શકે. તેમને કંઈક જોઈતું હોય તો તું પહોંચાડી દેજે. હું ઍડ્‍મિટ થયો ત્યારે બહુ જ હતાશ હતો. હૉસ્પિટલની હાલત અને મારી આજુબાજુના દરદીઓની દશા જોઈને હું ડરી ગયો હતો. એ સમયે રાજુએ મારા ઘરને સૅનિટાઇઝ કરાવવાથી લઈને પત્ની અને મારા દીકરા માટે જરૂરી સામાન લાવી આપવાનું બધું જ કામ સંભાળી લીધું.’
અશ્વિનભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મિત્રને તેમણે કહી પણ દીધેલું કે મારો દીકરો નાનો છે અને મને કંઈ થઈ ગયું તો એ લોકોનું શું થશે? જોકે રાજુભાઈએ મિત્રને તમામ ટ્રૉમામાંથી બહાર કાઢવાનું અને મિત્રના પરિવારને પણ કોઈ તકલીફ ન પડે એ સાચવી લેવાનું નક્કી કરી લીધું હતું. રાજુભાઈ કહે છે, ‘સ્વાભાવિક છે કે અશ્વિનભાઈની હાલત હું પણ જોઈ નહોતો શકતો, પરંતુ બન્ને ઢીલા પડી જવાથી કામ નહીં થાય. એટલે હિંમત આપવાનું શરૂ કર્યું. તેમની સાથે બેથી ત્રણ વાર વિડિયો-કૉલમાં સંપર્કમાં રહું. તેમના પરિવારને પણ કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો એ પહોંચાડી દઉં. રોજના પાંચ-છ ફોન પરિવારને અને અશ્વિનભાઈ સાથે પણ વાતો થાય. મને વિશ્વાસ હતો કે તેઓ આ સંકટમાંથી બહાર નીકળી જશે. મેં તો માત્ર મારો વિશ્વાસ તેમને આપ્યો અને મારી ફરજ પૂરી કરી. કંઈ ખાસ મોટું નથી કર્યું.’
આ તરફ અશ્વિનભાઈની ટ્રીટમેન્ટ માટે કેટલાંક ઇન્જેક્શનની જરૂર પડી હતી જે કલ્યાણની હૉસ્પિટલમાં નહોતાં તો રાજુભાઈએ બે દિવસ સતત એની પાછળ લાગીને ગમે તેમ કરીને ઇન્જેક્શન મેળવી લીધાં. અશ્વિનભાઈ કહે છે, ‘મને અને પરિવારને માનસિક રીતે સાચવવાની અને અન્ય કોઈ વસ્તુની જરૂરિયાત હોય એ તો તેણે પૂરી કરી જ, પરંતુ એ સિવાય ડૉક્ટરો પાસેથી મારા અપડેટ લેવાથી લઈને દવા વગેરેની કોઈ જરૂર હોય તો એ તે પહોંચાડી દેતો. મને ખબર પણ ન પડે એ રીતે તેણે બધી જ જવાબદારી બરાબર સંભાળી લીધી હતી. હું ખરા દિલથી કહું છું કે તેનો અત્યારનો સપોર્ટ ક્યારેય ભૂલીશ નહીં. મારો ૧૪ દિવસનો વનવાસ રાજુ વિના આમ નિઃસંકટ ક્યારેય પૂરો ન થયો હોત. રાજુ અને તેના પરિવારનો હું સાચા હૃદયથી આભારી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK