Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકપાલ બિલ પાસ, પણ સરકાર નપાસ

લોકપાલ બિલ પાસ, પણ સરકાર નપાસ

28 December, 2011 03:28 AM IST |

લોકપાલ બિલ પાસ, પણ સરકાર નપાસ

લોકપાલ બિલ પાસ, પણ સરકાર નપાસ




લોકસભામાં લોકપાલ બિલને મંજૂરી મળી ગઈ છે, પરંતુ લોકપાલને સંવૈધાનિક દરજ્જો આપવામાં સરકાર ઊણી ઊતરી છે. લોકસભામાં સંવૈધાનિક દરજ્જા માટે બેતૃતીયાંશ બહુમતી જરૂરી હતી, પણ એ મેળવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. આમ લોકપાલ બિલ મંજૂર તો થયું છે, પણ એને ચૂંટણીપંચની જેમ સંવૈધાનિક પ્રોટેક્શન નહીં હોય.

લોકપાલ બિલને સંવૈધાનિક દરજ્જો અપાવવામાં નિષ્ફળતા મળતાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે લોકતંત્ર માટે આ દુ:ખનો દિવસ છે. જ્યારે કાયદાપ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે અમે નિરાશ થયા છીએ. જોકે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું કે ક્યારેક આવું પણ થાય. આજે લોકપાલ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે ત્યારે હાઇ-ડ્રામા જોવા મળે એવી શક્યતા છે.

 



 


 

આ પણ વાંચો :


> મુંબઈમાં અણ્ણા ફીવર, જુઓ તસવીરોમાં

> જે પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં હું સરકારની વિરુદ્ધ પ્રચાર કરીશ : અણ્ણા હઝારે

> ભ્રષ્ટાચારનો સામનો કરી ચૂકેલા બે ગુજરાતી વડીલો સુધ્ધાં અનશનમાં

> અણ્ણાને ૧૦૨ ડિગ્રી તાવ

 

લોકપાલને સંવૈધાનિક દરજ્જો આપવામાં યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારને નિષ્ફળતા મળી હોવાથી સરકારે નૈતિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવી માગણી બીજેપીના નેતા યશવંત સિંહાએ કરી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી રાહુલ ગાંધી લોકપાલને સંવૈધાનિક દરજ્જો આપવા માગતા હતા, પણ ગઈ કાલે લોકસભામાં લોકપાલ અને લોકાયુક્ત બિલ ૨૦૧૧માં આ વિશેના સુધારા માટે મતદાન થયું ત્યારે ગૃહના બે-તૃતીયાંશ સભ્યો હાજર ન હોવાથી સુધારો થઈ શક્યો નહોતો. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળના સભ્યો ગૃહની બહાર હોવાથી સરકાર ૨૭૩નો જાદુઈ આંક મેળવી શકી નહોતી. બાવીસ વર્ષ પહેલાં ૧૯૮૯માં પંચાયતી રાજ બિલને સંવૈધાનિક દરજ્જો આપવા માટેનો સુધારો એ સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીએ મૂક્યો હતો, પરંતુ એ મંજૂર ન થતાં રાજીવ ગાંધીએ લોકસભાનું વિસર્જન કરી નાખ્યું હતું અને જનતાના દરબારમાં ગયા હતા.

૪૨ વર્ષથી અટવાયેલા લોકપાલ બિલને લોકસભાએ ૩૨૧ મતે મંજૂર કર્યું હતું. ગઈ કાલે આખો દિવસ ચર્ચા કર્યા બાદ રાત્રે સાડાનવ વાગ્યે સરકાર તરફથી નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ૧૩ સુધારા સૂચવ્યા હતા, જેને માન્ય કરવામાં આવ્યા હતા. એ મતદાન પહેલાં જ ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આ બિલના વિરોધમાં વોટિંગ પહેલાં લોકસભામાંથી વૉકઆઉટ કરી ગયા હતા. વિરોધપક્ષોએ સુષમા સ્વરાજ અને ડાબેરી પક્ષોના સુધારા ફગાવી દીધા હતા. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકપાલ બિલની તરફેણમાં ૩૨૧ જ્યારે વિરોધમાં ૭૧ મત પડ્યા હતા. બે સભ્યો ગેરહાજર રહ્યા હતા.

ગઈ કાલે રાત્રે વિવાદાસ્પદ લોકપાલ બિલ આખરે લોકસભામાં બધા સુધારા સાથે વૉઇસ-વોટથી પસાર થયું છે, જ્યારે નજીકના ભૂતકાળમાં જેટલાં બિલ રજૂ થયાં છે એમાં કદાચ લોકપાલ બિલ સંસદમાં અને સંસદની બહાર સૌથી વિવાદાસ્પદ બિલ સાબિત થયું છે.

ગઈ કાલે લોકપાલ બિલની તરફેણ કરતા મજબૂત વક્તવ્યમાં વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે આ કાયદા વિશેનો અંતિમ નિર્ણય સંસદના હાથમાં છે અને પોતાના વક્તવ્યમાં તેમણે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને લોકપાલથી અલગ એવી સ્વાયત્ત સંસ્થા રહેવા દેવા પર ભાર મૂક્યો હતો. સંસદમાં આ બિલ રજૂ થયા પછી સર્વપક્ષીય ચર્ચામાં ભાગ લેતી વખતે વડા પ્રધાને કહ્યું હતું કે સંસદના બધા સભ્યોના સંયુક્ત પ્રયાસોને કારણે દેશના લોકોનો સંસદ પર ભરોસો જળવાઈ રહ્યો છે. મનમોહન સિંહે એમ પણ કહ્યું હતું કે બધા અમલદારો અને રાજકારણીઓ ભ્રષ્ટ અને અપ્રામાણિક છે એ માન્યતા ભૂલભરેલી છે.

મજબૂત લોકપાલ માટે મુંબઈમાં ત્રણ દિવસના ઉપવાસ કરી રહેલા અણ્ણા હઝારેના સંદર્ભમાં વાત કરતાં મનમોહન સિંહે કહ્યું હતું કે ‘આ બિલ પસાર કરવાનો મુદ્દો અત્યંત ગંભીર છે. આ કામને એને કરવાનો જેને બંધારણીય હક મળેલો છે તેવા તમામ સંસદસભ્યો દ્વારા સંયુક્તપણે ન્યાય આપવામાં આવશે. બીજા લોકો પોતાનું મંતવ્ય રજૂ કરી શકે છે, પણ અંતિમ નિર્ણય તો અમારે જ લેવાનો છે.

સીબીઆઇના મુદ્દે પોતાનો મુદ્દો રજૂ કરતી વખતે વડા પ્રધાને કહ્યું હતું કે હું માનું છું કે સીબીઆઇએ લોકપાલથી સ્વતંત્ર રહીને કામ કરવું જોઈએ. હું એમ પણ માનું છું કે સીબીઆઇની સ્વતંત્રતા પર સરકારનો પણ કોઈ હસ્તક્ષેપ ન હોવો જોઈએ. જોકે સ્વતંત્રતાનો મતલબ એવો નથી કે એની કોઈ જવાબદારી નથી. આને કારણે જ સીબીઆઇના ડિરેક્ટરના નિમણૂકની પ્રસ્તાવિત પ્રક્રિયામાં વડા પ્રધાન, ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા અથવા તો તેમણે નામાંકિત કરેલી કોઈ વ્યક્તિ અને લોકસભાના વિરોધપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પ્રક્રિયાની અખંડિતતા વિશે કોઈને શંકા ન હોવી જોઈએ. જ્યાં સુધી લોકપાલના નેજા હેઠળ સીબીઆઇના કામ કરવાનો મુદ્દાનો સવાલ છે ત્યાં સુધી સરકાર માને છે કે આને કારણે સંસદની બહાર એક એક્ઝિક્યુટિવ સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે જેનું કોઈ તરફ કોઈ પ્રકારનું ઉત્તરદાયિત્વ નહીં હોય.

અમલદારશાહી વિશે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં મનમોહન સિંહે કહ્યું હતું કે બ્યુરોક્રસી રિસીવિંગ એન્ડ પર પહોંચી ગઈ છે અને બધા અમલદારો અને રાજકારણીઓને ભ્રષ્ટ ગણવાની નીતિ ભૂલભરેલી છે. લોકપાલ બિલની સમગ્ર ચર્ચામાં અમલદારશાહીને બહુ ખરાબ ચીતરવામાં આવી છે. હું નથી માનતો કે બધી સરકારી સંસ્થાઓને એક લાકડીએ હાંકવી જોઈએ અને બધા રાજકારણીઓને સમાન નજરે જોઈને ભ્રષ્ટ ગણવા જોઈએ. એક રાષ્ટ્રના સંગઠનમાં કેટલીક ખાસ ક્ષણો બહુ મહત્વની હોય છે. લોકપાલ અને લોકાયુક્તની ચર્ચામાં સંસદમાં જે સંયુક્ત સમજદારીનો ચમકારો દેખાયો છે એનો સમાવેશ આવી જ ક્ષણોમાં કરી શકાય.

લોકપાલ બિલ વિશે વધુ વિગતથી વાત કરતાં મનમોહન સિંહે કહ્યું હતું કે ‘આ બિલના બહોળા પાસાની જાહેરમાં અને રાજકીય પક્ષો દ્વારા વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. મારો પ્રામાણિક અભિપ્રાય છે કે સંસદમાં જે બિલ રજૂ કરવામાં આવ્યું છે એ દેશના નાગરિકોને સંસદસભ્યોએ સંયુક્તપણે જે વાયદો કર્યો હતો એને યોગ્ય રીતે પૂરો કરે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2011 03:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK