ભક્તિને સાચા સ્વરૂપ તરફ લઈ જઈ રહ્યું છે લૉકડાઉન

Published: Jul 26, 2020, 08:52 IST | Kana Bantwa | Mumbai

મંદિર, ક્રિયાકર્મ આદિ તો ભક્તિના માર્ગે આગળ વધારતાં અને ભક્તિને મજબૂત બનવતાં સાધનો માત્ર છે, એ જ ભક્તિ નથી એ હવે શ્રદ્ધાળુઓને ઘરમાં ભક્તિ કરતાં-કરતાં સમજાવા માંડ્યું છે

ભક્તિનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. કદાચ, વધુ સાચા રૂપ તરફ ગતિ થઈ રહી છે. લૉકડાઉનને લીધે ભક્તો અને મંદિરો વચ્ચેનું અંતર વધી ગયું છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં ભક્તિનાં ઘોડાપૂર આવતાં હોય છે. આ વખતે લૉકડાઉને એને તાળાબંધી કરી દીધી છે. શ્રદ્ધાળુઓ ઘરે રહીને જ ઈશ્વરની પૂજા-અર્ચના કરી રહ્યા છે. ભાવિકો થોડા નિરાશ છે ખરા, પણ તેમની શ્રદ્ધાએ માર્ગ શોધી લીધો છે. ભારતમાં આસ્થાળુઓનો મોટો વર્ગ આંધળો છે. તેમને માટે ઈશ્વરની ભક્તિ એટલે પૂજા-પાઠ, ક્રિયાકાંડ, વિધિ-વિધાન, હોમ-હવન, આરતી-પ્રદક્ષિણા, દર્શન-અર્ચન જ છે. તેમને માટે ક્રિયાઓ જ ભક્તિ બની ગઈ છે. મંદિરમાં ફૂલ ચડાવી આવ્યા એટલે આજના દિવસની ભક્તિ પૂરી. પાણીનો લોટો ચડાવી દીધો એટલે રોજિંદો ક્વૉટા પૂરો. બેધ્યાનપણે પાંચ શ્લોક, એક આરતી અને બે ભજન કે કીર્તન ગાઈ લીધાં એટલે ભગવાનને સમજાવી દીધા. આવા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ખોટી નથી, ગેરમાર્ગે છે. વાંક તેમનો નથી. તેમને સંસ્કાર જ એવા મળ્યા છે. બાળપણથી તેમને પૂજા કે ભક્તિના મૂળ પદારથને સમજાવવાને બદલે ક્રિયાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સ્તુતિનો ભાવ સમજવા કે એ સમયે ભાવવિભોર થઈ જવાનું શીખવવાને બદલે શ્લોક ગોખી લેવાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. બાળપણ વીત્યા પછી તેને ધર્મનો પરિચય કરાવનાર પંડિતો, પૂજારીઓ, ધર્મગુરુઓ, બાબાઓ-સાધુઓ વગેરેમાંથી બહુ ઓછા એવા મળે છે જેઓ પરમ તત્ત્વની પિછાણ કરાવવા માટે સમર્થ હોય. જેઓ પોતે પરાત્પર બ્રહ્મને સમજતા હોય, જે ભક્તિને સમજતા હોય, જેને સાંખ્યની સમજ હોય, જેને ભક્તિની સમજ હોય એવા માર્ગદર્શક મળતા નથી. જે મળે છે તેઓ ક્રિયાઓ તરફ જ વાળે છે. પૂજન-અર્ચન, કીર્તન, હોમ-હવન વગેરે ક્રિયાઓ વ્યર્થ નથી, પણ માત્ર એ જ ભક્તિ નથી. ભક્તિ માટે સૌપ્રથમ જરૂરિયાત ઈશ્વરના શરણે જવાની છે. ભક્ત આર્દ સ્વરે પોકારે છે ઈશ્વરને. જ્ઞાની ઈશ્વરને વિચારે છે, ભક્ત પોતાની જાતને સમર્પિત કરી દે છે. તે પોતાના અસ્તિત્વને ઓગાળી દે છે. જે ભક્તો અગાઉ દર્શાવ્યા તેમનામાં આ સમર્પણનો ભાવ એટલો હોતો નથી. મોટા ભાગના શ્રદ્ધાળુઓ કશુંક મેળવવા માટે ભક્તિ કરતા હોય છે. ભક્તિનાં મુખ્ય બે લક્ષણ છે, સ્મરણ અને સમર્પણ. સતત ઈશ્વરનું સ્મરણ રાખવું. ઈશ્વરનું સ્મરણ અંતે તો સ્વનું જ સ્મરણ છે. ભક્તિના ૯ પ્રકાર પાડવામાં આવ્યા છે એટલે એને નવધા ભક્તિ કહી છે, દયારામે પ્રેમલક્ષણા ભક્તિ તરીકે દસમો પ્રકાર ઉમેર્યો છે. ૯ પ્રકારની ભક્તિ શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન ગણવામાં આવી છે. વિવિધ પંડિતોએ ભક્તિના પ્રકાર પોતાની સમજ મુજબ આપ્યા છે એટલે ૮૨ પ્રકારની ભક્તિ સુધીના આંકડા મળે છે. કોઈ ભક્તિને સત્ત્વ, રજસ, તમસના ત્રણ ગુણ પ્રમાણે વિભક્ત કરે છે, કોઈ એને ભાવ પ્રમાણે વિભાજિત કરે છે. કોઈ સગુણ-નિર્ગુણ પ્રમાણે ભેદ પાડે છે, પણ એક વાતે બધા સહમત છે કે ભક્તિ હૃદયપ્રધાન છે, બુદ્ધિપ્રધાન નથી. સાંખ્ય બુદ્ધિપ્રધાન છે. સાંખ્યનો અર્થ જ થાય છે સંખ્યા આધારિત, ગણિત આધારિત. શ્રીમદ્ ભગવદ્ગીતામાં સાંખ્ય અને ભક્તિ બન્ને છે. તેમણે સાંખ્ય અને કર્મયોગ એવા બે ભાગ પાડ્યા છે છતાં એવું કહ્યું છે કે સાંખ્ય અને કર્મયોગને અલગ-અલગ માનનાર બાળકબુદ્ધિ છે. સાંખ્યયોગૌ પૃથગ્બાલા. શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં ભક્ત અને ભક્તિની વિશદ વ્યાખ્યા કરી છે. ગીતાનો આખો બારમો અધ્યાય ભક્તિયોગનો છે. બારમા અધ્યાયમાં જે સ્પષ્ટતા સાથે ભક્તિને સમજાવાઈ છે એટલી અન્યત્ર ક્યાંય મળતી નથી. બારમા અધ્યાયના છેલ્લા ૬ શ્લોકમાં ભક્તનાં લક્ષણો વર્ણવીને શ્રીકૃષ્ણ કહે છે, યો મદ્ભક્ત સ મે પ્રિય: આવો મારો ભક્ત મને પ્રિય છે. ગીતાએ પ્રબોધેલો ભક્ત સતત ઈશ્વરમય હોય છે. એક અદ્ભુત શબ્દ ગીતામાં વપરાયો છે, યુક્ત. બારમા અધ્યાયની શરૂઆત જ એનાથી થાય છે, એવં સતતયુક્તા... યુક્ત અર્થાત્ જોડાયેલો. જે ઈશ્વર સાથે જોડાઈ ગયો છે તે. જે ઈશ્વરથી હવે અલગ થઈ શકે એમ નથી તે. જેનો હંમેશનો અનુબંધ પરમાત્મા સાથે થઈ ચૂક્યો છે તે. આવો ભક્ત ક્ષણભર પણ પ્રભુથી દૂર હોતો નથી. નારદ કે શાંડિલ્ય જેવા મનિષીઓએ ભક્તિનું શાસ્ત્ર સમજાવ્યું છે. ભક્તિસૂત્ર અને ભક્તિમીમાંસાએ આજની ભક્તિનું સ્વરૂપ ઘડ્યું છે.

  આજની ભક્તિ થોડી વધુ ભૌતિક બની ગઈ છે. વધુ કર્મકાંડી બની ગઈ છે. એમાં ક્રિયાનું મહત્ત્વ વધી ગયું છે. ભક્તિ માટે મંદિર જવું, અભિષેક કરવો, પ્રદક્ષિણા કરવી, ષોડ્‍ષોપચાર પૂજા કરવી વગેરે ક્રિયાઓ અનિવાર્ય બની ગઈ છે. વાસ્તવમાં ભક્તિ માટે આ બધાની જરૂર નથી. આ તો મનને ભક્તિમાં પરોવવા માટેનાં સાધનો છે. એ સાધનોથી ભક્તિ મજબૂત બને છે, સાર્થક બને છે. પણ સમસ્યા એ છે કે સાધનોને સાધ્ય ગણી લેવામાં આવ્યાં છે. ભક્તો એવું માનતા થઈ ગયા છે કે ભક્તિ માટે મંદિર જવું જ પડે, પૂજા કરવી જ પડે. એવું માનતા થઈ ગયા છે કે મંદિર જાઓ એટલે ભક્તિ પૂરી. સવારે મંદિરમાં દર્શન કરી આવો પછી કશું કરવાપણું રહેતું નથી. લૉકડાઉને આ માન્યતાને તોડવાનું સારું કામ કર્યું છે. હવે ઘરમંદિરમાં સ્થપાયેલા ભગવાનની પૂજા કરીને સંતોષ માનવો પડે છે ત્યારે એવું આશ્વાસન લેવામાં આવે છે કે ભગવાન તો આ ઘરની મૂર્તિમાં કે શિવલિંગમાં કે તસવીરમાં પણ છે જને? આ આશ્વાસન ધીમે-ધીમે માન્યતામાં પલટાતું જશે, સમજમાં પરિવર્તિત થતું જશે. લોકોને એ બાબત ગળે ઊતરતી જશે કે ક્રિયાકર્મ કે મંદિર જેવી ચીજો ભક્તિના સાધનમાત્ર છે. એના વિકલ્પ હોઈ શકે. મંદિરો કે ધાર્મિક સ્થળો કે વિધિઓ હોય તો સારું. લોકો આસાનીથી ભક્તિમાં આગળ વધી શકે એ માટે આ ઉપાયો જરૂરી પણ છે. એનું મહત્ત્વ જ નથી એવું કહી શકાય નહીં, પણ એ અનિવાર્ય નથી. એના વગર ભક્તિ થઈ જ ન શકે એવું નથી. ઈશ્વરને પૂજવા માટે માત્ર શુદ્ધ હૃદય અને ફૂલની પાંખડીની જ જરૂર છે. ફૂલની પાંખડી કે પાણીનો કળશ પણ અનિવાર્ય તો નથી જ. શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે, પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયં યો મદ્ભક્ત પ્રયચ્છતિ... તદહમ્ ભક્તિ ઉપહૃતમ અશ્નાની પ્રયતાત્મન: શુદ્ધ અંત:કરણવાળો ભક્ત મને માત્ર પાંદડાં, ફૂલ, ફળ અને પાણી પણ અર્પણ કરે તો ભક્તિ સાથે અર્પિત થયેલી આ વસ્તુઓનો હું સ્વીકાર કરું છું. કૃષ્ણનું કહેવું છે કે ભક્તિ માટે કોઈ વિશેષ વસ્તુઓની આવશ્યકતા નથી. કૃષ્ણએ તેમના સમયમાં વધી પડેલા ક્રિયાકાંડનો વિરોધ કર્યો હતો અને એ બધું બંધ કરાવી ફરીથી ધર્મની સંસ્થાપના કરાવી હતી. એ સમય એવો હતો જ્યારે વેદ અને ઉપનિષદના જ્ઞાનના પ્રભાવમાં સંન્યાસનું મહત્ત્વ વધ્યા પછી સંન્યાસના નામે અકર્મણ્યનો પ્રભાવ વધી ગયો હતો. ધર્મના મૂળ વિચારને નહીં, ક્રિયાકાંડને જ મહત્ત્વ અપાતું હતું. કૃષ્ણએ ઇન્દ્રયાગ બંધ કરાવવાથી સાફસફાઈની શરૂઆત કરી હતી. ગીતામાં તો કૃષ્ણએ વેદવાદરતા કરીને પંડિતાઈની ઠેકડી ઉડાડી છે. યજ્ઞોને કૃષ્ણએ સ્વીકાર્યા છે, પણ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ તો જ્ઞાનયજ્ઞને જ ગણ્યો છે.

  સામાન્ય માનવી પોતાના ઘરમાં રહીને ઈશ્વરને ભજી રહ્યો છે ત્યારે કદાચ તે પરમાત્માની વધુ નજીક છે. બહાર કોઈ જુએ છે, કોઈને દેખાડવું છે, પગથિયા પાસે ઉતારેલાં ચંપલ સલામત હશે કે નહીં એવા કેટલાય વિચારો મનમાં ચાલતા હોય. ઘરમાં નિરાંત. માત્ર ઈશ્વરના જ વિચાર કરવા હોય તો એ માટેની પૂરતી મોકળાશ. તમે અને ઈશ્વર એકલા જ. વચ્ચે કોઈ નહીં. કોઈ પણ ધર્મ હોય, પરમાત્મા ક્યારેય નથી કહેતા કે ભક્તિમાં આટલી વસ્તુઓ તો જોઈશે જ, આવડા મોટા મંદિરમાં પૂજા થશે તો જ પ્રસન્ન થઈશ, વિધિઓ અને હોમ-હવન કરશો તો જ તૃઠમાન થઈશ. વાસ્તવમાં પૂજા, સામગ્રી, ચીજો, ક્રિયાઓ ઈશ્વર માટે નહીં, ભક્તને ભક્તિ માટે તૈયાર કરવા માટે જ હોય છે. એ કશું ન હોય તો પણ ભક્તિ તો સંભવે જ છે. પ્રહ્‍લાદ પાસે શું હતું? માત્ર વિષ્ણુનું નામ. હરિનામ કીર્તન સિવાય કોઈ સામગ્રી ઉપલબ્ધ નહોતી. જેલમાં નરસૈંયા પાસે શું હતું? માત્ર કીર્તન જ. કેદાર રાગ પણ ગીરવી પડ્યો હતો. જેટલાં અવલંબનો ઓછાં એટલી ભક્તિની શુદ્ધતા વધુ. આમ પણ ભક્તિ પરિપક્વ થતી જાય તેમ તેમ અવલંબનો ઓછાં થતાં જાય. અંતે તો સાચો ભક્ત તમામ અવલંબન છોડી જ દે છે. મજાની વાત તો એ છે કે અંતે તો સાંખ્ય અને ભક્તિ બન્ને એક થઈ જાય છે. દ્વૈત અને અદ્વૈતના ભેદ પણ રહેતા નથી. સાચો સાંખ્ય યોગી જ્યારે પરમને પામવાની નજીક પહોંચે છે ત્યારે તે ભક્ત બની જાય છે અને સાચો ભક્ત જ્યારે પરમને જાણી જાય છે ત્યારે તે જ્ઞાની, સાંખ્ય બની જાય છે. ઈશ્વર પાસે સાંખ્ય અને ભક્તિ અલગ નથી. શ્રાવણ મહિનામાં ભક્તિ કરી ત્યારે યાદ રાખજો કે આ અદ્ભુત સમય, અનેરો મોકો કોરોનાકાળમાં મળ્યો છે, વિભાવનાઓ સ્પષ્ટ કરવાનો, શુદ્ધિનો, પરબ્રહ્મને એના સાચા સ્વરૂપમાં સમજવાનો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK