લાઇફ કા ફન્ડા

Published: 26th December, 2011 07:08 IST

ફિલ્મી ગાયકોમાં સ્વ. મુકેશનું નામ આજે પણ ટોચ પર છે. તેમના કંઠની દુર્લભ મીઠાશ લોકો હજી લગીરે ભૂલી શક્યા નથી. તેમના કંઠને સાંભળવા માટે જે ફિલ્મમાં મુકેશજીએ કંઠ આપ્યો હોય એ ફિલ્મ જોવા લોકોનાં ટોળાં ઊભરાતાં. તેમનાં ગીતોની રેકૉર્ડોનું વેચાણ પણ ઘણું મોટું રહેતું.


ગાયકની માનવતા


ફિલ્મી જગતમાં મુકેશના કંઠે જબરો જાદુ જમાવ્યો હતો. લોકો તેમને ભરપૂર પ્રેમ કરતા હતા અને મુકેશજી જ્યારે લોકપ્રિયતાના શિખર પર બિરાજતા હતા ત્યારે પણ ખૂબ જ નમþ હતા. તેઓ જેટલા મહાન ગાયક હતા એટલા જ માનવતાસભર માણસ હતા.

કોઈ પણ સંજોગોમાં અભિમાન કરી પોતાની માનવતાની મૂડી તેમણે ગુમાવી નહોતી.

તેમણે ઘણી વાર વાતચીતમાં કહ્યું હતું, ‘હું પ્રથમ માણસ છું. પછી કલાકાર અને પછી સફળ ગાયક.’

એક વાર મુંબઈની હૉસ્પિટલમાં અપંગ બાળકીને દાખલ કરવામાં આવી હતી. એ બાલિકાએ એવી રઢ લીધી કે ‘ગાયક મુકેશ મારી પાસે આવીને મને ગીત સંભળાવે.’

તેનાં માતા-પિતા અને સંબંધીઓએ કહ્યું, ‘ગાંડી થામા! આટલા મોટા ગાયક કંઈ તારી પાસે આવીને તને ગીત સંભળાવે એવું વળી બની શકે ખરું!’પણ બાળકીએ જીદ ન છોડી. તેની આ રઢ હૉસ્પિટલના એક અધિકારીને કાને આવી. તેમણે મુકેશજીને આ વાત કહેવાનો વિચાર કર્યો. જોકે તેમના મનમાં શંકા હતી જ કે મુકેશ અહીં આવશે ખરા?

છતાં તેઓ મુકેશજી પાસે પહોંચ્યા અને કહ્યું, ‘હૉસ્પિટલમાં એક અપંગ બાલિકા આપનો કંઠ સાંભળવા માગે છે! અમે તેને ઘણી સમજાવી કે મુકેશજી કંઈ તને ગીત સંભળાવવા અહીં સુધી લાંબા ન થાય, પણ અબુધ બાલિકા પોતાની જીદ છોડતી નથી.’

મુકેશે કહ્યું, ‘જઈને તેને જાણ કરો કે આજે રાતે જ હું ત્યાં આવીશ અને તેને ગીતો સંભળાવીશ.’ અને એ રાતના મુકેશજી એ હૉસ્પિટલમાં ગયા અને પેલી અપંગ બાલિકા પાસે બેસીને મોડી રાત સુધી થાક્યા વિના કંટાળ્યા વિના એક પછી એક ગીતો ગાયાં. બાલિકા સૂઈ ગઈ પછી તેઓ ગયા.

બીજે દિવસે કોઈએ મુકેશજીને પૂછ્યું, ‘આપે કાલે એક અપંગ બાલિકાને ગીતો ગાઈ સંભળાવ્યાં એ શું સાચું છે?’

મુકેશજીએ કહ્યું, ‘હા, મારાં ગીતો સાંભળી એ બાળકીના મુખ પર જે અનેરો આનંદ ઊપજ્યો હતો અને એનાથી જે આનંદ મને મળ્યો એવો ક્યારેય મળ્યો નથી.’

- હેતા ભૂષણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK