બોલવામાં પણ કઠિન લાગે એવાં નામની રેસિપીનાં એક્સપર્ટ છે આ બહેન

Updated: May 19, 2020, 18:20 IST | Darshini Vashi | Mumbai

બોરીવલીમાં રહેતાં મેહા દોશી લૉકડાઉનમાં રોજ કંઈક ને કંઈક નવું બનાવતાં રહે છે

ઇટાલિયન ડિશ રાવિઓલી પાસ્તા વિથ રેડ સૉસની ન્યુટ્રિશનથી ભરપૂર અને ઇન્ડિયન ટચ ધરાવતી રેસિપી.
ઇટાલિયન ડિશ રાવિઓલી પાસ્તા વિથ રેડ સૉસની ન્યુટ્રિશનથી ભરપૂર અને ઇન્ડિયન ટચ ધરાવતી રેસિપી.

લૉકડાઉનમાં બાળકોની રોજ કંઈક ને કંઈક નવું ખાવાની ડિમાન્ડ રહેતી હોય છે. એમાં પણ જો બાળકો બધું ન ખાતાં હોય તો માતાઓની મહેનત વધી જાય છે. આવી જ કોઈ કહાણી બોરીવલીમાં રહેતાં મેહા દોશીની પણ છે. ઇન્ટીરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરનારાં અને હાલમાં હોમ-મેકર મેહા દોશી કહે છે, ‘લગ્ન અને બાળકો બાદ મારું સમગ્ર ધ્યાન તેમના પર જ છે પરંતુ સાથે-સાથે હું ચૉકલેટ મેકિંગથી લઈને ડ્રૉઇંગ કલાસ અને સ્કૂલ પ્રોજેકટ મેકિંગ સુધીનાં કામ પણ ફ્રી ટાઇમમાં કરતી રહું છું. મારાં બાળકોને ટેસ્ટી અને કંઈક નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે હું યુટ્યુબ, બુક, ન્યુઝપેપર અને સોશ્યલ મીડિયા પરથી નવી-નવી આઇટમો શોધીને અને એમાં કેટલાક ફેરફાર કરીને એ બનાવતી રહું છું. બીજું એ કે મારાં બાળકોને વેજિટેબલ વધુ ભાવતાં નથી જેમ કે પુલાવમાં ગાજરના ટુકડા દેખાય તો તેઓ એને અડતાં નથી, પરંતુ વેજિટેબલ તો શરીર માટે ખૂબ જરૂરી છે એટલે હું એની મોટે ભાગે ગ્રેવી જ કરી નાખું છું. હાલની વાત કરું તો મેં ઇટાલિયન ડિશ રાવિઓલી પાસ્તા બનાવ્યા હતા. જોકે બાળકોને ન્યુટ્રિશન મળી રહે તેમ જ લૉકડાઉનમાં બધી ચીજ ઉપલબ્ધ નહીં થઈ શકે એટલે મેં ઘઉંના લોટના પાસ્તા બનાવ્યા હતા અને ગ્રેવીમાં નામ પૂરતું ચીઝ યુઝ કર્યું હતું અને ભરપૂર વેજિટેબલ્સ વાપર્યાં હતાં.’
તો ચાલો જાણીએ તેમની પાસેથી ઇટાલિયન ડિશ રાવિઓલી પાસ્તા વિથ રેડ સૉસની ન્યુટ્રિશનથી ભરપૂર અને ઇન્ડિયન ટચ ધરાવતી રેસિપી.

રાવિઓલી પાસ્તા
સામગ્રી :
પાસ્તા માટે : અડધો કપ ઘઉંનો લોટ, એક ચમચી તેલ, મીઠું અને જરૂર મુજબ પાણી
પાસ્તામાં ભરવાનો મસાલો : એક કપ પાલક, પા કપ પનીર, એક ચમચી લસણની પેસ્ટ, એક ચમચી તેલ, ચપટી મરી પાઉડર, સ્વાદ મુજબ ઑરેગાનો અને મીઠું
રેડ ગ્રેવી માટે ઃ 3 મધ્યમ કદનાં સમારેલાં ટમેટાં, એક સમારેલો કાંદો, ચાર-પાંચ કળી લસણ, ચપટી મિક્સ હર્બ, ચપટી ચિલી ફ્લેક્સ, એક ચમચી તેલ અને સ્વાદમુજબ મીઠું
રીત : પાસ્તા માટેની તમામ સામગ્રીને મિક્સ કરીને કડક લોટ બાંધવો અને એને અડધો કલાક માટે ઢાંકીને સાઇડ પર મૂકી રાખવો.
રીત : એક પૅનમાં માપ મુજબ તેલ લઈને એની અંદર લસણ, પાલક નાખીને સાંતળો. પછી એમાં પનીર સહિતની બધી સામગ્રી મિક્સ કરી દો. બરાબર કુક થઈ જાય એટલે ગૅસ બંધ કરી દો. યાદ રહે, અંદર પાણી રહેવું ન જોઈએ. આ મિશ્રણને ઠંડું થવા દો.
હવે એક પૅનની અંદર એક ટેબલસ્પૂન તેલ નાખી એમાં પહેલાં લસણ અને પછી કાંદા નાખીને સાંતળો. પછી એમાં ટમેટાના ટુકડા નાખી એને સાંતળો. છેલ્લે એમાં બાકીનો મસાલો નાખીને મિક્સ કરી દો. આ મિશ્રણ ઠંડું પડે એટલે એને મિક્સરમાં ક્રશ કરી દો. એની અંદર તમે થોડો વાઇટ સૉસ ઍડ કરી દો એટલે રેડ સૉસ તૈયાર. હવે પાસ્તા માટે બાંધેલા લોટમાંથી એક રોટલી જેટલો લૂઓ લેવો. એને રોટલીની જેમ વણો. હવે એના સક્કરપારાની સાઇઝ કરતાં થોડી મોટી સાઇઝના ટુકડા કરો. એક ટુકડાને હાથમાં લો. એમાં પાસ્તાનો બનાવેલો મસાલો મૂકો અને બીજા ટુકડાથી એને બધી બાજુએથી બંધ કરી દો. આમ બધા પાસ્તા રેડી કરો. હવે એક તપેલામાં પાણી ઉકાળો. પાણી ઊકળે એટલે આ પાસ્તા એમાં નાખી દો. બેથી ત્રણ મિનિટની અંદર પાસ્તા તૈયાર થઈ જશે. હવે એને પ્લેટમાં કાઢો અને એના પર ગરમાગરમ રેડ સૉસ નાખો. લો, તૈયાર થઈ ગયા તમારા ન્યુટ્રિશનથી ભરપૂર રાવિઓલી પાસ્તા વિથ રેડ સૉસ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK